રાજા અને રાજહંસ

આજે ભાદરવા વદ ત્રીજ [ત્રીજનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:-ભક્તિમંદિરમાં દાખલ થશો એટલે ત્યાંનાં સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાની શક્તિ તમારામાં આવશે. ——– વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- દિવેલને આયુર્વેદમાં ગર્ભાશયની શુદ્ધિ કરનારું કહ્યું છે અને પુરુષોના શુક્રમાં રહેલા દોષોને દૂર કરનારું કહ્યું છે તેથી દિવેલનું નિયમિત સેવન સ્ત્રી અને પુરુષ બંને માટે લાભદાયક છે.

                                     રાજા અને રાજહંસ

 

એક રાજા હતો..

તેને કમળનો ખૂબ શોખ હતો.

તેને પોતાને માટે એક સુંદર મહેલ બનાવડાવ્યો. તેમાં એક સુંદર કમળોથી ભરપૂર સરોવર બનાવડાવ્યું.
એના આ સરોવરનું નામ તેણે ‘કમળ સરોવર’ રાખ્યું. આ સરોવરમાં સોનેરી રાજહંસ રહેતાં તેથી આ ‘કમળ સરોવર’ની શોભા ખૂબ વધી જતી હતી.

આ સોનેરી રાજહંસો વર્ષમાં બે વખત પોતાનાં સોનાનાં પીછાં ખેરવતાં. આમ એક હંસ દર છ મહિને પોતાનું એક સોનાનું પીછું રાજાને આપતો. તેથી રાજાને આ રાજહંસ ખૂબ ગમતાં.

એક દિવસ રાજા સરોવરની શોભા જોતો પાળ પર બેઠો હતો, તેવામાં એક નવી જાતનું સુવર્ણપંખી આકાશમાં ઊડતું ઊડતું આવ્યું. જાણે આખું સોનાનું હોય તેવું ચળકતું હતું.

સુવર્ણપંખી તરસ લાગી હોવાથી તે સરોવરની ઉપર ઘણા ચક્કર મારવા માંડ્યુ. પરંતુ સરોવરમાં રાજહંસને તરતાં હોવાથી તેને થયું કે અહીં પાણી પીવા ન ઉતરાય.

 

આ સુવર્ણપંખીને જોતાં રાજાને નવાઈ લાગી. તેને વિચાર્યું કે આ રાજહંસને જોઈ જ આ સુવર્ણપંખી નીચે પાણી પીવા ઉતરતુ નથી. જો હું આ રાજહંસોને ભગાડી મૂકું તો આ સુવર્ણપંખી નીચે ઉતરે અને આ સરોવરમાં વસવાટ કરે. પછી ધીમે ધીમે તેનો વંશવેલો આગળ વધે તો આખું સરોવર સુવર્ણપંખીઓથી ભરાઈ જાય.

છ છ મહિને એક એક પીંછુ લેવું તેના કરતાં રાજહંસોને કાઢી મૂકી, અહીં સુવર્ણપંખીઓએ અહીં રહેવા દેવા જોઈએ. હંસોનું છ મહિને એક પીછું સોનાનુ6 બને છે અને આતો આખું પંખી જ સોનાનું.! વાહ ભૈ વાહ !

રાજાએ લોભને વશ થઈ સરોવરનાં બધા રાજહંસોને કાઢી મૂક્યાં

હંસોને દુઃખ થયું કે રાજાએ અમને વગર વાંકે કાઢી મૂક્યાં. બિચારા કાંઈ કરી શકે તેમ ન હતાં
રાજાની કલ્પના સાચી પડી. જેવા રાજહંસ સરોવરમાંથી જતાં રહ્યાં તેવું જ સુવર્ણપંખી તળાવમાં ઊતરી કમળ પર ઊડાઊડ કરવા લાગ્યું

એક દિવસ થયો એટલે સુવર્ણપંખીનાં એક-બે પીંછા ખરી પડ્યાં. રાજાએ તરત જ દોડતાં જઈને તે પીંછા ઉપાડી લીધાં તેણે જોયું તો પીંછા સોનાના ન હતાં પરંતુ સોનેરી રંગનાં હતાં જે દૂરથી ચમકતાં હતાં.

