નવા વરસની ડાયરી

                 કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- વૃદ્ધ એટલે વધી ગયેલો.માણસ જ્ઞાન, પ્રેમ, ભાવ, અનુભવ વગેરેથી વધવો જોઈએ. ખાલી ઉંમરથી વધવુ એ અસ્તિત્વ, જ્યારે વિકાસથી વધવું એનું જ નામ જીવન.

હેલ્થ ટીપ્સ :- નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.

નૂતન વર્ષાભિનંદન

નવા વરસની ડાયરી માટે કવિશ્રી વિપિનભાઈ પરીખ શું કહે તે જોઈએ.

તા. 1લી હોય જાન્યુઆરીની કે 31મી છેલ્લી
 ડીસેમ્બરની

શરદપૂનમની હોય કે રાત વસંતપંચમી કે
ઝગમતી ક્રિસમસની

કે હોય કોઈની જન્મતિથિ
સાંજે છ વાગ્યે ‘હેવમોર’ માં ને બપોરે ‘ટી સેંટર’ પર

સાચું પૂછો તો
કોઈ ’એપોઈંટમેંટ’ હોતી નથી હવે
 કોરાં રહે છે બધાં જ પાનાં છેવટ સુધી રાખું છું
સાથે
તમારી પાસે નવા વરસની ડાયરી આવી છે?

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ભૂકંપ થયેલો. ધરતીકંપની તાકાત પર ‘શ્રી ગુણવંતભાઈ શાહ’ની લખેલું કાવ્ય ટાંકવાનું યાદ આવ્યું.

ધરતીકંપની તાકાત

ધરતીકંપની તાકાત
જેવી તેવી નથી હોતી.
એ કોમવાદને પિગળાવી શકે,
કટ્ટરતાને ઓગળાવી શકે,
મોહને ઢીલોઢસ કરી શકે,
લોભને બકરી ‘બેં’ બનાવી શકે
દ્વેષને ઠંડોગાર કરી શકે
ભેદભાવને ભગાડી શકે
ઈર્ષાને ડીપ ફ્રીજમાં મૂકી શકે,
અને વૈરાગ્યને જગાડી શકે.
ધરતીકંપ આપણી ચેતનાને
ઢંઢોળી શકે છે.
કદાચ એવું પણ બને
કે

એક માણસ બીજા માણસને
કેવળ ‘માણસ’ તરીકે જોતો થઈ જાય.
ચમત્કારો આજે પણ બને છે !

                           ૐ નમઃ શિવાય

તો લખો સાચા જવાબ !

                            કારતક સુદ બીજ [ભાઈ બીજ]

આજનો સુવિચાર:-. જ્ઞાન વિનાનો વાદવિવાદ નકામો છે.

હેલ્થ ટીપ્સ :- મન ખૂબ સ્ટ્રેસમાં હોય તો ઊંડા શ્વાસ લો જેથી મન હળવું બનશે.

                                              નૂતન વર્ષાભિનંદન

        ભાઈ બહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈ બીજનો દિવસ. આપણા ધર્મમાં બે મૈયા કહેવાય છે. એક કૃષ્ણની પાલકમાતા ‘યશોદા મૈયા’ અને બીજી ‘યમુના મૈયા’. યમુનાજી યમરાજના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપેલું કે જે ભાઈ બહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને ‘યમ’ યાતનામાંથી મુક્તિ મળશે. આમ ભાઈબીજનો દિવસ એ યમુના સ્નાનનો દિવસ ગણાય છે.

                              જવાબ શોધી જણાવો

1] પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમા વર્ષના અજ્ઞાતવાસ બાદ ક્યારે હસ્તિનાપુર પધાર્યા?

2] રામનો રાજ્યાભિષેક ક્યારે થયો?

3] મહાવીર સ્વામી ક્યારે નિર્વાણ પામ્યા?

4] કાળી ચૌદસના દિવસે કોની પૂજા કરવામાં આવે છે?

5] આસો વદ અગિયારસને કઈ અગિયારસ કહે છે?

6] દિવાળીના દિવસે કોનું પૂજન કરવામાં આવે છે?

