આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

                    આજે ચૈત્ર વદ નોમ

આજનો સુવિચાર:- પ્રશંસાના ભૂખ્યા એ સાબિત કરી દે છે કે તેમનામાં લાયકાતનો અભાવ છે.

 

હેલ્થ ટીપ્સ:- અપૂરતી ઊંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે.

 

                  આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

   આપણા દેશભરમાં દરેક ઘરે ભગવાનની સમક્ષ દીવો કરવામાં આવે છે. કેટલાંક ઘરમાં સવારે દીવો પ્ર્ગટાવવામાં આવે છે જ્યારે કેટલાંક ઘરમાં સવાર અને સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે. કોઈક ઘરમાં તો અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. રોજિંદી પૂજા, ધાર્મિક પ્રસંગો, ઉત્સવો અને ઉદઘાટન જેવા અનેક સામાજિક પ્રસંગોના શુભારંભ દીપક પ્રાગટ્યથી કરવામાં આવે છે.

    પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે અને અંધકાર અજ્ઞાનનું. ઈશ્વર જ્ઞાનનાં પુંજ છે, તે ચૈતન્યસ્વરૂપ છે. તે જ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉદભવસ્થાન, જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનનાં સાક્ષી છે. તેથી ઈશ્વર રૂપે પ્રકાશની-દીપકની આરાધના કરવામાં આવે છે.

    પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે. વળી, જ્ઞાન એવી આંતરસંપત્તિ છે કે જેના થકી સર્વ પ્રકારની બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. માટે, સર્વ સંપત્તિઓમાં મહાસંપત્તિરૂપે જ્ઞાનને આપણે વંદન કરીએ છીએ. તેથી જ શુભપ્રસંગોમાં આપણા સર્વ વિચાચારો અને કર્મોના સાક્ષીરૂપે દીપકને આપણે જલતો રાખીએ છીએ.

   આપણા દેશમાં ઘીના અથવા તેલના દીવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. દીવામાંનું ઘી આપણી વાસનાઓનું નકારાત્મક વૃત્તિઓનું પ્રતીક છે અને વાટ અહંનું. આધ્યાત્મિક જ્ઞાન વડે વાસનાઓનો ધીમે ધીમે ક્ષય થાય છે અને અહં પણ એજ રીતે નાશ પામે છે. દીપકની જ્યોત સદાય ઊર્ધ્વગામી હોય છે. એ જ રીતે, આપણે પણ ઉચ્ચતર આદર્શો પ્રતિ ગતિ થાય એવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ.

        જેમ એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે એ જ રીતે એક દીપક સેંકડો દીપક પ્રગટાવી શકાય છે. અનેક દીવા પ્રગટાવવાથી મૂળ દીવાનો પ્રકાશ કાંઈ ઝંખવાતો નથી. તેવી જ રીતે જ્ઞાનનું વિતરણ જ્ઞાનને વધુ તર્કશુદ્ધ બનાવે છે અને જ્ઞાનમાં આપણી નિષ્ઠા વધારે પાકી બને છે.

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

અર્થાત

   હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું. તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે. તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે.

મનોહર દીપજ્યોતિ સિવાય અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?
ગહન જ્ઞાનપ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે?
— સ્વામી ચિન્મયાનંદજી

આમ દીવો કરવાની પરંપરામાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થનો ભંડાર ભરેલો છે. ભારતીય સંસ્કૃતિખરખર ઉમદા પરંપરાઓથી સમૃદ્ધ છે.

 

                                             ૐ નમઃ શિવાય

શ્રી રાધાવતાર – એક પુસ્તક પરિચય

આજે ચૈત્ર વદ સાતમ [કાલાષ્ટમી]

 

આજનો સુવિચાર:- ભગવાન ભાર વિનાનો હોવો જોઈએ. — મોરારીબાપુ

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર મહિનામાં લીમડાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. ચામડીના રોગમાં લીમડો ઉત્તમ ગણાય છે.

