પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ

                              આજે અષાઢ સુદ સાતમ

આજનો સુવિચાર:- એકબીજાને નફરત કરતાં પહેલાં એકબીજાને સારી રીતે જાણો.

હેલ્થ ટીપ :- એક ચમચી ઘઉંનો લોટ + એક ચમચી હળદરને થોડા તલનાતેલમાં ભેળવી ચહેરા પર લગાડવાથી અણગમતા વાળમાંથી મુક્તિ મેળવી શકશો.

[મુંબઈ સ્થિત શ્રી બચુભાઈ પ્રજાપતિએ આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ

     એક સમયે દક્ષ પ્રજાપતિને ગર્વ થયો અને એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સર્વ દેવી, દેવતા, ઋષિ, મુનીઓને નિમંત્રિત કર્યાં. જ્યારે દક્ષ યજ્ઞમાં પધાર્યા ત્યારે બ્રહ્મા અને શિવજી સિવાય સર્વે ઊભા થઈને દક્ષ પ્રજાપતિનું અભિવાદન કર્યું. શિવજીના આ વ્યહવારથી દક્ષ ગુસ્સે થયા અને ન કહેવાનાં વેણ કહ્યાં. ભોલેનાથે તેના અપમાનનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો પણ તેમના નંદીને ભોલેનાથનું આવું અપમાન ન સહન થયું અને તેણે દક્ષને શ્રાપ આપ્યો અને કહ્યું,” હે દક્ષ ! તું ગર્વ લીન થયો છે તેથી શિવજીને ગણતો નથી પરંતુ કળીયુગમાં તારા વંશજો ઉચ્ચ અને પવિત્ર કુળનાં બ્રાહ્મણો હોવા છતાં અબ્રાહ્મણો કહેવાશે.” આજે પણ પ્રજાપતિ કુળ મૂળ દક્ષ પ્રજાપતિનાં વંશજ હોવા છતાં કળિયુગનાં અબ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને તેમનો દરજ્જો શુદ્રમાં ગણાય છે.

    પ્રજાપતિ કુળના શિવદાસ બદ્રિકાશ્રમના તપોવનમાં ફરતા ફરતા આવી ચડ્યા જ્યાં એક તપસ્વી ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. ઉનાળાના સખત તડકામાં આ તપસ્વીને રેબછેબ થતા જોઈ શિવદાસે તપસ્વીની આજુબાજુ પાણી છાંટી ઠંડક કરી. આજુબાજુથી ઘાસ વીણી લાવી તપસ્વી બેઠા હતા તેમની ઉપર સુંદર કુટિરની રચના કરી. આમ થોડો વખત સેવા કરતા આ ધામ સુંદર તપોવન જેવું થઈ ગયું. તપસ્વી જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે સુંદર કુટીર જોઈ વિસ્મય પામ્યા. તપસ્વીના આગ્રહથી પ્રજાપતિ શિવદાસે જણાવ્યું કે તેમણે એમની સેવા કરી છે અને સેવા કરવાનું પ્રયોજન પ્રભુનાં દર્શન કરવાનું હતું. તપસ્વીએ શિવદાસને આંખો બંધ કરવા જણાવ્યું. આંખો બંધ થતા જ ચાર ભૂજાવાળા, શંખગદાધારી, પદ્મ ધારણ કરેલ શ્રી વિષ્ણુ ભગવાન શિવદાસની સમક્ષ હાજર થયાં. હીરા માણેકથી સજ્જ બાજુબંધ ચમકી રહ્યાં હતાં અને કાને કુંડળ ધારણ કર્યાં હતાં. શિવદાસ પ્રભુનાં ચરણોમાં વારંવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા હોવાથી પ્રભુએ તેમને વરદાન માંગવા કહ્યું. પ્રજાપતિ શિવદાસે પ્રભુસેવાનો લાભ મળે એવું કંઈક એવું આપવા વિનંતી કરી. પ્રભુએ શિવદાસને જણવ્યું કે તેઓ ટૂંક સમયમાં એમની જ્ઞાતિમાં એમને ઘરે જ જન્મ લેશે અને એમનું કુળ ઉજાળશે અને એમના કુળમાં ભક્તિની વૃદ્ધિ થશે.

       પ્રજાપતિ શિવદાસને ત્યાં કર્ણ અને પ્રજાપતિ ભાનુપને ત્યાં લક્ષ્મી અવતર્યા. કાળક્રમે બન્નેનાં લગ્ન થયાં શ્રી ભગવાને માયાને આજ્ઞા કરી અને લક્ષ્મીનાં ઉદરમાં ગર્ભ રહ્યો. ધીરે ધીરે માતાનું તેજ વધવા માંડ્યું. ભક્તિમય કુટુંબ હોવાથી તેમને ત્યાં ભક્તિનું વાતાવરણ વધવા લાગ્યું.ગર્ભના દસમા માસે એક મંગળ સમયે ગ્રહો શુભસ્થાને આવતા સુગંધિત મંદ વાયુ વહેતા હવાને એક સુરખી વાતાવરણમાં ફેલાવા લાગી. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો.

    વિ.સં.1458ના ચૈત્ર સુદ પાંચમના ગુરૂવારના શુભ દિવસે ચઢતે પહોરે બપોરે અગિયાર વાગે રોહિણી નક્ષત્ર અને મેષ રાશીમાં શ્રી ભગવાન પાટણમાં પ્રગટ થયા.

     પ્રથમ ચતુર્ભૂજ સ્વરૂપે લક્ષ્મી ભક્ત પ્રજાપતિ શિવદાસ અને કર્નને દર્શન દીધા અને કહ્યુ,” હે શિવદાસ તેં મારી સેવા કરી હતી ત્યારે મેં તને વચન આપ્યું હતું કે હું તારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ જે આજે મેં પાળ્યું છે. “ તેમણે કર્ણને પણ કહ્યું કે ,” હે કર્ણ, રાક્ષસ યોનીમાં તું જ્યારે જ્ન્મ્યો હતો ત્યારે ભારે તપ કરી તેં મને પ્રસન્ન કરેલ તે વખતે આપેલા વચનનું પણ આજે મેં તારે ત્યાં જન્મ લઈને પાલન કર્યું છે. “

     પ્રભુ સાક્ષાત શિવદાસને ત્યાં જન્મ્યા છે તે વાત વાત વાયુ વેગે પ્રસરતા લોકો પ્રભુનાં દર્શનાર્થે ઉમટવા લાગ્યા. અત્ર તત્ર સર્વત્ર જય જયકાર થઈ રહ્યો. ત્યારબાદ ધનુરાજ શ્રી ભગવાનનાં દશનાર્થે આવ્યા ત્યારે કર્ણની વિનંતી થી પ્રભુની નામકરણ વિધી આયોજવામાં આવી. પ્રભુએ મનુષ્ય યોનીમાં જન્મ લીધો હોવાથી તેમનું નામ ‘પદ્મનાભ’ રાખવામાં આવ્યું. પદ્મ એટલે કમળ અને નાભ એટલે નાભી. પદ્મનાભ એટલે નાભીમાં કમળ ધારણ કરનાર. આમ શ્રી વિષ્ણુ ભગવાન પદ્મનાભ સ્વરૂપે પ્રજાપતિ કુળના કુળદેવતા થયા અને પ્રજાપતિ કુળનો ઉદ્ધાર કર્યો.

                               ૐ નમઃ શિવાય

5 comments on “પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s