નવા વરસની ડાયરી

                 કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- વૃદ્ધ એટલે વધી ગયેલો.માણસ જ્ઞાન, પ્રેમ, ભાવ, અનુભવ વગેરેથી વધવો જોઈએ. ખાલી ઉંમરથી વધવુ એ અસ્તિત્વ, જ્યારે વિકાસથી વધવું એનું જ નામ જીવન.

હેલ્થ ટીપ્સ :- નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.

નૂતન વર્ષાભિનંદન

નવા વરસની ડાયરી માટે કવિશ્રી વિપિનભાઈ પરીખ શું કહે તે જોઈએ.

તા. 1લી હોય જાન્યુઆરીની કે 31મી છેલ્લી
 ડીસેમ્બરની

શરદપૂનમની હોય કે રાત વસંતપંચમી કે
ઝગમતી ક્રિસમસની

કે હોય કોઈની જન્મતિથિ
સાંજે છ વાગ્યે ‘હેવમોર’ માં ને બપોરે ‘ટી સેંટર’ પર

સાચું પૂછો તો
કોઈ ’એપોઈંટમેંટ’ હોતી નથી હવે
 કોરાં રહે છે બધાં જ પાનાં છેવટ સુધી રાખું છું
સાથે
તમારી પાસે નવા વરસની ડાયરી આવી છે?

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ભૂકંપ થયેલો. ધરતીકંપની તાકાત પર ‘શ્રી ગુણવંતભાઈ શાહ’ની લખેલું કાવ્ય ટાંકવાનું યાદ આવ્યું.

ધરતીકંપની તાકાત

ધરતીકંપની તાકાત
જેવી તેવી નથી હોતી.
એ કોમવાદને પિગળાવી શકે,
કટ્ટરતાને ઓગળાવી શકે,
મોહને ઢીલોઢસ કરી શકે,
લોભને બકરી ‘બેં’ બનાવી શકે
દ્વેષને ઠંડોગાર કરી શકે
ભેદભાવને ભગાડી શકે
ઈર્ષાને ડીપ ફ્રીજમાં મૂકી શકે,
અને વૈરાગ્યને જગાડી શકે.
ધરતીકંપ આપણી ચેતનાને
ઢંઢોળી શકે છે.
કદાચ એવું પણ બને
કે

એક માણસ બીજા માણસને
કેવળ ‘માણસ’ તરીકે જોતો થઈ જાય.
ચમત્કારો આજે પણ બને છે !

                           ૐ નમઃ શિવાય

Leave a comment