શ્રી રાધાવતાર –એક પુસ્તક પરિચય

દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર,
શ્રીરાધાવતારનો સમકાલીન આધાર;
વ્યાસ પ્રણીત ભાગવતમહીં ‘રાધા’ સાક્ષાત્કાર,
શુકદેવનાં આરાધ્ય તો રાધાજી સરકાર !

 

શ્રી રાધા – રુકમણી મિલન

 

         આખરે ઉષાનો રક્તવર્ણી ઉજાશ ધીરે ધીરે પીતરંગી બનીને, શાંતિના શ્વેત વર્ણમાં પલટાઈ ગયો. ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્વારિકાના પૂર્વાકાશે ડોકિયું કર્યું. છેલ્લા નવદસ દિવસથી દ્વારિકામાં પધારેલાં સાધુસંતો અને વિદ્વજ્જનો હવે પોતપોતાના સ્થાને પરત જવા માટે ‘સંતશિબિરમાંથી વિદાય થઈ ગયા. આમંત્રિત ઋષિમુનિગણે વિચાર કર્યો કે આટલે સુધી આવ્યા છીએ તો ચાલો, દ્વારિકા પાસેના પુરાણપ્રસિદ્ધિ પિંડારક તીર્થક્ષેત્રની મુલાકાત લઈ, ત્યાનાં સમુદ્રમાં સમૂહમાં સમૂહસ્નાન કરીને પછી છૂટા પડીએ ! સૌએ પિંડારક તીર્થક્ષેત્ર ભણી પ્રયાણ કર્યું.

    બનવાકાળે એવું બન્યું કે, જેમના વર્તનથી શ્રીકૃષ્ણ સદૈવ ચિંતિત રહેતા હતા તેવા કેટલાક યાદવ નબીરાઓ આ વખતે એ બાજુ સહેલગાહે નીકળ્યા હતા અને મદિરા પીને મદોન્મત્ત બની સ્વછંદ વિહાર કરી રહ્યા હતા. એમની નજર આ ઋષિવૃંદ પર પડી અને તેમને એમની મશ્કરી કરવાની કુબુદ્ધિ સૂઝી. રાણી જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી, એના પેટ પર છબડા ઘાટનું લોખંડનું તબાહરું બાંધી આ તોફાની યાદવો એને ઋષિગણ પાસે લઈ ગયા અને કૃત્રિમ નમ્રતા ધારણ કરીને પૂછ્યું :” મહારાજ! આ સ્ત્રી સગર્ભા છે. આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો કૃપા કરીને એટલું કહો કે આ સ્ત્રીને પુત્ર પ્રસવશે કે પુત્રી ? એ પોતે આવું પુછતાં શરમાય છે તેથી એના વતી અમે આપને પૂછી રહ્યા છીએ….”

     આર્યાવર્તના શ્રેષ્ઠ ઋષિવૃંદની યાદવકુમારો દ્વારા આ રીતે થઈ રહેલી મશ્કરી એમાંના એક પ્રખર જ્ઞાની ઋષિથી સહન ન થઈ શકી અને કોપાયમાન થઈને તે ગર્જી ઊઠ્યા :” મૂર્ખના સરદારો ! બીજા કોઈની નહિ ને અમારી મશ્કરી ? ધિક્કાર છે તમને ! જાવ, આ સ્ત્રી તમારા આખા યાદવકુળનો નાશ કરનારા મૂશળને જન્મ આપશે………”

      મુનિનો શાપ સાંભળતાં પાંદડાની જેમ થરથર ધ્રુજતા યાદવકુમારો ત્યાંથી દોટ મૂકીને ભાગ્યા. થોડેક દૂર ગયા પછી તેમણે સાંબનો સ્ત્રીવેશ દૂર કર્યો અને પેલું તગારું છોડ્યું, તો અંદરથી સાચે જ એક મૂશળ નીકળ્યું ! ભય અને ચમત્કારથી હતપ્રભ થઈ ગયેલા તેઓ સૌ દોડતા રાજમહેલે આવ્યા અને સીધા ‘દેવકીભવન’ પર ગયા.

