શ્રી વિપીનભાઈ પરીખની કલમે

                                  આજે મહા વદ દસમ

આજનો સુવિચાર:- ચાડીચુગલીથી દૂર રહેવું એ દૈવી ગુણોમાંનો એક ગુણ છે.

હેલ્થ ટીપ્સ:- તાજેતરનાં સંધોશન મુજબ હળદર હૃદયરોગીનાં ક્ષતિગ્રસ્ત હૃદયને મજબૂત બનાવે છે.

જયંતભાઈ       1968 માં મારા લગ્ન વખતે

     જયંતભાઈ જે મારા મોટાભાઈ. 7/6/1987માં તેમનો સ્વર્ગવાસ થયેલો. તેમના મિત્ર વિપીનભાઈ પરીખ જેમની ઓળખાણની જરૂર નથી જે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ છે. એમણે 8/6/1987ના દિવસે જન્મભૂમિ-પ્રવાસીમાં પ્રગટ કર્યો હતો. તેઓ ખાસ મિત્રો હતા.

                                       મારો મિત્ર જયંત

   પોતાનો હાથ કપાઈ જાય ત્યારે શબ્દો સૂઝતા નથી. પોતાની અંગત વ્યથાને આપણે જાહેર સ્વરૂપ આપતાં નથી. હસીએ છીએ. આપણે : અનેક માણસની વચ્ચે, આપણી આંખો લૂછીએ આપણા બેડરૂમમાં, કોઈ ન જુએ તેમ !

      આપણી બાજુમાં એક માણસ બેઠો હોય ને સોવિયત રશિયાની જેમ અથવા ‘ઈનવિઝિબલ મેન’ ચલચિત્રમાં આવે તેમ બાજુમાં જોવા જાઓ અને એ માણસ એકાએક અલોપ થઈ ગયો હોય અથવા તમારી બાજુમાં આલિશાન મહેલ હોય ને અચાનક ભયાનક ધરતીકંપ થાય ને તમે જુઓ તો મહેલ ગાયબ અને ત્યાં અફાટ ખીણ થઈ જાય, ને જે આઘાત લાગે તે સ્થિતિ મારી છે.

   મારો મિત્ર સુરેશ દલાલ કહે તેમ એક હાલતી ચાલતી વ્યક્તિ ફોટો થઈ ભીંત પર લટકે – જે ગઈ કાલ સુધી ‘છે’ તેને માટે ‘હતો’ શબ્દ વાપરવો પડે એ લાચાર સ્થિતિ મારી છે.

     જયંત મારો મિત્ર, કોઈ સંત નહતો, કળાકાર ન્હોતો, અબિનેતા ન્હોતો પણ મારે મન એક મોટી વાત છે: એ મારો મિત્ર હતો. ખેતવાડી ‘કાનજી મેનશન’ અને ‘તારદેવ’ની વચ્ચે ફરતો એક ઓલિયો, ખૂબ ભરપૂર, પૂનમના દરિયાની જેવો ગાંડો પ્રેમ એણે મને આપ્યો છે. મને હાથમાં ને હાથમાં રાખ્યો. ખૂબ નિર્દોષ હતો, ખૂબ ભોળો. સમય અને સંજોગ એની સાથે ન્હોતા અને છતાંએ એણે ક્યારેય ફરિયાદ કરી નથી. સંજોગોએ એની જીભ ઉપર કડવાશ મૂકી હશે પણ એ કડવાશ એ ઝેર એણે બહાર ઓક્યું નહીં. એનો પ્રેમ પણ નિઃસ્પ્રુહી, નિસ્વાર્થી. એ તમને ફૂલ આપે, તમે સ્વીકારો તો ખૂબ ખુશ ખુશ થઈ જાય. જ્યારે તમે કહો, “ આ ફૂલ મને ન ગમ્યું’ તો એને ખરાબ નહીં લાગે ‘કશો વાંધો નહી’ કહી એ યાદ પણ નહીં રાખે કે એણે તમને ફૂલ આપ્યું હતું. એ પ્રેમ આપે ત્યારે નફાતોટાનો હિસાબ ન્હોતો રાખતો. તમારી પાસે એ સામી અપેક્ષા પણ નહીં રાખે કે તમે ‘થેંક્સ’ કહો કે એને સામી કોઈ ભેટ આપો ! ક્યારેક એ કોઈ વ્યક્તિને ફૂલ આપે ને આપણે કહીએ કે આને શું આપે છે? એ તો ગટરમાં ફેંકી દેશે ! એ વાત પર નથી લેતો. ક્યારેક હતાશ થઈને કહેતો; આપણને જ કેમ ખરાબ માણસો મળે છે? પણ પછી જાતને સંભાળી લેતો ને શુભ તત્વ સામે જોએ કહેતો, ‘ ના વિપીન, માત્ર એવું ક્યાં છે? જીવનમાં કેટલાં સરસ,નિઃસ્વાર્થી, પ્રેમાળ માણસો મળ્યા છે.’