આથી રાજાને પસ્તાવો થયો કે લોભમાં સોનાનાં પીંછા આપતાં રાજહંસોને કાઢી મૂક્યાં અને દૂરથી ચમકતાં ખોટા સોનેરી પીંછાવાળા સુવર્ણપંખીને આવકાર આપ્યો.

                                                                                    સૌજન્ય:- રીડીફ . કોમ

                                 ૐ નમઃ શિવાય

ઝંબર ઝંબર વરસે

                આજે ભાદરવા વદ બીજ [બીજનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- પાણી અને વાણીને હંમેશા ગાળીને વાપરો.

હેલ્થ ટીપ્સ:- દિવેલનું નિયમિત સેવન કાંતિ, સ્મૃતિ અને શક્તિ વધારે છે.

સાખી

પ્રભુ તારી દયાનો જો મેઘ વરસે
તો પાપી પાવન થાય
પાંગળા પર્વત વટાવે
અને મુંગા ગીતડાં ગાય

ભજન

તમે મન મૂકીને વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં
તમે મૂશળધારે વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં

હજાર હાથે તમે દીધું પણ
ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો
તો પણ અમે અજ્ઞાની
તમે અમૃતરૂપે વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં
— તમે મન મૂકીને

સ્નેહની ગંગા તમે વહાવી,
જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતી તમે જલાવી
આતમ ઉજ્જ્વળ કરવા
તમે સૂરજ થઈને ચમક્યાં
અમે જનમ જનમ્નાં તરસ્યાં
— તમે મન મૂકીને

શબ્દે શબ્દે શાતા આપે,
એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને
અમે કદી ના પિછાણી
તમે મહેરામણ થઈ ઊમટ્યાં,
અમે કાંઠે આવી અટક્યાં
— તમે મન મૂકીને

——– શ્રી શાંતીલાલ શાહ

ઝંબર ઝંબર વરસે ઝંબર
ધરતી ને અંબર વણઝારા
લીલુ લીલુ થયું રસિલુ
ધરતી કેરું ઘર વણઝારા
ઓરે ઓરે ઓરે વણઝારા

કાલે સિધાવ્યો આજે આયો,
આયો એવો મનને ભાયો
તારા ઘુઘરનાં રણકે રણકારા
ઓરે ઓરે ઓરે વણઝારા

તરસી ધારાનું ખાલી ખપ્પર,
ભરતો વરસી છપ્પર છપ્પર
તારે આંખે વીજનાં અણસારા
ઓરે ઓરે ઓરે વણઝારા

——–શ્રી અવિનાશ વ્યાસ

                                                          ૐ નમઃ શિવાય

જાણવા જેવા સત્ય

આજે ભાદરવા સુદ પૂનમ [શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- ‘હું’ ક્યાંય નથી. એક અંગને વિભિન્ન કરીને વિચારતાં અંગો સમાપ્ત થઈ જાય છે અને શૂન્ય કેવળ રહી જાય છે. – ઓશોવાણી

હેલ્થ ટીપ્સ:- દાઝ્યા પર કાચા બટાટાનો પલ્પ લગાડવાથી ફોલ્લા નહીં પડે.

                                    જાણવા જેવાં સત્ય

•  કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો.

• બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર સુધી સંભળાય છે.

• લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.

• ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે. આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય.

• એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે.

• ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં 14 એક સરખા પીંછા લાગેલા હોવા જોઈએ.

• મધ ક્યારેય ખરાબ થતું નથી.

• કાગળનો એક ટુકડો 7થી વધારે વખત વાળી શકાતો નથી.

• નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ એકસરખો મીઠો લાગે છે.

• અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A અક્ષર આવતો નથી.

• કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે.

• ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે.

• હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.

• શ્રી પુ.લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર અને લેખક હતા.

• 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ તરીકે ઉજવાય છે.

                                           ૐ નમઃ શિવાય

ગણેશ વિસર્જન

           આજે ભાદરવા સુદ ચૌદસ [અનંત ચતુર્દશી] [આનંદ ચૌદસ]

આજનો સુવિચાર:- સ્વર્ગનાં સંબંધોને ધરતી પર સાચવવા અઘરા છે.

