રથ યાત્રા

આજે અષાઢ સુદ બીજ [એકમનો ક્ષય][આજે રથયાત્રા, અષાઢી નવરાત્રીનો પ્રારંભ]

આજનો સુવિચાર:- સંબંધ તુટે ત્યારે પોતાની જાતને છેતરવી વધુ સારી.

હેલ્થ ટીપ :- કબજીયાતથી છુટકારો પામવા પાકેલું પેરૂ ખાઓ.

                                       રથ યાત્રા

આજે રથ યાત્રા તેમજ કચ્છીમાડુઓનું બેસતું વર્ષ. કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ.

    લોકવાયકા મુજબ મામા કંસનું મથુરાથી ધનુર્યજ્ઞમાં ભાગ લેવાનું ગોકુળ નિમંત્રણ ગયું. અક્રુરજી રથ લઈને શ્રીકૃષ્ણ અને બલરામજીને લેવા ગોકુળ ગયા. શ્રીકૃષ્ણ અને બલરામજી નિમંત્રણ સ્વીકારી મથુરા પધારે છે. યશોદામાતા નંદબાબા અને ગોપીઓ-સ્વજનો વિલાપ કરતાં ગોકુળમાંથી તેઓને વિદાય કર્યા.

વિનાશાય દુષ્કૃતામ

     આ નિમંત્રણ કંસના વિનાશની શરૂઆત હતી. ભગવાન શ્રીકૃષ્ણ મોટાભાઈ બલરામને લઈ મથુરા પહેલીવાર રથમાં પધાર્યા હતાં આઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં મૂળ પૂર્વ ભારતના ઓરિસ્સાના જગન્નાથપુરીમાં અને તેનાં અનુસંધાનમાં અમદાવાદના જગન્નાથમંદિરમાંથી ભક્તિ અને ગૌરવપૂર્વક રથ યાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં શ્રીકૃષ્ણ અને બલરામજીની નાની બહેન સુભદ્રા પણ શામિલ થયા હતાં

      આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ વિશિષ્ટ રથમાં બિરાજિત થઈને નીકળે છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ ‘નંદીઘોષ’ છે. બહેન સુભદ્રાના રથનું નામ ‘કલ્પધ્વજ’ અને બલરામજીના રથનું નામ ‘તલધ્વજ’ છે. આ રથ નારિયેળીના લાકડાના બનેલા હતાં જોકે હવે સાગના બનેલા હોય છે.

   આ રથયાત્રાનો મહોત્સવ જેઠ સુદ પુનમથી ચાલુ થાય છે. પ્રથમ જળયાત્રા નીકળે છે. આ યાત્રા દરમિયાન પ્રભુ પર જળનો એટલો બધો અભિષેક થાય છે અને તેમને શરદી થઈ જાય છે. આ ક્રિયા દરમિયાન ભક્તોનો પ્રભુ પ્રત્યેનો ભાવ જોવામાં આવે છે. ત્યાર બાદ પ્રભુને શરદીમાંથી મુક્ત થવા વૈદો દવા બનાવે પીવડાવે છે. અને તેમને મામાને ઘરે આરામ આપવામાં આવે છે. આ ઉત્સવનો બીજો મહત્વનો ભાગ જેઠ વદ અમાસે થાય છે. મોસાળમાં પ્રભુ પુષ્કળ કેરી ખાય છે તેથી તેમની આંખો આવી જાય છે તેથી તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આમ નેત્રોત્સવ વિધિપૂર્વક પતાવી પ્રભુ પાછા પોતાના નિવાસ સ્થાને પાછા ફરે છે.

આ પ્રસંગે નરસિંહ મહેતાનુ ભજન યાદ આવે છે.

આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે
-આજની ધડી તે

જીરે તરિયા તોરણ તો બંધાવિયા
મારા વા’લાજીને મોતીડે વધાવિયા જી રે
– આજની ઘડી તે

જી રે લીલુડા વાંસ વઢાવીએ
મારા વા’લાજીનો મંડપ રચાવીએ જીરે
– આજની ઘડી તે

જી રે જમુનાનાં જળ મંગાવીએ
મારા વા’લાજીનાં ચરણ પખાળીએ જીરે
– આજની ઘડી તે

જી રે તનમનધન ઓવારીએ
મારા વા’લાજીની આરતી ઉતારીએ જીરે
-આજની ઘડી તે

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે
-આજની ઘડી તે

 

                                    ૐ નમઃ શિવાય

શ્રી ભગવાન

                           આજે જેઠ વદ અમાસ

 

આજનો સુવિચાર:- વરસાદ એ આકાશે પૃથ્વીને લખેલો પ્રેમપત્ર છે.

 

હેલ્થ ટીપ:- શરદી એ ચેપી રોગ છે. તેનાથી બચવા વિટામીન સીથી ભરપૂર ફળ અને વાનગીઓ ખાઓ. સાદા પાણીથી અવારનવાર હાથ ધુઓ.

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિ મોકલાવ્યા બદલ મેઘધનુષ તરફથી ખૂબ આભાર]

 

 

શ્રી ભગવાન

ચૌદલોકના અધિપતિ અવતરિયા, ઘેલું કીધું ગોકુળિયું ગામ
મોર મુગટ પીતામ્બર શોભે, મનમોહક છે સુંદર શ્યામ

બાળ કનૈયો રૂપ રૂપૈયો, નટખટ નાનો નંદકિશોર
સ્નેહ સૂરનો બંસી બજૈયો,સુધ-બુધ ભૂલે વ્રજની નાર

મુખ મનોહર કામણગારું, વૃન્દાવનનો વરસે પ્યાર
ઘેલી ગોપી ,ગાય વાછરડુ, જશોદાજી છલકાવે વ્હાલ

માખણ આરોગી થનથન નાચે,ગોપસખાનો કાનો આજ
યમુના તટે કદમ્બની ડાળે, બજાવે બંસી રાધેશ્યામ

સુદર્શન હણે આતતાયી,કલ્યાણ યુધ્ધની કીધી વાત
ધર્મ યુધ્ધની દેતાં દુહાઈ,અર્જુનને દીધું ગીતા જ્ઞાન

મિત્ર સુદામાને સ્નેહે ભેટે, ગુંજે જગે પંચજન્ય શંખનાદ
યુગોથી યોગેશ્વરની માયા, ભાવે ભજે સહુ શ્રીભગવાન

રાસવિહારી રાસ રચાયે, નિર્મળ ભક્તિથી ઝૂમે નરનાર
શ્રી હરિ દર્શને ઠરશે અંતર, રીઝ્યા શ્રીજી, પુણ્ય અપાર

 

શ્રી રમેશ પટેલ(આકાશદીપ)

                                       ૐ નમઃ શિવાય