Congratulation

                     આજે જેઠ વદ તેરસ

 

આજનો સુવિચાર:- માનવીની ભાષા એનાં સંસ્કાર, શિક્ષણ અને ઘડતરને અભિવ્યક્ત કરે છે.

 

હેલ્થ ટીપ:- શરીરનાં અનેક રોગોને દૂર કરતી દવા:- 50 ગ્રામ મેથી, 20 ગ્રામ અજમો અને 10 ગ્રામ કાળીજીરી.
આ ત્રણેને અલગ અલગ શેકી,ત્રણેને બેગા કરી તેનો પાઉડર બનાવી રોજ 1 ચમચી ગરમ પાણી સાથે લો.

 

                                          હાર્દિક અભિનંદન

 

    

Ish playing Piano

 

Ish holding Gold Medals

 My Grand -son Ish Tapan Kadakia, studying in 3rd Grade at Botany Downs Primary School, Botany Downs in Auckland, New Zealand took part in the New Zealand Modern School of Music Competitions 2008 that was held at Interschool level on 21/6/2008. There were 28 participants from different schools of Auckland in his Category. His category was divided in 2 groups all had 2 songs to perform Cat Snooze and Finger Jogging Boggy. Ish stood 1st in both, winning 2 Gold Medals and also received Trophy for Best Overall Performance in his category.

ઈશ

ખૂબ આગળ વધો

દાદી, દાદાનાં આશિષ તારી સાથે છે.

                                                   

                                                 ૐ નમઃ શિવાય

કેટલાક માનવી

                                    આજે જેઠ વદ બારસ

આજનો સુવિચાર:- છેતરવાની કે છીનવવાની ભાવના ખુદ આપણા માટે ઘાતક નીવડે છે.

હેલ્થ ટીપ:- વજન ઘટાડવું છે? સપ્તાહમાં 4 થી 5 વખત 30 થી 40 મિનિટ એરોબિક કસરત કરો.

સળગતો માનવી !

ટ્રેન ને બસમાં લટકતાં માનવી,
વ્હીલની સાથે ગબડતો માનવી !
ન્યાય માટે જે ભટકતો માનવી,
ચોક વચ્ચે એ સળગતો માનવી.

સ્વાર્થની લીલે લપસતો માનવી,
સાંકડા મનથી ઝઘડતો માનવી,
વાણી-વર્તન સાવ નોખા જેમના
શૂળ માફક એ ખટકતો માનવી.

એક શેરીમાં રમી મોટાં થયાં,
એ જ શેરીમાં ઝઘડતો માનવી
બસ ચલણમાં નકલી સિક્કાઓ ઘણાં,
બસ અહીં ખાલી ખખડતો માનવી

માનવીને કોણ સમજી શક્યું છે ?
હરક્ષણે ચહેરા બદલતાં માનવી !

                       — રમેશ પટેલ

કેટલાક માનવી

કેટલાક
માણસોને ઘર નથી,

કેટલાક
માણસો ઘરમાં નથી

કેટલાક
માણસો ઘર માટે નથી

કેટલાક
માણસો માટે ઘર નથી

હું કયો માણસ ગણાઉં ?
માણસ ગણાઉં ?

                  — જયંતીભાઈ નાચી

                                                           ૐ નમઃ શિવાય

છત્રી વિષે અવનવું

                          આજે જેઠ વદ દસમ

આજનો સુવિચાર:- સફળતા તેને મળે જે સતત નવું નવું કરવા મથે છે.

 

હેલ્થ ટીપ:- લીંબુની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી તેમાં મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંત મજબૂત અને ચમકીલા બને છે.

 

                            છત્રી વિષે અવનવુ

 

     ચોમાસું આવે ને છત્રીની યાદ આવે. આ ઋતુમાં નાના, મોટા, જાડા, પાતળા, ગરીબ, તવંગર, ગોરા, કાળા દરેકને છત્રીની જરૂર પડે છે. આર્‍તુ આવે અને ઠેર ઠેર છત્રીની હાટ લાગી જાય છે અને રંગબેરંગી અને જુદી જુદી ફેશનની છત્રીઓ જોવા મળે છે. હવે તો ચીનની પણ છત્રીઓ ભારતમાં મળતી થઈ ગઈ છે જે સસ્તી તો છે પણ ટકાઉ નથી હોતી. નવી ઋતુમાં નવી છત્રી. આટલી બધી કલરફુલ છત્રીઓ જોઈ કઈ છત્રી લેવી તે નક્કી કરવું મુશ્કેલ થઈ પડે છે.

    આ છત્રીનો ઈતિહાસ બહુ જુનો છે. અંગ્રેજીમાં જેને Umberlla કહેવાય છે તે મૂળ લેટિન શબ્દ અમ્બરા ઉપર આવ્યો છે. એનો અર્થ છત્રછાયા થાય છે. પ્રાચીન સમયમાં વરસાદથી બચવા પાંદડાનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ નવી નવી શોધખોળે છત્રીનો જન્મ આપ્યો.