હેલ્થ ટીપ્સ– જમ્યા બાદ ઋતુ અનુસાર ફળ ખાશો તો જમ્યા બાદ ગળ્યુ ખાવાની આદત છૂટી જશે.

                                  ગણપતિ વિસર્જન

     આખા બ્રહ્માંડમાં શિવજીનો એકલો એક જ પરિવાર એવો છે જેનાં દરેક સભ્યનું પૂજન થાય છે. આખો શ્રાવણ મહિનો શિવજીનું પૂજન થાય છે. ભાદરવા ચોથથી અનંત ચતુર્થી સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ જેમાં દસ દિવસ સુધી ગણેશ પૂજન થાય છે. ત્યાર બાદ નવરાત્રીમાં નવ દિવસ શક્તિ પૂજન થાય છે.

     મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ લોકમાન્ય ટિળકે પ્રચલિત કર્યો. ત્યારથી આજ સુધી આ ઉત્સવ ઉત્તરોત્તર વધતો જાય છે. ગણેશજીની ચતુર્થીને દિવસે ભક્તો વાજતે ગાજતે ઘરમાં પધરાવે છે. ભાવભીનું સ્વાગત કરી પ્રેમપૂર્વક તેમનું પૂજન કરે છે. ઘણા ગણેશજીને 11/2 દિવસે પધરાવે છે તો ઘણા 5 દિવસે તો ઘણા 7 દિવસે પધરાવતા હોય છે. મોટેભાગે લોકો 10મે દિવસે ગણેશજીને પધરાવતાં હોય છે. અનંત ચતુર્થીને દિવસે માનવ મહેરામણ ઊભરાતો જોવા મળે છે. હવે આ તહેવાર મહારષ્ટ્ર અને ગુજરાત પૂરતો નથી રહ્યો પણ ભારતનાં લગભગ દરેક રાજ્યમાં આ તહેવાર ઉજવાય છે.

      મુંબઈના સૌથી લાડલા ‘લાલબાગના રાજા’ છે. કહેવાય છે કે ઈચ્છાપૂરક છે. લોકો તેમની બાધા રાખે છે. અને બાધા પૂર્ણ થતા યોગ્ય શક્તિ મૂજબ ભેટ ધરતાં હોય છે. આ વર્ષે એક દંપતિએ રત્ન જડિત સોનાનો પટ્ટો ધરાવ્યો હતો તેમજ એક દંપતિએ 22 કિલો સોનાનો કમરબંધ ધરાવ્યો હતો.

      મુંબઈનું ગિરગામ ચોપાટી ગણેશ વિસર્જનનું મુખ્ય સ્થાન ગણાય છે. ‘લાલબાગ ચા રાજા’ને આ પચીસ કિલો મીટરની યાત્રા પૂરી કરતાં ત્રેવીસથી પચીસ કલાક લાગે છે. હું નાની હતી ત્યારે જ્યાં સુધી લાલ બાગનાં રાજા પસાર ન થાય ત્યાં સુધી રસ્તા પરથી હઠતી ન હતી અને જેવા પસાર થાય ત્યાર પછી રસ્તા પરનો માનવ મહેરામણ વિખરાવા માંડતો અને આજ સુધી આ પરંપરા ચાલતી આવી છે. ચોપાટી પર એક બાજુ દરિયો લહેરાતો હોય છે અને બીજી બાજુ માનવ દરિયો જોવા મળતો હોય છે. ખૂબ જોવા જેવું દૃશ્ય અને મ્હાલવા જેવું દૃશ્ય હોય છે.

લોકો ભાવપૂર્વક બોલતા હોય છે 
 

ગણેશ ગેલે ગાઁવા લા
ચેન પડે ના આમા લા

ગણપતિ બાપ્પા મોરિયા
પુઢચા વર્ષી લૌકર યા.

