એક દિવસ તો આવ પ્રભાત !

                     કારતક વદ સાતમ

આજનો સુવિચાર:- આધ્યાત્મિક શક્તિ વધારવા સૌથી શ્રેષ્ટ સાધન ઉપવાસ છે. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.

માનસરોવરને કિનારે પ્રભાત

એક દિવસ તો આવ પ્રભાત !

એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !

જુગ જુગ થી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માંગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ
  – એક દિવસ

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર- મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ,
  – એક દિવસ

અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે જડિયું:
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ
  – એક દિવસ

અણખીલી મુજ કમલકળી આ,
પડી રાતને હાથ;
આવ, આવ તું ખિલાવ એને : દેને પૂરણ ઘાટ
                                                  – એક દિવસ

                  — પ્રહલાદ પારેખ

                                           ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                          કારતક વદ છઠ્ઠ [પૂ. ડોંગરે મહારાજની પૂણ્ય તિથી]

આજનો સુવિચાર:- કોઈને માટે પગથિયું ન બનીયે તો કાંઈ નહીં પરંતુ ખાડો તો કદાપિ ન બનીએ. તેમાં આપણી માણસાઈ છે.

હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાન ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરત વાળ ખરતાં અટકી જશે.

                                               અજમાવી જુઓ

• આમળા વિટામિન ‘સી’ની ગરજ સારે છે.

• ટ્યૂબમાંથી કલર કાઢ્યા પછીટ્યૂબના મુખ પર થોડું મીણ લગાડવાથી બાકીનો કલર બહાર નહીં આવે.
• બચેલી ચાની સુકી કે ભીની ન હોય એ પત્તીથી ચિકણા વાસણ ઘસવાથી ચિકાશ દૂર થશે.

• શિયાળામાં કોપરેલ શીશીમાં જામી ન જાય તે માટે કોપરેલની શીશીમાં કેસ્ટર ઑઈલનાં થોડા ટીપા નાખવા.

• દૂધને ગરમ કરતી વખતે તેમાં એલચી દાણા નાખવા દૂધ બગડતું નથી.

• બિસ્કિટ બનાવતી વખતે મેંદાને કુણતી વખતે તલનાં તેલથી મસળવો. જેથી બિસ્કિટ કરકરા થશે.

• કાચા ટામેટાને કાંદા સાથે રાખવાથી જલ્દી પાકી જશે.

• શેકેલા પૌંઆનો ચેવડો બનાવવા પૌંઆમાં મીઠું,મરચુ અને હળદર અને તેલ નાખી શેકવા તો પૌંઆ સરળતાથી શેકાઈ જશે.

• ચોખાના લોટની ચકરી બનાવતી વખતે તેમાં મલાઈ કાંતો બટર નાખવાથીચકરી કરકરી બનશે.

• પનીર બનાવ્યા બાદ બચેલા પાણીથી લોટ બાંધવાથી તેનાં પોષક તત્વો જળવાઈ રહેશે.

• ઈંડુ જમીન પર ફૂટે તો તેની પર મીઠું ભભરાવી દેવાથી લાદી બરાબર સાફ થઈ જશે. મીઠું ઈંડુ ચૂસી નાખશે.

• પંખા – ટ્યુબલાઈટ પર થતી ચીકાશ દૂર કરવા કેરોસીનથી લૂછવા.

• દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધ ફાડતી વખતે લીંબુની જગ્યાએ દહીં ભેળવવું.

• ઘરેણા પરના ઘણા અણીદાર દાણા કપડા પરના દોરા ભરાઈ જાય છે. આ દાણાની અણી પર ક્લિયર નેઈલ પૉલિશ લગાડવાથી તેમાં કપડાના દોરા ભરાશે નહીં.

• ડિટર્જંટ પાઉડર અને ચપટી હળદર પાણીમાં નાખી ઉકાળી તેમાં ફક્ત 5 મિનિટ સોનાનાં આભૂષન મૂકી રાખી બ્રશથી ઘસી સાફ કરવાથી ઘરેણા નવા જેવા ચકચકિત થઈ જશે.

• સિલ્કની સાડીને ચમકદાર બનાવવા સાડી ધોયા બાદ તેના છેલ્લા પાણીમાં એક ચમચી ગ્લિસરીન નાખવું.