        હજી હમણાં જ સ્નાનપૂજાથી પરવારીને માતાપિતાને પ્રણામ કરવા દાઉ સાથે અત્રે આવીને બિરાજેલા વાસુદેવે પોતાના પુત્રો સહિત કેટલાક યાદવકુમારોને હાંફતા ને ધ્રૂજતા અંદર પ્રવેશતા જોઈ આંખો બંધ કરી દીધી. વસુદેવનું મોં પડી ગયું અને બલરામે એકદમ આગળ વધી સાંબનો હાથ પકડ્યો અને શું થયું પૂછવા માંડ્યું. સાંબે વીલે મોંએ જે બન્યું હતું તે બીતાંબીતાં કહી દીધું અને પેલું મૂશળ એમના ચરણમાં મૂકી દીધું. મૂશળ જોઈને એક વાસુદેવ સિવાય સૌ કોઈનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં………

વધુ વાંચો ‘શ્રીરાધાવતાર’ ધાર્મિક-મૌલિક નવલકથામાં

 

:લેખક: પ્રિ. ભોગીભાઈ સી. શાહ:
એમ.એ.એમ.એડ. જ્ઞાનરત્ન.
નિવૃત આચાર્ય,
શેઠ ચી.ન.જી.ટી.સી.,
અમદાવાદ

                                                 ૐ નમઃ શિવાય

મસાલા તથા અનાજની સાચવણી

                                 આજે ચૈત્ર વદ ચતુર્થી

આજનો સુવિચાર:- જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- વારંવાર જુલાબ લેવા કરતાએક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

 

                         મસાલાની તેમ જ અનાજની સાચવણી

    કહેવાય છે કે જેને સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રાપ્ત થાય તે નસીબદાર હોય છે. સુરતનાં જમણવારમાં તો એવું શું છે કે તે ખુબ વખણાય છે. એ છે એના મસાલા. ઉનાળાની ઋતુ આવે એટલે ગૃ હિણીઓ મસાલા, અનાજ વગેરે ભરવામાં ઓતપ્રોત થઈ જાય છે. એકબાજુ ઘઉં અને તુવેરદાળ ભરવાની ઋતુ આવી છે અને સાથે સાથે આખા વર્ષભરનાં મસાલા ભરવાની ઋતુ આવી છે. ઘણીવાર આ અનાજમાં અને મસાલામાં જીવડાં પડી જતાં હોવાથી ગૃહિણીઓની મુસીબત વધી જતી હોય છે.

                     તો આ મોંઘા મસાલાને બારેમાસ કેવી રીતે સાચવવા તે જોઈએ?

     મુંબઈ જેવું શહેર જે હંમેશા દોડતું જ હોય છે તેવા આ શહેરમાં સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ વધારે જોવા મળે છે એવા મુંબઈ શહેરમાં હાથનાં ખાંડેલા મસાલા જૂજ જોવા મળે છે. અહીં મશીનનાં દળેલાં અને પેક મસાલાનું ચલણ વધારે જોવા મળે છે. તો આ મસાલાને બાર મહિના કેવી રીતે સાચવવા તે જોઈએ.

     આ મસાલા પર સીધી ગરમી ન પડે તે ધ્યાન રાખવું. તેને ફ્રિજમાં રાખવા જરૂરી નથી કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂરી નથી. ફક્ત એટલું ધ્યાનમાં રહે કે મસાલાને હવા ન લાગે તેવી હવાચુસ્ત બરણીમાં ભરવા. કાચની બરણી હિતાવહ છે. કારણ પ્લાસ્ટિકની બરણીમાં તેની વાસ બેસી જવાનો ભય હોય છે.