7] કાળીચૌદસને કઈ ચતુર્દશી કહેવાય છે?

8] મીઠાને સબરસની ઉપમા કોણે આપી?

9] ભાઈબીજના દિવસે કયા રાજા યમુનાજીને ઘરે જમવા આવ્યાં હતા?

10] વેપારીઓ નવા વર્ષના ચોપડા કયા નક્ષત્રમાં ખરીદે છે?

11] ધનતેરસના દિવસે કોની જયંતી મનાવવાય છે?

12] નૂતનવર્ષના દિવસે કોની પૂજા થાય છે?

                         

                                     તો લખો સાચા જવાબો.

                                      ૐ નમઃ શિવાય

કાળી ચૌદસ

           આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- જે ઘરમાં દીકરીની અવગણના થતી હોય તે ઘરમાં ધનતેરસનું પૂજન અધુરૂ ગણાય છે.

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં ત્વચાના સૌંદર્ય અને અદભૂત નિખાર માટે તેલમાલિશ સર્વશ્રેષ્ઠ છે.

    દિવાળીને દિવસે પાવાપુરીમાં મહાવીર સ્વામીનું નિર્વાણ થયુ હતુ. ધનતેરસનો પછીનો દિવસ ‘કાળી ચૌદસ’ અથવા ‘નરક ચતુર્દશી’ના નામે ઓળખાય છે. જુનવાણી લોકો આ દિવસે દહીંવડા બનાવી જાહેર રસ્તા પર પાણીનું કુંડાળું કરી વચમા દહીં વડા મૂકી પાછળ જોયા વગર કકળાટ બહાર કાઢ્યાનો સંતોષ માની ઘરે પાછા ફરે છે. આ દિવસે મહાવીર સ્વામીએ સોળ પ્રહર સુધીનો પ્રવચનશ્રેણીનો પ્રારંભ કર્યો હતો તેથી આ દિવસ ‘રૂપ ચૌદશ’ તરીકે ઓળખાય છે.

    પૌરાણિક કથા મુજબ ‘નરકાસુર’ નામના એક અસુર રાજાએ ચોમેર હાહાકાર મચાવ્યો હતો. તેણે લક્ષ્મીજી સહિત ઈંન્દ્રને અને 16,000 રાજકન્યાઓને કેદ કરી રાખ્યાં હતા. દેવોની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની નીડર પરાક્રમી પત્ની સત્યભામાને લઈને નરકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. નવદુર્ગા માતાજીએ સત્યભામાને વજ્ર જેવી શક્તિ પ્રદાન કરી. નરકાસુરની સાથે તુમુલ યુદ્ધ કરી તેનો વધ કર્યો. 16,000 રાજકન્યા સાથે ઈંદ્ર અને લક્ષ્મીજીને મુક્ત કર્યાં. ત્યારથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઑળખાય છે. નરકાસુરે મરતાં પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે વર્દાન માંગ્યું કે મારા અભિમાન અને અજ્ઞાનમાં અજવાળાં પાથરવા લોકો દિવડા પ્રગટાવી આનંદ ઉત્સવ ઊજવે. અને બીજે દિવસે લોકોએ દીવડા પ્રગટાવી મોટો ઉત્સવ ઉજવ્યો જે દિપાવલીના નામે પ્રખ્યાત થયો.

       બીજી કથા અનુસાર ભગવાન રામજી દશેરાને દિવસે લંકેશ્વર રાવણનો વધ કરી અયોધ્યા પાછા ફર્યાં. તે દિવસ આ કાળી ચૌદસનો દિવસ હતો. અંધારી રાત હોવાથી લોકોએ તેમનો સત્કાર દીવડા પ્રગટાવી સ્વાગત કર્યું હતું અને દિવાળીને દિવસે શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો હતો.

        ત્રીજી કથા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતારમાં બલિરાજા પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી હતી. અને ત્રીજા ડગલે બલિરાજાને નરકમાં પહોંચાડી દીધો હતો. એ દિવસ આસો વદ અમાસનો હતો.. દિપાવલીનો દિવસ હતો. બલિરાજાનાં આ સમર્પણની સ્મૃતિ રૂપે ત્રણ અહોરાત્રી રૂપે ઊજવાય છે.