• ઘી બનાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન નાખવાથી ઘી લાંબ સમય સુધી સુગંધિત રહે છે.

• ચોખાને રાંધતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી ભાત સફેદ અને ફૂલેલા બનશે.

• ફળને ફ્રિજમાં રાખવા કરતાં બહાર રાખવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.

• બચેલી રોટલીને તળી સેવ મમરામાં મિક્સ કરી ખાવાથી ભેળનાં મિક્સરની ગરજ સારશે.

• નાળિયેરની કાચલીને ફ્રિઝરમાં રાખવાથી બગડતું નથી.

• મોંઢામાંથી કાંદાને દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ અને ગુલાબજળનાં મિશ્રણથી કોગળા કરવા.

• કાંદા કાપ્યાં પછી હાથમાં મીઠું રગડવાથી હાથમાંથી કાંદાની વાસ જતી રહેશે.

• બટાટાનાં સૂપમાં થોડું આદુ ઉમેરવાથી સૂપ સ્વાદિષ્ટ બનશે.

• બટાટાને કાપી મીઠાવાળા પાણીમાં રાખવાથી તેનાં વિટામિન જળવાઈ રહેશે.

• વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.

• એલચી ખાવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

• બોરિક પાઉડરમાં થોડી સાકર અને પાણી ઉમેરી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતાં હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.

                                                      ૐ નમઃ શિવાય

જબ V met

આજે કારતક સુદ પૂનમ [ત્રિપુરારી પૂનમ, નાનક જયંતી]

આજે તો સુવિચાર તો આપે અમને આપવાનો છે.

આજે હેલ્થટીપ્સ પણ આપે અમને આપવાની છે

કારણ

જબ V met

[rockyou id=92236133&w=426&h=319] 

40 વર્ષ પહેલા

    અમે મળ્યાં. એ જમાનામાં લવ મેરેજનો વિચાર મુશ્કેલ ન હતો પણ વડીલોને સ્વીકારવાનું અઘરૂં હતું. પણ પછી એક સમય એવો આવ્યો કે વડીલો તૈયાર થઈ ગયાં અને પરિણામે 24/11/1968માં લગ્ન થઈ ગયાં.

જબ V met

1971માં કવનનો જન્મ થયો. અને અમે ખૂશખૂશાલ અને કુટુંબનું પણ પ્રથમ પુષ્પ. એટલે ચોમેર આનંદ ઉલ્હાસનું વાતાવરણ. ત્યાર બાદ 1974માં તપનનો જન્મ. બંને ભાઈઓ વચ્ચે ખૂબ તાલમેલ. બંને સાથે સાથે મોટા થયાં

જબ V met

25મો લગ્ન દિવસ પણ ધામધૂમથી ઉજવાયો. 1993માં કવન ઑસ્ટ્રેલિયા વધુ ભણતર માટે ગયો. 1996માં કવન ને બીનાનાં લવમેરેજ થયાં. આટલા વર્ષ પછી લવમેરેજનું વિરોધ વગરનું લગ્ન.

જબ V met

1997માં તપન પણ અમેરિકા વધુ અભ્યાસ માટે રવાના થયો. 1999માં તપન અને શીતલનાં લવમેરેજ થયાં. આમ અમારા લવમેરેજની પ્રથા મારા બાળકોમાં કાયમ રહી. ત્યારબાદ તો કુટુંબની વૃદ્ધિ.

જબ V met

કવન,બીના, પૂજા, જીષા

તપન,શીતલ,ઈશ,રીચા.

અમારા સૌ વતી સહુને

                                              ૐ નમ: શિવાય

આજનો SMS

આજે કારતક સુદ બારસ [તેરસનો ક્ષય]

આજનો સુવિચાર:- સમાજને સુશિક્ષિત, નીડર,ચારિત્ર્યવાન                અને  સ્વાવલંબી નારીઓની જરૂરત છે જે સમાજ માટે પ્રેરણારૂપ બની શકે. — મનુમહારાજ

હેલ્થ ટીપ્સ:- આંબાના સૂકાફૂલોનું ચૂર્ણ ગમે તેવો જુનો મરડો મટાડે છે.

