થોડું શોધવાનો પ્રયત્ન કરો [જવાબ]

                      આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:- પોતાની પાંખ પર ઊડતા શીખો, અન્યની પાંખે ઊડવાનું શક્ય નથી.

 

હેલ્થ ટીપ:- લીંબુના રસમાં દૂધ અથવા મલાઈ અને ગુલાબજળ નાખી મિક્સ કરો અને ચહેરા, હાથ-પગ પર લગાવો. આ મિશ્રણ બ્લિચિંગનું કામ કરશે.

 

આપ સહુએ ઉત્તરો આપવા સારો પ્રયત્ન કર્યો છે તે બદલ આપ સહુનો આભાર.

થોડું શોધવાનો પ્રયત્ન કરો [જવાબ]

1] જુના કાળનો ‘સુમેરુ’ પર્વત અત્યારે ક્યાં છે?

આમાં બે મત છે. [1] કેદારનાથનો પર્વત – ગઢવાલનો રૂદ્ર મહાલય [2] કૈલાસ- તિબેટમાં આવેલ છે.

2] ગુજરાતના ‘સોલંકી’ યુગનો ‘લાટ’ પ્રદેશ કયો?

મહી અને તાપી નદીની વચ્ચેનો પ્રદેશ

3] કયા ત્રણ સંતોનો અંત કોઈ જાણતું નથી?

[1] મીરા જે દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયાં

[2] તુકારામ જે વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા સદેહે સ્વર્ગમાં ગયા. [3] ચૈતન્ય મહાપ્રભુજી જે હરિૐ કરતાં જગન્નાથમાં ભળી ગયા.

4] ‘ગુડાકેશ’ કોનું નામ છે?

અર્જુન

5] મથુરામાં કૃષ્ણને મારવા કયા ચાર મલ્લોને કંસે તૈયાર રાખ્યા હતા?

શલ, તોશલ, ચાણૂર, મુષ્ટિક

 

6] ક્રિક્ર્ટનું બેટ મુખ્યત્વે કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે?

‘વિલો’ નામના વૃક્ષમાંથી બને છે.

7] ઈ.સ. 1999 અને ઈ.સ. 2003નો ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો. તેમાં વિજેતા દેશ ક્યો હતો?

1999 – ઈંગ્લેંડ- વિજેતા ઑસ્ટ્રેલિયા 2003- દક્ષિણ આફ્રિકામાં – વિજેતા ઑસ્ર્ટેલિયા

8] ભારતનો સૌથી ઊંચો મિનારો ‘કુતુબ મિનારો’ ક્યાં આવેલો છે?

દિલ્હી

9] ‘ગુરૂ’ ફિલ્મ કોના જીવન પર આધારિત છે?

ધીરુભાઈ અંબાણી

10] ‘ગીતાંજલિ’ કૃતિ માટે નોબેલ પ્રાઈઝ કોને મળ્યું હતું?

રવીન્દ્રનાથ ટાગોર

 

11] ‘ડ્રીમ ગર્લ’નું બિરૂદ કઈ અભિનેત્રીને મળ્યું હતું?

હેમા માલિની

 

12] સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે?

વેરાવળ

13] ‘શિક્ષકદિન’ કોની યાદમાં ઊજવાય છે?

ડૉ. એસ. રાધાકૃષ્ણન

 

14] ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું?

વૈષ્ણવ જન તો તેને રે કહીએ

 

15] ‘મહિલા હૉકી’ સાથે સંકળાયેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ કઈ છે?

ચક દે ઈંડિયા

 

                                            ૐ નમઃ શિવાય

થોડું મગજ કસવાનો પ્રયત્ન કરશો?

                            આજે વૈશાખ સુદ દસમ

 

આજનો સુવિચાર:- માણસ આદર્શ માટે કામ કરે છે ત્યારે તેનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે.

 

હેલ્થ ટીપ:- જે બાળકને ચૉક ખાવાની આદત હોય તેને પાકેલું કેળું મધમાં મસળી દિવસના બે વાર ખવડાવવાથી આદત છોડાવવામાં મદદ કરશે.

 

        થોડું મગજ કસવાનો પ્રયત્ન કરશો ?

