કિચન ટીપ્સ

                            આજે અષાઢ વદ પાંચમ

આજનો સુવિચાર:- લક્ષ્યની ઊંચાઈને જોઈ ગભરાઈ જશો તો તેને પ્રાપ્ત ક્યાંથી કરી શકશો?

હેલ્થ ટીપ:- એક ચમચી વરિયાળીચૂર્ણને રાત્રે ગરમ પાણી સાથે લેવાથી જૂના કબજિયાત પર રાહત રહેશે.

                                  કીચન ટીપ્સ

• ઘીની તાજગી જાળવી રાખવા ઘીની બરણીમાં સિંધવનો ગાંગડો મૂકી રાખો.

• વાસણમાં ખાદ્ય પદાર્થ ચોંટી ગયો હોય તો વાસણ સાફ કરવા તેમાં પાણીમાં અડધો કપ બેકિંગ સોડા નાખી ઉકાળવાથી ચોંટી ગયેલો પદાર્થ ઉખડી જશે.

• સેંડવીચ તાજી રાખવા તેને પોલિથીનની થેલીમાં વીટાળી રેફ્રિજરેટરમાં મૂકો.

• પાલકનો લીલો રંગ જાળવી રાખવા રાંધતી વખતે તપેલું કે કઢાઈ ખુલ્લી રાખવી.

• આઈસક્રીમના સ્કૂપ બરાબર નીકળે તે માટે સ્કૂપથી આઈસક્રીમ કાઢતા પહેલા તેને ગરમ પાણીમાં ડૂબાડવી.

• ઍલ્યુમિનિયમનું વાસણ બળી જાય તો વાસણમાં એક કાંદો કાપી ઉકાળવાથી બળી ગયેલું પડ તરત છૂટું પડી જશે.

• ગરમીની ઋતુમાં કીડી મંકોડાના ઉપદ્રવથી બચવા એક ગ્લાસ ગરમ પાણીમાં મીઠું ભેળવી તેમના દર પાસે રેડી દો કીડી મંકોડા દૂર થઈ જશે.

• દૂધના ઉભરાથી બચવા તપેલાની કિનારી પર ઘી લગાડી દો.

• કાંદા સાંતળતી વખતે પહેલાં થોડા ગરમ કરો પછી ઘી કે તેલ નાખવાથી કાંદા જલ્દી સંતળાઈ જશે.

• કાંદા કાપતા પહેલા તેને ધોઈ નાખો તેમજ છરીને પાણીમા ધોઈ નાખો.

• ચાની ઉકાળેલી પત્તીને ચીકણા વાસણો પર લગાડવાથી વાસણની ચીકાશ જતી રહેશે.

• કસ્ટર્ડ બનાવતી વખતે એક ચમચી મધ તથા સાકર ભેળવી નાખવાથી કસ્ટર્ડ સ્વાદિષ્ટ થશે.

• કઢી ઉકાળતી વખતે જો ફોદા થતાં હોય તો તેમાં મીઠું કઢી ઉકળ્યા બાદ નાખો.

• ટામેટા મૂળા કે બીટ જેવા શાક ઝાઝો વખત ફ્રીજમાંરહેવાથી નરમ પડી જાય તો તેની રાતભર મીઠાનાં પાણીમાં ડૂબાડી રાખો. કડક થઈ જશે.

• વાંદાના ઉપદ્રવથી બચવા બોરિક પાઉડર ભભરાવી દો.
                                           ૐ નમઃ શિવાય

બે કવિતા

                       આજે અષાઢ વદ એકમ

આજનો સુવિચાર:- સારા થવા માટે સારું જોવું, સારું સાંભળવું અને સારું વિચારવું જરૂરી છે.

હેલ્થ ટીપ :- વારંવાર તરસ લાગતી હોય તો લવિંગને પાણી સાથે વાટી તેની પેસ્ટ બનાવી હુંફાળા પાણી સાથે લેવાથી તરસ છીપાશે.

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે મોકલાવેલી આ રચનાઓ બદલ મેઘધનુષ તરફથી આભાર.]