     આપણે હળદરની વાત કરીએ તો હળદરને તાજી અને સૂકી રાખવા તેમાં હિંગનાં ગાંગડા મૂકી રાખવા.અને તેને બરણીમાં ભરતા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈપણ મસાલા ભરતાં તેને ચમચાથી કે વાડકીથી દાબીને ભરવાં જેથી તેમાં હવા ન ભરાય કે જીવાત પડવાની શક્યતા ન રહે. આજ રીતે લાલ મરચામાં અને ધાણાજીરામાં હિંગનાં ગાંગડા મૂકી સાચવી શકાય છે. હિંગમાં મસાલા તાજા રાખવાનો તેમજ આ ઉપરાંત હિંગ પાચનક્રિયામાં મદદ કરે છે. ઘણી ગૃહિણીઓ આ હળદર, લાલ મરચા અને ધાણાજીરાને તેલમાં મોઈને સાચવે છે પણ આગળ જતાં તે કાળા પડી જાય છે જ્યારે હિંગનાં ગાંગડાથી મૂકવાથી આ મસાલાનો રંગ એવો તાજો જ રહે છે.

       જીરામાં જીવાત ન પડે તે માટે થોડું કે શેકી ઠંડુ પડે હવાચુસ્ત બરણીમાં પારાની ટિકડીઓ સાથે ભરો. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકો. આ પારાની ટિકડી બજારમાં ઝંડુ બ્રાંડની મળે છે. તેનો રંગ બદલાઈ જાય ત્યારે તે ટિકડીઓ બદલી નાખવી.

     આ ટિકડીઓ અનાજ અને કઠોળ સાચવવા માટે કામ લાગે છે. ઘઉં, ચોખા કઠોળ પણ હવાચુસ્ત ડબ્બામાં ભરો. ઘઉં અને ચોખા બને ત્યાં સુધી એરંડિયાથી [દિવેલથી] મોઈને ભરવાથી બગડતાં નથી. દિવેલ તો આમ પણ તબિયત માટે સારું છે. ચોખામાં દિવેલ ન નાખવું હોય તો મીઠું તેલ પણ ચાલે. દિવેલને ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મો’વા માટે ઉપયોગ કરવો. ઘણાને દિવેલનો સ્વાદ નથી અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂરજનાં તાપે સૂકવી ઠંડા પડે તેને ડબ્બામાં ભરો સાથે આ પારાની ટિકડીઓ નાખી રાખવાથી વર્ષભર બગડતાં નથી. ચોખા ભરવા તેના ડબ્બામાં નીચે સૂકા કડવા લીમડાનાં પાન ડાખળી સાથે મૂકવાથી બગડતાં નથી.

      કઠોળને સૂરજનાં તડકામાં કદીપણ ન સૂકવવા. મગને સાચવવા તેમાં છૂટ્ટો પારો નાખી કાચની બરણીમાં જ ભરવા અને વાપરતી વખતે ચાળીને વાપરવા જેથી પારો નીકળી જશે. પારો કદાપિ ઍલ્યુમિનિયનાં વાસણને કે સોના ચાંદીને અડકવું ન જોઈએ નહીં તો એનું ઍલોય થઈ જશે એટલે કે ટુકડા થઈ જશે. બીજા કઠોળમાં પારાની ટિકડીઓ મૂકી શકાય. આ કઠોળ કાચની બરણીમાં કે ટપરવેરનાં ડબ્બામાં ભરી શકાય. આખી તુવેરને મીઠા સાથે ભરવાથી તેમાં સડો થતો નથી.

 

                                                    ૐ નમઃ શિવાય

મોટા બાળકોના નાના ઉખાણા [જવાબ]

                           આજે ચૈત્ર વદ ત્રીજ

આજનો સુવિચાર:- લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે. – મુક્તિપ્રભાજી

હેલ્થ ટીપ્સ:- સવારનાં પહોરમાં ગરમા ગરમ લીલી ચાનો એક કપ શરીરમાં ચેતના જગાવે છે.