                                 ૐ ગઁ ગણપતયે નમઃ

ગણેશજીનાં વિવિધ રૂપો

                   આજે ભાદરવા સુદ તેરસ

આજનો સુવિચાર:- વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ
                                 નિર્વિઘ્ન કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા

હેલ્થ ટીપ્સ:- વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હુંફાળુ તેલ લગાડવું અને થોડા કલાક બાદ નવશેકા ગરમ પાણીમાં પલાડેલા માથા પર લપેટી સ્ટીમ આપવી.

                                    શ્રી ગણેશનાં વિવિધ રૂપ

      હિંદુ ધર્મમાં ગણેશજીનું સ્થાન સૌથી મોખરે છે. કોઈપણ શુભકાર્યના આરંભમાં ગણેશજીની પૂજા થાય છે. સમગ્ર દેવોમાં ગણપતિ અગ્રપૂજ્ય હોવાથી તેઓ વિનાયક કહેવાય છે. આવા દૂંદાળા બુદ્ધિવર્ધક, વિઘ્નહર્તા, મંગલકર્તાનાં પુરાણોમાં વિવિધ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે.

1] બાળ ગણપતિ

       બાળ ગણપતિ ચતુર્ભુજ સ્વરૂપે છે. તેમના ચાર હાથમાં કેળા, આંબા, કંટોળા, શેરડી તથા સૂંઢમાં મોદક હોય છે. શાસ્ત્રીય માન્યતા મુજબ આ લાલ આભાયુક્ત ગણેશજીની નિઃસંતાન દંપતિ આરાધના કરે તો તેમને સંતાન પ્રાપ્તી થાય છે.

2] તરૂણ ગણપતિ

       આ અષ્ટભૂજા ગણપતિ છે. તેમના હાથમાં પાશ, અંકુશ, કપિત્ય ફળ, જાંબુ, તૂટેલો હાથી દાંત, ચોખાના ડૂંડા, આસમાની રંગના કુમુદ અને શેરડી છે. રતાશ પડતા આ ગણપતિની લગ્નોત્સુક યુવક યુવતીઓ આરાધના કરે છે.
 

3] ઊર્ધ્વ ગણપતિ

      અષ્ટભૂજાવાળા આ ગણપતિજીના હાથમાં ફૂલ, નીલોત્પલ, ચોખાનાં ડૂંડા, કમળ, શેરડી, ધનુષ, બાણ, હાથી દાંત તથા ગદા ધારણ કરી હોય છે. તેમની જમણી બાજુ લીલા રંગથી સુશોભિત દેવી બિરાજમાન છે. ભક્તિપૂર્વક આમની ઉપાસના કરનારને પોતાની સિદ્ધી પ્રાપ્ત થાય છે.

4] ભક્ત ગણપતિ

      ચતુર્ભુજ આ ગણપતિના હાથમાં નારીયેળ, આંબો, કેળું અને ખીરનું સુશોભિત કળશ છે. પૂર્ણિમા સમાન શ્વેત વર્ણિય ગણપતિની આરાધના ઈચ્છિત ફળ આપનારી છે.

5] વીર ગણપતિ

     સોળભૂજાવાળા આ ગણપતિનો દેખાવ થોડોક ક્રોધિત છે. શત્રુનાશાને સંરક્ષણ માટે આમની પૂજા ફળદાયક છે.

6] શક્તિ ગણપતિ

    આ મૂર્તિની ડાબી બાજુ સુલલિત ઋષિદેવી બિરાજમાન હોય છે જેમનો રંગ લીલો છે. સંધ્યાકાળની લાલિમા સમ ધૂમિળ વર્ણવાળા આ ગણપતિને બે ભૂજા છે. એમનું પૂજન સુખ સમૃદ્ધિ, ભરપૂર ખેતી તથા અન્ય શાંતીના કાર્યોમાં ફળ આપનારું છે.

7] હેરંબ ગણપતિ

       બાર ભૂજાવાળા ગણપતિનો જમણો હાથ અભય મુદ્રા અને ડાબો હાથ વરદ મુદ્રા દર્શિત કરે છે. હેરંબ ગણપતિ સિંહ પર સવાર કરે છે. તેમના દેહનો વર્ણ શ્વેત છે. સંકટમોચન તથા વિઘ્નનાશ માટે તેમનું પૂજન થાય છે.