આજનો SMS

યે દુનિયા એક બગીચા હૈ
જિસમેં હમ એક ફૂલ હૈ
ઔર આપ ભી એક ફૂલ હૈ
ફર્ક સિર્ફ ઈતના હૈ કી
હમ હિંદીમેં ‘ફૂલ’ હૈ
ઔર આપ ઈંગ્લિશમેં ‘ફૂલ’ હૈ

ૐ નમઃ શિવાય

દેવ ઊઠી અગિયારસ

કારતક સુદ એકાદશી [દેવ ઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશી]

આજનો સુવિચાર:- દુનિયામાં સતત દુખઃને યાદ અપાવનાર મોજુદ હોય છે, તેથી પરિવારની છેલ્લી વ્યક્તિ જીવે ત્યાં સુધી વેરભાવના ટકી રહે છે. — મહાભારત

હેલ્થ ટીપ્સ :- રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવશે.

આજથી પાંચ દિવસ સુધી દેવદિવાળીનું પર્વ ગણાય છે. આજે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાય છે.
આજથી પાંચ દિવસ સુધી ભીષ્મપિતામહે બાણશૈયા પર સૂતા સૂતા રાજધર્મ, વર્ણધર્મ, દાનધર્મ અને મોક્ષધર્મનો મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યો હતો. આથી આજથી પાંચ દિવસ ‘ભીષ્મ પંચક’ તરીકે ઓળખાય છે.

ભજન

હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની

રેતીએ પ્રેમની લાવી હું તોલાવી સ્નેહની ઈંટો
રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ઈંટો
દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની

માનવતણાં ફળીયે મેં બોલાવ્યા મેં દેવોને
સતસંગને અપનાવીને છોડીને કુટેવોને
હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની
ધજાઓઅ ફરકાવી દઉં હરિ તારા ધામની

કવિ:- ?

                                       ૐ નમઃ શિવાય

આરતી

                  કારતક સુદ દસમ

આજનો સુવિચાર:- અંદર, બહાર, અણુ પરમાણુમાં,સર્વ જગ્યાએ, સર્વ કાળે જગદીશની હાજરીનો અનુભવ કરતા રહેવાથી પાપ કરવાનો કે અસ્વસ્થ થવાનો પ્રસંગ જ નથી આવતો. પ્રભુ સર્વ વ્યાપી છે.

હેલ્થ ટીપ્સ :- તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે.

 

                                 આરતી

જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા
મોહન મોરલીવાળા [2] ગોપીના પ્યારા
– ૐ જય કાના કાળા

કામણગારા કાના, કામણ બાહુ કીધાં – પ્રભુ [2]
માખણ ચોરી મોહન [2] ચિત્ત ચોરી લીધા
– ૐ જય કાના કાળા

નંદ યશોદા ઘેર, વૈંકુંઠ ઉતારી –પ્રભુ [2]
કાલીય મર્દન કીધાં [2] ગાયોને ચારી
– ૐ જય કાના કાળા

ગુણ તણો તુજ પાર, કેમે નહીં આવે – પ્રભુ [2]
નેતિ વેદ પુકારે [2] પુનિત શું ગાવે ?
– ૐ જય કાના કાળા

                    આરતી

આનંદ મંગળ કરૂં હું આરતી હરિ
ગુરુ સંતની સેવા – [2]

પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો [2]
સુંદર સુખડા દેવા – વ્હાલા – [2]
— આનંદ મંગળ

મારે આંગણિયે તુલસીનો ક્યારો [2]
શાલિગ્રામની સેવા — વ્હાલા – [2]
આનંદ મંગળ

સકળ તીરથ મારા ગુરુજીને ચરણે—[2]
ગંગા જમુના રેવા – વ્હાલા—[2]
— આનંદ મંગળ

સંત મળે તો મહાસુખ થાયે –[2]
ગુરુજી મળે તો મેવા –વ્હાલા—[2]
આનંદ મંગળ

અધમ ઉધ્ધારણ ત્રિભુવન તારણ – [2]
આવો દરશન દેવા – વ્હાલા – [2]
— આનંદ મંગળ

સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ –[2]
નારદ શારદ જેવા – વ્હાલા – [2]
આનંદ મંગળ

કહે પ્રીતમ ઓળખો એ ધણીને – [2]
હરિનાં જન હરિ જેવા – વ્હાલા – [2]
— આનંદ મંગળ

                                       ૐ નમઃ શિવાય

કૈલાસયાત્રીઓને સંબોધતા પૂ. સ્વામીજી તદ્રુપાનંદજી

                               કારતક સુદ નોમ

આજનો સુવિચાર:- અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
                                તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
                                કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
                               પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.