 

મોટા બાળકોના નાના ઉખાણા [જવાબ]

નામ બારણા સંગે આવે
હવાઉજાસ ઘરમાં લાવે
ઋતુઓ સામે રક્ષણ આપે
કોઈને તેના વિના ના ફાવે

– બારી

 

એ પૈસા, દરદાગીના રક્ષે
કપડાં સારાં સૌ તથા મૂકે
તાળું મારી સુખથી સૂએ
લોકો ઘરમાં અચૂક વસાવે

– તિજોરી

 

ચાર પાયા પર ઉપર આડી છત
કરો તેના ઉપર બસ લખ લખ લખ

– ટેબલ

 

ટન ટન બસ નાદ કરે
ઘડિયાળ જોઈ સાદ કરે
સ્કૂલ નિશાળે એ લટકે
રણકે તો બાળકો છટકે

– ઘંટ

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો
પથરાયું મુજ પર ઘાસ
પશુ પક્ષીનું ઘર હું છું
મને ઓળખો હું કોણ છું?

– જંગલ

ઈંટ ઉપર ઈંટ રાખી,
બને એક દિવાલ આપે
સૌને છાંયો સુખી રહે સૌ અપાર.

– ઘર

                                             ૐ નમઃ શિવાય

મોટા બાળકોનાં નાના ઉખાણાં

આજે ચૈત્ર સુદ તેરસ

આજનો સુવિચાર:- બધા સાથે સૌજન્ય રાખો, ઘણા સાથે સલામનો વ્યહવાર રાખો, થોડાક સાથે હળવા-મળવાનું રાખો પરંતુ મિત્રતા તો એક સાથે રાખો.

 

હેલ્થ ટીપ્સ:- એક ચમચી કાંદાનો રસ એક ચમચી આદુનો રસ બે ચમચી મધસાથે ભેળવીને પીવાથી ઉધરસ પર રાહત રહેશે.

 

મોટા બાળકોના નાના

ઉખાણા

નામ બારણા સંગે આવે
હવાઉજાસ ઘરમાં લાવે
ઋતુઓ સામે રક્ષણ આપે
કોઈને તેના વિના ના ફાવે

 

એ પૈસા, દરદાગીના રક્ષે
કપડાં સારાં સૌ
તથા મૂકે તાળું મારી સુખથી સૂએ
લોકો ઘરમાં અચૂક વસાવે

 

ચાર પાયા પર ઉપર આડી છત
કરો તેના ઉપર બસ લખ લખ લખ

 

ટન ટન બસ નાદ કરે
ઘડિયાળ જોઈ સાદ કરે
સ્કૂલ નિશાળે એ લટકે
રણકે તો બાળકો છટકે

 

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો
પથરાયું મુજ પર ઘાસ
પશુ પક્ષીનું ઘર હું છું
મને ઓળખો હું કોણ છું?

 

ઈંટ ઉપર ઈંટ રાખી,
બને એક દિવાલ
આપે સૌને છાંયો
સુખી રહે સૌ અપાર.

 

તા.ક. બાળકોની મદદથી જવાબ આપવા.

 

                                        ૐ નમઃ શિવાય

હેલ્થ ટીપ્સ

                આજે ચૈત્ર સુદ દસમ

આજનો સુવિચાર:- ડર અને શંકા જિંદગીની ગંગામાં ઝેર ઘોળી દે છે.

હેલ્થ ટીપ્સ:- ભૂખ્યા પેટે સ્વિમિંગ નૂકશાનકારક છે.

 

અત્યાર સુધીની મુકાયેલી હેલ્થ ટીપ્સનાં થોડાક અંશ

હેલ્થ ટીપ્સ:- રાતના ગરમમાં એક ચમચી શુદ્ધ ઘી નાખી પીવાથી એસીડીટી પર રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:-ઈસબગુલનું સેવન પેટ તો સાફ રાખે છે તે ઉપરાંત શ્વસન રોગમાં ઉપયોગી છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.

હેલ્થ ટીપ્સ:- સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.

હેલ્થ ટીપ્સ:- મોંમા થોડો વખત મધ રાખી કોગળા કરવાથી મોંમા પડતા છાલા પર રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:– એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે.