8] લક્ષ્મી ગણપતિ

     ગણપતિની આ પ્રતિમાની બંને પડખે રિદ્ધિ-સિદ્ધિ બિરાજમાન છે. રિદ્ધિ-સિદ્ધિના હાથમાં આસમાની રંગની કુમુદિનીના ફૂલ છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આ ગણપતિનુ પૂજન પ્રસિદ્ધ છે.

9] મહાગણપતિ

     બાર ભૂજાવાળા આ મહાગણપતિ અતિસુંદર છે. સુખ, કીર્તિ, પ્રદાન કરનારા આ મહાગણપતિનું સ્વરૂપ ભક્તોની ઈચ્છાપૂર્તિ માટે પ્રસિદ્ધ છે.

10] વિજય ગણપતિ

     અરુણ વર્ણ સૂર્યકાંતિવાળા ચતુર્ભૂજવાળા આ વિજય ગણપતિનું પૂજન કોઈપણ મંગલ પ્રયાસમાં વિજયની પ્રાપ્તિ માટે ફળદાયક છે.

11] વિઘ્નરાજ અથવા ભુવનેશ ગણપતિ

        બારભુજાવાળા આ ગણપતિનું પૂજન કોઈપણ શુભકાર્યના પ્રારંભમાં કરવું અત્યંત લાભદાયક નીવડે છે.

                                       ૐ ગં ગણપતયે નમઃ

એક શરત મારી

આજે ભાદરવા સુદ દસમ
 

આજનો સુવિચાર:- લાગણીની પરવશતા એ સ્નેહનો પુરાવો છે.

હેલ્થ ટીપ્સ:- મીઠાની બરણીમાં ચોખાનાં દાણા રાખવાથી મીઠાને ભેજ નહી લાગે.

‘એક શરત મારી’ અને ‘એક શરત મારી’ એમાં મહાભારત રચાઈ.

     એક વેદ અને ચાર સંહિતાના રચૈતા શ્રી વ્યાસજીએ મનોમન મહાભારતની રચના કરી. પછી વિચાર આવ્યો કે શિષ્યોને ભણાવું શી રીતે? વ્યાસજીની મુંઝવણ બ્રહ્માજી પામ્યા અને વ્યાસજી પાસે આવ્યાં.

      વ્યાસજીએ વ્યથા રજુ કરતાં કહ્યું,” ભગવન, મનોમન મહાકાવ્યનું નિર્માણ કર્યું છે જેમાં વેદોનું રહસ્ય ઉપરાંત ઉપનિષદોનો મર્મ વણ્યાં છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય; જરા,મૃત્યુ, ભય, વ્યાધિ, ભાવ અને અભાવની સમજણ; વિવિધ ધર્મો અને આશ્રમોનાં લક્ષણો ગૂંથ્યાં છે. ચાતુર્વર્ણ અને સમગ્ર પુરાણોનો સાર, તપ, બ્રહ્મચર્ય, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું પ્રમાણ, યુગોનું પ્રમાણ, વેદો, અધ્યાત્મ; શિક્ષા, ચિકિત્સા, દાન, પાશુપાત, દેવો અને મનુષ્યોના જન્મોનો હેતુ, તીર્થોનુ વર્નન, વનો, સાગરો, અને નગરોના વર્ણન આવ્રી લીધાં છે. યુદ્ધ કૌશલ, વ્યાકરણ, જનતા જીવન, જે પન સર્વલોકને ઉપયોગી થઈ પડીવું પ્રભુ મેં આ એક જ ગ્રંથમાં વણી લીધુ છે. પરંતુ આ મારા કાવ્યને હું લખાવું એવો મને કોણ લેખક મળશે?”
  ત્યારે બ્રહ્માજીએ હસીને કહ્યું કે ‘એવો તો એક જ લેખક મળી શકશે અને તે છે ગણપતિજી. તેના જેવો ઉત્તમ લહિયો હે વ્યાસજી આપને કોઈ નહી મળે. અને આ તમારું કાવ્ય મહાકાવ્ય રૂપે રહેશે..આના કરતાં કોઈ કાવ્ય ચઢિયાતું નહી રચાય.’ બ્રહ્માજીનું સૂચન ધ્યાનમાં રાખી વ્યાસજી ગણપતિજીને શરણે ગયાં.

