શશીકાંતભાઈ મહેતા

                         આજે અષાઢ સુદ પાંચમ

આજનો સુવિચાર:- સફળતાનું તાળું પરાજયની અનુભવની ચાવીથી ઉઘડતું હોય છે.

હેલ્થ ટીપ:- કબજિયાત દૂર કરવા શાકભાજીમાં લસણ નાખવું. દરરોજ લસણનો ઉપયોગ કરવાથી કબજિયાત નહીં રહે.

             શશીકાંતભાઈ મહેતા

તેમનું કાવ્ય કલેક્શન અને ફોટાઓના કલેક્શનને લગતું પુસ્તક Close Up

    આદરણીય શશીકાંતભાઈ માત્ર એક ઉત્તમ ફોટોગ્રાફર જ નહી પરંતુ એક મુઠ્ઠી ઉંચેરી વ્યક્તિ પણ છે. એક ઉત્તમ તસવીરકાર, ક્લિક કરી સુંદર તસવીર પાડે છે અને પ્રકૃતિપ્રેમી એ તસવીરોમાં પ્રાણ પૂરે છે. Close Up એમના જુદા જુદા કવિઓ લિખીત કાવ્યો અને તેમના ફોટાઓના અનોખા કલેક્શન લગતુ પુસ્તક છે. શશીકાંતભાઈને ભાઈ નહીં પણ દાદા કહેવા વધુ યોગ્ય છે, જેઓ પ્રકૃતિપ્રેમી પણ છે. તેમના કૈલાસ યાત્રાના અનુભવો પણ અનોખા છે.

   મેં મારી લખેલી કૈલાસ માનસરોવર એક શ્રદ્ધાપૂર્ણ યાત્રા નામક નાનકડી પુસ્તિકા આર. આર. શેઠ કંપનીમાં આપી અને કહ્યું કે જેને આ પવિત્ર યાત્રામાં શ્રદ્ધા હોય તેને વંચાવજો અને અનાયસે આ નાની પુસ્તિકા શશીકાંતદાદાને હાથ લાગી. વાંચીને તરત તેમણે મારો સંપર્ક સાધ્યો અને મને કહ્યું કે હુ પણ 1957માં કૈલાસ યાત્રા કરી આવ્યો છું અને મને તમારી પુસ્તિકા વાંચીને હું ફરીથી યાત્રા કરતો હોઉં એવું લાગ્યું. એમણે 1957માં આયાત્રા કરી હતી એ સાંભળીને હું તો ક્ષણભર તો હેબતાઈ ગઈ. મનોમન તેમને નમસ્કાર કરી લીધા અને જ્યારે તેમને મને મળવાનું નિમંત્રણ આપ્યું ત્યારે તેમને મળવાની લાલચ રોકી ન શકી.

    જ્યારે તેમણે તેમના અનુભવની મેઘધનુષી વાતો કરી ત્યારે હું તો તેમની અનુભવનાં માનસરોવરમાં જાણે ડૂબકી મારવા લાગી. એમણે જ્યારે આ યાત્રા કરી ત્યારે અત્યારના જેવી સગવડો પણ ન હતી. પોતાના કુટુંબને છોડી બે મહિના આ યાત્રા કરવી કાંઈ સહેલ વાત નથી. મને 1996માં કરેલી મારી પ્રથમ યાત્રા દરમિયાન નારાયણ આશ્રમમાં મળેલા શ્રી તદરૂપાનંદજીએ કહેલી વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે યાત્રીઓ યાત્રાની શરૂઆતમાં ૐ નમઃ શિવાયનો જાપ જપતા જાય છે પરંતુ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ એમના જાપનું રૂપ બદલાતું જાય છે. ૐ નમઃ શિવાય, કહાઁ ફસ ગયે ૐ નમઃ શિવાય. શશીદાદાના અનુભવ પરથી એવું નો’તુ લાગતુ કે એમને જાપનું બદલાયેલા રૂપની જરૂર હતી. મક્કમ નિર્ણયના માનવી છે આ શશીદાદા. ગમે તેવા સંજોગોમાં અડીખમ ઊભા રહીને કુટુંબને સાચવી રહ્યા છે. આ તો એમના આ પુસ્તક દ્વારા જણાશે. એમને માટે મારી પાસે શબ્દો ખૂટી પડે છે.

                              આવા શશીદાદાને મારા કોટી વંદન.

                                 ૐ  નમઃ  શિવાય