વાનગીઓની મિજલસ

                         આજે શ્રાવણ વદ નોમ

આજનો સુવિચાર:- આત્મ જાગૃતિનો વિચાર માણસને ઈશ્વારભિમુખ બનાવે છે.

હેલ્થ ટીપ્સ:- પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે.

[મુંબઈ સ્થિત સર્વાંગીબેન કડકિઆએ આ વાનગી લખી મોકલી તે બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                                       ખાસ્તા કચોરી

 

મસાલાની સામગ્રી:-

1] 1 વાડકી (નાની) ચણાનો લોટ

2] 1 ચમચો તેલ

3] 1 નાની ચમચી ગરમ મસાલો

4] 1 નાની વાડકી મરચુ

5] 1 નાની ચમચી આમચુર પાઉડર

6] પાઉડર કરેલા 20 ગ્રામ વરીયાળી અને 20 ગ્રામ આખા ધાણા

7] સ્વાદાનુસાર મીઠું

પૂરીની સામગ્રી:-

1] 1 વાડકો મેંદો

2] 1 મોટો ચમચો ગરમ ઘી

3] સ્વાદનુસાર મીઠું

4] તળવા માટે તેલ

શણગારવાની સામગ્રી:-

1] બાફેલાં લાલ ચણા અને ફણગાવેલાં મગ

2] તીખી, મીઠી ચટણી

3] ચાટ મસાલો

4] દહીં

5] ઝીણી સેવ

રીત:-
     તેલ ગરમ કરી તેમાં ચણાનો લોટ જીરુ નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવો. શેકેલો લોટ ઠંડો પડે તેમાં વરિયાળી અને ધાણાનો પાઉડર, મરચું, ગરમ મસાલો, આમચુર પાઉડર અને મીઠું ઉમેરવા.

       પૂરી બનાવવા માટે ઉપરોક્ત પૂરીની સામગ્રી ભેગી કરી પૂરીનો લોટ બાંધવો. પૂરી વણી તેમાં કચોરીની જેમ તેમાં ચણાના લોટનો મસાલો ભરવો. અને ફરીથી તેની પૂરી વણવી. આ વણેલી પૂરીને ધીમા તાપે તળવી.

      આ ખાસ્તા કચોરી પીરસ્તી વખતે તેમાં કાણું પાડવું. ત્યાર બાદ તેમાં બાફેલાં મગ અને ચણા ભરવા. તેની ઊપર તીખી મીઠી ચટણી મૂકવી. ત્યાર બાદ તેની ઊપર દહીં મૂકી ચાટ મસાલો ભભરાવો અને છેલ્લે સેવ મૂકી કોથમીર ભભરાવવી [ઈચ્છા મુજબ]

સ્ટફ દહીંવડા

 

સામગ્રી:-

1] એક વાડકી અડદની દાળ

2] 1 મોટું બાફેલું બટાટું

3] દહીં

4] તીખી, મીઠી ચટણી

5] સ્વાદાનુસાર મીઠું, મરચું અને શેકેલું પાઉડર કરેલું જીરું

6] વાટેલાં લીલા મરચાં

7] તળવા માટે તેલ

8] ઝીણી સેવ

9] કોથમીર [ઈચ્છા મુજબ]

રીત:-

       અડદની દાળને 6 કલાક પલાડી રાખવી ત્યાર બાદ તેમાં મીઠું નાખી મિક્શ્ચરમાં વાટી લેવી. બાફેલા બટાટામાં સ્વાદાનુસાર મીઠું અને વાટેલાં લીલા મરચાની પેસ્ટ ઉમેરી તેનાં નાના નાના ગોળા વાળી તેને વાટેલી અડદની દાળમાં બોળી ગરમ તેલમાં તળવા. દાળનું ખીરુ કઠણ રાખવું નહીં તો વડા તળતાં ફાટી જશે.

      તળાયેલા વડાને પલાડવાની જરૂરત નથી. તેને દહીંમાં મૂકી તેની ઉપર મીઠી ચટણી મૂકવી. તેની ઉપર સ્વાદાનુસાર મીઠું, મરચું અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવવો. ત્યારબાદ તીખી ચટણી મૂકવી અને તેઉપર ઝીણી સેવ ભભરાવી. કોથમીરથી સજાવો.

                                            ૐ નમઃ શિવાય