   ગણપતિએ કહ્યું કે “તમારા કાવ્યનો લેખક તો હું બનું પણ મારી એક શરત છે.” ”શી શરત છે પ્રભુ? આપની શરત મને માન્ય જ હશે”. વ્યાસજીએ કહ્યું.

   ”મારી શરત એ જ કે મહર્ષિ, તમે વચમાં થંભ્યા વગર તમારો ગ્રંથ ધારાવાહી રીતે લખાવો તો જ હું તમારો લેખક બનું.”
  “માન્ય છે પ્રભુ, સાથે મારી પણ એક શરત છે પ્રભુ”

”શી?”

”આપ જે લખો તે સમજીને જ લખશો.”

“કબૂલ.”

    અને મહાભારત લખાવવાનું ને લખવાનું શરુ થયું. વ્યાસજી લખાવતા ગયાં અને ગણપતિજી લખતા ગયાં. લગભગ એક લાખ શ્લોકોના બનેલા આ ગ્રંથમાં લગભગ આઠ હજાર આઠસોશ્લોક એવાં છે જેમાં ખુદ વ્યાસજી કહે છે

કાંતો હું સમજું,
અથવા તો શુકદેવ સમજે;
સંજય કદાચ સમજે ;
અથવા ન યે સમજે !

આમ ‘એક શરત મારી’ વચ્ચે મહાભારતનું મહાકાવ્ય વ્યાસજી અને ગણપતિજીએ પુરું કર્યું.

                            ૐ ગં ગણપતયે નમઃ

ગણેશ ભજન

                     આજે ભાદરવા સુદ નોમ

આજનો સુવિચાર:- આયુષ્ય, સંપત્તિ,ઘરનું છિદ્ર, દાન, માન, અપમાન ગુપ્ત રાખવા- જાહેર કરવા નહિં.

હેલ્થ ટીપ્સ:- પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.

ગણપતિ સ્વરૂપ કથા

    ગણેશજીના ચાર અવતાર મનાયા છે. સતયુગમાં કશ્યપપુત્ર વિનાયક, જેઓ સિંહ પર આરૂઢ હતા. આ આવતારમાં આપે દેવાંતક નરાંતક રાક્ષસનો નાશ કર્યો હતો.. દ્વાપરયુગમાં શિવપુત્ર ગજાનન, જેમણે સિંદૂરનો વધ કર્યો હતો અને વરેણ્ય રાજાને ગણેશગીતા સંભળાવી હતી. ત્રેતાયુગમાં મયુર પર આરુઢ રહેનાર આ શિવપુત્ર મયુરેશ્વરે સિંધુ દૈત્યનો નાશ કર્યો હતો.

     ગણપતિની ઉપાસના એટલે ૐકાર-પ્રણવ- પરબ્રહ્મની ઉપાસના. ૐકારથી ગજમુખ ગણેશજીના સ્વરૂપનો વિકાસ થયો. વેદમાં, ઉપનિષદમાં પ્રથમ ૐ કાર અને મંગલ કાર્યોમાં અધિપતિ મનાય છે. રિદ્ધિ સિદ્ધિના આ સ્વામીએ મહાભારતનો વિરાટ ગ્રંથ લખવામાં વ્યાસજીને મદદ કરી હતી.

શ્રી ગણેશચતુર્થી નિમિત્તે અમારા ભજન ગ્રુપ દ્વારા ગવાયેલું એક ગણપતિજીનું પલના ભજન સાંભળો.

મારવાડી ભજનનાં શબ્દો નીચે પ્રમાણે છે.