   હું છાપું વાંચું છું ને મને જયંત યાદ આવે છે. કહેતો, ‘સોમવારનું પ્રવાસી મારે માટે મૂકી રાખજે.’ હું ટી.વી. જોઉં ને તરત જયંતનો ફોન આવે છે, ‘તેં આજનું કશ્મકશ જોયું ? દલિતોના દુઃખ અન્યાયથી એ વ્યથિત થતો. ક્યાંક સારાં, નવાં બિસ્કિટ, બ્રેડ જુએ- ને મારે માટે લાવે. ચીકુ મિલ્ક શેઈકનો એ પ્રયોગ કરે અને દોડતો આશિષ માટે ઘરે લઈને આવે છે. ક્યાંક સરસ વેંગણ જુએ ને સુવર્ણાને આપીને કહે,’ સુવર્ણા, કાલે રોટલો ને ઓળું ખાવા આવીશ.’ અને છેલ્લે છેલ્લે કહેતો,’ મને જમવાનું કહેશો નહીં. તમે જાણો છો કે હું ખાવામાં સંયમ રાખી નથી શકતો.!

    જિંદગીમાં લોકો આપણા ખભાનો સીડી તરીકે ઉપયોગ કરી આગળ ચાલી જતા હોય છે. પછી આસાનીથી સીડીને ફેંકી દે છે. જયંતે કોઈ દિવસ કોઈનો સીડી તરીકે ઉપયોગ કર્યો હોય એવું મને યાદ નથી. અનેક લોકો એનો ઉપયોગ કરી ગયા હશે એ તેણે યાદ ન રાખ્યુ, હંમેશ ઉત્સાહથી, નવી યોજનાથી થનગનતો હોય. ક્યારેક મને થાય કે કહું; જયંત, એક હાથમાં ‘કાર્ડિયોગ્રામ’ હોય પછી આવું દોડાય નહીં પણ દોડતા માણસો ક્યારે માને છે? મેં ટોક્યો હશે. માનવ સહજ નિર્બળતા એનામાંયે હતી પન પોતાના દોષ, નિર્બળતા એ સ્વીકારી શકતો એવું મોટું મન હતું.
  ખૂબ ચંચળ જીવ હતો તે પુરેપુરો મુડનો માણસ ! અતિ ઉત્સાહથી રોજ કૉફી હાઉસ આવે, ને કોઈ એક સવારે કહી દે,” હમણાં ઘરની કૉફી ‘સુપર્બ’ થાય છે. હવેથી હું આવવાનો નથી. ‘હાર્ટઍટેક’ પછી પણ રાતે તારા જોવા અગાશીમાં જાગવાનું ગાંડપણ કરી બેસતો! પિક્ચરોનો પણ ગાંડો શોખ. બધાં જ પિક્ચર ગમે. ફેસ્ટિવલમાં એક દિવસમાં ત્રણ પિક્ચર પણ જોઈ નાખે. પિક્ચર એને માટે અફીણ હશે પણ અફીણ એની પાસેથી ચિનવી લેવાની ચેષ્ટા હું કરતો નહીં ! જાતને ભૂંસનારો,નિરઉપદ્રવી ! ક્યારે ઘ્રે આવી ચઢે ને કહે, ’તું તારે વાંચ કે સૂઈ રહે હું બાલ્કનીમાં બેઠો છાપાં વાંચું છું.’ ને પછી આપનને ખબર પડે તે પહેલા કહ્યા વગર ગાયબ થઈ જાય. ભૂલાઈ ન જવાય તે માટે તે ઘરમાં અને ઑફિસમાં બ્લેક બૉર્ડ પર લખી રાખે ને પછી કરે , લખી રાખેલું પણ હું તો સાવ ભૂલી ગયો !

      કવિતા ઓછી સમજે પણ મારી સાથે અનુકૂળ હોય તો મુશાયરામાં આવે. વસંતભાઈ, દેવદાસ કૈલાસ, શોભિતને મળીને રાજી રાજી થઈ જાય.મારી નાની સરખી ચબરખી રાજાનો પરિપત્ર હોય તેમ આદરથી ,પ્રેમભાવથી વાંચે છતાં ન ગમે તો દંભ કરી પ્રસંશા ન કરે !‘મને સમજાયું નહીં એમ બાળકની જેમ કબુલાત કરે.’