     પ્રાચીન ચીનમાં લોકો ધોમધખતા તાપથી બચવા છત્રીનો ઉપયોગ કરતા હતા. લગભગ સોળમી સદીમાં છત્રીનું ચલણ વધ્યું અને લોકપ્રિય બની દુનિયાભરમાં છત્રી છવાઈ ગઈ પણ લંડને પહેલી છત્રીની દુકાન ખોલી મેદાન મારી લીધુ. જાણવા જેવી વાત એ છે કે લંડનની ન્યુઑક્સફર્ડમાં ખૂલેલી પ્રથમ છત્રીની દુકાનની જગ્યાએ અર્વાચીનમાં ‘જેમ્સ સ્મિથ એંડ સંસ’ નામની છત્રીની જ દુકાન છે.

    હજારો વર્ષ પહેલા છત્રી નહીં પણ છત્ર હતા [ખૂબ મોટી છત્રી]. શરૂઆતમાંઉરોપિયન સ્ટાઈલમાં છત્રી બનતી લાકડામાંથી બનતી આ છત્રીનો ઉપરનો ભાગ કેનવાસથી ઢાંકવામાં આવતો. ત્યારબાદ તેને આકર્ષક બનાવવા તેના હેંડલને આકર્ષક અને રંગબેરંગી બનાવવામાં આવતા. પેરિસ શહેરે છત્રીઓની નવી નવી વેરાયેટી આપી. યુરોપમાં સદીઓ સુધી છત્રીને કોઈ ઓળખતું ન હતું

      પહેલા લાંબી છત્રીની ફેશન હતી જે હવે પાછી આવી છે. ત્યારબાદ ડબલ ફોલ્ડ છત્રીની ફેશન આવી. આ છત્રી પુષ્કળ પવનમાં કાગડો થઈ જતી. છત્રી જ્યારે ઊંધી થઈ જતી ત્યારે તેને કાગડો થઈ ગઈ કહેવાય છે. આ કહેવત કેવી રીતે પડી તે શોધવું પડશે. ત્યાર બાદ પર્સમાં રહી શકે તેવી થ્રી ફોલ્ડ છત્રીની ફેશન આવી.પહેલા કહેવાતું કે ફક્ત સ્ત્રીઓ જ રંગબેરંગી છત્રીઓ વાપરી શકે અને પુરુષો કાળી છત્રી વાપરી શકે. જો કોઈ પુરુષનાં હાથમાં રંગીન છત્રી હોય તો લોકો તેમની તરફ તાકી રહેતાં જાણે મોટો ગુનો ન કર્યો હોય ! પણ હવે તો સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ જાતની છત્રીનો ઉપયોગ કરી શકે પણ હા ! પુરુષોની છત્રીની સાઈઝ હંમેશા મોટી હોય છે.

બાળજોડકણામાં આવ્યો છત્રીનો વારો

છ છત્રીનો છ

છત્રી ઓઢી ભાઈલો ચાલે,
ઝરમરતો વરસાદ;
ગડગડ કરતાં વાદળ ગરજે
વીજળી ચમકે સાથ.

બારિશ આઈ છમ છમ છમ
લેકે છતા નીકલે હમ
પાનીમેં ફિસલ પડે
છાતા ઉપર નીચે હમ.

તો વરસાદમાં લઈએ છત્રીની મઝા.

 

                                              ૐ નમઃ શિવાય

ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા

                                આજે જેઠ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સત્ય અને પ્રિય વાણી માનવીને મિત્રો અને શુભેચ્છકો મેળવી આપે છે.

હેલ્થ ટીપ:- હરડે ઔષધોની માતા કહેવાય છે તેનું સેવન શરીરની તકલીફ દૂર કરે છે.

          ઋતુ પ્રમાણે મળતા ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા

 

જુદી જુદી ઋતુ પ્રમાણે મળતા શાકભાજી અને ફળો જો આરોગવામાં આવે તો આરોગ્ય સાથે બાહ્ય સુંદરતા મળે છે. જો કે હવે તો દરેક સીઝનમાં દરેક ફળો મળી રહે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.

સંતરા [નારંગી]:- વિટામીન સીથી ભરપૂર સંતરા ખાટા મીઠા હોય છે. તેની છાલ, રેસાં, ગર બધાં જ શરીર માટે લાભદાયક છે. તેની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી ફેસપેક બનાવી તેનો ઉપયોગ થઈ શકે છે.

સંતરાની છાલને રાત્રે તાંબાના લોટામાં પાણી સાથે પલાડવી અને સવારે તેનાથી વાળ ધોવાથી અને નાહવાથી ફાયદો થાય છે.

સફરજન:- સફરજનના માવાને કાઢી તેને મસળી ચહેરા પર લગાડવાથી ત્વચામાં કુમાશ આવે છે.

