ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત

                 આજે ફાગણ વદ બીજ

આજનો સુવિચાર:- જીવનનો જીવન તરીકે સ્વીકાર કરો. – શ્રી કૃષ્ણ

હેલ્થ ટીપ્સ:- બાળકોને ઝીણો તાવ કે ખાંસી હોય તો થોડા ગરમ પાણીમાં એક ચમચો મધ ભેળવીને પીવડાવવાથી મટી જશે.

          ડૉ. ગૌતમભાઈ પટેલ સાથેની એક મુલાકાત

     તા.14/3/2008ના રોજ મારે કારણોસર બાલાસિનોર જવાનું થયું હતું. ત્યાં ગયા બાદ ખબર પડી કે ‘બાલાસિનોર વિદ્યામંડળ’ સંચાલિત વ્યાખ્યાનમાળાનો 17મો મણકો રજુ થવાનો હતો અને તેમાં ગુજરાતનાં ‘સંસ્કૃત સહિત્ય ઍકેડમી’ના માજી ચૅરમેન છે અને તેમને ‘પ્રેસિડંટ ઑફ ઈંડિયા’ દ્વારા સંમાનિત કરવામાં આવ્યા છે, એવા વિદ્વાન ડૉ. શ્રી ગૌતમભાઈ પટેલનું વ્યાખ્યાન છે. તેમનો વિષય હતો ‘કૃષ્ણ’ જીવન જીવવાની કળા. હું તો એકદમ આનંદિત થઈ ગઈ કે આવા મહાનુભવને સાંભળવા આટલી સુંદર તક પ્રાપ્ત થઈ. શ્રી મોરારીબાપુ હંમેશા તેમની કથામાં શ્રી ગૌતમભાઈનો ઉલ્લેખ કરતાં હોય છે. મોરારીબાપુનાં શબ્દોમાં ‘મોટા ગજાનાં માનવી’

     શ્રી ગૌતમભાઈએ ડારવીનની જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિષેની વાતો અને આપણા વેદોમાં કહેલી ભગવાન શ્રી વિષ્ણુના અવતારો સાથે સરખામણી કરી સમજાવ્યું. અને શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે

• કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..

• કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે. છે તેનો સ્વીકાર કરો..

• કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.

• ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી. ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’

• કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.. કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.

• પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’

• કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે. એ ઉપરાંત કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

• કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ. રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો. જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.

• રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.

• સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.

• ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રત્યેક ક્ષણ કૃષ્ણને આધીન છે.

• અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.

અંતમાં શ્રી કૃષ્ણાય નમઃ કહી પૂર્ણવિરામ આપ્યો.

                             ૐ નમઃ શિવાય