 

1]   જુના કાળનો ‘સુમેરુ’ પર્વત અત્યારે ક્યાં છે?

2]   ગુજરાતના ‘સોલંકી’ યુગનો ‘લાટ’ પ્રદેશ કયો?

3]   કયા ત્રણ સંતોનો અંત કોઈ જાણતું નથી?

4]   ‘ગુડાકેશ’ કોનું નામ છે?

5]   મથુરામાં કૃષ્ણને મારવા કયા ચાર મલ્લોને કંસે તૈયાર રાખ્યા હતા?

6]    ક્રિક્ર્ટનું બેટ મુખ્યત્વે કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે?

7]    ઈ.સ. 1999 અને ઈ.સ. 2003નો ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો. તેમાં વિજેતા દેશ ક્યો હતો?

8]    ભારતનો સૌથી ઊંચો મિનારો ‘કુતુબ મિનારો’ ક્યાં આવેલો છે?

9]    ‘ગુરૂ’ ફિલ્મ કોના જીવન પર આધારિત છે?

10]   ‘ગીતાંજલિ’ કૃતિ માટે નોબેલ પ્રાઈઝ કોને મળ્યું હતું?

11]   ‘ડ્રીમ ગર્લ’નું બિરૂદ કઈ અભિનેત્રીને મળ્યું હતું?

12]   સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે?

13]   ‘શિક્ષકદિન’ કોની યાદમાં ઊજવાય છે?

14]   ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું?

15]   ‘મહિલા હૉકી’ સાથે સંકળાયેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ કઈ છે?

 

                                          ૐ નમઃ શિવાય

ઈલકાબો વિષે થોડું વિશેષ

                                 આજે વૈશાખ સુદ નોમ

આજનો સુવિચાર:- રાજા હો યા રંક, સૌથી સુખી એ છે જે પોતાના ઘરે શાંતિ મેળવે છે.

 

હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.

 

ઈલકાબો વિષે થોડું વિશેષ

 

26મી જાન્યુઆરી આપણા દેશમાં અપાતા ઈલકાબો વિષે થોડું જાણીએ.

 

1] ભારતરત્ન – જે આ વર્ષે કોઈને આપવામાં આવ્યો નથી.

2] પદ્મવિભૂષણ

3] પદ્મભૂષણ

4] પદ્મશ્રી

ઉપરોક્ત [2] [3] [4] ઈલકાબો સંગીતકલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રે અથવા તો દેશની ઉત્તમ સેવા કરવા બદલ આપવામાં આવે છે.

 

5] અર્જુન એવૉર્ડ – જે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે.

6] શ્રમરત્ન

7] શ્રમભૂષણ

8] શ્રમવીર

9] શ્રમદેવી

 

ઉપરોક્ત [6] [7] [8] [9] ઈલકાબ ઉદ્યોગક્ષેત્રે આપવામાં આવે છે.

 

આ ઉપરાંત અન્ય ઈલકાબો પણ આપવામાં આવે છે.

10] જમનાલાલ બજાજ એવૉર્ડ – જે સમાજસેવા માટે આપવામાં આવે છે.

11] જ્ઞાનપીઠ એવૉર્ડ – સાહિત્યક્ષેત્રે આપવામાં આવે છે.

12] શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે આપવામાં આવે છે.

13] નેશનલ ફિલ્મ એવૉર્ડ – શ્રેષ્ઠ ચલચિત્ર અથવા શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ ઍક્ટર કે ઍક્ટ્રેસ માટે આપવામાં આવે છે.

14] સંચારશ્રી ઍવોર્ડ – દૂર સંદેશા ક્ષેત્રમાં રૂ. 3000/- નું ઈનામ અપાય છે.

                                                                               — સંકલિત

 

                                      ૐ નમઃ શિવાય

અસત્યનારાયણના આધુનિક સહસ્ત્ર નામો

                     આજે વૈશાખ સુદ આઠમ

 

આજનો સુવિચાર:- કૌશલ્ય અને સદગુણનો વિકાસ જ માણસની પારાશીશી છે.

 

હેલ્થ ટીપ:- ગરમીની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દૂધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે.

 

સુરેશ દલાલ લિખિત અસત્યનારાયણની પૂજાના આધુનિક સહસ્ત્રનામો જોઈએ.