સજાવી જાય છે

ગડગડાટ આભલે વાદળોની શક્તિથી સરજાય છે
કંદરાના પડઘા મફતમાં હુંકારા ધરી જાય છે
લાવ લાવની લતે સાગર ખારો થઈ પસ્તાય છે
ન્યોછાવરી મેઘો લીલોતરીની પ્રસાદી પીરસી જાય છે

છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય છે
ઢોળના દાગીના સુર્વણ ભાવે વેચાઈ જાય છે
સાચા ફૂલો થયા જે બીચારા તવાયે શેકાય છે
કાગળના ફૂલો મહેફીલના રંગો માણી જાય છે

દ્વારે ઊભા ભગવાન સામે કમાડ બંધ થાય છે
થાપ દઈ શ્રધાને પાખંડી ખુદ પૂંજાઈ જાય છે
રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય છે
માનવમાં માનવતા ખીલે તો પ્રભુતા પ્રગટી જાય છે

આકાશદીપ ગ્રહણ દોષે વિષાદી વરતાય છે
થઈ સપ્તરંગી વિજ ઉત્સવો સજાવી જાય છે

રમેશ પટેલ(આકાશદીપ)

પંચવટી

હું રે પંચવટી રાજા રામની,મંગલકારી ધરણી ભારત ભોમની
ચરણ રજ હૈયે ધરી , પ્રભુતા પખાળે માત ગોદાવરી

રામ રાવણના રે ભેદ, અમે નીરખ્યા ભરી આંખડી
ભારતવર્ષના પલટ્યા રે ભાગ્ય, વદુ હરખે રુડી વાતડી

પ્રતિજ્ઞા પાલક અયોધ્યા રાજવી, સાથે ભ્રાતા લક્ષમણ વીર
ધનુષ્ય બાણે શોભે રામજી, બનાવે અભય અરણ્યને ધીર

પુષ્પો પંખી લાગે પ્રેમડાં,સીતા રામના વરસે રે સ્નેહ
નગરનાં સુખ લાગ્યાં વામણાં,જંગલના મંગલ દિશે રે વેશ

મોહીત શૂર્પંણખા વને ભમતી,ગર્વે ધસી કરે રે ધૃષ્ટતા
કોપિત લક્ષમણે દીધા દંડદા, લંકા જઈ નાખે રે ધા

તપસ્વી વેષે રાવણ આવીયો,સીતા હરણના ખેલ્યા રે દાવ
થયો મારીચ સોના મૃગલો,પાથરી આસુરી માયાનો પ્રભાવ

ભૂલ્યો રે ભાન અભિમાની અંતમાં,ના ઓળખી વિનાશની આગ
જલાવી લંકા ભક્ત હનુમાને, રામ મુદ્રા દઈ આપી પહેચાન

કપિગણે રામસેતુ રચીયો,સાગર ઓળંગી આવ્યા લંકા દ્વાર
રોળ્યો રાવણ વિજયા દશમીએ,ધર્મ ધ્વજા ફરકાવી સંસાર

વંદે પરમ ભાગ્યને પંચવટી,તવ ચરણે તીર્થ પ્રગટ્યા યુગાવતરી
ધન્ય ધન્ય પંચવટી રાજા રામની,ભાવે થઈતું ચરણ અનુરાગિણી

રમેશ પટેલ(આકાશદીપ)

                                            ૐ નમઃ શિવાય

ગુરૂપૂર્ણિમા

આજે અષાઢ સુદ પૂનમ [ગુરૂપૂર્ણિમા]

ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.

આજનો સુવિચાર:- ગુરૂ બિના જ્ઞાન નહી, ગુરૂ બિના ધ્યાન નહી.

હેલ્થ ટીપ:- નસ્કોરી ફૂટતી હોય તો લવિંગ અને હળદર સાથે વાટી પેસ્ટ બનાવીને નાકના ફોયણા પર લગાડવી તરત લાભ થશે.

 

ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય
બલિહારી મૈં ગુરૂકી જીન ગોવિંદ દિયો બતાય

ચરણ તિહારે સદગુરૂ પ્યારે
અપને હૃદય બસાઉં
જૈ ગોવિંદ જૈ સદગુરૂ જૈ,
ગોવિંદ, ગોવિંદ ગાઉં

તુમ સા સજ્જન ઔર ન કોઈ
તાત માત ન ભાઈ
તુમ હી પ્રભુ, ગુરૂદેવ હમારે
તુમ બિન કૌન સહાઈ
તુમ મેરે પ્રીતમ તુમ મીત હમારે
નિત ગુરૂ નામ દિયાઉં
–ચરણ તિહારે

મનમેં રાખું છબિ તિહારી,
મુખસે લું હરિનામ
સદગુરૂ ગોવિંદ એક હૈ દોનો
એક હૈ સદગુરૂ શ્યામ
સદગુરૂ મીલે મીલે પરમેશ્વર
બાર બાર બલી જાઉં
– ચરણ તિહારે

તનમન ધનસે કરું મૈં સેવા
તેરી સદગુરૂ પ્યાર
તું રાખે યા મારે સાજન
પડી રહું મૈ દ્વારે
જનમ જનમકી દાસી મીરા
જો તું, દે મૈં પાઉં
— ચરણ તિહારે

 

                                     ૐ નમઃ શિવાય

આજના એસ.એમ.એસ.

                  આજે અષાઢ સુદ બારસ

આજનો સુવિચાર:- મનોવિકાર પર વિજય પ્રાપ્ત કરવામાં જ આત્માની સાચી આઝાદી છે.

