આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

                    આજે ચૈત્ર વદ નોમ

આજનો સુવિચાર:- પ્રશંસાના ભૂખ્યા એ સાબિત કરી દે છે કે તેમનામાં લાયકાતનો અભાવ છે.

 

હેલ્થ ટીપ્સ:- અપૂરતી ઊંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે.

 

                  આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

   આપણા દેશભરમાં દરેક ઘરે ભગવાનની સમક્ષ દીવો કરવામાં આવે છે. કેટલાંક ઘરમાં સવારે દીવો પ્ર્ગટાવવામાં આવે છે જ્યારે કેટલાંક ઘરમાં સવાર અને સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે. કોઈક ઘરમાં તો અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. રોજિંદી પૂજા, ધાર્મિક પ્રસંગો, ઉત્સવો અને ઉદઘાટન જેવા અનેક સામાજિક પ્રસંગોના શુભારંભ દીપક પ્રાગટ્યથી કરવામાં આવે છે.

    પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે અને અંધકાર અજ્ઞાનનું. ઈશ્વર જ્ઞાનનાં પુંજ છે, તે ચૈતન્યસ્વરૂપ છે. તે જ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉદભવસ્થાન, જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનનાં સાક્ષી છે. તેથી ઈશ્વર રૂપે પ્રકાશની-દીપકની આરાધના કરવામાં આવે છે.

    પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે. વળી, જ્ઞાન એવી આંતરસંપત્તિ છે કે જેના થકી સર્વ પ્રકારની બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. માટે, સર્વ સંપત્તિઓમાં મહાસંપત્તિરૂપે જ્ઞાનને આપણે વંદન કરીએ છીએ. તેથી જ શુભપ્રસંગોમાં આપણા સર્વ વિચાચારો અને કર્મોના સાક્ષીરૂપે દીપકને આપણે જલતો રાખીએ છીએ.

   આપણા દેશમાં ઘીના અથવા તેલના દીવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. દીવામાંનું ઘી આપણી વાસનાઓનું નકારાત્મક વૃત્તિઓનું પ્રતીક છે અને વાટ અહંનું. આધ્યાત્મિક જ્ઞાન વડે વાસનાઓનો ધીમે ધીમે ક્ષય થાય છે અને અહં પણ એજ રીતે નાશ પામે છે. દીપકની જ્યોત સદાય ઊર્ધ્વગામી હોય છે. એ જ રીતે, આપણે પણ ઉચ્ચતર આદર્શો પ્રતિ ગતિ થાય એવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ.

        જેમ એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે એ જ રીતે એક દીપક સેંકડો દીપક પ્રગટાવી શકાય છે. અનેક દીવા પ્રગટાવવાથી મૂળ દીવાનો પ્રકાશ કાંઈ ઝંખવાતો નથી. તેવી જ રીતે જ્ઞાનનું વિતરણ જ્ઞાનને વધુ તર્કશુદ્ધ બનાવે છે અને જ્ઞાનમાં આપણી નિષ્ઠા વધારે પાકી બને છે.

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

અર્થાત

   હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું. તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે. તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે.

મનોહર દીપજ્યોતિ સિવાય અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?
ગહન જ્ઞાનપ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે?
— સ્વામી ચિન્મયાનંદજી

આમ દીવો કરવાની પરંપરામાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થનો ભંડાર ભરેલો છે. ભારતીય સંસ્કૃતિખરખર ઉમદા પરંપરાઓથી સમૃદ્ધ છે.

 

                                             ૐ નમઃ શિવાય