હેલ્થ ટીપ્સ :- જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે.

પૂ. સ્વામીજી તદ્રુપાનંદજી કૈલાશયાત્રીઓને સંબોધતા કહે છે કે………..

યાત્રા દરમિયાન આવતા હિમાલયના રસ્તા.

                                                         ૐ નમઃ શિવાય

રંગોળી

              આજે કારતક સુદ સાતમ [જલારામ જયંતી]

  આજનો સુવિચાર:- જીવન સામાન્ય જ્ઞાન નથી, પણ સામાન્ય સમજથી જીવવાનું હોય છે. આપત્તિનો સામનો જેમ સામાન્ય સમજ એટલે કે કોઠાસૂઝ કામ લાગે છે તેમ જીવનમાં સામાન્ય જ્ઞાન જરૂરી છે.   

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે.       

આજે સૂર્ય છઠ્ઠનો અંત અર્ઘ્ય આપીને પૂર્ણ થાય છે. ઉત્તરભારતમાં આ છઠ્ઠનું ખૂબ મહત્વ છે. આજથી ચોખાના પાકની લણણી શરૂ થાય છે. અને શેરડીનાં તાજા રસથી નવો ગોળ બનાવવાની શરૂઆત થાય છે. સૂર્યને અર્ઘ્ય આપી આની શરૂઆત થાય છે.        

      કારતક સુદ સાતમના દિવસે લોકસંત જલારામ બાપાનો વીરપુર ખાતે જન્મ થયો હતો. સંસારી હતાં છતાં સંસારથી અળગા હતા. તેમને આંગણે આવતા કોઈપણ અતિથિને રામ સ્વરૂપ માનીને રોટલા પાણીની વ્યવસ્થા કરતા. એમના રોમ રોમમાં સાધુ-ભક્તિ અને પ્રાણી-ભક્તિ વસી હતી. સર્વત્ર સર્વમાં પ્રભુનાં દર્શન કરનારા જલારામબાપાને સાધુઓ યોગીઓ પ્રણામ કરતા. 23-2-1881માં 82 વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. 

                         આજે લાલા લજપત રાયની પુણ્યતિથિ. 

નાનપણથી જ મને રંગોળીનો શોખ. મારી મોટી બહેનો પાસેથી શીખી હતી. સાસુએ મારા એ શોખને ખૂબ શોખથી ઉત્સાહિત કરી હતી. હવે તો જ્ગ્યાના અભાવે રંગોળી પૂરી નથી શકતી. નમૂનારૂપે થોડા ફોટાઓ રજુ કરુ છુ. 

[rockyou id=91348504&w=426&h=320]

 

 

 

 

                           

 

                            ૐ   નમઃ   શિવાય

તો મેળવો તમારા સાચા જવાબો

                               કારતક સુદ છઠ

આજનો સુવિચાર:- હાસ્ય એ ફૂલ જેવું છે પરંતુ જેમ સુગંધ વિનાનું ફૂલ કોઈ પસંદ નથી કરતું તેમ લુખ્ખું હાસ્ય કોઈને પસંદ નથી કરતું. હાસ્યમાં એક પ્રકારની સૌરભ હોવી જોઈએ. ક્યારેક નિર્ભેળ હાસ્ય પણ દવાનું કામ કરે છે. — ઈશ્વર પેટલીકર

હેલ્થ ટીપ્સ :- અઠવાડિયામાં એક વખત 15 થી 20 મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે.

        આજે નિગ્રો નાગરિકોના અધિકારો માટેની લડતના અહિંસક આગેવાન, શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનાર માર્ટિન લ્યુથર કિંગનો જન્મદિવસ 17-11-1929. પોતે ધર્મગુરૂ હતા. પિતા પાદરી હતા. ‘LOVE YOUR ENEMIES’ એ એમનું જીવન સૂત્ર હતું. નીગ્રો મહિલાને ચાલુ બસમાંથી ઉતારી દેવાને કારણે તેમણે 382 દિવસનો બસનો બોયકોટ કર્યો હતો. નોબેલ પ્રાઈઝ સ્વીકારતા તેમણે કહ્યું હતું કે,’હું નિગ્રો લોકોના વર્ણદ્વેષથી થતા અન્યાયનો અંત લાવવા મથું છું. દલિત પીડિત નાગરિકોના હક્ક માટે આ પારિતોષક સ્વીકારું છું.’