હેલ્થ ટીપ્સ:- તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

હેલ્થ ટીપ્સ:- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.

હેલ્થ ટીપ્સ:- ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબુમાં રાખે છે, આર્થારાઈટીસના દુઃખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે.

હેલ્થ ટીપ:- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર

હેલ્થ ટીપ:- આંસુને વહેવા દો. તેનું દમન, ભય, ક્રોધ,ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે.

હેલ્થ ટીપ:- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.

હેલ્થ ટીપ:- હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો.

હેલ્થ ટીપ:- નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે.

હેલ્થ ટીપ:- ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડીસાકર સાથે પલાડીને તેને ચાવીને ખાવાથી [સાથે જેમાં પલાડેલું પાણી પણ પી જવું] રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.

હેલ્થ ટીપ્સ:-ગરમી ઋતુમાં ફુદીનો પૌષ્ટિક છે.તે શરીરને ઠંડક પહોંચાડે છે. છાશ, દહીં અને રોટીમાં ફુદીનાનો ઉપયોગ હિતાવહ છે.

હેલ્થ ટીપ્સ:- સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાઉડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે.

 

                                  ૐ નમઃ શિવાય

મા ભવાની

              આજે ચૈત્ર સુદ પાંચમ [દુર્ગા પૂજન]

 
આજનો સુવિચાર:- તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. – ડૉ. રાધાકૃષ્ણન

હેલ્થ ટીપ્સ:- આદુ અને લીલી હળદરનું કચુંબર ઍપેટાઈઝરનું કામ કરે છે.

 

સાખી
રિદ્ધી દે સિદ્ધી દે અષ્ટનવનિધી દે વંશમેં વૃદ્ધિ દે મા ભવાની
હૃદયમેં જ્ઞાન દે ચિત્તમેં ધ્યાન દે અભય વરદાન મા શંભુરાની

દુઃખ કો દૂર કર , સુખ ભરપૂર કર આશ સંપૂર્ણ કર મા ભવાની
સજનસે હિત દે કુટુંબમેં પ્રીત દે જંગમેં જીત દે મા ભવાની

 

ગરબો  

ઓ મા તારા ચરણ કમળમાં આ કાયા કુરબાન છે
મારું જીવન, નૌકા કેરું તુજ હાથે સુકાન છે

લોક કહે આગળ ના વધશો દરિયામાં તોફાન છે
પણ મુજને તું સાચવનારી જગમાં મા તું મહાન છે

આંધી આવે તુફાન આવે પણ મુજને ક્યાં ભાન છે
મારા મનમાં એક જ માડી તારા ભજનનું ધ્યાન છે

મંઝિલ તારી દૂર કેટલી, તે મુજને ક્યાં ભાન છે
ગોવિંદ સાગર પાર કરી લે દિલમાં એ અરમાન છે.

—***—

ઓ માતા અંબે મા ઓ માતા જગદંબે
આજ તારા આંગણિયામાં મેળો લાગ્યો
આજ તારા મંદિરીયામાં મેળો લાગ્યો

દુઃખીયા ને સુખિયા ભાવિજન આવે દર્શન કરવા આજ રે
દુઃખિયારાનું દુઃખ મિટાવે આરાસુરવાળી મા

નર નારી સબ મિલકે ગાવે માતા તારા ગીત રે
રૂમ ઝૂમ બાજે ઘુંઘરાને ઝાલરનો ઝણકાર

તેરે દર પે જો કોઈ આવે ખાલી હાથ ન જાવે રે
મન વાંછિત સબ શીવ પૂરે ગબ્બરવાળી મા

ગરબે રમવા આવો માતા જોઉં તમારી વાટ રે
ઢોલ નગારા વાગી રહ્યા ને નાચે નર ને નાર

 

ૐ નમઃ શિવાય

સૂર્ય નમસ્કાર

                      આજે ચૈત્ર સુદ ચોથ

આજનો સુવિચાર:- ખોટું બોલતાં શીખવું પડે છે, જ્યારે સત્ય કુદરતી બોલાઈ જાય છે.