ગણપતિ ઝૂલે પાલન ગજાનન

કાહે કો થારો બન્યો રે પાલનો
કાહેકી લગ રહી ડોર ગજાનન

અગડ ચંદનકો બન્યો રે પાલના
રેશમકી લગ રહી ડોર ગજાનન

કૌન જ ઝૂલાવે કૌન જ ઝૂલે
કૌન જ મનમેં ફૂલે ગજાનન

ગૌરા ઝૂલાવે, ગણપતિ ઝૂલે
શિવશંકર મન હી મન ફૂલે

ૐ ગં ગણપતયે નમઃ

ગણેશોત્સવ

આજે ભાદરવા સુદ પાંચમ [ઋષિ પાંચમ]

આજનો સુવિચાર:- પરિવર્તન પ્રવૃતિમાં નહીં પણ વૃત્તિમાં હોવી જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે.

 

      આજે ઋષિપાંચમ અથવા સામા પાંચમ . આ દિવસે સપ્તઋષિનું પૂજન થાય છે. આ સપ્તઋષિઓ એટલે વસિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને કશ્યપ છે.

    કથાનુસાર ઈંદ્રે પોતાને મળેલા બ્રહ્મહત્યાના પાપને ચાર જગ્યાએ વહેંચી નાખ્યા. [1] સ્ત્રીઓને રજસ્વલા રૂપમાં [2] વૃક્ષને ગુંદર ઉત્પન્ન થશે [3] પાણીમાં ફીણ ઉત્પન્ન થશે [4] પૃથ્વીમાં ખાડા પડશે. આ ચારે જણાની વિનંતીથી ઈંદ્રે એમને આમનું નિવારણ આપ્યું. સ્ત્રી રજોગુણમાંથી મુક્ત થતાં પ્રજનન કરી શકશે, વૃક્ષને કાપવાથી ફરી ઊગી શકશે. પૃથ્વી વધુ ઊર્જાવાન બની તેના ખાડા પૂરી શકશે. પરંતુ આ માટે તેમણે આ સપ્તઋષિની પ્રાર્થના કરી અને આ ઋષિઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. કેમકે આ ઋષિઓએ ભાદરવા સુદ પાંચમે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી હોવાથી જે આ દિવસે સપ્તઋષિની પ્રાર્થના કરશે તે પાપમાંથી મુક્તિ પામશે એવું ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું.

      ગઈકાલે ગણેશચતુર્થી હતી. મહારષ્ટ્રમાં ખૂબ જોરશોરથી આ તહેવાર મનાય છે. જોકે આ તહેવાર ભારત દરેક પ્રાંતમાં ઉજવાતો હોય છે. દસ દિવસ ચાલતા આ તહેવાર દરમિયાન લોકો ખૂબ ભક્તિ પૂર્વક શ્રી ગણેશજીનું પૂજન કરતા હોય છે. આ વર્ષે લગભગ 300 કરોડ રૂપિયાનો લોકોએ આ તહેવાર પાછળ ખર્ચ્યો છે. મુંબઈ ગણપતિની મુર્તિની ઊંચાઈ માટે પ્રખ્યાત છે અને પૂના તેના ડેકોરેશન માટે પ્રખ્યાત છે. આ વખતે મુંબઈની ખેતવાડી 12મી ગલ્લીના ગણપતિની મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. પ્રખ્યાત લાલબાગચા રાજા [ગણપતિ]ને અત્યાર સુધી લગભગ 30 કિલો સોનુ ભક્તો તરફથી ચઠ્યુ છે અને મનાય છે કે આ વર્ષે 65 કિલો જેટલું થશે. લાલબાગના ગણ પતિજી અને પૂનાના દગડુશા ગણપતિ ઈચ્છાપૂરક ગણેશ મનાય છે. લોકો ત્યાં ભાવપૂર્વક પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થતાં દર્શનાર્થે જઈ માનતા પૂર્વક ભોગ ધરાવતાં હોય છે.

         હિંદુ ધર્મ પ્રત્યેક શુભકાર્યનાં પ્રારંભે ગણેશજીનું પૂજન કરતાં હોય છે. માતા પાર્વતીજી સેવા અને માતાપિતાની પ્રદક્ષિણાને સર્વોત્તમ તીર્થયાત્રા ગણનાર ગણપતિને ખૂદ શંકર ભગવાને, મનુષ્યના સર્વ કાર્યોની શરૂઆતમાં પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા છે.