                       આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ

                                   ૐ નમઃ શિવાય

ધનતેરસ

આસો વદ તેરસ ધનતેરસ [ધનવંતરી પૂજન , લક્ષ્મીપૂજન]

  

આજનો સુવિચાર:- શ્રદ્ધા માટે પુરાવાની જરૂરત નથી હોતી.

  

હેલ્થ ટીપ્સ :- અજમો એક એવો મસાલો છે જે અનેક પ્રકારનાં અન્નને પચાવે છે.

ધનતેરસની શુભેચ્છાઓ

                                                         

                                           ૐ  નમઃ શિવાય

મહાસાગર

                                     આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- સફળતા અને પ્રસન્નતા એ બેમાંથી પસંદગી કરવાની હોય તો પ્રસન્નતાની પસંદગીમાં ઉતારવામાં સાચી બુદ્ધિમત્તા છે.

હેલ્થ ટીપ્સ :- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પર્માત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપન કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.

હું શાળામાં ભણતી હતી ત્યારે મહાસાગરનું આ કાવ્ય શીખી હતી અચાનક મળી જતાં લખવાનું મન થઈ ગયું.

મહાસાગર  

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

કવિશ્રી:- ત્રિભુવનદાસ વ્યાસ

                                              ૐ નમઃ શિવાય

ચિંતન

                        આસો વદ દસમ
આજનો સુવિચાર:- કામ વગરનું મન હંમેશા વ્યક્તિમાં રહેલા દોષોને જ શોધતું હોય છે. વ્યક્તિ ‘બીજાએ શું કરવું જોઈએ’ એ વિષે આખી જિંદગીમાં લોકો સેંકડો કલાક બોલે છે, પરંતુ ‘પોતે શું કરવું જોઈએ’ એ વિચારવાની તેને એક મિનિટની ફુરસદ હોતી નથી.

હેલ્થ ટીપ્સ:- અળસીનો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

આજનો એસ.એમ.એસ. :-

       જ્યારે કાંઈ અજુગતું થયું હોય અને હૃદય ખિન્નતાથી ભરાએ ગયું હોય અને આંખમાંથી આંસુ વહેતાં હોય ત્યારે હંમેશા 3 વાત યાદ કરો.

1] ભગવાનને યાદ કરો.

2] તમારા માતા પિતાને યાદ કરો

3] તમારી રોજની પ્રાર્થના યાદ કરો

GOOD LUCK & GOD BLESS YOU………..

                                

                          ૐ નમઃ શિવાય

હેલ્થટીપ્સ

                             આસો વદ સાતમ

આજનો સુવિચાર:- જેમ કાદવમાં પડેલું સોનુ કાઢી લેવું જોઈએ તેમ જ દુર્જનમાં રહેલો ગુણ શોધી અપનાવવો જોઈએ.

                    અત્યાર સુધી લખાયેલ કેટલીક હેલ્થટીપ્સ

હેલ્થ ટીપ્સ:- રાતના ગરમમાં એક ચમચી શુદ્ધ ઘી નાખી પીવાથી એસીડીટી પર રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:-ઈસબગુલનું સેવન પેટ તો સાફ રાખે છે તે ઉપરાંત શ્વસન રોગમાં ઉપયોગી છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.

હેલ્થ ટીપ્સ:- સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.

હેલ્થ ટીપ્સ:- મોંમા થોડો વખત મધ રાખી કોગળા કરવાથી મોંમા પડતા છાલા પર રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે.

હેલ્થ ટીપ્સ:- તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

હેલ્થ ટીપ્સ:- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.

હેલ્થ ટીપ્સ:- ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબુમાં રાખે છે, આર્થારાઈટીસના દુઃખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે.

હેલ્થ ટીપ્સ:- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર

હેલ્થ ટીપ્સ:- આંસુને વહેવા દો. તેનું દમન, ભય, ક્રોધ,ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે.

હેલ્થ ટીપ્સ:- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.

હેલ્થ ટીપ્સ:- હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો.

હેલ્થ ટીપ્સ:- નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે.