 

હેલ્થ ટીપ્સ:- આદુની કતરી કરી તેમાં સિંધવ લૂણ ઉમેરી જમતા પહેલા લેવાથી ભૂખ ઉઘડે છે.

 

 

 

                                 સૂર્યનમસ્કાર

     સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ યોગનું આસન છે. જેનાથી શરીરને આરોગ્ય,શક્તિઅને ઉર્જા મળે છે. સૂર્યનમસ્કારથી શરીરનું અંગેઅંગ કાર્યરત થાય છે અને શરીરની તમામ આંતરિક ગ્રંથિઓ અને આંતરિક સ્ત્રાવ [હૉર્મોંસ]ને નિયમિત કરે છે.
સૂર્યનમસ્કાર સૂર્યોદયને સમયે કરવું હિતાવહ છે. સૂર્યનમસ્કાર 11 થી 21 વખત કરી શકાય. એ દરેકની શારીરિક પ્રકૃતિ અવલંબે છે.

સૂર્યનમસ્કાર કરવાની 12 સ્થિતીઓ છે. આ બાર સ્થિતીઓ સૂર્યનાં બાર નામ સાથે જોડાયેલી છે.

1]    સૂરજની સામે મુખ કરી ઉભા રહી નમસ્કારની મુદ્રામાં ઉભા રહીને હાથને છાતીની સામે રાખવા.

ૐ મિત્રાય નમઃ

2]    શ્વાસને અંદર ભરી હાથને આગળ લંબાવી હાથને ઉપર તરફ લઈ જઈને પાછળ લઈ જવા. દ્રષ્ટિ આકાશ તરફ રાખવી. કમરને બને તેટલી પાછળ ઝૂકાવવી.

ૐ રવયે નમઃ

 

3]    શ્વાસને બહાર કાઢી હાથ આગળ લઈને કમરને આગળ ઝૂકાવી પગ પાસે જમીન પર ટેકવા. જો હથેળીઓ જમીનને સ્પર્શ કરી શકે અને માથું ધુંટણને અડાડી શકાય તો ઉત્તમ છે.

ૐ સૂર્યાય નમઃ

4]    હવે નીચે ઝૂકાવતાં હાથની હથેળીને છાતીની બાજુ પર ટેકવી રાખીને ભુજંગાસનની સ્થિતીમા રહેવું. ત્યારબાદ જમણા પગને બન્ને હાથની વચમાં લાવવો. અને પગની એડી જમીન પર ટેકવી શરીર ઉંચું કરવું. દૃષ્ટિ આકાશ તરફ રાખી શ્વાસને અંદર ભરો.

ૐ ભાનવે નમઃ

5]    શ્વાસ બહાર કાઢતાં જમણો પગ પાછળ લઈ જઈને ગર્દન અને માથાને બે હાથની વચમાં રાખવા નિતંબ અને કમરને ઉપર તરફ ઉઠાવવા. માથાને નીચે તરફ રાખીને નાભિની સમક્ષ જોવું.

ૐ ખગાય નમઃ

6]    હાથને અને પગને પંજાને સ્થિર રાખતા છાતી અને ઘુટણોને જમીનને સ્પર્શ કરે એ સ્થિતીમાં રાખો. આ સાષ્ટાંગ પ્રણામનો એક પ્રકાર છે.

ૐ પૂણ્યે નમઃ

7]    શ્વાસને અંદર ભરતાં છાતીને ઉપર ઉપાડો. કમરને જમીન પર ટેકવી રાખો. હાથ અને પગને સીધા રાખવા.

ૐ હિરણ્યગર્ભાય નમઃ

8]    પાંચ નંબરની સ્થિતીમાં આવો.

ૐ મરીચાય નમઃ

9]    ચાર નંબરની સ્થિતીમાં આવો પણ પગની સ્થિતી બદલો. જમણા પગને બદલે ડાબા પગનો ઉપયોગ કરો.