સફરજનનાં રસમાં અડધી ચમચી મધ, અડધી ચમચી ગુલાબજળ ભેળવી હલકા હાથે ચહેરા પર ઘસવાથી ત્વચામાં ચમક આવશે અને મેલ દૂર થશે.

સફરજનનો રસ માથામાં લગાડવાથી ખોડો દૂર થશે.

કેળું:– કેળાનાં ગરને નિયમિત ચહેરા પર લગાડવાથી ચહેરા પરના કાળા ધાબા દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર થશે.
પાકા કેળામાં થોડાં ટીપા ગુલાબજળ અને અડધી ચમચી મધ નાખીને ચહેરા પર લગાડવાથી રુક્ષતા ઓછી થશે.

ખીલ પર નિયમિત કેળું લગાડવાથી ખીલ બેસી જશે.

નારિયેળ:- ચહેરા અને આરોગ્ય માટે નારિયેળ પાણી ઉત્તમ છે.

પ્રથમ નારિયેળ પાણીથી ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર તાજગી વરતાશે.

નારિયેળનાં ખમણમાં લીંબુનો રસ, અડધી વાડકી તાજું દહીં ઉમેરી માથામાં લગાડવાથી વાળ કાળા અને ચમકદાર બનશે.

લીંબુ :- લીંબુનું શરબત પીવાથી તાજગી મળે છે. લીંબુની છાલ કોણી અને હાથ પગની કાળાશ દૂર કરે છે. લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને માટે ઉપયોગી છે. માંદગીમાં લીંબુનો રસ તાજગી આપે છે.

કાકડી:- કાકડીનું કચુંબર ઉત્તમ છે.કાકડીનો જ્યુસ ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફ દૂર થાય છે. કાકડીનાં પીતા આંખ ઉપર મૂકવાથી આંખની ગરમી દૂર થશે અને કાળા ડાઘા દૂર થશે.

પપૈયુ:- પપૈયાનો ગર ચહેરા પર લગાડી તેને રગડવાથી ત્વચાના મૃત કોષો દૂર કરવામાં મદદ કરે છે. કેળા અને પપૈયા કબજિયાત દૂર કરે છે.

ટામેટા:- ટામેટામાં લાયકોષીન નામનો એંટીઓક્સીડંટ હોય છે. ટામેટાં નિયમિત ઉપયોગ કરનારને પ્રોસ્ટ્રેટ ગ્રંથિનું કૅંસર થતું નથી.

કોબીનાં કાચાં પાન ખાવાથી ઍસિડિટીમાં રાહત મળે છે.

દૂધ સાથે કેળાં ખાવાથી કૅલ્શિયમની ઊણપ દૂર થાય છે.

કાળી દ્રાક્ષ, કાળી ખજૂર, જાંબુડી રંગની તાંદળજાની ભાજી, પાલકની ભાજીના ઉપયોગથી હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.

આપણા રોજિંદા ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર, ફળ અને પાણી આપણું આરોગ્ય અને બિમારીથી બચવા ઉપયોગી છે.

 

                                              ૐ નમઃ શિવાય

ભગવાનને પોસ્ટકાર્ડ

        આજે જેઠ સુદ અગિયારસ [ભીમ અગિયારસ ,નિર્જળા અગિયારસ]

આજનો સુવિચાર:- પ્રેમમાં ભૂખ હોય છે ભીખ નહી.

હેલ્થ ટીપ:-શરીરનો કોઈપણ ભાગ ઠંડો પડી જાય ત્યારે સૂંઠ,મરી,પીપરના ચૂર્ણનો લેપ ઉત્તમ પરિણામ આપે છે.

                              ભગવાનને પોસ્ટકાર્ડ

 

    રામાયણના બાળકાંડમાં દેવતાઓએ શંકર ભગવાનને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? ત્યારે મહાદેવે સામે પ્રશ્ન પૂછ્યો કે ભવાન ક્યાં નથી? ભગવાન તો શૈતાન હોય કે ભક્ત હોય, જળ કે સ્થળ પ્રભુનો વાસ સર્વત્ર છે. ગીતાના સાર રૂપે પ્રભુ કહે છે કે હું જડ ચેતન અત્ર તત્ર સર્વત્ર બિરાજેલો છું. બાઈબલનો પણ આજ સૂર છે કે આનંદમય દશામાં મારી હાજરી સર્વત્ર વર્તાશે.

આવું જ કંઈક આ બાળકનો ભગવાનને લખેલો પત્ર છે.

નાનપણથી જ રોહિતના પિતા પ્રભુને વ્હાલા થઈ ગયા હતા. ગરીબીમાં ઉછરતા રોહિતની મા લોકોના વાસીદા કરી પેટે પાટા બાંધી મોટો કરતી હતી.