 

ૐ રૂપયાય નમઃ                    ૐ ડ્રાફ્ટાય નમઃ                  ૐ યશવંત સિન્હા નમઃ

ૐ ડોલરાય નમઃ                   ૐ ઑવરડ્રાફ્ટાય નમઃ          ૐ આર.બી.આઈ. નમઃ

ૐ પાઉન્ડાય નમઃ                 ૐ બેંક-બેલેંસાય નમઃ           ૐ બિઝનેસ-મેનેજમેંટાય નમઃ

ૐ રૂબલાય નમઃ                  ૐ બેંક કાઉંટરાય નમઃ           ૐ એન.આર.આઈ નમઃ

ૐ લીરાય નમઃ                   ૐ બેંક મેનેજરાય નમઃ          ૐ કાર્ડિયોગ્રામાય નમઃ

ૐ બેંકાય નમઃ                    ૐ બેંક ડિરેક્ટરાય નમઃ          ૐ બ્લડપ્રેશરાય નમઃ

ૐ કૉપરેટિવ બેંકાય નમઃ       ૐ લોનાય નમઃ                   ૐ ડાયાબિટીસ નમઃ

ૐ નેશનલાઈઅઝ્ડ બેંકાય નમઃ ૐ હૂંડી હૂંડાય નમઃ            ૐ ડૉક્ટરાય નમઃ

ૐ ઈંટરનેશનલ બંકાય નમઃ     ૐ નરસિંહરાવાય નમઃ       ૐ નર્સાય નમઃ

ૐ વર્લ્ડ બેંકાય નમઃ               ૐ હર્ષદાય નમઃ               ૐ ઑટોપ્સીકરાય નમઃ

ૐ પાસબુકાય નમઃ                ૐ બિરલાય નમઃ             ૐ ઍંજિયોગ્રાફી નમઃ

ૐ ચેક્બૂકાય નમઃ                  ૐ ટાટાય નમઃ                ૐ બાયોપ્સીકરાય નમઃ

ૐ સ્લિપબુકાય નમઃ               ૐ અંબાણી નમઃ              ૐ મિડિયોકરાય નમઃ

 

                                     ૐ નમઃ શિવાય

ફળોનો રાજા કેરી

                              આજે વૈશાખ સુદ પાંચમ

આજનો સુવિચાર:- ખોટી હામાં હા કરતાં સ્પષ્ટ ના તમારા માટે વધુ હિતકારી સાબિત થશે.

 

હેલ્થ ટીપ:- ગરમ દૂધ અને ચા પીધા પછી પાણી પીવું યોગ્ય નથી.

 

 ફળોનો રાજા કેરી

 

      ભલે એને આમ કહેવાય છે પણ તેમાં કાંઈક ખાસ વાત છે. એ અમૃતફળ છે. પાકી કે કાચી કેરી બધ્ધી જ અવસ્થામાં આરોગ્યવર્ધક છે. ફળ તો ફળ ગોટલી પણ આરોગ્યવર્ધક છે. આંબાનાં પાંદડાનો ઉપયોગ પણ આપણે પૂજામાં કરીએ છીએ.

    સ્કૂલનાં દિવસો યાદ કરતાં કહું તો સ્કૂલના દરવાજાની બહાર કાચી કેરી કાપીને બેઠેલા ફેરિયા પાસેથી મીઠું મરચું ભભરાવીને તેની જ્યાફત ઉડાડવાની મઝા તો અનેરી જ હતી. કાચી કેરીનાં અથાણાં બને છે. તેમાંથી ચટણી બને, પનો બને જેના સેવનથી ગરમી લૂ લાગતી નથી.

     કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.

       કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજન થશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.

      ફાયદા તો જોયા પણ જો વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે. કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે. કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.
    પાકી કેરી ચૂસીને ખાવાની મઝા તો કાંઈ ઓર છે બાળપણ યાદ આવી જાય. કેરીને ચૂસીને ખાવામાં પણ ફાયદો જ છે. કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
    ગરમીની શરુઆતમાં કાચી કેરી ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ આફૂસ, પાયરી, કેસર કેરી આવવા માંડે છે અને સીઝન પૂરી થતા તો તોતાપુરી, લંગડો, દશેરી, બાટલી કેરીઓ મળવા માંડે છે. આમ ચોમાસા સુધી કેરી મળતી રેહે છે અને એનો આનંદ ઉઠાવવો જોઈએ અને વર્ષભર સ્વસ્થતા મળી રહે છે.

