ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા

                                આજે જેઠ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સત્ય અને પ્રિય વાણી માનવીને મિત્રો અને શુભેચ્છકો મેળવી આપે છે.

હેલ્થ ટીપ:- હરડે ઔષધોની માતા કહેવાય છે તેનું સેવન શરીરની તકલીફ દૂર કરે છે.

          ઋતુ પ્રમાણે મળતા ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા

 

જુદી જુદી ઋતુ પ્રમાણે મળતા શાકભાજી અને ફળો જો આરોગવામાં આવે તો આરોગ્ય સાથે બાહ્ય સુંદરતા મળે છે. જો કે હવે તો દરેક સીઝનમાં દરેક ફળો મળી રહે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.

સંતરા [નારંગી]:- વિટામીન સીથી ભરપૂર સંતરા ખાટા મીઠા હોય છે. તેની છાલ, રેસાં, ગર બધાં જ શરીર માટે લાભદાયક છે. તેની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી ફેસપેક બનાવી તેનો ઉપયોગ થઈ શકે છે.

સંતરાની છાલને રાત્રે તાંબાના લોટામાં પાણી સાથે પલાડવી અને સવારે તેનાથી વાળ ધોવાથી અને નાહવાથી ફાયદો થાય છે.

સફરજન:- સફરજનના માવાને કાઢી તેને મસળી ચહેરા પર લગાડવાથી ત્વચામાં કુમાશ આવે છે.

સફરજનનાં રસમાં અડધી ચમચી મધ, અડધી ચમચી ગુલાબજળ ભેળવી હલકા હાથે ચહેરા પર ઘસવાથી ત્વચામાં ચમક આવશે અને મેલ દૂર થશે.

સફરજનનો રસ માથામાં લગાડવાથી ખોડો દૂર થશે.

કેળું:– કેળાનાં ગરને નિયમિત ચહેરા પર લગાડવાથી ચહેરા પરના કાળા ધાબા દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર થશે.
પાકા કેળામાં થોડાં ટીપા ગુલાબજળ અને અડધી ચમચી મધ નાખીને ચહેરા પર લગાડવાથી રુક્ષતા ઓછી થશે.

ખીલ પર નિયમિત કેળું લગાડવાથી ખીલ બેસી જશે.

નારિયેળ:- ચહેરા અને આરોગ્ય માટે નારિયેળ પાણી ઉત્તમ છે.

પ્રથમ નારિયેળ પાણીથી ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર તાજગી વરતાશે.

નારિયેળનાં ખમણમાં લીંબુનો રસ, અડધી વાડકી તાજું દહીં ઉમેરી માથામાં લગાડવાથી વાળ કાળા અને ચમકદાર બનશે.

લીંબુ :- લીંબુનું શરબત પીવાથી તાજગી મળે છે. લીંબુની છાલ કોણી અને હાથ પગની કાળાશ દૂર કરે છે. લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને માટે ઉપયોગી છે. માંદગીમાં લીંબુનો રસ તાજગી આપે છે.

કાકડી:- કાકડીનું કચુંબર ઉત્તમ છે.કાકડીનો જ્યુસ ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફ દૂર થાય છે. કાકડીનાં પીતા આંખ ઉપર મૂકવાથી આંખની ગરમી દૂર થશે અને કાળા ડાઘા દૂર થશે.

પપૈયુ:- પપૈયાનો ગર ચહેરા પર લગાડી તેને રગડવાથી ત્વચાના મૃત કોષો દૂર કરવામાં મદદ કરે છે. કેળા અને પપૈયા કબજિયાત દૂર કરે છે.

ટામેટા:- ટામેટામાં લાયકોષીન નામનો એંટીઓક્સીડંટ હોય છે. ટામેટાં નિયમિત ઉપયોગ કરનારને પ્રોસ્ટ્રેટ ગ્રંથિનું કૅંસર થતું નથી.

કોબીનાં કાચાં પાન ખાવાથી ઍસિડિટીમાં રાહત મળે છે.

દૂધ સાથે કેળાં ખાવાથી કૅલ્શિયમની ઊણપ દૂર થાય છે.

કાળી દ્રાક્ષ, કાળી ખજૂર, જાંબુડી રંગની તાંદળજાની ભાજી, પાલકની ભાજીના ઉપયોગથી હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.

આપણા રોજિંદા ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર, ફળ અને પાણી આપણું આરોગ્ય અને બિમારીથી બચવા ઉપયોગી છે.

 

                                              ૐ નમઃ શિવાય