શિવ

                            આજે શ્રાવણ વદ અમાસ

આજનો સુવિચાર:- દાન આપતી વખતે હાથમાં શું છે એ નહિ પણ દિલમાં શું છે એ જોવાનું રાખો.

હેલ્થ ટીપ્સ:- જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે.

                                         શિવ

[rockyou id=83696825&w=324&h=243]

આજે શ્રાવણનો અંતિમ દિવસ છે તો થોડી શિવ કથા, શિવ પરિવાર તેમજ શિવ વિષે જાણી લઈએ.

     પુરાણગ્રંથોમાં ‘શિવકથા’નું સૌથી પ્રાચીનરૂપ ‘વરાહગ્રંથ’માં જોવામાં આવે છે. આ કથાઓ મુજબ ‘દક્ષયજ્ઞ-વિધ્વંસ’ની કથામાં આર્યોની ‘શિવ’ વિષયક તિરસ્કારની ભાવના મોટેભાગે જોવા મળે છે. અહીં ‘શિવ’ પ્રત્યે હીન બુદ્ધિ સેવનારા ‘દક્ષ’ અપરાધી ઠર્યા. આ કથા મુજબ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં શિવજીને યજ્ઞભાગ ન મળતા દક્ષપુત્રી તેમજ શિવ પત્ની ‘સતી’ એ કરેલા દેહત્યાગથી ‘શિવ’ ક્રોધાયમાન થયા અને રોમકૂપોમાંથી અનેક ‘રુદ્ર’ ઉત્પન્ન થયાં. અને ‘શિવજી’ ‘રુદ્ર’ તરીકે ઓળખાયા. આ બધુ જોઈ ‘દક્ષ’ વિનમ્ર ભાવે આગળ આવી ‘શિવ’ને માન્યતા આપી અને ‘શિવ’ના પરમ ભક્ત બની ગયા.

            સમુદ્રમંથન દ્વારા ઉત્પન્ન થયેલું હળાહળ વિષને અપનાવવા કોઈ દેવ તૈયાર ન થયા ત્યારે ‘કૈલાસપર્વત’ પર સ્થિત ‘શિવજી’ને પ્રસન્ન કરાયા. ભોળાશંભુ જગકલ્યાણના હેતુથી આ હળાહળ વિષનું પાન કરી કંઠે થીજવી દીધુ. આ વિષનાં પ્રભાવથી તેમનો કંઠ નીલ રંગનો થઈ ગયો અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા. આ કથામાંથી એ બોધ લેવા જેવો છે કે ‘ડાહ્યા માણસે કોઈની ગુપ્ત વાતો ન તો કોઈને કહેવી કે ન તો પેટમાં ઉતારવી. ગુપ્ત વાતોને અતિ ગુપ્ત રાખવી જેથી તેને કહેનારનું તેમજ અન્યનું અમંગળ ન થાય.

           સતીના દેહ ત્યાગ બાદ ‘શિવજી’નો વિવાહ પર્વતરાજની પુત્રી ‘પાર્વતી’ સાથે થયો. પરંતુ સમાધિગ્રસ્ત ‘શિવજી’ને પાર્વતીજી પ્રત્યે મન વળતું ન હતું. તારકાસુરના ઉપદ્રવને નાશ કરવા શિવ પુત્રના જન્મની આવશ્યકતા ઊભી થઈ. દેવતાઓના કહેવાથી ‘કામદેવ’ દ્વારા ‘શિવજી’નો તપોભંગ કરવામાં આવ્યો.. પોતાનામાં ઉત્પન્ન થયેલી વિષય ભાવનાથી ચિંતીત ‘શિવજી’ વસ્તુસ્થિતી સમજાઈ અને તેમનું ત્રીજું નેત્ર ખુલતાં ‘કામદેવ’ ભસ્મીભૂત થયો. આ પછી ‘શિવ’ને તપસ્યા કરતા ‘પાર્વતીજી’ દેખાયા અને ‘પાર્વતીજી’એ કામદેવ- મદનને ફરીથી જીવતો કરવાની વિનંતી કરી અને સ્થૂળરૂપે નહીં પણ સૂક્ષ્મરૂપે કામદેવ જીવીત થયો અને ‘અનંગ કહેવાયો..

