વરસાદી વાછંટ

            આજે જેઠ સુદ એકમ

આજનો સુવિચાર:- મોડું થાય એ પહેલા સમયસર જાગી જવું જોઈએ.

 

હેલ્થ ટીપ:- સોફ્ટ ડ્રીંકમાં રહેલું સોડિયમ બેનઝોએટ કેંસરગ્રસ્ત બનાવે છે.

વરસાદી વાછંટ

ચાલ હવે તો આનાકાની મૂક,બનીને મૂક આ વરસાદી વાછંટને
           ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા
          હથેળીએ કૂંપળ કૂટવાની.

વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં
            એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં
        સંબંધને એક નામ મળે છે
તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરે
એ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની

આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો જીવી જવાનાં
         એક જો ભીનું ગીત મળે તો
સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર
         એક મજાનું સ્મિત મળે તો
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે
      જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની

ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક આ વરસાદી વાછંટ
ક્યાં સુધી જોતી રહેવાની

 

—–હિતેન આનંદપરા

 

તને ગમે

મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળના વાવડ ગમે,
કે મારા આ મળવાનાં વાયદા ;
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે,
કે છત્રીના પાળવા કાયદા.
તને વરસાદી મોરલાનુ ટેંહુક
ગમે કે મારી આ કોયલનુ કૂ……..તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે,
કે તરસી આ આંખોનું ઝૂરવું;
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ,
તો, કોનામાં દિલ તારે મૂકવું ગમે
તને આભમાં રમતું એ વાદળ ગમે;
કે દરિયાનો કાંઠો ને હું ……તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે ને
ચોમાસે કહે છે જા છૂ ……તને

મુકેશ જોશી

 

                                       ૐ નમઃ શિવાય