હેલ્થ ટીપ :- ગરમા ગરમ પદાર્થ ખાવાથી જીભ દાઝી જાય તો એક ચપટી સાકર ચૂસવાથી રાહત થશે.

આજના એસ.એમ.એસ.

તુફાનમેં કિનારે મિલ જાતે હૈ
જિંદગીમેં સહારે મિલ જાતે હૈં,
કોઈ ચીઝ જિંદગીસે પ્યારી નહીં હોતી,
પર કુછ લોગ જિંદગીસે ભી પ્યારે મિલ જાતે હૈ.

સુંદર હોય એને પ્યારું કહેવાય,
સુગંધ હોય તેને ન્યારું કહેવાય,
નશો ચઢે તેને દારૂ કહેવાય,
તમે હવે એસ.એમ.એસ. કરો તો સારૂ
બાકી બધુંય તમારું કહેવાય.

[મુંબઈ સ્થિત શ્રીમતી નીતા કોટેચાએ મોકલાવેલા એસ.એમ.એસ. માટે ખૂબ આભાર.]

અશ્રુની વર્ષા ગઈ ને સ્વપ્ન ધોવાઈ ગયા,
અમને શોધ્યા વિના જ એ દેખાઈ ગયા.
જે દેખાઈ ગયા જીવનભર પ્રેમ કરતી રહી મીરા,
ને કૃષ્ણ રાધામાં ખોવાઈ ગયા.

પ્રેમ એ ભગવાને બનાવેલી બીજી ભૂલ છે
પહેલી ભૂલ કન્યા છે,
પણ સત્ય એ છે કે બન્ને સુંદર છે.

જિંદગી અને મોત લડતાં જોયા
ઘડી જીવનની જીદ તો ઘડીમાં મોતને
શરણાગતી સ્વીકારતા જોયું
હે! પામર માનવી ચાલશે નહીં
તારું તને તો આજે મેં નસીબ સામે
કઠપુતળીની જેમ નાચતા જોયું.

તમારી જિંદગીમાં ત્રણ બાબતનું ધ્યાન રાખો.

1] વિશ્વાસ
2] વચન
3] સંબંધો

કારણ જ્યારે આ ત્રણે તૂટે છે ત્યારે અવાજ નથી કરતા.

 

                                               ૐ નમઃ શિવાય

ત્રિફળા

                     આજે અષાઢ સુદ દસમ

આજનો સુવિચાર:- જે કાર્યો આપણાં તન-મનને થકવી દેતા હોય છે, તેનો ત્યાગ કરો.

હેલ્થ ટીપ :- ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે.

                                    

                                         ત્રિફળા

       આજે રોગીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેટલી સમાજ અને દેશમાં સમૃદ્ધિ વધતી જાય છે એટલી જ પીડા વધતી જાય છે. વેદકાળથી ચાલી આવતી આપણી આયુર્વેદ એક એવી ચિકિત્સા પદ્ધત્તિ છે જેમાં લગભગ દરેક રોગનો એલ્લજા મળી આવે છે. એ વાત સાચી છે કે બીજી પદ્ધત્તિઓના મુકાબલે એની અસર ધીમે ધીમે થતી હોય છે પરંતુ તે રોગને જડમૂળથી કાઢી નાખે છે.

       ત્રિફળા એક એવી જડીબુટ્ટી છે જે ત્રણ ફળોનો સમાવેશ થાય છે. હરડે, આમળા અને બહેડા આ ત્રણ ફળોનો ત્રિફળામાં સમાવેશ થાય છે.

હરડે- આ જડીબુટ્ટીને પૂજનીય ગણાય છે. આયુર્વેદના શોધક ચરકે આ જડીબુટ્ટીને શરીર માટે ખૂબ ફાયદાકારક બતાવી છે. જ્યારેઅ શરીર હલન ચલન ન કરતું હોય, સ્કિન પ્રોબ્લેમ, અલ્સર વગેરેમાં રાહત આપે છે. બુદ્ધિ અને સ્મૃતિ વધારવામાં હરડે ઉપયોગી છે.

આમળા;- આમળા વિષે આગળ પણ ખૂબ લખ્યું છે. પિત્તજન્ય રોગ, પેટદર્દ, કબજિયાત જેવા રોગ દૂર કરે છે. માસિકધર્મ નિયમિત બનાવે છે.હૃદયરોગ, પ્રજનનસંબંધી આમળા એક મજબૂત ઔષધી છે. આમળામાં સૌથી વધારે વિટામિન સીનું પ્રમાણ વધારે છે.