તો મેળવો તમારા સાચા જવાબ

1] પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમા વર્ષના અજ્ઞાતવાસ બાદ ક્યારે હસ્તિનાપુર પધાર્યા?

દિવાળીને દિવસે

2] રામનો રાજ્યાભિષેક ક્યારે થયો?

  દિવાળીને દિવસે


3] મહાવીર સ્વામી ક્યારે નિર્વાણ પામ્યા?

  દિવાળીને દિવસે

4] કાળી ચૌદસના દિવસે કોની પૂજા કરવામાં આવે છે?

  હનુમાનની

5] આસો વદ અગિયારસને કઈ અગિયારસ કહે છે?

  રમા એકાદશી

6] દિવાળીના દિવસે કોનું પૂજન કરવામાં આવે છે?

  શારદાનું પૂજન થાય છે.

7] કાળીચૌદસને કઈ ચતુર્દશી કહેવાય છે?

નરક ચતુદર્શી

8] મીઠાને સબરસની ઉપમા કોણે આપી?

  શ્રી કૃષ્ણે

9] ભાઈબીજના દિવસે કયા રાજા યમુનાજીને ઘરે જમવા આવ્યાં હતા?

  યમરાજા

10] વેપારીઓ નવા વર્ષના ચોપડા કયા નક્ષત્રમાં ખરીદે છે?

  પુષ્ય નક્ષત્ર

11] ધનતેરસના દિવસે કોની જયંતી મનાવવાય છે?

  ધનવંતરિની જયંતી મનાવાય છે.

12] નૂતનવર્ષના દિવસે કોની પૂજા થાય છે?

  ગોવર્ધન પૂજા

                                        ૐ નમઃ શિવાય

બાળદિન

કારતક સુદ ચોથ [બાળદિન]

આજનો સુવિચાર:- Child is the father of man. – William Wordsworth

હેલ્થ ટીપ્સ :- દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે.

આજે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન છે જે બાળદિન તરીકે ઉજવવાય છે.

ઝરણું

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.
ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.
ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,
ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય
ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

—- ઉમાશંકર જોષી

ઝાકળનું બિંદુ

ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયું બેઠું’તું:
એકલવાયું બેઠું’તું ને
સૂરજ સામે જોતુ’તુ;
સૂરજ સામે જોતુ’તું ને
ઝીણું ઝીણું રોતું’તું:

“સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા !
હું છું ઝીણું જલબિંદુ;
મુજ હૈયે તમને પધરાવું
શી રીતે, હે જગબંધુ !”

“તમે દૂર વાદળમાં વસતા,
સાત અશ્વને કરમાં કસતા,
બ્રહ્માંડોની રજ રજ રસતા
ઘૂમો છો, બંધુ !
તમ વો’ણું મુજ જીવન સઘળું
અશ્રુમય હે જગબંધુ !”

“જલબિંદુ રે જલબિંદુ !
ઓ નાજુક ઝાંકળબિંદુ !”
સૂરજ બોલે : “સુણ, બંધુ !
હું તો ત્રિલોકમાં ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,

ગગને રમનારો:
તેમ છતાં હું તારો તારો,
 હે ઝાકળબિંદુ!

તોય મને વા’લું વા’લું,
બાળાભોળા જળબિંદુ !
 તુજ હૈયે હું પોઢી જાણું,
હે ઝાકળબિંદુ !

તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઈંદ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિંદુ !

તુજ જીવનમાં પ્રકાશ વાવું,
તુજ અશ્રુને હાસ્ય બનાવું’
 હે નાજુક બિંદુ !”

હસતે મુખડે સૂરજરાણા
જલબિંદુમાં જઈ સમાણા:
રુદનભર્યા જીવનમાં ગાણાં
ગાઈ રહ્યું ઝાકળબિંદુ !

[રવીંદ્રનાથ ઠાકુરના “પ્રસાદ’ના અંગ્રેજી પરથી]


  — ઝવેરચંદ મેઘાણી

                                                    ૐ નમઃ શિવાય