ગણેશોત્સવ

આજે ભાદરવા સુદ પાંચમ [ઋષિ પાંચમ]

આજનો સુવિચાર:- પરિવર્તન પ્રવૃતિમાં નહીં પણ વૃત્તિમાં હોવી જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે.

 

      આજે ઋષિપાંચમ અથવા સામા પાંચમ . આ દિવસે સપ્તઋષિનું પૂજન થાય છે. આ સપ્તઋષિઓ એટલે વસિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને કશ્યપ છે.

    કથાનુસાર ઈંદ્રે પોતાને મળેલા બ્રહ્મહત્યાના પાપને ચાર જગ્યાએ વહેંચી નાખ્યા. [1] સ્ત્રીઓને રજસ્વલા રૂપમાં [2] વૃક્ષને ગુંદર ઉત્પન્ન થશે [3] પાણીમાં ફીણ ઉત્પન્ન થશે [4] પૃથ્વીમાં ખાડા પડશે. આ ચારે જણાની વિનંતીથી ઈંદ્રે એમને આમનું નિવારણ આપ્યું. સ્ત્રી રજોગુણમાંથી મુક્ત થતાં પ્રજનન કરી શકશે, વૃક્ષને કાપવાથી ફરી ઊગી શકશે. પૃથ્વી વધુ ઊર્જાવાન બની તેના ખાડા પૂરી શકશે. પરંતુ આ માટે તેમણે આ સપ્તઋષિની પ્રાર્થના કરી અને આ ઋષિઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. કેમકે આ ઋષિઓએ ભાદરવા સુદ પાંચમે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી હોવાથી જે આ દિવસે સપ્તઋષિની પ્રાર્થના કરશે તે પાપમાંથી મુક્તિ પામશે એવું ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું.

      ગઈકાલે ગણેશચતુર્થી હતી. મહારષ્ટ્રમાં ખૂબ જોરશોરથી આ તહેવાર મનાય છે. જોકે આ તહેવાર ભારત દરેક પ્રાંતમાં ઉજવાતો હોય છે. દસ દિવસ ચાલતા આ તહેવાર દરમિયાન લોકો ખૂબ ભક્તિ પૂર્વક શ્રી ગણેશજીનું પૂજન કરતા હોય છે. આ વર્ષે લગભગ 300 કરોડ રૂપિયાનો લોકોએ આ તહેવાર પાછળ ખર્ચ્યો છે. મુંબઈ ગણપતિની મુર્તિની ઊંચાઈ માટે પ્રખ્યાત છે અને પૂના તેના ડેકોરેશન માટે પ્રખ્યાત છે. આ વખતે મુંબઈની ખેતવાડી 12મી ગલ્લીના ગણપતિની મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. પ્રખ્યાત લાલબાગચા રાજા [ગણપતિ]ને અત્યાર સુધી લગભગ 30 કિલો સોનુ ભક્તો તરફથી ચઠ્યુ છે અને મનાય છે કે આ વર્ષે 65 કિલો જેટલું થશે. લાલબાગના ગણ પતિજી અને પૂનાના દગડુશા ગણપતિ ઈચ્છાપૂરક ગણેશ મનાય છે. લોકો ત્યાં ભાવપૂર્વક પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થતાં દર્શનાર્થે જઈ માનતા પૂર્વક ભોગ ધરાવતાં હોય છે.

         હિંદુ ધર્મ પ્રત્યેક શુભકાર્યનાં પ્રારંભે ગણેશજીનું પૂજન કરતાં હોય છે. માતા પાર્વતીજી સેવા અને માતાપિતાની પ્રદક્ષિણાને સર્વોત્તમ તીર્થયાત્રા ગણનાર ગણપતિને ખૂદ શંકર ભગવાને, મનુષ્યના સર્વ કાર્યોની શરૂઆતમાં પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા છે.

     મહારાષ્ટ્રમાં ગણપતિને ‘મોરયા’ કહે છે. એનું મૂળ પૂના પાસેના એક સ્થાનિક દેવતામાં છે. કહેવાય છે કે મોરગાંવના સાધુ, મોરયા, ગણપતિના પરમ ઉપાસક હતા. લોકોએ એમને જ ગણપતિના અવતાર માની લીધા. અને તેથી જ લોકો કહે છે,

‘ગણપતિ બાપ્પા મોરિયા
પોઢચા વર્ષી લૌકર યા.’

ગણપતિ બાપા મોરિયા
આવતા વર્ષે જલ્દી આવજો.

                                                ૐ ગં ગણપતયે નમઃ