બહેડા:- આ જડીબુટ્ટીથી કફજન્ય રોગો દૂર થાય છે. હૃદયને પોષણ મળે છે. અવાજ અને આંખોની ખામી દૂર કરે છે. વાળને ચમકીલા અને સુંદર બનાવે છે.

     આયુર્વેદમાં આ ત્રણ જડીબુટ્ટી ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. જેના ઉપયોગથી લાંબુ અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે. ત્રિફળા નાની મોટી દરેક વ્યક્તિ લઈ શકે છે. આની કોઈ આડઅસર નથી. યોગ્ય વૈદ્ય પાસેથી યોગ્ય રીત જાણીને એનો ઉપયોગ જાણી લેવો જરૂરી છે. ત્રિફળા ચૂર્ણના રૂપે પણ પ્રાપ્ત છે અને ગોળીના સ્વરૂપે પ્રાપ્ત છે. ચરકના મતાનુસાર ત્રિફળાના ચૂર્ણને પાણી સાથે મિક્સ કરી તેની પેસ્ત બનાવી ચોખ્ખા ઘી કે મધ કે માખણ સાથે નિયમિત એક વર્ષ લેવાથી નિરોગી બની લાંબુ જીવી શકાય છે.

     ત્રિફળા કોઈ પણ સમયે લઈ શકાય છે. સવારે કે રાત્રે સૂવાના અડધો કલાક પહેલા લઈ શકાય છે. ત્રિફળા લઈ થોડો હળવો નાસ્તો કરવાથી આ જડીબુટ્ટીનો યોગ્ય ફાયદો થાય છે. એક કપ ગરમ પાણીમાં થોડો ત્રિફળાનું ચૂર્ણ અથવા ત્રિફળાની ગોળી મિક્સ કરી ત્રિફળા ટી પી શકાય છે.

પ્રેગ્નંસીના સમયે ડૉક્ટરની સલાહ લઈ કોઈપણ જડીબુટ્ટીનું સેવન કરવું હિતાવહ છે.

ત્રિફળાથી થતા ફાયદા:-

• કબજિયાત દૂર થાય છે.

• કૉલેસ્ટ્રૉલ ઘટે છે.

• લોહીનું ભ્રમણ સુધરે છે.

• હાઈ બ્લડ પ્રેશર ઘટે છે.

• હૃદયરોગમાં રાહત મળે છે.

• વાઈરલ ઇંફેક્શન દૂર થાય છે.

• ડેડસ્કિન દૂર કરી ચહેરો કાંતિવાન બનાવે છે.

ત્રિફળનો નિયમિત ઉપયોગ એટલે અનેક સમસ્યામાંથી મુક્તિ, સ્વસ્થ આરોગ્ય પ્રાપ્તિ.

 

                                    ૐ નમઃ શિવાય

બર્ફીલા પહાડો

                  આજે અષાઢ સુદ આઠમ

આજનો સુવિચાર:- જે કાયમ પ્રસન્ન રહે છે તેનામાં કદી આળસ આવતી નથી.

હેલ્થ ટીપ :- ચહેરા પર ડાઘ પડી ગયા હોય તો ફુદીના રસને રોજ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થશે.

Photography by Shashikant Mehta

બર્ફીલા પહાડો

બર્ફીલા પહાડોની ગોદમાં લપાશું
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે : આ બાજુ ક્યાંથી, તું ભાઈ !

ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ કરતાં હશે જો તોફાન
ઈશ્વરજી કહેશે કે બારણાં ઉઘાડો : કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને ચૉકલેટ-દૂધની મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે સ્વેટર તો કાઢ
આપણેય કહી દેશું ટાઢ બહુ વાય છે, પહેલાં તું તડકો ઓઢાડ
ઈશ્વરજી કહેશે કે તડકો શું ઓઢે છે, ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને લાગશે નવાઈ

રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે ત્યાં સન્નાટો
પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું ઈશ્વરને વાતો
પાછા ફરશું તો, આપણા જેટલી જ ઈશ્વરને કઠશે જુદાઈ
તો લાગશે કોને નવાઈ !

– મુકેશ જોષી

[શશીદાદાની ‘ક્લોસ અપ’માંથી લીધેલું આ કાવ્ય]
                                 ૐ નમઃ શિવાય

પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ

                              આજે અષાઢ સુદ સાતમ

આજનો સુવિચાર:- એકબીજાને નફરત કરતાં પહેલાં એકબીજાને સારી રીતે જાણો.

હેલ્થ ટીપ :- એક ચમચી ઘઉંનો લોટ + એક ચમચી હળદરને થોડા તલનાતેલમાં ભેળવી ચહેરા પર લગાડવાથી અણગમતા વાળમાંથી મુક્તિ મેળવી શકશો.

