કેવડા ત્રીજ

              આજે ભાદરવા સુદ ત્રીજ [કેવડા ત્રીજ] [રમઝાનનો આરંભ]

આજનો સુવિચાર:- નિખાલસ, સરળ અને ઉદાર મનવાળા માણસો જુદા જુદા ધર્મોમાં પણ સત્યને જુએ છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો નિખરે છે અને તાજગી અનુભવે છે.

                                                 કેવડા ત્રીજ

કેવડાનો હિંડોળો

    પુરાણકાળની કથા મુજબ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ વચ્ચે ‘કોણ મોટું?’ વિષય પર વિવાદ ઉભો થયો હતો ત્યારે શિવજીએ દિવ્યલિંગ ઊભુ કર્યું હતું. શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુને આ દિવ્યલિંગનો આદિ અને અંત શોધવા મોકલ્યાં. શ્રી વિષ્ણુને પાતાળમાં અંત ન મળવાથી તેઓ પાછા ફર્યાં. જ્યારે બ્રહ્માજી આ લિંગનો ઉપરી ભાગ શોધતા હતાં ત્યારે તેમને ગાય અને ફૂલમાં કેવડો મળ્યો. બ્રહ્માજીની પૂછપરછથી બંન્નેએ ખોટો જવાબ આપ્યો કે તેઓ આ લિંગનાં ઉગમ સ્થાનેથી આવી રહ્યાં છે. શિવજીને આ બાબતની જાણ થતાં તેમણે બંનેને શ્રાપ આપ્યો અને તે શ્રાપ મુજબ ગાયનું મોં હંમેશા એંઠુ રહેશે અને કેવડો કદી પણ શિવજીની પૂજામાં નહીં વપરાય. જ્યારે ગાયે અને કેવડાએ શિવજીને ખૂબ આજીજી કરી ત્યારે ભોળા શંભુએ ‘ગાય માતા તરીકે પૂજાશે’ અને કેવડો વર્ષમાં ફક્ત એકવાર શિવજીને ચઢશે. આમ આ કેવડો ફક્ત કેવડાત્રીજને દિવસે જ શિવજીની પૂજામાં ચઢી શકે છે.

     બીજી કથા મુજબ મનથી શિવજીને વરી ચૂકેલા હિમાલયકન્યા પાર્વતીને તેના માતા પિતા તેમને ભગવાન વિષ્ણુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા હતા. આથી અત્યંત દુઃખી થયેલા પાર્વતીજી જંગલમાં જઈ ભૂખ્યા તરસ્યા રહીને શિવજીની આરાધના કરવા લાગ્યાં. જંગલમાં પાર્વતીજીએ રેતીનું શિવલિંગ બનાવ્યું. આ જંગલમાં માત્ર કેવડો મળતાં તેમણે શિવલિંગ પર કેવડો ચઢાવી પૂજન કર્યું. પાર્વતીજીની દ્રઢતા અને સાધના જોઈ મેના અને હિમાલયરાજે પાર્વતીજીને શિવજી સાથે લગ્ન કરવાની સંમ્મતિ આપી.

        આમ આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ કુંવારિકાઓ પોતાના સૌભાગ્ય માટે ખૂબ શ્રદ્ધાભક્તિથી ‘કેવડાત્રીજ’નું વ્રત કરે છે.

         આજથી શરુ થતો રમઝાન મહિનો મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર મહિનો ગણાય છે. રમઝાન મહિનાની મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી.

                                ૐ નમઃ શિવાય