   એક દિવસે અચાનક રોહિતે આવીને માને કહ્યું કે બે દિવસમાં પરીક્ષાના પૈસા ભરવા પડશે નહીં તો પરીક્ષામાં બેસવા નહીં મળે. માને પેટમાં ધ્રાસ્કો પડ્યો કે અત્યાર સુધી તો કોઈ ને કોઈ પાસેથી ઉધાર માંગીને, જ્યાં કામ કરતી હતી તેઓ પાસે પણ પૈસા માંગ્યા હતા અને જે તે પાછા ચૂકવી પણ શકી ન હતી. હવે ક્યાંથી લાવવા પૈસા જેથી રોહિત પરીક્ષામાં બેસી શકે. ઈચ્છા તો ખૂબ હતી કે દીકરાને ભણાવે ગણાવે કે જેથી એ સારી નોકરી મળે અને તેનું દળદર ફીટે.

માનું મૌન જોઈ રોહિતે માને પૂછ્યુ,’શું થયું મા ? પૈસાની સગવડ નહી થાય ?’
મા બોલી,’હવે તો પ્રભુનો જ આશરો છે.બીજા કોઈની આશા રખી શકાય તેમ નથી.’
પ્રભુનો ક્યાં સંપર્ક કરી શકાય?’ રોહિતના કુમળા માનસ પર એક સવાલ ઉદભવ્યો..

     મા પણ શું જવાબ આપે? પણ રોહિતના સંતોષના સંતોષ માટે માએ તેને કહ્યું કે એક પોસ્ટ કાર્ડ લે અને તેની પર તારી વિગત રજુ કર. તે તને જરૂર મદદ કરશે.

    પોસ્ટકાર્ડ તો લખાયું પન સરનામુ કયું લખવું ? માને પૂછતાં તેણે કહ્યું તેને ખબર નથી પણ પોસ્ટમાસ્તરને ખબર હશે. આ સાંભળતા રોહિત તરત ગામની પોસ્ટઑફિસમાં ગયો અને પોસ્ટમાસ્તરને કહ્યું કે ભગવાનના સરનામાની માને ખબર નથી એટલે તમને પૂછવા કહ્યું છે. આ સાંભળી પોસ્ટમાસ્તરને નવાઈ લાગી કે આ બાળક શા માટે ભગવાનનું સરનામું પૂછી રહ્યો છે? રોહિતને પૂછતા રોહિતે કહ્યું કે તેને પરીક્ષાની ફીને જરૂર છે પણ મા પાસે સગવડ પૈસાની સગવડ નથી માએ સલાહની વાત કરી કે આ વખતે ભગવાન જ મદદ કરી શકશે. એટલે પોસ્ટકાર્ડ લખ્યું પણ કયા સરનામે લખી મોકલવું ખબર નથી. નિર્દોષ ભાવે કહેવાયેલા શબ્દોથી પ્રગટ થતાં આ બાળકનો તેની માતા પ્રત્યેનો ભારોભાર વિશ્વાસ અને ભગવાનમાં શ્રદ્ધા, આ બે વાત પોસ્ટમાસ્તરનાં દિલને હલાવી ગઈ. પોતાના ગજવામાંથી રોહિતની પરીક્ષા પુરતા રૂપિયા કાઢી આપતા કહ્યું,’ જા, આ ભગવાને મોકલ્યા છે એમ તારી માને કહેજે અને મન દઈને ભણજે જેથી તારી માની આશા પૂરી કરી શકે.’

     જ્યારે રોહિતે માને વાત કરી ત્યારે તેની મા માની ન શકી અને તેને લાગ્યું કે રોહિત ચોરીને લઈ આવ્યો છે અને એની પાસે જુઠ્ઠું બોલી રહ્યો છે. ફરી ફરી માને રોહિતને પૂછતી રહી પણ પોતાની વાત પર રોહિત અડીખમ હતો. હવે તો માથી રહેવાયું નહીં તેથી તે રોહિતને લઈ પોસ્ટરમાસ્તર પાસે લઈ ગઈ. માના સવાલમાં પોસ્ટરમાસ્તરે કહ્યું કે તેણે જ આ રૂપિયા આપ્યા હતા. માના શબ્દોમાં અને રોહિતના નિર્દોષ વર્તન જોઈને એને સારૂં કાર્ય કરવાની પ્રેરણા મળી હતી. રોહિતના કુમળા માનસ પર પ્રભુ પ્રત્યેને રોપેલા વિશ્વાસનાં મૂળ હચમચી ન જાય તે માટે આમ કરવાની પ્રભુએ તેને પ્રેરણા આપી હોય તેવું તેને લાગ્યું હતું. પોસ્ટમાસ્તરે આગળ ઉમેર્યું કે ભવિષ્યમાં મદદની જરૂર પડે નિઃસંકોચ એની મદદ માંગે, બનતી બધી મદદ કરશે. સાથે ઉમેર્યું કે રોહિતના ઉજ્જ્વળ ભવિષ્યમાં ભાગીદાર થવામાં સંતોષ માનશે.