     કેટકેટલી ધડમાથા વગરની, બાલિશ વાતો અમે કરતા ! ધઉંના જ્વારા, સોયાબીનનો સૂપ, મરાઠી નાટક, સ્યામ બેનેગલ, ચંદ્રકાંત બક્ષીનો લેખ ને જોસેફ મેકવાનની ‘આંગળિયાત’, અંતાણીની ‘પ્રિયજન’ ચંદ્રગુરુની ‘મૂર્તિ’, ક્યાંક વાયવરણાનું મ્હોરેલું વૃક્ષ, આચાર્ય રજનીશ, શબાના, ડોલી ઠાકુર,સુજાતા મહેતા ને સોનલ શુક્લ કેવીગાંડી વાતો !!!!!! કદાચ મિત્રની આ એક વ્યાખ્યા થઈ શકે જેની સાથે તમે નિઃસંકોચ બાલિશ વાતો કરી શકો.
  એ ક્યારેક ગીતા વાંચવાનો પ્રયત્ન કરતો પણ સમજાતું નથી એમ નિસંકોચ કહેતો. નાસ્તિક ન્હોતો પણ મંદિર જવું પસંદ ન કરતો. મુંઝવણનાં સમયે હું એને એક અદ્રષ્ટ હાથ આપણને દોરે છે સાંભળે છે એવું કહેવા પ્રયત્ન કરતો પણ સમર્પણની ભાવના દુષ્કર લાગતી.

            સંજોગોવશાત આ 6ઠ્ઠી જુને એની વર્ષગાંઠે મારો જ એક લેખ મારા હાથમાં આવ્યો.‘વિદાયવેળાએ’. જીવનની અંતિમ વેળા પ્રિયજનને વિદાય કેવી રીતે આપવી તેની વાત તેમાં છે. વિદાય આપી શકાય, બે શબ્દ કહી શકાય એની ક્ષન જયંતે આપી નહિ. એનો સ્વભાવ ઉતાવળિયો, હું જાઉં છું એવું કહેવા રોકાયો નહી. હાથ લંબાવ્યા નહી ! અને જાણે દરિયા કાંઠે પહોંચું છું ને કોઈ મને કહે ‘હમણાં જ એક વ્યક્તિ ડૂબી ગઈ એ તમારો મિત્ર જયંત હતો !’ મારા લાચાર હાથને લઈને હું ઘરે પાછો ફરુ છુ.
   એના ગયા પછી ખબર પડે છે એ મારા લોહીમાં કેટલો વણાઈ ગયો હતો. બધા જ પ્રિયજન માટે આવું કેમ થતું હશે ! તેમની વિદાય પછી જ તેમના અસ્તિત્વનું મૂલ્ય સમજાય છે !

     વધતી ઉંમરનો આ તાપ જીરવાતો નથી.‘વિપીનભાઈ તમે’ કહી બોલાવનારા મળે છે.‘વિપીન તું’ કહેનારા અદ્રશ્ય થતા જાય છે.

                                                ૐ નમઃ શિવાય

11 comments on “શ્રી વિપીનભાઈ પરીખની કલમે

 1. આજે લગભગ બધા સંબંધોનું વ્યાપારીકરણ થતું જાય છે ત્યારે,લાગણી જેવો શબ્દ પણ મને તો કઈંક ખરબચડો થતો જતો હોય એવું લાગે છે !.
  પ્રસ્તુત લેખમાં જે આત્મીયતા સભર સંવેદન વણાયું છે એ,આજે જનમાનસમાં”ખૂટે”છે-એવો અહેસાસ થાય છે. ક્યાં અહીં ઉજાગર થતી લાગણી અને ક્યાં અત્યારના “ઘર જેવા”કહેવાતા-ગવાતા ઉપરછલ્લાં,અંદર કૈંક ને બહાર કૈંક જેવા સંબંધ!!!!
  મારી જ એક ગઝલનો મત્લા યાદ આવે છે કે,

  હવે ક્યાં કોઇ,કિસ્સો લાગણીનો યાદરાખે છે
  હ્રદય જેવા હ્રદયમાં,કેટલો વિખવાદ રાખે છે!

  Like

 2. વિપીનભાઈએ ‘મિત્ર’ એટલે શું?
  ના જવાબમાં ‘જયંત’ લખી દીધું……!!

  અને આપના ભાઈને – એક ‘સાચા માણસ’ ને
  બહુ વખતે મળી તેનો આનંદ અને દુઃખ બન્ને
  અનુભવ્યું………. !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s