શ્રીકૃષ્ણ, એક પ્રદૂષક નિવારણ અને પર્યાવરણ સખા

                     આજે  શ્રાવણ વદ દસમ 

આજનો સુવિચાર:- અંધકાર એટલે પ્રકશનો અભાવ. એક નાનકડો દીપ પ્રગટાવવાથી ચોમેર ઉજાસ પથરાય છે. આપણે ભલે સૂર્ય ન થઈ શકીએ, પરંતુ દીવો તો થઈ શકીએ અને આસપાસ જ્ઞાનનો ઉજાસ પાથરી શકીએ છીએ.    

હેલ્થ ટીપ્સ:- બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.          

                           શ્રીકૃષ્ણ એક પ્રદૂષક નિવારણ અને પર્યાવરણ સખા 

      

 ઈશ્વરે માનવ કલ્યાણ માટે ઘણા અવતાર લીધા હતાં તેમાં પણ કૃષ્ણનાં સંમોહક વ્યક્તિત્વે સમગ્ર ભારતનું ચિત્ર બદલી નાખ્યું હતું. આ બધા અવતારમાં કૃષ્ણાવતાર સૌથી રોમાંચક અને ક્રાંતિકારી અવતાર ગણાય છે.

     ભગવાન શ્રીકૃષ્ણના બાળપણથી નિર્વાણ સુધીનાં અનેક પ્રસંગો કે જેની પાછળનાં છુપાયેલા હાર્દને બહુ ઓછા ભક્તો કળી શક્યા હતાં જેમ કે તેમની બાળલીલાઓનું જો સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો તેની પાછળનો ઉમદા હેતુ ચોક્કસ જણાશે.    નંદ યશોદાના ઘરમાં ઉછરતા વસુદેવ દેવકીના સંતાન કૃષ્ણ અધર્મ, અન્યાય અને અસંતુલિત પ્રકૃતિનો અંત આણવા જનમ્યા હતા.

      બાળપણમાં ગોવાળિયા સાથે યમુના નદીને કિનારે રમતાં રમતાં દડો યમુનામા પડી જતાં તેમણે તેમાં કૂદકો મારી કાળિયા નાગ સાથે યુદ્ધ કરી દડો લાવ્યાં હતા. આ કથા તો પ્રચલિત છે પણ તેની પાછળનો મુખ્ય હેતુ સમજવા જેવો છે. હકીકતમાં કાળિયા નાગે યમુના નદીને રહેઠાણ બનાવ્યું હતું અને તેનુ પાણી ઝેરી બનાવી દીધું હતું. તે ઝેરનો પ્રભાવ આસપાસનાં વૃક્ષો પર પણ પડતો હતો.. માત્ર કદંબનું ઝાડ આ પ્રભાવથી બચ્યું હતું. તેનાં પરથી કૃષ્ણે યમુના નદીમાં ભૂસકો મારી આ કાલિ નાગને વશમાં કરી યમુના નદી છોડી દેવા મજબૂર કર્યો હતો. આમ યમુના નદી વિષમુક્ત થઈ, ગોપગોપી, ગાયો અને વનસ્પતિઓનું રક્ષણ કરી વ્રજભૂમિનો ઉદ્ધાર કર્યો.    

      આ રીતે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીમાં ઊચકીને વ્રજવાસીઓને, પશુ પંખીને અનરાધાર વર્ષાથી બચાવ્યાં. એનો અર્થઘટન કરતાં એમ સમજાય છે કે અનરાધાર વર્ષામાં સ્થળાંતર કરવું યોગ્ય છે. ત્યારબાદ યમુનાની આસપાસના વનને દાવાનલાસુર નામના રાક્ષસથી બચાવે છે અર્થાત જ્યારે વનમાં દાવાનળ ફૂંકાયો ત્યારે તેમણે યમુના જળથી દાવાનળ બુઝાવ્યો અર્થાત દાવાનલાસુર્નો નાશ કર્યો. અહીં તેમની વનરક્ષણનીતિ જણાય છે.    

         કૃષ્ણના મામા કંસે વ્યોમાસુર નામના રાક્ષસને કૃષ્ણ તથા ગોવાળિયાઓને હેરાન કરવા મોકલ્યો હતો. આ વ્યોમાસુર એટલે વાયુને પ્રદુષિત કરતો જીવ. શ્રીકૃષ્ણે તેનો નાશ કર્યો અર્થાત વ્રજભૂમિને વાયુ પ્રદુષણથી મુક્ત કરી હતી.       

     ભારતીય સંસ્કૃતિમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એનો શ્રેય શ્રીકૃષ્ણને જ જાય છે. તેમણે ગાયની પૂજા કરી અને તેનું રક્ષણ કર્યું. વિશ્વમાતા તરીકે ઓળખાતી ગાયનું આજનાં જમાનામાં એટલું જ મહત્વ છે કારણ કે ગૌદૂધ જનસ્વાસ્થ્યનો આધાર છે. ગૌમૂત્રમાંથી અનેક ઔષધિઓ બને છે. ગોબર ગેસ બળતણ તરીકે ઉપયોગી છે. નવી શોધખોળ મુજબ તો ગોબરથી લીપેલાં ઘર પર વીજળી અસર કરતી નથી. એમાં પરમાણુબોમ્બના રેડિયો એક્ટિવ કણોનો નાશ કરવાની ક્ષમતા છે.          

આમ શ્રીકૃષ્ણ પ્રદૂષણ નિવારક અને પર્યાવરણ સખા હતા.                                     

                             

                                 ૐ નમઃ શિવાય