ૐ આદિત્યાય નમઃ

10]    ત્રણ નંબરની સ્થિતીમાં આવો.

ૐ સવિત્રાય નમઃ

11]    બે નંબરની સ્થિતીમાં આવો.

ૐ અર્કાય નમઃ

12]    એક નંબરની સ્થિતીમાં આવો.

ૐ ભાસ્કરાય નમઃ.

સૂર્ય નમસ્કારથી થતાં લાભ:-

1] આ એક સંપૂર્ણ વ્યાયામ છે. એનાથી શરીરનાં દરેક અંગો મજબૂત અને નિરોગી બને છે.

2] પેટ, હૃદય, ફેફસા સ્વસ્થ થાય છે.

3] મેરુદંડ એટલે કે કરોડરજ્જુને લચીલી બને છે અને આવેલી વિકૃતીઓ દૂર થાય છે.

4] લોહીનું ભ્રમણ સુધરે છે અને લોહીની અશુદ્ધિઓ દૂર થતાં ચર્મ રોગો દૂર થાય છે.

5] હાથ, પગ, બાવડા,જાંઘ અને ખભાનાં સ્નાયુઓ સુદ્રઢ બને છે.

6] માનસિક શાંતિ મળે છે અને તેજસ્વિતા આવે છે.

7] મધુ પ્રમેહ એટલે કે ડાયાબિટીસનાં રોગીઓ માટે ઉત્તમ આસન છે.

 

 

                                                 ૐ નમઃ શિવાય

જીવનની સૌથી સુંદર પળો

                         આજે ફાગણ વદ એકાદશી

આજનો સુવિચાર:- સેવા જેટલો આનંદ આપે છે તેટલો આનંદ ‘મેવા’ નથી આપતા.

હેલ્થ ટીપ્સ:- કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા દૂધી તથા કાકડીનો રસ ફાયદાકારક છે.

                                       જીવનની સૌથી સુંદર પળો

1. પ્રેમ કરવો.

2. પેટ દુઃખે ત્યાં સુધી હસવું.

3. લાંબી મુસાફરી કરવી.

4. રેડિયો પર મનગમતા ગીતો સાંભળવા.

5. વરસાદની પડતી બુંદોના અવાજની લિજ્જત મ્હાલતાં સૂઈ જવું….. ddd

6. શાવર લઈને પોતાની જાતને હુંફાળા ટુવાલમાં વીંટળાઈ જવું.

7. ફાઈનલ પરીક્ષામાં સારા મર્ક્સથી પાસ થવું.

8. મનગમતી ચર્ચામાં ભાગ લેવો..

9. જુના કપડામાંથી પૈસા મેળવવા.

10. પોતાની જાત પર ખુબ હસવું.

11. મિત્રો સાથે મનગમતું ભોજન લેવું.

12. કારણ વગર હસવું.

13. “અચાનક” કોઈને પોતાના વિષે સારું કહેતા સાંભળવું.

14. સૂર્યાસ્ત જોવો.

15. ગીત સાંભળતા પોતાના જીવનની અંગત વ્યક્તિને યાદ કરવી.

16. પ્રથમ ચુંબન મેળવવું અથવા આપવું.

17. પોતાની ગમતી વ્યક્તિને જોતાં જ શરીરમાં ઉભરાતો ઉમંગ અનુભવવો.

18. મિત્રો સાથે સમય પસાર કરવો..

19. ગમતી વ્યક્તિને આનંદિત થતા નિહારવું.

20. મનગમતી વ્યક્તિનું શર્ટ પહેરી તેમાંથી પરફ્યુમની આવતી મીઠી સુગંધ મ્હાલવી.

21. જુના મિત્રો સાથે જુના સંસ્મરણો વાગોળવા.

22. જ્યારે કોઈ “I LOVE YOU” કહે તે સાંભળવું.

http://meresapane.spaces.live.com/recent/

                                                      ૐ નમઃ શિવાય