      સર્વશ્રેષ્ઠતાનાં પ્રશ્ને બ્રહ્માજી અને શ્રીવિષ્ણુ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. તે વખતે ‘શિવજી’ ત્યાં એક મોટા લિંગાકાર અગ્નિસ્તંભરૂપે પ્રગટ થયા અને જણાવ્યું કે જે આ લિંગનું મૂળ અને ઊંચાઈ જે શોધી લાવશે તે ’શ્રેષ્ઠ’ બનશે. આ સાંભળી બ્રહ્માજી ઊંચાઈ શોધવા ઉર્ધ્વલોક નીકળ્યા અને વિષ્ણુ એ લિંગનું મૂળ શોધવા નીકળી પડ્યાં પણ બંને અસફળ રહ્યા. ત્યારબાદ બંનેએ ‘શિવજી’ને સર્વશ્રેષ્ઠ સ્વીકાર્યા. આ દિવ્યલિંગ પર ૐ નું ઝગારા મારતુ મારતું જોઈ તેને દિવ્યલિંગનું વિશ્વબીજરૂપે સ્વાગત કરાયું.

       ભારતની ભૂમિમાં 12 દિવ્યજ્યોતિર્લિંગ વિશેષ પ્રકારે પ્રગટ થયેલા ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ રૂપે ઓળખાય છે.

[1] સોમનાથ (સૌરાષ્ટ્ર] [2] મલ્લિકાર્જુન (શ્રીશૈલમ) [3] મહાકાલ (ઉજ્જૈન) [4] અમલેશ્વર (ઓંકારમાં) [5] કેદારનાથ (હિમાલય) [6] ભીમાશંકર (ડાકિની ક્ષેત્ર) [7] વિશ્વનાથ (વારાણસી-કાશી) [8] ત્ર્યંબકેશ્વર (નાશિક) [9] વૈદ્યનાથ (બિહાર) [10] નાગેશ (દારુકાવન) [11] રામેશ્વર (સેતુબંધ) [12] ધુશ્મેશ્વર (મહારાષ્ટ્ર).

પુરાણોમાં શિવ પરિવારમાં [1] શિવ [2] પાર્વતી [3] ગણેશ [4] સ્કંદ (કાર્તિકેય) [5] નંદી ની ગણના થાય છે.

[1] ‘શિવ’ નિર્ગુણ નિરાકાર હોવા છતાં સગુણ સાકાર છે. અનંત અનાદિ મહાદેવ ભક્તિ વડે સાકાર છે જ્યારે જ્ઞાન વડે તેઓ નિરાકાર છે.

[2] પાર્વતી મહાદેવી, આદ્યાશક્તિ, જગન્માતા તરીકે ઓળખાયા છે. ‘શિવ’માં ‘શક્તિ’નો વાસ છે અને ‘શક્તિ’માં ‘શિવ’નો વાસ છે.

[3] ગણેશને પ્રણવરૂપા, રૂદ્રરૂપા, શિવસુતા, લંબોદર [સર્વવ્યાપી] , એકદૃંષ્ટી (સર્વશક્તિમાન) તરીકે ઓળખાયા છે.

[4] સ્કંદ તે કાર્તિકેયના નામે ઓળખાય છે. દેવસેનાના સેનાપતિ છે. તારકાસુરનો વધ કરી દેવોને ભયમુક્ત કર્યાં હતાં.

[5] નંદી, શિવનું વાહન છે.

‘શિવ’નાં આયુધોમાં

[1] ત્રિશુળ એ ઈચ્છા, જ્ઞાન, ક્રિયાનું પ્રતિક ગણાય છે.

[2] ડમરૂ એ શબ્દબ્રહ્મનું પ્રતિક ગણાય છે.

[3] મૃગ એ ચાર વેદોનું પ્રતીક છે.

[4] પરશુ એ જ્ઞાનનું પ્રતીક છે જેના વડે અજ્ઞાનનો વિધ્વંસ થાય છે.

‘શિવ’નાં પાંચમુખો
[1] તત્પુરુષ [2] અઘોર [3] સદ્યોજાત [4] વામદેવ [5] ઈશાન

શિવના 10 અવતાર કહ્યાં છે અને 11 રુદ્ર કહ્યા છે.

                              ૐ નમઃ શિવાય