મસાલા તથા અનાજની સાચવણી

                                 આજે ચૈત્ર વદ ચતુર્થી

આજનો સુવિચાર:- જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- વારંવાર જુલાબ લેવા કરતાએક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

 

                         મસાલાની તેમ જ અનાજની સાચવણી

    કહેવાય છે કે જેને સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રાપ્ત થાય તે નસીબદાર હોય છે. સુરતનાં જમણવારમાં તો એવું શું છે કે તે ખુબ વખણાય છે. એ છે એના મસાલા. ઉનાળાની ઋતુ આવે એટલે ગૃ હિણીઓ મસાલા, અનાજ વગેરે ભરવામાં ઓતપ્રોત થઈ જાય છે. એકબાજુ ઘઉં અને તુવેરદાળ ભરવાની ઋતુ આવી છે અને સાથે સાથે આખા વર્ષભરનાં મસાલા ભરવાની ઋતુ આવી છે. ઘણીવાર આ અનાજમાં અને મસાલામાં જીવડાં પડી જતાં હોવાથી ગૃહિણીઓની મુસીબત વધી જતી હોય છે.

                     તો આ મોંઘા મસાલાને બારેમાસ કેવી રીતે સાચવવા તે જોઈએ?

     મુંબઈ જેવું શહેર જે હંમેશા દોડતું જ હોય છે તેવા આ શહેરમાં સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ વધારે જોવા મળે છે એવા મુંબઈ શહેરમાં હાથનાં ખાંડેલા મસાલા જૂજ જોવા મળે છે. અહીં મશીનનાં દળેલાં અને પેક મસાલાનું ચલણ વધારે જોવા મળે છે. તો આ મસાલાને બાર મહિના કેવી રીતે સાચવવા તે જોઈએ.

     આ મસાલા પર સીધી ગરમી ન પડે તે ધ્યાન રાખવું. તેને ફ્રિજમાં રાખવા જરૂરી નથી કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂરી નથી. ફક્ત એટલું ધ્યાનમાં રહે કે મસાલાને હવા ન લાગે તેવી હવાચુસ્ત બરણીમાં ભરવા. કાચની બરણી હિતાવહ છે. કારણ પ્લાસ્ટિકની બરણીમાં તેની વાસ બેસી જવાનો ભય હોય છે.

     આપણે હળદરની વાત કરીએ તો હળદરને તાજી અને સૂકી રાખવા તેમાં હિંગનાં ગાંગડા મૂકી રાખવા.અને તેને બરણીમાં ભરતા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈપણ મસાલા ભરતાં તેને ચમચાથી કે વાડકીથી દાબીને ભરવાં જેથી તેમાં હવા ન ભરાય કે જીવાત પડવાની શક્યતા ન રહે. આજ રીતે લાલ મરચામાં અને ધાણાજીરામાં હિંગનાં ગાંગડા મૂકી સાચવી શકાય છે. હિંગમાં મસાલા તાજા રાખવાનો તેમજ આ ઉપરાંત હિંગ પાચનક્રિયામાં મદદ કરે છે. ઘણી ગૃહિણીઓ આ હળદર, લાલ મરચા અને ધાણાજીરાને તેલમાં મોઈને સાચવે છે પણ આગળ જતાં તે કાળા પડી જાય છે જ્યારે હિંગનાં ગાંગડાથી મૂકવાથી આ મસાલાનો રંગ એવો તાજો જ રહે છે.

       જીરામાં જીવાત ન પડે તે માટે થોડું કે શેકી ઠંડુ પડે હવાચુસ્ત બરણીમાં પારાની ટિકડીઓ સાથે ભરો. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકો. આ પારાની ટિકડી બજારમાં ઝંડુ બ્રાંડની મળે છે. તેનો રંગ બદલાઈ જાય ત્યારે તે ટિકડીઓ બદલી નાખવી.

     આ ટિકડીઓ અનાજ અને કઠોળ સાચવવા માટે કામ લાગે છે. ઘઉં, ચોખા કઠોળ પણ હવાચુસ્ત ડબ્બામાં ભરો. ઘઉં અને ચોખા બને ત્યાં સુધી એરંડિયાથી [દિવેલથી] મોઈને ભરવાથી બગડતાં નથી. દિવેલ તો આમ પણ તબિયત માટે સારું છે. ચોખામાં દિવેલ ન નાખવું હોય તો મીઠું તેલ પણ ચાલે. દિવેલને ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મો’વા માટે ઉપયોગ કરવો. ઘણાને દિવેલનો સ્વાદ નથી અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂરજનાં તાપે સૂકવી ઠંડા પડે તેને ડબ્બામાં ભરો સાથે આ પારાની ટિકડીઓ નાખી રાખવાથી વર્ષભર બગડતાં નથી. ચોખા ભરવા તેના ડબ્બામાં નીચે સૂકા કડવા લીમડાનાં પાન ડાખળી સાથે મૂકવાથી બગડતાં નથી.

      કઠોળને સૂરજનાં તડકામાં કદીપણ ન સૂકવવા. મગને સાચવવા તેમાં છૂટ્ટો પારો નાખી કાચની બરણીમાં જ ભરવા અને વાપરતી વખતે ચાળીને વાપરવા જેથી પારો નીકળી જશે. પારો કદાપિ ઍલ્યુમિનિયનાં વાસણને કે સોના ચાંદીને અડકવું ન જોઈએ નહીં તો એનું ઍલોય થઈ જશે એટલે કે ટુકડા થઈ જશે. બીજા કઠોળમાં પારાની ટિકડીઓ મૂકી શકાય. આ કઠોળ કાચની બરણીમાં કે ટપરવેરનાં ડબ્બામાં ભરી શકાય. આખી તુવેરને મીઠા સાથે ભરવાથી તેમાં સડો થતો નથી.

 

                                                    ૐ નમઃ શિવાય