ત્ર્યંબકેશ્વર

                        આજે શ્રાવણ વદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- દરેક વ્યક્તિમાં સારાનરસા ગુણોનું મિશ્રણ હોય છે. જે વ્યક્તિ પોતાના સારા ગુણોનો વધુમાં વધુ ઉપયોગ કરે તો તેનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. — સ્વામી સચ્ચિદાનંદજી

હેલ્થ ટીપ્સ:-. સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.

                                ત્ર્યંબકેશ્વર

 

બ્રહ્મામુરારીસુરાર્ચિતલિંગમ,
નિર્મલભાષિત શોભિતલિંગમ

જન્મજદુઃવિનાશકલિંગમ,
તત્પ્રણમામિ સદાશિવલિંગમ

                ભગવાન શિવજી ખરેખર નિરાકાર છે. તેમને પોતાનું કોઈ સ્વરૂપ નથી. છતાં બધાં જ રૂપો તેમનાં છે. શિવનું દરેક રૂપ ‘લિંગ’ છે. સંસ્કૃતમાં લિંગ એટલે નિશાની અથવા ચિન્હ થાય છે. લિંગપુરાણમાં લખ્યું છે કે સર્વશ્રેષ્ઠ ને મૂળભૂત લિંગ જે શબ્દ, સ્પર્શ,રૂપ, રસ, ગંધહીન છે તે પ્રકૃતિ ઓળખાય છે. શિવલિંગ ભગવાન શિવનું પ્રતિક ગણાય છે. શિવજીનું નિરાકાર સ્વરૂપ તેજોમય સ્વરૂપે પ્રાગ્ટ્ય થયું હતું. જ્યારે શિવલિંગ પૃથ્વી પર પડ્યું ત્યારે આસપાસ જ્યોતિનાં કુંડાળા થવા લાગ્યાં તેથી આ લિંગ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવા લાગ્યા. આવા બાર જ્યોતિર્લિંગો છે.

        મહારાષ્ટ્રમાં ચાર જ્યોતિર્લિંગ આવેલાં છે. મહારાષ્ટ્રમાં આવેલા નાસિકથી 36 કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અહીં શિવલિંગની જગ્યા પર એક ખાડો છે અને તેની જગ્યાએ ત્રણ નાના નાના લિંગો છે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતિક રૂપે ગણાય છે. મહેશનાં લિંગમાં તડ છે જેમાંથી સતત જળ વહ્યા કરે છે. એ પાણી ક્યાંથી આવે છે તેની હજી સુધી જાણ નથી થઈ. ત્ર્યંબકનો અર્થ ત્રણ આંખ. આ ત્રણ આંખ સૂર્ય, ચંદ્ર અને અગ્નિની ગણાય છે. એક આંખ પ્રેમની , બીજી આંખ જ્ઞાનની અને ત્રીજી આંખ ન્યાયની છે એવું પણ માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવ્યા મુજબ ત્ર્યંબકેશ્વરનાં દર્શન કરવાથી સર્વકામના સિદ્ધ થાય છે તેમજ મુક્તિ મળે છે.

    પુરાણકાળની કથા મુજબ ગૌતમ ઋષિએ અનાવૃષ્ટિને કારણે તપ કરી વરુણ દેવને રીઝવ્યા. આથી ત્યાં વિશાળ સરોવરનું નિર્માણ થયું અને ત્યાં લોકો આવી વસ્યાં. ઈર્ષાળુ લોકોની ઈર્ષાને કારણે ગૌતમઋષિ પર ગૌહત્યાનો મિથ્યા આક્ષેપ મુકવામાં આવ્યો.. ગૌતમ ઋષિએ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યાં. ત્યારથી શિવજી અહીં જ્યોતિર્લિંગ તરીકે બિરાજી ગયા.

       કહેવાય છે કે આ જ્યોતિર્લિંગમાંથી જ્યારે સિંહ જેવી ગર્જના સંભળાય છે ત્યારે કાંઈ અનર્થ થવાના એંધાણ વર્તાય છે. આવે વખતે ભાંગ મિશ્રિત દૂધનો અભિષેક થાય છે. અહીં સ્ત્રીઓને પૂજા કરવાની મનાઈ છે. બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અહીં તેમજ ઉજ્જૈનમાં કુંભમેળો ભરાય છે.

                          

                                      ૐ નમઃ શિવાય