[મુંબઈ સ્થિત શ્રી બચુભાઈ પ્રજાપતિએ આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ

     એક સમયે દક્ષ પ્રજાપતિને ગર્વ થયો અને એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સર્વ દેવી, દેવતા, ઋષિ, મુનીઓને નિમંત્રિત કર્યાં. જ્યારે દક્ષ યજ્ઞમાં પધાર્યા ત્યારે બ્રહ્મા અને શિવજી સિવાય સર્વે ઊભા થઈને દક્ષ પ્રજાપતિનું અભિવાદન કર્યું. શિવજીના આ વ્યહવારથી દક્ષ ગુસ્સે થયા અને ન કહેવાનાં વેણ કહ્યાં. ભોલેનાથે તેના અપમાનનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો પણ તેમના નંદીને ભોલેનાથનું આવું અપમાન ન સહન થયું અને તેણે દક્ષને શ્રાપ આપ્યો અને કહ્યું,” હે દક્ષ ! તું ગર્વ લીન થયો છે તેથી શિવજીને ગણતો નથી પરંતુ કળીયુગમાં તારા વંશજો ઉચ્ચ અને પવિત્ર કુળનાં બ્રાહ્મણો હોવા છતાં અબ્રાહ્મણો કહેવાશે.” આજે પણ પ્રજાપતિ કુળ મૂળ દક્ષ પ્રજાપતિનાં વંશજ હોવા છતાં કળિયુગનાં અબ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને તેમનો દરજ્જો શુદ્રમાં ગણાય છે.

    પ્રજાપતિ કુળના શિવદાસ બદ્રિકાશ્રમના તપોવનમાં ફરતા ફરતા આવી ચડ્યા જ્યાં એક તપસ્વી ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. ઉનાળાના સખત તડકામાં આ તપસ્વીને રેબછેબ થતા જોઈ શિવદાસે તપસ્વીની આજુબાજુ પાણી છાંટી ઠંડક કરી. આજુબાજુથી ઘાસ વીણી લાવી તપસ્વી બેઠા હતા તેમની ઉપર સુંદર કુટિરની રચના કરી. આમ થોડો વખત સેવા કરતા આ ધામ સુંદર તપોવન જેવું થઈ ગયું. તપસ્વી જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે સુંદર કુટીર જોઈ વિસ્મય પામ્યા. તપસ્વીના આગ્રહથી પ્રજાપતિ શિવદાસે જણાવ્યું કે તેમણે એમની સેવા કરી છે અને સેવા કરવાનું પ્રયોજન પ્રભુનાં દર્શન કરવાનું હતું. તપસ્વીએ શિવદાસને આંખો બંધ કરવા જણાવ્યું. આંખો બંધ થતા જ ચાર ભૂજાવાળા, શંખગદાધારી, પદ્મ ધારણ કરેલ શ્રી વિષ્ણુ ભગવાન શિવદાસની સમક્ષ હાજર થયાં. હીરા માણેકથી સજ્જ બાજુબંધ ચમકી રહ્યાં હતાં અને કાને કુંડળ ધારણ કર્યાં હતાં. શિવદાસ પ્રભુનાં ચરણોમાં વારંવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા હોવાથી પ્રભુએ તેમને વરદાન માંગવા કહ્યું. પ્રજાપતિ શિવદાસે પ્રભુસેવાનો લાભ મળે એવું કંઈક એવું આપવા વિનંતી કરી. પ્રભુએ શિવદાસને જણવ્યું કે તેઓ ટૂંક સમયમાં એમની જ્ઞાતિમાં એમને ઘરે જ જન્મ લેશે અને એમનું કુળ ઉજાળશે અને એમના કુળમાં ભક્તિની વૃદ્ધિ થશે.

       પ્રજાપતિ શિવદાસને ત્યાં કર્ણ અને પ્રજાપતિ ભાનુપને ત્યાં લક્ષ્મી અવતર્યા. કાળક્રમે બન્નેનાં લગ્ન થયાં શ્રી ભગવાને માયાને આજ્ઞા કરી અને લક્ષ્મીનાં ઉદરમાં ગર્ભ રહ્યો. ધીરે ધીરે માતાનું તેજ વધવા માંડ્યું. ભક્તિમય કુટુંબ હોવાથી તેમને ત્યાં ભક્તિનું વાતાવરણ વધવા લાગ્યું.ગર્ભના દસમા માસે એક મંગળ સમયે ગ્રહો શુભસ્થાને આવતા સુગંધિત મંદ વાયુ વહેતા હવાને એક સુરખી વાતાવરણમાં ફેલાવા લાગી. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો.

    વિ.સં.1458ના ચૈત્ર સુદ પાંચમના ગુરૂવારના શુભ દિવસે ચઢતે પહોરે બપોરે અગિયાર વાગે રોહિણી નક્ષત્ર અને મેષ રાશીમાં શ્રી ભગવાન પાટણમાં પ્રગટ થયા.

