સુશી

                            આજે ફાગણ વદ છઠ

આજનો સુવિચાર:- આજે પાડેલા પરસેવાના બિંદુઓ કાલ માટેનાં મૂલ્યવાન મોતી છે.

હેલ્થ ટીપ્સ:- દરરોજ 10 સેકેંડ સૂર્યદર્શન કરવાથી સમગ્ર શરીરની કાર્યક્ષમતા વધશે.

                            સુશી

    સુશીનો જન્મ ખૂબ ગર્ભ શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેને બે ભાઈઓ હતાં. મુંબઈમાં તેનું બાળપણ વીત્યું. બાપુનો ધીકતો ધંધો હતો. મા બાપે એકની એક દીકરીને ખૂબ ભણાવી અને ભાવિ જીવન માટે તૈયાર કરી. મૃદુભાષી, મિત્રોમાં પ્રિય, દેખાવે સુંદર સુશી પોતાના વિચારોમાં ખૂબ ક્રાંતિકારી હતી. લગ્નમાં ન માનનારી સુશી ભણીગણીને નોકરીએ લાગી ગઈ. ભાઈઓ ભણીગણીને, પરણીને ધંધામાં સ્થાઈ ગયા. સુશીએ સુંદર નાનું મકાન ખરીદી, પોતાની ઢબે સજાવ્યું, રસોઈ માટે અને ઘરકામ માટે બે બાઈઓને રાખી તેણે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. જૂના ગીતોની શોખીન સુશી ગીતો સાંભળતી રાતનાં મોડી રાત સુધી વાંચે અને પછે સૂઈ જાય.

       આમ, એકલાં રહેતાં રહેતાં વર્ષો પસાર થઈ ગયાં. હવે એકલતા એને કોરી ખાવા લાગી. કોઈ સારી કંપની હોય તો ? માતૃત્વની ઝંખના સુશીમાં જાગવા લાગી. ક્યારેક ભાઈઓનાં બાળકોને જઈ રમાડી આવે. બાજુનાં બંગલામાં રહેતા સુહાસભાઈ સાથે સુશીને સારું લાગવા લાગ્યું હતું. તેમનાં પત્ની ત્રણેક વર્ષથી ગુજરી ગયાં હતાં. તેમનાં બે બાળકો….. અને સુહાસભાઈ ! એક ઘરડો નોકર તેમનાં ધરનાં બધાં જ કાર્ય કરતો. બાળકોને પ્રેમપૂર્વક જમાડે-ભણવા બેસાડે. મોડી રાતે સુવાસ સુશીને મળવા જાય . સુખ દુઃખની વાત કરે. ધીમે ધીમે બંને વચ્ચે અંતર ઘટતું ગયું. એક દિવસે સુહાસે હિંમતભેર સુશીને હિંમતભેર કહી નાખ્યું,” હું તને ચાહું છું. તારા વગર રહી શકું તેમ નથી. જો હું બાળકોને શાળાની હૉસ્ટેલમાં મૂકી દઈશ. વેકેશનમાં થોડોક વખત માટે આવશે.બાળકોની ચિંતા જવાબદારી તારે માથે નહીં પડે.”

      સુશીની આંખમાં પાણી આવ્યાં, તેણે સુહાસને મનની વાત કહેવા માંડી, “ તારા બાળકો એ મારાં બાળકો થાય ને ! બાળકો ભલે ને તારા હોય પણ મને બાળકો ખૂબ વ્હાલાં છે. હું તેમને છાતી સરસા ચાંપીને રાખીશ. તેમની જવાબદારી હું સહર્ષ ઉપાડીશ. ફરી મને આવી વાત કરશો નહીં. મા વગરનાં બાળકોની મા બની તેમને હુંફ અને પ્રેમ આપીશ.” સુહાસે સુશીનો હાથ પકડી લીધો.

      થોડાંક જ વખતમાં રજીસ્ટર્ડ લગ્ન કરી સુહાસને ત્યાં સુશી છોકરાંની મા બની કાયમ માટે રહેવા આવી. નાની નાની બાબતોમાં કાળજી રાખી સુશીએ બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડ્યું. આમ સુહાસનું જીવન સુશીમય અને બાળકોમય બની ગયું. ઘરનું વાતાવરણ હુંફમય અને હર્યું ભર્યું બની ગયું.

    એક દિવસ સુહાસે સુશીને પૂછ્યું,” તારે એકાદ બાળક જોઈએ છે?” સુશીએ એક સુંદર વાત કહી,” તારું ને મારું વળી શું? આ બધાં મારાં જ બાળકો છે. હું બધાંને પ્રેમ કરું છું મને ખાતરી છે કે મને પ્રેમ મળશે. માએ કોઈ બાળક જોઈતું નથી. જે પ્રભુએ મને આપ્યાં છે તેમને સુંદર જીવન આપું એટલે મારું કાર્ય પૂરું થાય છે.”

      સુહાસ, સુશીનાં જીવન મૂલ્યોનું ઉદારીકરણ જોતો જ રહ્યો. કેવું વિશાળ મન ..! કેવું વિશાળ હૃદય…! કેવું વિશાળ જીવનફલક. ભીંત ટાંગેલાં પહેલી પત્નીના ફોટાને નમન કરી સુહાસ બોલ્યો,” તારાં બાળકોને તારા જેવી જે મા મળી છે. તું જરા પણ ચિંતા ન કરતી.” મરક મરક હસતાં ફોટામાં એક સંતોષ દેખાયો.

                                                                    –સ્વ. દક્ષા દેસાઈ

                                                    ૐ નમઃ શિવાય