 

                                                   ૐ નમઃ શિવાય

રવીન્દ્રનાથ ઠાકુર, સ્વામી ચિન્મયાનંદજી

                            આજે વૈશાખ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- આનંદ આપણા ઘરમાં જ હોય છે, તેને અન્યના બગીચામાં અર્થ નથી.

 

હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે.

        આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિન છે. 8/5/1861ના દિવસે બંગાળના નાના ગામમાં આપણા રાષ્ટ્રગીતનાં રચૈતા અને પ્રખર રાષ્ટ્રપ્રેમી લોકોત્તર ગાયક કવિ રવીન્દ્રનાથ ઠાકુરનો જન્મ થયો હતો. પિતા ગામના જાગીરદાર હોવાથી રવીન્દ્રનાથનું શિક્ષણ, જીવન અને જગતનાં સર્વ વિષયનુ જ્ઞાન ઘરે બેઠા શિક્ષક દ્વારા પ્રાપ્ત થયું હતું. પ્રકૃતિ અને કવિતા નાનપણથી મળ્યાં હતાં. જીવનનું સર્વાંગી શિક્ષણ આપે તેવી ‘શાંતિ નિકેતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના કાવ્યનું સંગીત રવીન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે. તેમના અપૂર્વ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ દ્વારા તેમને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો તથા અનેક વાર્તાઓ, નવલકથા, નાટકો, નિબંધો પ્રવાસવૃતાંતો, પત્રો લખ્યાં છે.

     સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અને રવીન્દ્રનાથ દેશની પ્રજા સાથે રહેલા. જલિયાવાલાં હત્યાકાંડ વખતે તેમણે બ્રિટીશ ઈનકલાબો પાછા વાળેલા. 7/8/1941માં તેમનું અવસાન થયું હતું.

અજિત શેઠ અને નિરૂપમા શેઠ રવીન્દ્રસંગીતના પસિદ્ધ ગાયકો છે. રવીન્દ્રનાથ ટાગોરનું પ્રસિદ્ધ ગીત

‘તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે’

——————————————————————————–

                             

          સ્વામી ચિન્મયાનંદજી

 

                 કેરાળાના એર્નાકુલમનગરમાં 8 મે 1916ના રોજ પથમપલ્લી કુટુંબમા જન્મેલા બાલકૃષ્ણ મેનન એટલે સ્વામી ચિન્મયાનંદજીએ લખનૌ યુનિવર્સિટીમા સ્નાતકની ઉપાધી મેળવીને પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કર્યું હતું પરંતુ સ્વામી શિવાનંદજી નાં સાનિધ્યમાં આવ્યા બાદ તેમના જીવનની રાહ બદલાઈ ગઈ હતી. તેમણે આધ્યાત્મિક જિંદગી સ્વીકારી હતી. તેમણે 40 વર્ષ સુધી પરિભ્રમણ કરીને વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ શાળાઓ, હૉસ્પિટલો, આશ્રમો, આધ્યાત્મિક કેન્દ્રો ખોલ્યા હતા. 1993માં કૅલિફોર્નિયાના સાન ડિયાગોમાં તેમણે મહાસમાધિ લીધી.

 

                                            ૐ નમઃ શિવાય

અક્ષયતૃતીયા

આજે વૈશાખ સુદ બીજ [અખા ત્રીજ, અક્ષય તૃતીયા]

આજનો સુવિચાર:- અક્ષય એટલે જેનો નાશ નથી થતો તે. ભગવાનનું એક નામ અક્ષય છે.

 

હેલ્થ ટીપ:- ગરમીમાં ઘરનું સારી રીતે રાંધેલું ભોજન લો.

 

                     આજે અક્ષય તૃતીય એટલે અખાત્રીજ

    અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી. કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમને અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્ર તેમની પાસે બાર વર્ષ સુધી રહ્યું હતું . આ અક્ષયપાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં જેમાંથી પાંડવોએ દુર્વાસાને જમાડ્યા હતા.

    પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ પ્રભુ પાસે પહોંચી ગઈ અને પોતાનું મહત્વ બતાવવા લાગી. પૂર્ણિમા, ચૌદસ તેરસ, અગિયારસ વગેરે પોતાનું મહત્વ જણાવ્યું. પૂર્ણિમાએ શરદ પૂનમ્નું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. ચૌદસે અનંત ચૌદસનું મહત્વ બતાવતાં જણાવ્યું કે હું મોટી. દશમ વિજયા દશમીનું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. આમ બધી તિથિઓ પોતાનું મહત્વ જણાવતી ગઈ. પરંતુ ત્રીજ [તૃતીયા] એક બાજુએ ઊભી ઊભી રડતી હતી. પ્રભુએ તેને બોલાવી પૂછ્યું શા માટે રડે છે ? ત્યારે તેણે જણાવ્યું કે મારું તો કાંઈ મહત્વ જ નથી. ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતાં જણાવ્યું કે રડીશ નહી વૈશાખ સુદ ત્રીજ તુ અક્ષયત્રીજ તરીકે ઓળખાશે અને એ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય.

     આમ એ દિવસથી અક્ષયતૃતીયાનું મહત્વ વધી ગયું. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે.

    આજે વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામનો જન્મદિવસ ગણાય છે. એમનો જન્મ ત્રેતા યુગમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાને ત્યાં થયો હતો.. તેઓ હંમેશા પોતાની પાસે ફરસી એટલે પરશુ રાખતા તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાતા. કહેવાય છે કે તેમણે કેરાલા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણથી મલબાર વચ્ચેના ક્ષેત્રમાં સમુદ્રને આગળ અટકાવ્યો હતો. આથી આ વિસ્તારને પરશુરામક્ષેત્ર કહેવાય છે.

 

                               ૐ નમઃ શિવાય

કીચન ટીપ્સ

                           આજે વૈશાખ સુદ એકમ

 

આજનો સુવિચાર:- દિમાગના વિચાર કરતાં દિલનો વિચાર વધુ પવિત્ર અને શક્તિશાળી હોય છે.

 

હેલ્થ ટીપ્સ:- વરિયાળીના શરબતના સેવનથી પેશાબના અટકાવમાં રાહત રહેશે.

 

                                 કીચન ટીપ્સ

• રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.

• ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

• મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.

• પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

• આમલેટના મિશ્રણમાં બે ચમચા દૂધ ભેળવવાથી આમલેટ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

• કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

• અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.

• ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.

• ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

• દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.

• તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.

• રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.

• ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.

• ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.

• વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.

• અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.

• સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

 

                                             ૐ નમઃ શિવાય

અખંડ ખાંસીનું ખંડ કાવ્ય

                         આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:- જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- લાલ રંગ ભૂખ વધારનારો છે તો તેનો ઉપયોગ ડાઈનિંગ ટેબલ અને રસોડામાં વપરાય તો લાભદાયક છે.

 

    આજનાં એટલે તા. 4/5/2008 ના જન્મભૂમિ પ્રવાસીના તીરકીટધા વિભાગના લેખક શ્રી સ્નેહલ મઝુમદાર લીખિત એક અનોખુ હાસ્યકાવ્ય આવેલું છે. જેની રજુઆત અહીં કરું છું.

 

અખંડ ખાંસીનું ખંડકાવ્ય

શાર્દૂલવિક્રીડિત

ખાતો’તો કુલ્ફી અને શરબતી પીણાં અને ફાલુદા
માંહી નાખત ટુકડાં બરફના કૉફી તણાં ગ્લાસમાં
એસી ચાલત, કાળઝાળ ગરમી, પંખો ફરે જોરમાં
ઠંડુગાર ગમે મને, ન પરવા, ના છોડવી’તી મજા

 

વસંતતિલકા

આજે અચાનક મને શરદી થઈ છે
કંઠે ભર્યો કફ અને મુજ સાદ બેઠો
ખાધી નિમેષનયને ભરપૂર છીંકો
ખાંસી વધી ગઈ રહ્યો પટકી હું માથું

