શ્રી રાધાવતાર – એક પુસ્તક પરિચય

આજે ચૈત્ર વદ સાતમ [કાલાષ્ટમી]

 

આજનો સુવિચાર:- ભગવાન ભાર વિનાનો હોવો જોઈએ. — મોરારીબાપુ

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર મહિનામાં લીમડાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. ચામડીના રોગમાં લીમડો ઉત્તમ ગણાય છે.

શ્રી રાધાવતાર –એક પુસ્તક પરિચય

દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર,
શ્રીરાધાવતારનો સમકાલીન આધાર;
વ્યાસ પ્રણીત ભાગવતમહીં ‘રાધા’ સાક્ષાત્કાર,
શુકદેવનાં આરાધ્ય તો રાધાજી સરકાર !

 

શ્રી રાધા – રુકમણી મિલન

 

         આખરે ઉષાનો રક્તવર્ણી ઉજાશ ધીરે ધીરે પીતરંગી બનીને, શાંતિના શ્વેત વર્ણમાં પલટાઈ ગયો. ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્વારિકાના પૂર્વાકાશે ડોકિયું કર્યું. છેલ્લા નવદસ દિવસથી દ્વારિકામાં પધારેલાં સાધુસંતો અને વિદ્વજ્જનો હવે પોતપોતાના સ્થાને પરત જવા માટે ‘સંતશિબિરમાંથી વિદાય થઈ ગયા. આમંત્રિત ઋષિમુનિગણે વિચાર કર્યો કે આટલે સુધી આવ્યા છીએ તો ચાલો, દ્વારિકા પાસેના પુરાણપ્રસિદ્ધિ પિંડારક તીર્થક્ષેત્રની મુલાકાત લઈ, ત્યાનાં સમુદ્રમાં સમૂહમાં સમૂહસ્નાન કરીને પછી છૂટા પડીએ ! સૌએ પિંડારક તીર્થક્ષેત્ર ભણી પ્રયાણ કર્યું.

    બનવાકાળે એવું બન્યું કે, જેમના વર્તનથી શ્રીકૃષ્ણ સદૈવ ચિંતિત રહેતા હતા તેવા કેટલાક યાદવ નબીરાઓ આ વખતે એ બાજુ સહેલગાહે નીકળ્યા હતા અને મદિરા પીને મદોન્મત્ત બની સ્વછંદ વિહાર કરી રહ્યા હતા. એમની નજર આ ઋષિવૃંદ પર પડી અને તેમને એમની મશ્કરી કરવાની કુબુદ્ધિ સૂઝી. રાણી જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી, એના પેટ પર છબડા ઘાટનું લોખંડનું તબાહરું બાંધી આ તોફાની યાદવો એને ઋષિગણ પાસે લઈ ગયા અને કૃત્રિમ નમ્રતા ધારણ કરીને પૂછ્યું :” મહારાજ! આ સ્ત્રી સગર્ભા છે. આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો કૃપા કરીને એટલું કહો કે આ સ્ત્રીને પુત્ર પ્રસવશે કે પુત્રી ? એ પોતે આવું પુછતાં શરમાય છે તેથી એના વતી અમે આપને પૂછી રહ્યા છીએ….”

     આર્યાવર્તના શ્રેષ્ઠ ઋષિવૃંદની યાદવકુમારો દ્વારા આ રીતે થઈ રહેલી મશ્કરી એમાંના એક પ્રખર જ્ઞાની ઋષિથી સહન ન થઈ શકી અને કોપાયમાન થઈને તે ગર્જી ઊઠ્યા :” મૂર્ખના સરદારો ! બીજા કોઈની નહિ ને અમારી મશ્કરી ? ધિક્કાર છે તમને ! જાવ, આ સ્ત્રી તમારા આખા યાદવકુળનો નાશ કરનારા મૂશળને જન્મ આપશે………”

      મુનિનો શાપ સાંભળતાં પાંદડાની જેમ થરથર ધ્રુજતા યાદવકુમારો ત્યાંથી દોટ મૂકીને ભાગ્યા. થોડેક દૂર ગયા પછી તેમણે સાંબનો સ્ત્રીવેશ દૂર કર્યો અને પેલું તગારું છોડ્યું, તો અંદરથી સાચે જ એક મૂશળ નીકળ્યું ! ભય અને ચમત્કારથી હતપ્રભ થઈ ગયેલા તેઓ સૌ દોડતા રાજમહેલે આવ્યા અને સીધા ‘દેવકીભવન’ પર ગયા.

        હજી હમણાં જ સ્નાનપૂજાથી પરવારીને માતાપિતાને પ્રણામ કરવા દાઉ સાથે અત્રે આવીને બિરાજેલા વાસુદેવે પોતાના પુત્રો સહિત કેટલાક યાદવકુમારોને હાંફતા ને ધ્રૂજતા અંદર પ્રવેશતા જોઈ આંખો બંધ કરી દીધી. વસુદેવનું મોં પડી ગયું અને બલરામે એકદમ આગળ વધી સાંબનો હાથ પકડ્યો અને શું થયું પૂછવા માંડ્યું. સાંબે વીલે મોંએ જે બન્યું હતું તે બીતાંબીતાં કહી દીધું અને પેલું મૂશળ એમના ચરણમાં મૂકી દીધું. મૂશળ જોઈને એક વાસુદેવ સિવાય સૌ કોઈનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં………

વધુ વાંચો ‘શ્રીરાધાવતાર’ ધાર્મિક-મૌલિક નવલકથામાં

 

:લેખક: પ્રિ. ભોગીભાઈ સી. શાહ:
એમ.એ.એમ.એડ. જ્ઞાનરત્ન.
નિવૃત આચાર્ય,
શેઠ ચી.ન.જી.ટી.સી.,
અમદાવાદ

                                                 ૐ નમઃ શિવાય