             શું આપને નથી લાગતું કે આજ સાચ્ચું પ્રભુનું સરનામુ છે??????

                                                                                                             —- સંકલિત

                                    

                                              ૐ નમઃ શિવાય

ગાયત્રી જયંતી

              આજે જેઠ સુદ દશમ [ગંગા દશમી] [ગાયત્રી જયંતી]

આજનો સુવિચાર:- આપણી પાસે અતિમૂલ્યવાન કોઈ વસ્તુ હોય તો તે આપણો આત્મવિશ્વાસ છે.

હેલ્થ ટીપ:-પિત્તની અધિકતાને લીધે ખાટી ઉલટીઓ થતી હોય તેમને નારિયેળના પાણીમાં સાકર મેળવીને આપવું.

                                      આજે ગંગા દશમી.

    કહેવાય છે ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે તપસ્યા કરી હતી અને એના ફ્ળરૂપે ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું તે ખૂબ ધસમસતી હોવાથી મહાદેવે ગંગાને પોતાની જટામાં ઝીલી હતી. ભગીરથના પ્રયત્નોથી મહાદેવે પોતાની જટામાંથી આજના દિવસે વહેતી કરી હતી. તેથી આજનો દિવસ ગંગાદશમી તરીકે ઓળખાય છે. ગંગા હરદ્વારમાં ઉતરી હતી તેથી આજના દિવસે ગંગા સ્નાન પાપ હરણ ગણાય છે. આપણા દસ પાપ હરાતા આજે ગંગા દશહરી પણ કહેવાય છે.

             આજે ગાયત્રી જયંતી પણ છે.

ૐ ભૂભુવઃ સ્વઃ તસ્યવિતુર્વરેણ્યમ ભર્ગો
દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત

       24 અક્ષર ધરાવતો આ ગાયત્રી મંત્ર મહામંત્ર કહેવાય છે. તેને ઘણા ગુરુમંત્ર કહે છે. દેવ સંસ્કૃતિને ગાયત્રી મહામંત્રની ઉદગમ માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ સૃષ્ટિના પ્રારંભે જ્યારે બ્રહ્માજીને વિશ્વબ્રહ્માંડની રચના માટે કાર્ય સોંપવામાં આવ્યું ત્યારે પોતે અસમર્થ સમજતાં બ્રહ્માજી વિમાસણમાં મૂકાઈ ગયા ત્યારે આકાશવાણી દ્વારા તેમને ગાયત્રીમંત્રના જાપનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રાચીનકાળમાં જ્યારે બાળક ગુરુકુળમાં ભણવા જતો ત્યારે તેવેદાંતના પ્રારંભે ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે.

     ૐ એ પ્રણવ છે. અ,ઉ,મ. જેના પ્રતિનિધીઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. ભૂ એટલે પ્રાણસ્વરૂપ, ભુવઃ એટલે દુઃખનાશક, સ્વ એટલે સુખ સ્વરૂપ, તત એટલે તે, સવિતુઃ એટલે તેજસ્વી, સૂર્યરૂપ, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ભર્ગો એટલે પાપનાશક, દેવસ્ય એટલે દિવ્ય, ધીમહિ એટલે ધારણ કરે, ધિયો એટલે બુદ્ધિ, યો એટલે જે, નઃ એટલે અમારી, પ્રચોદયાત એટલે પ્રેરિત કરો. ઈશ્વરના પ્રાણસ્વરૂપ, દુઃખરહિત, આનંદસ્વરૂપ તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણસંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનો અર્થ એ કે આ ગુણો આપણામાં ઉતારી આચાર, વિચાર અને સ્વભાવને એવા બનાવીએ જેથી આપણી આત્મિક તથા ભૌતિક સ્થિતિ શ્રેષ્ઠ બને.

      ગાયત્રીમંત્રના 24 અક્ષરને 24 અવતાર, 24 દેવતા અંર 24 ઋષિ માનવામાં આવ્યા છે. જેમાં દત્તાત્રેય ગુરુ પણ આવી જાય છે. આપણા શરીરમાં 24 મુખ્ય શક્તિના કેન્દ્ર માનવામાં આવ્યા છે. તેવી જ રીતે આપણા મસ્તિકમાં પણ શક્તિનાં 24 કેન્દ્ર છે.

     ગાયત્રીનો મંત્ર અદભૂત અને પાવનકારી મંત્ર છે. ભુ, ભૂવઃ, સ્વઃની ત્રણ વિભૂતિઓ જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બની તેવી રીતે તેમની પ્રતિવિભૂતિઓ સરસ્વતી, મહાકાલી અને મહાલક્ષ્મી બની.

