પ્રદક્ષિણા

આજે ભાદરવા સુદ એકમ [મહાવીર જયંતી] [રામ દે પીરની નવરાત્રી આરંભ]

આજનો સુવિચાર:- કામના દબાણને લોહીના દબાણ સાથે જબરી દોસ્તી છે.

હેલ્થ ટીપ્સ:- થાકેલી આંખોમાં એક ટીપું શુદ્ધ મધ નાંખવાથી આંખોનો થાક ઊતરી જાય છે.

                                      પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું…
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.

પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક થઈ જાઉં છું
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવી દોડું છું
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું
મંદિરના લીસા આરસપહાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જાઉં છું
હું પણ એક પથ્થર બની જાઉં છું, નવા જન્મમાં.

મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

                                         –મનીષા જોષી
 

                                      ૐ નમઃ શિવાય