     પ્રથમ ચતુર્ભૂજ સ્વરૂપે લક્ષ્મી ભક્ત પ્રજાપતિ શિવદાસ અને કર્નને દર્શન દીધા અને કહ્યુ,” હે શિવદાસ તેં મારી સેવા કરી હતી ત્યારે મેં તને વચન આપ્યું હતું કે હું તારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ જે આજે મેં પાળ્યું છે. “ તેમણે કર્ણને પણ કહ્યું કે ,” હે કર્ણ, રાક્ષસ યોનીમાં તું જ્યારે જ્ન્મ્યો હતો ત્યારે ભારે તપ કરી તેં મને પ્રસન્ન કરેલ તે વખતે આપેલા વચનનું પણ આજે મેં તારે ત્યાં જન્મ લઈને પાલન કર્યું છે. “

     પ્રભુ સાક્ષાત શિવદાસને ત્યાં જન્મ્યા છે તે વાત વાત વાયુ વેગે પ્રસરતા લોકો પ્રભુનાં દર્શનાર્થે ઉમટવા લાગ્યા. અત્ર તત્ર સર્વત્ર જય જયકાર થઈ રહ્યો. ત્યારબાદ ધનુરાજ શ્રી ભગવાનનાં દશનાર્થે આવ્યા ત્યારે કર્ણની વિનંતી થી પ્રભુની નામકરણ વિધી આયોજવામાં આવી. પ્રભુએ મનુષ્ય યોનીમાં જન્મ લીધો હોવાથી તેમનું નામ ‘પદ્મનાભ’ રાખવામાં આવ્યું. પદ્મ એટલે કમળ અને નાભ એટલે નાભી. પદ્મનાભ એટલે નાભીમાં કમળ ધારણ કરનાર. આમ શ્રી વિષ્ણુ ભગવાન પદ્મનાભ સ્વરૂપે પ્રજાપતિ કુળના કુળદેવતા થયા અને પ્રજાપતિ કુળનો ઉદ્ધાર કર્યો.

                               ૐ નમઃ શિવાય

શશીકાંતભાઈ મહેતા

                         આજે અષાઢ સુદ પાંચમ

આજનો સુવિચાર:- સફળતાનું તાળું પરાજયની અનુભવની ચાવીથી ઉઘડતું હોય છે.

હેલ્થ ટીપ:- કબજિયાત દૂર કરવા શાકભાજીમાં લસણ નાખવું. દરરોજ લસણનો ઉપયોગ કરવાથી કબજિયાત નહીં રહે.

             શશીકાંતભાઈ મહેતા

તેમનું કાવ્ય કલેક્શન અને ફોટાઓના કલેક્શનને લગતું પુસ્તક Close Up

    આદરણીય શશીકાંતભાઈ માત્ર એક ઉત્તમ ફોટોગ્રાફર જ નહી પરંતુ એક મુઠ્ઠી ઉંચેરી વ્યક્તિ પણ છે. એક ઉત્તમ તસવીરકાર, ક્લિક કરી સુંદર તસવીર પાડે છે અને પ્રકૃતિપ્રેમી એ તસવીરોમાં પ્રાણ પૂરે છે. Close Up એમના જુદા જુદા કવિઓ લિખીત કાવ્યો અને તેમના ફોટાઓના અનોખા કલેક્શન લગતુ પુસ્તક છે. શશીકાંતભાઈને ભાઈ નહીં પણ દાદા કહેવા વધુ યોગ્ય છે, જેઓ પ્રકૃતિપ્રેમી પણ છે. તેમના કૈલાસ યાત્રાના અનુભવો પણ અનોખા છે.

   મેં મારી લખેલી કૈલાસ માનસરોવર એક શ્રદ્ધાપૂર્ણ યાત્રા નામક નાનકડી પુસ્તિકા આર. આર. શેઠ કંપનીમાં આપી અને કહ્યું કે જેને આ પવિત્ર યાત્રામાં શ્રદ્ધા હોય તેને વંચાવજો અને અનાયસે આ નાની પુસ્તિકા શશીકાંતદાદાને હાથ લાગી. વાંચીને તરત તેમણે મારો સંપર્ક સાધ્યો અને મને કહ્યું કે હુ પણ 1957માં કૈલાસ યાત્રા કરી આવ્યો છું અને મને તમારી પુસ્તિકા વાંચીને હું ફરીથી યાત્રા કરતો હોઉં એવું લાગ્યું. એમણે 1957માં આયાત્રા કરી હતી એ સાંભળીને હું તો ક્ષણભર તો હેબતાઈ ગઈ. મનોમન તેમને નમસ્કાર કરી લીધા અને જ્યારે તેમને મને મળવાનું નિમંત્રણ આપ્યું ત્યારે તેમને મળવાની લાલચ રોકી ન શકી.

