ગણેશ જયંતી

આજે મહા સુદ ચોથ [માઘી ગણેશ ચતુર્થી]

આજનો સુવિચાર:- જ્યાં દેવો પગ મૂકતાં ડરે છે ત્યાં મૂર્ખ સીધો પહોંચી જાય છે.

હેલ્થ ટીપ્સ:- મૂત્રમાર્ગમાં ફેલાતો ચેપી રોગ અટકાવવામાં પાણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

 

‘સર્વ પ્રથમ દેવ સર્વમાં ને શુભકાર્યમાં પ્રથમ વંદાય
વિઘ્નહર્તા એ છે ગણેશ્વર બળ-બુદ્ધિના એ છે દેવ.’

      આજે માઘી ગણેશચતુર્થી છે. આજથી દસ દિવસ ગણેશોત્સવના ગણાય છે. બધા દેવોનો જન્મદિવસ એક જ દિવસ ઉજવાય છે જ્યારે ગણેશજીનો જન્મ દિવસ બે વાર ઉજવાય છે.

    પૌરાણિક કથા મુજબ જ્યારે કૈલાસ પર શિવજી હાજર ન હતા ત્યારે મા પાર્વતીને સ્નાન કરવું હતું. દ્વાર પર કોઈ રક્ષક ન હોવાને કારણે તેમને પોતાના પ્રસ્વેદના મેલમાંથી ગણેશજીને ઉત્પન્ન કર્યા અને દરવાજાથી કોઈ પ્રવેશ ન કરે તે માટે તેમને બેસાડ્યા. જોગાનુજોગ શિવજી એ સમયે પાછા ફર્યા અને ગણેશજીએ તેમના ભવનમાં પ્રવેશ ન આપતા પિતાપુત્રનાં સંબંધથી અજાણ આ બન્ને વચ્ચે યુદ્ધ થયું અને એમાં ગણેશજીનો શિરછેદ થયો. આથી પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યાં.શિવજીએ તેમને આશ્વાસન આપ્યું અને ગણને આદેશ આપ્યો કે રસ્તામાં જે પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવવું. આમ ગણેશજીના ધડ પર હાથીનું મુખ બેસાડ્યું. આમ ભાદરવા સુદ ચોથને દિવસે ગણેશજી ફરીથી સજીવન થયા. ત્યારથી ગણેશજીનાં બે જન્મદિવસ મનાવાય છે. મહા સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ.

મહા સુદ ચોથના દિવસે ગણેશજીની પૂજા તલ અને કુંદથી થાય છે માટે મહાસુદ ચોથ ‘તલકુંદ’ ચોથ તરીકે પણ ઉજવવાય છે. દેશમાં, પરદેશમાં સર્વત્ર ગણેશજીની પૂજાનું ખૂબ મહત્વ છે. ગણેશનાં 12 નામો ખૂબજ પ્રચલિત છે.

1] સુમુખ [ૐ સુમુખાય નમઃ]

2] એકદંત [ૐ એકદંતાય નમઃ]

3] કપિલ [ૐ કપિલાય નમઃ]

4] ગજકર્ણ [ૐ ગજકર્ણાય નમઃ]

5] લંબોદર [ૐ લંબોદરાય નમઃ]

6] વિકટ [ૐ વિકટાય નમઃ]

7] વિઘ્નનાશક [ૐ વિઘ્નનાશાય નમઃ]

8] વિનાયક [ૐ વિનાયકાય નમઃ]

9] ધુમ્રકેતવ [ૐ ધુમ્રકેતવે નમઃ]

10] ગણાધ્યક્ષ [ૐ ગણાધ્યક્ષાય નમઃ]

11] ભાલચંદ્ર [ૐ ભાલચંદ્રાય નમઃ]

12] ગજાનન [ૐ ગજાનનાય નમઃ]

        આમ ૐકારના સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થાય છે. આ દિવસોમાં સ્વયંભૂ એવા અષ્ટવિનાયક ગણેશજીની વિશિષ્ટ રૂપે પૂજા કરાય છે. આ અષ્ટવિનાયકનાં આઠ મંદિરો મહારાષ્ટ્રમા આવેલા છે.

1] મોરગાંવના ‘મોરેશ્વર’

2] થેઉરના ‘ચિંતામણિ’

3] રાંજણગાંવના ‘મહાગણપતિ’

4] સિદ્ધટેકના ‘સિદ્ધિવિનાયક’

5] ઓઝારગાંવના ‘વિઘ્નેશ્વર’

6] લેણ્યાદ્રિના ‘ગિરિજાત્મજ’

7] રાયગઢના ‘બલ્લારેશ્વર’

8] મહાડના ‘વરદ વિનાયક’

આ અષ્ટવિનાયકની કથાઓ અગાઉ લેખમાં આપેલી છે.

‘ગણેશ જયંતી’ના શુભ અવસરે મંગલકર્તા ગણપતિ સર્વજનનું કલ્યાણ કરે એવી પ્રાર્થના છે.

                               ૐ નમઃ શિવાય