 

શિખરિણી

ભમે છે માથું ને સકળ તાવે ધગધગે
દુઃખે વાંસો આખો શિથિલ પગલાં શા ડગમગ
નથી સૂતો રાત્રે સજળ નયને નાક ગળતું
રહું બેચેનથી નહિ ગમતું કો કામ કરવું

 

શાર્દૂલવિક્રીડિત

ખોં ખોં ખોં કરતા નિશા ગુજરતી, ના કાંઈ સૂઝે મને
વીતી કેમ કરી ન જાણું રજની, ચાંદો ભલે ચોકમાં
ડાબેથી જમણે ફર્યાં મેં પડખાં, થાકી ગયો હાંફતા
થાઓ ના મુજ શત્રુને ય શરદી, ત્રાસી ગયો બલમા

 

મંદાક્રાંતા

સૂણો સૂણો ઉધરસ અને છીંકની શી દવાછે?
ઠંડા પીણાં બરફ કુલ્ફી માણવાની સજા છે
ધ્રૂજે આખુ6 તનબદન જે કંપતું થૈ બુખારી
લેવી ગોળી, કફસીરપ કે ઔષધો સોય ભોંકી ?

 

વસંતતિલકા

બેઠેલ કંઠે કરતો નવલાં લવારા
છીંકો અને ઉધરસો નિત સાથ વહાલાં
છોડે કદી ન મુજ સંગ બની પરાયા
જીયો ભયો તમ સખી, ધન ભાગ્યા મારાં

 

                                                 ૐ નમઃ શિવાય

શ્રી વલ્લભાચાર્ય

           આજે ચૈત્ર વદ બારસ [અગિયારસનો ક્ષય]

આજનો સુવિચાર:- સફળતા એવી સીડી છે જેના પર ખીસ્સામાં હાથ રાખીને ન ચઢી શકો.

 

હેલ્થ ટીપ્સ:- સંતરાનો જ્યુસ પીવાથી શરીરની પૉટાશની ખામી દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે.

                        આજે વલ્લભાચાર્યનો 531મો પ્રાગટ્ય દિવસ છે.

 

       લક્ષમણ ભટ્ટજીની પત્ની ઈલ્લમાગારૂજીએ પોતાના અધૂરા માસે જ્ન્મેલાબાળકને મૃત સમજીને એ બાળકને વૃક્ષની બખોલમાં પોતાની  સાડીમાં વીંટાળીને મૂકી દીધુ અને ઉપર સૂકાપાંદડાં ઢાંકી દીધા.ચૌડા ગામમાં રાત્રીનાં મુકામ વખતે ઊંઘમાં પ્રભુની આજ્ઞાથી તેઓ જ્યાં બાળકને મૂક્યું હતું ત્યાં પાછા ફ્રર્યાં. પ્રભુનાં આ પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર વદ એકાદશી.  સાલ 1535ની હતી. રવિવારના દિવસે મધ્યાંતરે થયું હતુ. આ બાળક એટલે પુષિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય અથવા શ્રી મહાપ્રભુજી. કાશીમાં’શુદ્ધાદ્વૈત’નો સિદ્ધાંત રજુ કરી તે સમયનાં શંકરાચાર્યને પરાજિત કર્યાં ત્યારથી તેમને ‘મહાપ્રભુજી’ની પદવી એનાયત થઈ.

   અગ્યાર વર્ષની વયે  આપશ્રીએ પ્રથમ પરિક્રમાની શરૂઆત કાશીથી કરી. આપશ્રીએ ત્રણ વખત ચાલીને દેશભરમાં ભ્રમણ કરીને પુષ્ટિમાર્ગીય ધર્મનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં આપે ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરીને શ્રી ભાગવતનું પારાયણ કર્યું તેને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે. આવી બેઠકો આપણા દેશમાં 84 છે. તેમાં ઘણી અપ્રગટ છે. એમાં મુખ્ય ચંપારણ્યની ગણાય છે.

 

આપે અષ્ટાક્ષરી મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણં મમ આપ્યો.

 

શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

 

વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા
દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા

 

                                       જૈ જૈ શ્રી ગોકુલેશ