તલની ચીકી

                         આજે પોષ સુદ ચોથ

આજનો સુવિચાર:- ઈશ્વરનું કામ કરનારો એકલવીર ક્યારેય એકલો હોતો નથી.

હેલ્થ ટીપ્સ:- અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે.

તા. 14 જાનુઆરી એટલે મકર સંક્રાંતીનો દિવસ. મહારાષ્ટ્રમાં આ ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. સ્ત્રીઓ એકબીજાને મળે છે. કપાળે કંકુ ચોખા લગાડે છે અને તલનાં લાડુ એકબીજાને આપી કહે છે.

તીલગુળ ગ્યા આણી ગોડ ગોડ બોલા

એટલે તલનાં લાડુ ખાઓ અને મીઠું મીઠું બોલો..

આજે આપણે તલની ચીકી બનાવીએ.

[મુંબઈ સ્થિત શ્રીમતી રત્નાબેન કડકિયાએ આ તલની ચીકીની રીત આપી એ બદલ મેઘધનુષ આભારી છે.]

તલની ચીકી

સામગ્રી:-

2   વાડકી શેકેલા તલ
1   વાડકી પાણી
1   વાડકી ગોળ

રીત :-

પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો..
આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
આડણી ઉપર પ્લાસ્ટિક પાથરી આ ગોળાને પાતળા વણવા.
આ વણતા વણતા જ ઠંડા પડી જશે.
ત્યાર બાદ તેના પીઝા કટરથી કટકા કરવા.

તો આપણી તલની ચીકી તૈયાર.

આ રીતે શેકેલી શીંગના બારીક ભૂકાની ચીકી બનાવી શકાય છે. તો ચાલો મકર સંક્રાંતિ માટે ચીકીની તૈયારી કરીએ.

[મુંબઈ સ્થિત શ્રીમતી અરુણાબેન શાહે તલનાં પેંડા અને ખજૂર પાક બનાવવાની રીત મોકલી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

તલનાં પેંડા

 

સામગ્રી:-

100 ગ્રામ શેકેલા તલ

100 ગ્રામ માવો

50 ગ્રામ ઝીણો સમારેલો ગોળ

થોડું ઘી

રીત:-

ઘીમાં ગુલાબી તેટલો માવો શેકવો.
આ શેકાઈ ગયેલા માવામાં ઝીણો સમારેલો ગોળ ભેળવવો.
ગોળ પીગળે ત્યારે તેમાં શેકેલા તલ નાખી હલાવવું.
ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો..
જેવું આ મિશ્રણ જેવું ઠંડુ પડવા માંડે ત્યાએ તેનાં નાના પેંડા આકારનાં ગોળા વાળવા.

તો આપણાં પેંડા પણ તૈયાર થઈ ગયા.

અત્યારે ઠંડી ઋતુ છે. આ ઋતુમાં આપણે આખા વર્ષની શક્તિ મેળવી લેવી જોઈએ. તો ચાલો આપણે એવો જ એક પાક બનાવીએ. અને પાછો ડાયેટ છે એટલે ડાયબીટીસવાળાઓ પણ ખાઈ શકશે.

ડાયેટ ખજૂરપાક

સામગ્રી:-

250 ગ્રામ નરમ કાળુ ખજૂર
3 નંગ સૂકા અંજીર [option]
થોડું ઘી
1 ચમચો બદામ પીસ્તાનો ભૂકો
1 નાનો ચમચી સૂંઠનો પાઉડર
કાજૂ અથવા બદામ [અડધા કરેલા બદામની છાલ કાઢી લેવી]
ચાંદીનો વરખ [optional]

રીત:-


આ ખજૂરનાં ઠળિયા કાઢી લેવાં અથવા તો ઠળિયા વગરનાં ખજૂર લેવાં.
આ ખજૂરને સમારી થોડા ઘીમાં શેકી લેવુ.
 જો અંજીર પણ નાખવા હોય તો તેને પણ ઝીણા સમારી ઘીમાં શેકી લેવાં
નરમ પડે તેમાં બદામ પીસ્તાનો ભૂકો અને સૂંઠનો પાઉડર ભેળવી દો.
મિશ્રણ ઠરે ત્યારે તેનાં લંબગોળ ગોળા [કટલેસ જેવા] બનાવો.
તેની વચ્ચે કાજુ અથવા બદામ મૂકો.
જો ચાંદીનો વરખ લગાડવો હોય તો કાજુ કે બદામ નહીં લગાડાય.

                                            ૐ નમઃ શિવાય