          ભજન

ૐ ભૂ ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો
દેવ્સ્ય ધિમહી ધિયો યોનઃ પ્રચોદયાત

તુને હમે ઉત્પન્ન કિયા પાલન કર રહા હૈ
તુ તુજસે હી પાતે જ્ઞાન હમ દુઃખિયો કે કષ્ટ હરતા તુ

તેરા મહાન તેજ હૈ છાયા હુઆ સભી સ્થાન
તું સૃષ્ટિકી વસ્તુ વસ્તુમેં તુ હો રહા હૈ વિદ્યમાન

તુજસે હી પાતે પ્રાણ હમ માંગતે તેરી હી દયા
ઈશ્વર હમારી બુદ્ધિકો શ્રેષ્ઠ માર્ગ પર તુ ચલા

                                                           ૐ નમઃ શિવાય

ઉગતી કળીઓ

                                     આજે જેઠ સુદ આઠમ

 

આજનો સુવિચાર:- આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે. – ગાંધીજી

હેલ્થ ટીપ:-એક ચમચો જૈતુન તેલમાં બે મોટા ચમચા તાજી મલાઈ ભેળવી ચહેરા પર લગાડવું. દસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. તેનાથી ત્વચા સ્વચ્છ મુલાયમ ચમકીલી થશે.

 

ઉગતી કળીઓ

ફરક છે એટલો મારા,
અને તમારા વચ્ચે ઓ મિત્રો,
ભૂલાઈ ને પણ તમો
યાદ આવો છો
યાદ આવીને પણ હું
ભૂલાઈ જાઉં છું.

 

નિષ્ફળતાથી નહિ ગભરાવ
સફળતા કેરૂં સોપાન છે એ
પુરુષાર્થીને પ્રારબ્ધ શું ?
પુરુષાર્થ જ એનું પ્રારબ્ધ છે.

 

ભૂતકાળને નહિ વાગોળો
ભવિષ્ય કેરી ચિંતા છોડો
વર્તમાનમાં જીવતાં શીખો
બાકી બધું ઈશ્વર પર છોડો

 

સરવાળામાં સુખ નથી
બાદબાકીમાં દુઃખ નથી
જીવન એ છે જિંદગીનો સરવાળો
મૃત્યુ એ છે જિંદગીની બાદબાકી.

—- હીરાભાઈ તલસાનીયા

 

                                        ૐ નમઃ શિવાય

ચાલો ને રમીએ હોડી હોડી

આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- કર્મશીલતા એ વૃદ્ધાવસ્થાની ઉત્તમ સંજીવની છે.

હેલ્થ ટીપ:-કારેલાનો રસ અથવા તેની છાલ ખીલ દૂર કરવામાં મદદ કરે છે.

ચાલો ને રમીએ હોડી હોડી ચાલોને

વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી.—- ચાલોને

બાપુનાં છાપાં નક્કામાં થોથાં
કાપીકૂપીને કરીએ હોડી —- ચાલોને

સાદી રાખેલી ઊંધી વળે તો
મૂકીએ પવનમાં છોડી છોડી.— ચાલોને

ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી. — ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી, દોસ્ત ! મારી હોડી. — ચાલોને

પિનાકિન ત્રિવેદી

  મુંબઈમાં આજકાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચોમેર પાણી પાણી વરસી રહ્યું છે. આ જોઈ મને મારું બાળપણ યાદ આવી ગયું.

    બાળપણ મુંબઈના ખેતવાડી એરિયામાં વીત્યો. જ્યારે પણ આવો ધોધમાર વરસાદ વરસતો ત્યારે અમારા બિલ્ડિંગની નીચે પાણી ભરાઈ જતું. અમારા બિલ્ડિંગ એવું હતુ કે તેની એક બાજુ પાણી ભરાઈ જતું જ્યારે બીજી બાજુ જરાયે ભરાતું નહીં. જ્યારે એ બાજુ થોડુંક પાણી ભરાય તો સમજવું કે ખરેખર વરસાદ ખૂબ વરસ્યો છે અને એવું જ ઈચ્છતાં કે ક્યારે આવો મેઘ વરસે અને શાળા બંધ થાય અને કાગળની હોડી બનાવીને પાણીમાં છબછબીયા કરીએ. મારા અને મારા ભાઈ યોગેશ વચ્ચે બે વર્ષનો ફરફ. જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે કાગળની હોડીઓ બનાવી નીચે ઉતરી જતાં

   નાનપણથી જ ગાવાનો ખૂબ શોખ. મારી માનો અવાજ મારામાં ઉતર્યો છે. ખૂબ શોખથી હું અને યોગેશભાઈ ગીતો ગાતા અને વરસાદને બોલાવતા.

આવરે વરસાદ !
ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાનું શાક

આવરે વરસાદ !
નેવલે પાણી…
નઠારી છોકરીને
દેડકે તાણી.

ઝવેરચંદ મેઘાણી

આવ રે મેઉલા આવ,
મેઉલા અષાડના રે.