હેલ્થ ટીપ્સ:- ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડીસાકર સાથે પલાડીને તેને ચાવીને ખાવાથી [સાથે જેમાં પલાડેલું પાણી પણ પી જવું] રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.

હેલ્થ ટીપ્સ:-ગરમી ઋતુમાં ફુદીનો પૌષ્ટિક છે.તે શરીરને ઠંડક પહોંચાડે છે. છાશ, દહીં અને રોટીમાં ફુદીનાનો ઉપયોગ હિતાવહ છે.

હેલ્થ ટીપ્સ:- સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાઉડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ, મધ અને ગુલાબ જળ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવાથી ઉત્તમ ફેસપેક થશે.

હેલ્થ ટીપ્સ:-ભમ્મર પર થોડો ભાર દઈને અંદરથી બહારની તરફ માલિશ કરવાથી થાક ઉતરી જાય છે.

હેલ્થ ટીપ્સ:- તાવ ઉતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ. પરસેવો વળશે તો તાવ ઉતરશે.

હેલ્થ ટીપ્સ:-ભૂખ ન હોવા છતાં ખાવું અને ચાવ્યા વગર ઝડપથી ખાવું એ રોગોને નોતરું આપવાનું કામ કરે છે.

હેલ્થ ટીપ્સ:- સ્થૂળતા ઘટાડવા માટે ગાજર, ટામેટાં તથા કાકડીના રસનું સેવન કરો.

હેલ્થ ટીપ્સ:- ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોની બળતરા ઓછી થાય છે.

હેલ્થ ટીપ્સ:- પાંચ બદામને પલાડી, વાટીને ચહેરા પર લગાડી 15 મિનિટ સૂકાવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો ભેજ અને તેલનું સમતુલન રહેશે.

હેલ્થ ટીપ્સ:- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.

હેલ્થ ટીપ્સ:- કારેલાથી તાવ,ઉધરસ, ચામડીને લગતા રોગો,એનિમિયા, ડાયાબિટીસ તેમજ કૃમિ પર લાભદાયક છે.

હેલ્થ ટીપ્સ:- લોક આયુર્વેદ – હૃદય રોગમાં અર્જુન ઝાડની છાલનો કવાથ ઉત્તમ છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે.

હેલ્થ ટીપ્સ:- સફરજનનો રસ અને કેળાનું સેવન અસ્થમા અટકાવે છે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચી મેંદાની થોડાક કાચા દૂધમાં ઓગાળી પેસ્ટ બનાવી પીઠ પર લગાડો. 10 મિનિટ પછી ધોઈ કાઢો. મેંદો ખભા અને પીઠનો જામેલા મેલને દૂર કરશે.

હેલ્થ ટીપ્સ:- નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે.

હેલ્થ ટીપ્સ:- વિનેગરના ઉપયોગથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ લોહીમાં રહેલી સુગરને રોકવામાં મદદ કરે છે તેમજ અપચાની તકલીફ દૂર કરે છે.

હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.

હેલ્થ ટીપ્સ:- છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા [અતિસાર] પર રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- મેક અપ કરતાં પૂર્વે હાથ મોં બરાબર ધોવા અને બીજાનો મેક અપ ઉપયોગમાં લેવો નહીં.

હેલ્થ ટીપ્સ:- નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે.

હેલ્થ ટીપ્સ:- જામફળનો ઉપયોગ હૃદય અને જઠરને બળ આપે છે.

હેલ્થ ટીપ્સ:- જામફળનો વધુ પડતો ઉપયોગ પેટમાં ગરબડ ઉત્પન્ન કરે છે. કાચા જામફળ ખાવાથી પેટમાં અજીર્ણ કરે છે.

હેલ્થ ટીપ્સ:- જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંઢા પરના ડાઘા ઓછા થાય છે.

હેલ્થ ટીપ્સ:- નાગરવેલનાં પાનને બાળકની છાતી ઉપર મૂકી કપડાંના ગોટાનો શેક કરવામાં આવે તો છાતીનો કફ છૂટો પડી ઉધરસ બેસી જશે.

                                                   ૐ નમઃ શિવાય