     મહારાષ્ટ્રમાં ગણપતિને ‘મોરયા’ કહે છે. એનું મૂળ પૂના પાસેના એક સ્થાનિક દેવતામાં છે. કહેવાય છે કે મોરગાંવના સાધુ, મોરયા, ગણપતિના પરમ ઉપાસક હતા. લોકોએ એમને જ ગણપતિના અવતાર માની લીધા. અને તેથી જ લોકો કહે છે,

‘ગણપતિ બાપ્પા મોરિયા
પોઢચા વર્ષી લૌકર યા.’

ગણપતિ બાપા મોરિયા
આવતા વર્ષે જલ્દી આવજો.

                                                ૐ ગં ગણપતયે નમઃ

કેવડા ત્રીજ

              આજે ભાદરવા સુદ ત્રીજ [કેવડા ત્રીજ] [રમઝાનનો આરંભ]

આજનો સુવિચાર:- નિખાલસ, સરળ અને ઉદાર મનવાળા માણસો જુદા જુદા ધર્મોમાં પણ સત્યને જુએ છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો નિખરે છે અને તાજગી અનુભવે છે.

                                                 કેવડા ત્રીજ

કેવડાનો હિંડોળો

    પુરાણકાળની કથા મુજબ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ વચ્ચે ‘કોણ મોટું?’ વિષય પર વિવાદ ઉભો થયો હતો ત્યારે શિવજીએ દિવ્યલિંગ ઊભુ કર્યું હતું. શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુને આ દિવ્યલિંગનો આદિ અને અંત શોધવા મોકલ્યાં. શ્રી વિષ્ણુને પાતાળમાં અંત ન મળવાથી તેઓ પાછા ફર્યાં. જ્યારે બ્રહ્માજી આ લિંગનો ઉપરી ભાગ શોધતા હતાં ત્યારે તેમને ગાય અને ફૂલમાં કેવડો મળ્યો. બ્રહ્માજીની પૂછપરછથી બંન્નેએ ખોટો જવાબ આપ્યો કે તેઓ આ લિંગનાં ઉગમ સ્થાનેથી આવી રહ્યાં છે. શિવજીને આ બાબતની જાણ થતાં તેમણે બંનેને શ્રાપ આપ્યો અને તે શ્રાપ મુજબ ગાયનું મોં હંમેશા એંઠુ રહેશે અને કેવડો કદી પણ શિવજીની પૂજામાં નહીં વપરાય. જ્યારે ગાયે અને કેવડાએ શિવજીને ખૂબ આજીજી કરી ત્યારે ભોળા શંભુએ ‘ગાય માતા તરીકે પૂજાશે’ અને કેવડો વર્ષમાં ફક્ત એકવાર શિવજીને ચઢશે. આમ આ કેવડો ફક્ત કેવડાત્રીજને દિવસે જ શિવજીની પૂજામાં ચઢી શકે છે.

     બીજી કથા મુજબ મનથી શિવજીને વરી ચૂકેલા હિમાલયકન્યા પાર્વતીને તેના માતા પિતા તેમને ભગવાન વિષ્ણુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા હતા. આથી અત્યંત દુઃખી થયેલા પાર્વતીજી જંગલમાં જઈ ભૂખ્યા તરસ્યા રહીને શિવજીની આરાધના કરવા લાગ્યાં. જંગલમાં પાર્વતીજીએ રેતીનું શિવલિંગ બનાવ્યું. આ જંગલમાં માત્ર કેવડો મળતાં તેમણે શિવલિંગ પર કેવડો ચઢાવી પૂજન કર્યું. પાર્વતીજીની દ્રઢતા અને સાધના જોઈ મેના અને હિમાલયરાજે પાર્વતીજીને શિવજી સાથે લગ્ન કરવાની સંમ્મતિ આપી.

        આમ આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ કુંવારિકાઓ પોતાના સૌભાગ્ય માટે ખૂબ શ્રદ્ધાભક્તિથી ‘કેવડાત્રીજ’નું વ્રત કરે છે.

         આજથી શરુ થતો રમઝાન મહિનો મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર મહિનો ગણાય છે. રમઝાન મહિનાની મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી.

                                ૐ નમઃ શિવાય