ઘેરી ઘેરી વાદળી જળે ભરી રે;
વરસી ઝરમર જાય,
મેઉલા અષાડના રે

ઝબકે ઝબઝબ વીજળી રે;
વાદળ ધમમમ થાય;
મેઉલા અષાડના રે… આવ રે

નદીએ પાણી રેલશે રે,
ધરતી ડુબ ડુબ થાય;
મેઉલા અષાડના રે….આવ રે.

ખેતર ખેડૂત વાવરે રે;
કપાસ ને કણ થાય;
મેઉલા અષાડના રે…. આવરે.

ત્રિભુવન વ્યાસ

                                                  ૐ નમઃ શિવાય

અવ્યક્ત સૌંદર્ય

                               આજે જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- જે વ્યક્તિને બીજાને કષ્ટ આપી આનંદ મળતો હોય તો તે વ્યક્તિ રાક્ષસ કહેવાય.

 

હેલ્થ ટીપ:- ફૂદીનાના પાન ચાવવાથી મુખમાંથી આવતી દુર્ગંધ દૂર થશે અને દાંતનો સડો દૂર કરશે.

  પોખરાના તળાવમાં                                         29/7/2007

                   અવ્યક્ત સૌંદર્ય

 

    ચંદ્રે ગઈ રાતે ચંદ્રિકાનો વરસાદ વરસાવ્યો હતો. શુક્લપક્ષમાં સંધ્યાનું ચંદ્રિકામાં થતું રૂપાંતર ઘણું અદભૂત-રમ્ય છે.બન્નેનો ઉલ્લાસ સરખો અને તુલ્યબલ હોવા છતાં સંધ્યાનો સંધિવૈભવ ને ચંદ્રિકાનો આહલાદ કંઈ જુદા જ હોય છે. આ બન્નેના મિલન પ્રસંગે તે વૈભવ અને આહલાદક એકત્ર મળવાથી જે ભાવ નિર્માન થાય છે તેનું કવિઓએ હજુ નામ પાડ્યું નથી, એ તેમનો ગુનો કહેવાય. રૂપયૌવના યુવતીને પ્રથમ માતૃપદ પ્રાપ્ત થતાં તેના મુખ ઉપર જે વૈભવયુક્ત સ્તિર શાંતિ પથરાયેલી દેખાય છે તે જ છટા પ્રકૃતિદેવીનાં અંગપ્રત્યંગો ઉપર તે વખતે દેખાય છે. ચંદ્ર આકાશમાંથી આ બધું જોઈ શકતો હશે ખરો?

    સાંજે વાંચવામાં ગરકાવ થઈ ગયાને કારણે પ્રાર્થના જરા મોડી થઈ પણ તેથી એક લાભ એ થયો કે ચિત્રા અને સ્વાતિ પણ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળવા માટે ઉપસ્થિત થઈ શકી. ક્ષિતિજ ઉપર બન્ને એકી વખતે ઊગતી હોય છે તો પણ ચિત્રાનાં પગલાં હળવાં અને દૂર દૂર પડવાને કારણે તે ઝડપથી ઉપર ચઢે છે. જ્યારે સ્વાતિ પોતાના તેજના ભારથી અગસગમનાં હોય એ સ્વાભાવિક છે. ચંદ્ર ગઈકાલ કરતાં આજ કઈંક નજીક આવેલો છે. આવતી કાલે તે ચિત્રાને મંદિરે પહોંચી જશે. સ્વાતિનું લાવણ્ય વધારે; છતાંચંદ્ર તો ચિત્રાનું સાનિધ્ય પસંદ કરે છે. ચિત્રા છે જ એવી નિખાલસ વૃતિની.

   આજે સવારે આકાશે સર્વત્ર એકરૂપ થવાનું પસંદ કર્યું હતું. વાદળા તો હતાં જ નહી પન નીલવર્ણ સાથે પ્રભાતની જે ગુલાબી છટા ભળી જાય છે તે પન પૂર્વથી પશ્ચિમ સુધી એકસરખી પથરાઈ ગઈ હતી. આ ગુલાબી છતા જ્યારે કલ્પનાના પ્રાથમિક સ્ફુરણ જેતલી પાતલી આછી હોય છે ત્યારે તે એતલી પારદર્શક હોય છે કે તેમાંથી આકાશનો નીલવર્ણ સ્પષ્ટપણે દેખાય છે. અને આ રંગ પ્રસન્નતા અને વિલાસિતાની વચલી સ્થિતિનો પૂરેપૂરો દ્યોતક બને છે.

    નાહવાની જગ્યાથી પશ્ચિમ તરફનાં વાદળાં કેવા નીલવર્ણ દેખાય છે ! અનંત આકાશ અને દૂરવર્તી સનાતન પર્વત બન્નેનો રંગ ભૂરો હોય છે. બન્નેને એ રંગ શોભી નીકળે છે. પણ આકાશમાંના વાદળાં પણ જો તેવો જ રંગ ધારણ કરે તો બધે વિશ્રી ફેલાઈ જશે.

