સૂર્ય નમસ્કાર

                      આજે ચૈત્ર સુદ ચોથ

આજનો સુવિચાર:- ખોટું બોલતાં શીખવું પડે છે, જ્યારે સત્ય કુદરતી બોલાઈ જાય છે.

 

હેલ્થ ટીપ્સ:- આદુની કતરી કરી તેમાં સિંધવ લૂણ ઉમેરી જમતા પહેલા લેવાથી ભૂખ ઉઘડે છે.

 

 

 

                                 સૂર્યનમસ્કાર

     સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ યોગનું આસન છે. જેનાથી શરીરને આરોગ્ય,શક્તિઅને ઉર્જા મળે છે. સૂર્યનમસ્કારથી શરીરનું અંગેઅંગ કાર્યરત થાય છે અને શરીરની તમામ આંતરિક ગ્રંથિઓ અને આંતરિક સ્ત્રાવ [હૉર્મોંસ]ને નિયમિત કરે છે.
સૂર્યનમસ્કાર સૂર્યોદયને સમયે કરવું હિતાવહ છે. સૂર્યનમસ્કાર 11 થી 21 વખત કરી શકાય. એ દરેકની શારીરિક પ્રકૃતિ અવલંબે છે.

સૂર્યનમસ્કાર કરવાની 12 સ્થિતીઓ છે. આ બાર સ્થિતીઓ સૂર્યનાં બાર નામ સાથે જોડાયેલી છે.

1]    સૂરજની સામે મુખ કરી ઉભા રહી નમસ્કારની મુદ્રામાં ઉભા રહીને હાથને છાતીની સામે રાખવા.

ૐ મિત્રાય નમઃ

2]    શ્વાસને અંદર ભરી હાથને આગળ લંબાવી હાથને ઉપર તરફ લઈ જઈને પાછળ લઈ જવા. દ્રષ્ટિ આકાશ તરફ રાખવી. કમરને બને તેટલી પાછળ ઝૂકાવવી.

ૐ રવયે નમઃ

 

3]    શ્વાસને બહાર કાઢી હાથ આગળ લઈને કમરને આગળ ઝૂકાવી પગ પાસે જમીન પર ટેકવા. જો હથેળીઓ જમીનને સ્પર્શ કરી શકે અને માથું ધુંટણને અડાડી શકાય તો ઉત્તમ છે.

ૐ સૂર્યાય નમઃ

4]    હવે નીચે ઝૂકાવતાં હાથની હથેળીને છાતીની બાજુ પર ટેકવી રાખીને ભુજંગાસનની સ્થિતીમા રહેવું. ત્યારબાદ જમણા પગને બન્ને હાથની વચમાં લાવવો. અને પગની એડી જમીન પર ટેકવી શરીર ઉંચું કરવું. દૃષ્ટિ આકાશ તરફ રાખી શ્વાસને અંદર ભરો.

ૐ ભાનવે નમઃ

5]    શ્વાસ બહાર કાઢતાં જમણો પગ પાછળ લઈ જઈને ગર્દન અને માથાને બે હાથની વચમાં રાખવા નિતંબ અને કમરને ઉપર તરફ ઉઠાવવા. માથાને નીચે તરફ રાખીને નાભિની સમક્ષ જોવું.

ૐ ખગાય નમઃ

6]    હાથને અને પગને પંજાને સ્થિર રાખતા છાતી અને ઘુટણોને જમીનને સ્પર્શ કરે એ સ્થિતીમાં રાખો. આ સાષ્ટાંગ પ્રણામનો એક પ્રકાર છે.

ૐ પૂણ્યે નમઃ

7]    શ્વાસને અંદર ભરતાં છાતીને ઉપર ઉપાડો. કમરને જમીન પર ટેકવી રાખો. હાથ અને પગને સીધા રાખવા.

ૐ હિરણ્યગર્ભાય નમઃ

8]    પાંચ નંબરની સ્થિતીમાં આવો.

ૐ મરીચાય નમઃ

9]    ચાર નંબરની સ્થિતીમાં આવો પણ પગની સ્થિતી બદલો. જમણા પગને બદલે ડાબા પગનો ઉપયોગ કરો.

ૐ આદિત્યાય નમઃ

10]    ત્રણ નંબરની સ્થિતીમાં આવો.

ૐ સવિત્રાય નમઃ

11]    બે નંબરની સ્થિતીમાં આવો.

ૐ અર્કાય નમઃ

12]    એક નંબરની સ્થિતીમાં આવો.

ૐ ભાસ્કરાય નમઃ.

સૂર્ય નમસ્કારથી થતાં લાભ:-

1] આ એક સંપૂર્ણ વ્યાયામ છે. એનાથી શરીરનાં દરેક અંગો મજબૂત અને નિરોગી બને છે.

2] પેટ, હૃદય, ફેફસા સ્વસ્થ થાય છે.

3] મેરુદંડ એટલે કે કરોડરજ્જુને લચીલી બને છે અને આવેલી વિકૃતીઓ દૂર થાય છે.

4] લોહીનું ભ્રમણ સુધરે છે અને લોહીની અશુદ્ધિઓ દૂર થતાં ચર્મ રોગો દૂર થાય છે.

5] હાથ, પગ, બાવડા,જાંઘ અને ખભાનાં સ્નાયુઓ સુદ્રઢ બને છે.

6] માનસિક શાંતિ મળે છે અને તેજસ્વિતા આવે છે.

7] મધુ પ્રમેહ એટલે કે ડાયાબિટીસનાં રોગીઓ માટે ઉત્તમ આસન છે.

 

 

                                                 ૐ નમઃ શિવાય