    જ્યારે તેમણે તેમના અનુભવની મેઘધનુષી વાતો કરી ત્યારે હું તો તેમની અનુભવનાં માનસરોવરમાં જાણે ડૂબકી મારવા લાગી. એમણે જ્યારે આ યાત્રા કરી ત્યારે અત્યારના જેવી સગવડો પણ ન હતી. પોતાના કુટુંબને છોડી બે મહિના આ યાત્રા કરવી કાંઈ સહેલ વાત નથી. મને 1996માં કરેલી મારી પ્રથમ યાત્રા દરમિયાન નારાયણ આશ્રમમાં મળેલા શ્રી તદરૂપાનંદજીએ કહેલી વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે યાત્રીઓ યાત્રાની શરૂઆતમાં ૐ નમઃ શિવાયનો જાપ જપતા જાય છે પરંતુ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ એમના જાપનું રૂપ બદલાતું જાય છે. ૐ નમઃ શિવાય, કહાઁ ફસ ગયે ૐ નમઃ શિવાય. શશીદાદાના અનુભવ પરથી એવું નો’તુ લાગતુ કે એમને જાપનું બદલાયેલા રૂપની જરૂર હતી. મક્કમ નિર્ણયના માનવી છે આ શશીદાદા. ગમે તેવા સંજોગોમાં અડીખમ ઊભા રહીને કુટુંબને સાચવી રહ્યા છે. આ તો એમના આ પુસ્તક દ્વારા જણાશે. એમને માટે મારી પાસે શબ્દો ખૂટી પડે છે.

                              આવા શશીદાદાને મારા કોટી વંદન.

                                 ૐ  નમઃ  શિવાય

ઉંબરો

                           આજે અષાઢ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ વિશ્વાસ.

 

હેલ્થ ટીપ :- તુલસીના પાનના રસમાં થોડુંક કપૂર ભેળવી જરાક ગરમ કરો. આ ગરમ રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનું કળતર દૂર થશે.

                 ઉંબરો

     ઉંબરો જેની ઉપેક્ષા પણ થાય છે અને જેની ઉપાસના પણ થાય છે. ઘરની વાત ઉંબરાની બહાર જાય ત્યારે ઘરની ખાનદાની જોખમાય છે અને ઉંબરા બહારની વાતો ઘરમાં પ્રવેશે ત્યારે ઘરનું સુખ ડહોળાઈ જાય છે.

   ઉંબરો એટલે ઘરની ખાનદાનીના તટસ્થ જન્માક્ષર. પ્રેમાળ પત્નીઉંબરે ઊભી ઊભી પતિના આગમનની પ્રતિક્ષા કરતી હોય છે ત્યારે પતિને ઘરમાં પ્રવેશતી વખતેસ્વર્ગમાં પ્રવેશવા સમાન અલૌકિક સુખની અનુભૂતિ થાય છે. દાદીમા જ્યારે ઘરનાં ઉંબરા પાસે બેસીને બાળકોને વાર્તાઓ કહેતાં હોય ત્યારે એ ઉંબરો અનોખી રંગભૂમિ બની જાય છે. ઉંબરે આપણી સંસ્કૃતિની પાઠશાળા બની જાય છે.

     આપણી રોજિંદી જીવનની કેટકેટલી ઘટનાઓનો મૂક સાક્ષી ઉંબરો છે. ઉંબરો સ્થૂળ રીતે કદમાં નાનો કે મોટો હોઈ શકે. પરંતુ સભ્યતાના પ્રતિક તરીકે તેનું મહત્વ ઓછું નથી. ઘરના સ્વજનોક્યારેક સામાજિક પ્રતિષ્ઠા નંદવાય ત્યારે ઘરની વાતો ઉંબરાની બહાર જવા દેવાય નહિ જે લોકો નાદાન છે તેઓ ઘરની વાત બીજાના ઉંબરે જઈને કરે છે તે લોકો પછી કદીયે ગૌરવથી માથું ઉંચુ કરી શકતા નથી. બહારની વાત બહાર રાખો અને અંદરની વાત અંદર રાખો.

    દુનિયાનો છેડો ઘર. દુનિયાભરનો પ્રવાસ કરીને આવેલો માણસ જ્યારે પોતાના ઘરના ઉંબરે પગ મૂકે છે ત્યારે હાશ શબ્દ દ્વારાનિરાંતનો અનુભવ કરે છે. ઘરનો ઉંબરો ત્યજીને નીકળી પડે છે ત્યારે અનેક સમસ્યાઓ અને સવાલો તેને ઘેરી વળે છે. માટે ઉંબરાની ઉપેક્ષા નહીં પણ ઉપાસના કરો એમાંજ પરિવારનું કલ્યાણ છે.