    વિશ્વની અનંતતાનો વિચાર કરી પહાડોને પણ ક્ષણજીવી કહેનારો અને પહાડોને આકાશમાંના મેઘોની ઉપમા આપનાર કવિ ક્યાં કોઈએ દીઠો છે ? સાંભળ્યો છે ?

ડીન ઈંજના પુસ્તકમાં આવા કવિની ચાર પંક્તિઓ વાંચવા મળી.

The hills are shadows and they flow,
From form to form, and nothing stands;
They melt like mist, the solid lands
Like clouds they shape themselves and go.

કાકા કાલેલકર

‘આ પૃથ્વી પર મને સૌથી સુંદર શું લાગ્યું ?’ પુસ્તક આધારિત.

                                 ૐ નમઃ શિવાય

ભેટ

                      આજે જેઠ સુદ ચોથ

આજનો સુવિચાર:-સુખી જીવનની ચાવી સમૃદ્ધિ પાસે નથી પણ માણસના ચિત્ત પાસે છે, સુખ કે દુઃખ વાસ્તવિકતામાં માણસના મનની નિપજ છે.

હેલ્થ ટીપ:-ત્વચા પરના પિગમેંટેશન તથા ધાબા દૂર કરવા કાચું બટાટું ઘસવું.

                                     ભેટ

 

     ‘The Ultimate Gift’ નામનું પુસ્તક છે. જેના લેખક જીમ સ્ટોવેલ છે. 29 વર્ષે આંખનું નૂર ગુમાવ્યું છતાં કૉલેજમાં ઓનર્સ સાથે સ્નાતક થયા છે. સફળ શેરદલાલ બન્યા છે, પછી અંધજનો માટેની વિશિષ્ટ ટી.વી. ચેનલના સહસ્થાપક બન્યા છે. આપણા વહાલાઓને કેવી ભેટ આપી શકીએ એ વિષે એમણે આ પુસ્તકમાં લખ્યું છે.
1] જાત મહેનત:– પહેલી ભેટ જીવાવશ્યક છે. ગમે તેટલું ધન હોય છતાં બાળકને જાત મહેનત કરતાં શીખવાડો જે જીવનમાં આગળ વધતા તકલીફ નહીં પડે.

2] ધનનું મહત્વ:- જીવનમાં ધનની જરૂર તો છે પણ પૈસો સર્વસ્વ નથી.

3] સાચા અને સારા મિત્રની સમજ આપો:- જીવનમાં મિત્રોની ખૂબ જરૂર હોય છે. વડીલોએ સાચા મિત્રો બનાવવામાં મદદ કરવી જોઈએ જેની સાથે તે સુખદુઃખ વેહેંચી શકે.

4] જ્ઞાની બનાવો:- સારા પુસ્તકોનું વાંચન, ચિંતન, મનન અને અમલીકરણ ખૂબજ અગત્યનું ભણતર છે.

5] મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવાડો:- મુશ્કેલીઓનો સામનો કરવામાં જે આનંદ છે તે મુશ્કેલીઓથી ભાગવામાં નથી.

6] કૌટુંબિક ભાવના શીખવાડો:- પ્રેમથી બંધાયેલું કુટુંબ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવા સશક્ત હોય છે.

7] હસવાની કળા શીખવો:- પ્રતિકુળ વાતાવરણમાં હસી શકે તે વ્યક્તિ જીવનભર સુખી રહે. હાસ્ય વગરની જિંદગી એ જિંદગી નથી.

8] સ્વપના જોતાં શીખવો:- સ્વપના જોતાં વિસ્તૃત થાય એવી મહેચ્છા રાખવી જોઈએ. જેવાં કે વૈજ્ઞાનિકોનું સ્વપનુ અમિટ હતું.

9] આપવાની કળા:- વધુ આપશો તો વધુ મેળવશો. આપનારને કુદરત વધુ આપે છે.

10] આભાર માનવાની કળા:- નાના મોટા ઉપકાર માટે આભાર માનવાનો ભૂલતા નહી.

11] એક દિવસ આપો:- આજનો દિવસ તે જીવનનો આખરી દિવસ હોય તો તે દિવસનો ઉપયોગ કેવી રીતે કરશો?

12] નિઃસ્વાર્થ પ્રેમ:- નિઃસ્વાર્થ પ્રેમ એટલે લાગણીઓની રાણી. જ્યારે પ્રેમમાં સ્વાર્થ ભળે છે ત્યારે પ્રેમ નહીં પણ દંભ અને બનાવટ કહેવાય છે.

આપણાં બાળકોને આવો વારસો આપી ને તેનું જીવનને ઉર્ધ્વગામી બનાવી શકાય. વિચારવા જેવો જ વારસો છે ને !!!!!!

 

                                                ૐ નમઃ શિવાય