ચાલો ને રમીએ હોડી હોડી

આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- કર્મશીલતા એ વૃદ્ધાવસ્થાની ઉત્તમ સંજીવની છે.

હેલ્થ ટીપ:-કારેલાનો રસ અથવા તેની છાલ ખીલ દૂર કરવામાં મદદ કરે છે.

ચાલો ને રમીએ હોડી હોડી ચાલોને

વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી.—- ચાલોને

બાપુનાં છાપાં નક્કામાં થોથાં
કાપીકૂપીને કરીએ હોડી —- ચાલોને

સાદી રાખેલી ઊંધી વળે તો
મૂકીએ પવનમાં છોડી છોડી.— ચાલોને

ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી. — ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી, દોસ્ત ! મારી હોડી. — ચાલોને

પિનાકિન ત્રિવેદી

  મુંબઈમાં આજકાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચોમેર પાણી પાણી વરસી રહ્યું છે. આ જોઈ મને મારું બાળપણ યાદ આવી ગયું.

    બાળપણ મુંબઈના ખેતવાડી એરિયામાં વીત્યો. જ્યારે પણ આવો ધોધમાર વરસાદ વરસતો ત્યારે અમારા બિલ્ડિંગની નીચે પાણી ભરાઈ જતું. અમારા બિલ્ડિંગ એવું હતુ કે તેની એક બાજુ પાણી ભરાઈ જતું જ્યારે બીજી બાજુ જરાયે ભરાતું નહીં. જ્યારે એ બાજુ થોડુંક પાણી ભરાય તો સમજવું કે ખરેખર વરસાદ ખૂબ વરસ્યો છે અને એવું જ ઈચ્છતાં કે ક્યારે આવો મેઘ વરસે અને શાળા બંધ થાય અને કાગળની હોડી બનાવીને પાણીમાં છબછબીયા કરીએ. મારા અને મારા ભાઈ યોગેશ વચ્ચે બે વર્ષનો ફરફ. જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે કાગળની હોડીઓ બનાવી નીચે ઉતરી જતાં

   નાનપણથી જ ગાવાનો ખૂબ શોખ. મારી માનો અવાજ મારામાં ઉતર્યો છે. ખૂબ શોખથી હું અને યોગેશભાઈ ગીતો ગાતા અને વરસાદને બોલાવતા.

આવરે વરસાદ !
ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાનું શાક

આવરે વરસાદ !
નેવલે પાણી…
નઠારી છોકરીને
દેડકે તાણી.

ઝવેરચંદ મેઘાણી

આવ રે મેઉલા આવ,
મેઉલા અષાડના રે.

ઘેરી ઘેરી વાદળી જળે ભરી રે;
વરસી ઝરમર જાય,
મેઉલા અષાડના રે

ઝબકે ઝબઝબ વીજળી રે;
વાદળ ધમમમ થાય;
મેઉલા અષાડના રે… આવ રે

નદીએ પાણી રેલશે રે,
ધરતી ડુબ ડુબ થાય;
મેઉલા અષાડના રે….આવ રે.

ખેતર ખેડૂત વાવરે રે;
કપાસ ને કણ થાય;
મેઉલા અષાડના રે…. આવરે.

ત્રિભુવન વ્યાસ

                                                  ૐ નમઃ શિવાય