[શ્રી બાલાસિનોર નવયુવક સંઘ પ્રકાશિત જ્યોતિ પુંજ આધારિત]

 

                                      ૐ નમઃ શિવાય

રથ યાત્રા

આજે અષાઢ સુદ બીજ [એકમનો ક્ષય][આજે રથયાત્રા, અષાઢી નવરાત્રીનો પ્રારંભ]

આજનો સુવિચાર:- સંબંધ તુટે ત્યારે પોતાની જાતને છેતરવી વધુ સારી.

હેલ્થ ટીપ :- કબજીયાતથી છુટકારો પામવા પાકેલું પેરૂ ખાઓ.

                                       રથ યાત્રા

આજે રથ યાત્રા તેમજ કચ્છીમાડુઓનું બેસતું વર્ષ. કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ.

    લોકવાયકા મુજબ મામા કંસનું મથુરાથી ધનુર્યજ્ઞમાં ભાગ લેવાનું ગોકુળ નિમંત્રણ ગયું. અક્રુરજી રથ લઈને શ્રીકૃષ્ણ અને બલરામજીને લેવા ગોકુળ ગયા. શ્રીકૃષ્ણ અને બલરામજી નિમંત્રણ સ્વીકારી મથુરા પધારે છે. યશોદામાતા નંદબાબા અને ગોપીઓ-સ્વજનો વિલાપ કરતાં ગોકુળમાંથી તેઓને વિદાય કર્યા.

વિનાશાય દુષ્કૃતામ

     આ નિમંત્રણ કંસના વિનાશની શરૂઆત હતી. ભગવાન શ્રીકૃષ્ણ મોટાભાઈ બલરામને લઈ મથુરા પહેલીવાર રથમાં પધાર્યા હતાં આઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં મૂળ પૂર્વ ભારતના ઓરિસ્સાના જગન્નાથપુરીમાં અને તેનાં અનુસંધાનમાં અમદાવાદના જગન્નાથમંદિરમાંથી ભક્તિ અને ગૌરવપૂર્વક રથ યાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં શ્રીકૃષ્ણ અને બલરામજીની નાની બહેન સુભદ્રા પણ શામિલ થયા હતાં

      આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ વિશિષ્ટ રથમાં બિરાજિત થઈને નીકળે છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ ‘નંદીઘોષ’ છે. બહેન સુભદ્રાના રથનું નામ ‘કલ્પધ્વજ’ અને બલરામજીના રથનું નામ ‘તલધ્વજ’ છે. આ રથ નારિયેળીના લાકડાના બનેલા હતાં જોકે હવે સાગના બનેલા હોય છે.

   આ રથયાત્રાનો મહોત્સવ જેઠ સુદ પુનમથી ચાલુ થાય છે. પ્રથમ જળયાત્રા નીકળે છે. આ યાત્રા દરમિયાન પ્રભુ પર જળનો એટલો બધો અભિષેક થાય છે અને તેમને શરદી થઈ જાય છે. આ ક્રિયા દરમિયાન ભક્તોનો પ્રભુ પ્રત્યેનો ભાવ જોવામાં આવે છે. ત્યાર બાદ પ્રભુને શરદીમાંથી મુક્ત થવા વૈદો દવા બનાવે પીવડાવે છે. અને તેમને મામાને ઘરે આરામ આપવામાં આવે છે. આ ઉત્સવનો બીજો મહત્વનો ભાગ જેઠ વદ અમાસે થાય છે. મોસાળમાં પ્રભુ પુષ્કળ કેરી ખાય છે તેથી તેમની આંખો આવી જાય છે તેથી તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આમ નેત્રોત્સવ વિધિપૂર્વક પતાવી પ્રભુ પાછા પોતાના નિવાસ સ્થાને પાછા ફરે છે.

આ પ્રસંગે નરસિંહ મહેતાનુ ભજન યાદ આવે છે.

આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે
-આજની ધડી તે

જીરે તરિયા તોરણ તો બંધાવિયા
મારા વા’લાજીને મોતીડે વધાવિયા જી રે
– આજની ઘડી તે

જી રે લીલુડા વાંસ વઢાવીએ
મારા વા’લાજીનો મંડપ રચાવીએ જીરે
– આજની ઘડી તે

જી રે જમુનાનાં જળ મંગાવીએ
મારા વા’લાજીનાં ચરણ પખાળીએ જીરે
– આજની ઘડી તે

જી રે તનમનધન ઓવારીએ
મારા વા’લાજીની આરતી ઉતારીએ જીરે
-આજની ઘડી તે

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે
-આજની ઘડી તે

 

                                    ૐ નમઃ શિવાય