બર્ફીલા પહાડો

                  આજે અષાઢ સુદ આઠમ

આજનો સુવિચાર:- જે કાયમ પ્રસન્ન રહે છે તેનામાં કદી આળસ આવતી નથી.

હેલ્થ ટીપ :- ચહેરા પર ડાઘ પડી ગયા હોય તો ફુદીના રસને રોજ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થશે.

Photography by Shashikant Mehta

બર્ફીલા પહાડો

બર્ફીલા પહાડોની ગોદમાં લપાશું
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે : આ બાજુ ક્યાંથી, તું ભાઈ !

ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ કરતાં હશે જો તોફાન
ઈશ્વરજી કહેશે કે બારણાં ઉઘાડો : કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને ચૉકલેટ-દૂધની મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે સ્વેટર તો કાઢ
આપણેય કહી દેશું ટાઢ બહુ વાય છે, પહેલાં તું તડકો ઓઢાડ
ઈશ્વરજી કહેશે કે તડકો શું ઓઢે છે, ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને લાગશે નવાઈ

રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે ત્યાં સન્નાટો
પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું ઈશ્વરને વાતો
પાછા ફરશું તો, આપણા જેટલી જ ઈશ્વરને કઠશે જુદાઈ
તો લાગશે કોને નવાઈ !

– મુકેશ જોષી

[શશીદાદાની ‘ક્લોસ અપ’માંથી લીધેલું આ કાવ્ય]
                                 ૐ નમઃ શિવાય