નવરાત્રિ

                  આજે આસો સુદ એકમ [શારદીય નવરાત્રિનો શુભારંભ]

આજનો સુવિચાર:- હકારાત્મક વિચાર વ્યક્તિત્વને સુંદર બનાવે છે.

હેલ્થ ટીપ:- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.

   આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિનો મહિમા વધારે ગણવામાં છે. શક્તિની ઉપાસના એટલે નવરાત્રિનું પર્વ

     પૌરાણિક કથા મુજબ મહિષાસુરે બ્રહ્માજી પાસે એ વરદાન માંગ્યું કે કોઈ પુરૂષના હાથે મારું મૃત્યુ ન થાય. આ વરદાનને કારણે મહિષાસુરે ત્રાહીમામ પોકારી દીધો હતો. દેવો આ રાક્ષસના ત્રાસથી કંટાળી ગયા હતા. છેવટે દેવો સર્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા અને મહિષાસુરના ત્રાસમાંથી છૂટકારો માંગ્યો. આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના ત્રિમૂર્તિ શરીરમાંથી એક સ્ત્રીશક્તિનું નિર્માણ કર્યું. પુરુષના હાથે ન મરવાના વરદાનથી સ્ત્રીશક્તિનું નિર્માણ થયું. પ્રગટ થયેલી આ દિવ્ય સ્ત્રીશક્તિને સર્વ દેવોએ પોતપોતાના આયુધ આપ્યાં.

     આસો સુદ એકમથી ચાલુ થયેલું આ યુદ્ધ નવ દિવસ-રાત્રી ચાલ્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. આમ આ નવ દિવસ એટલે નવરાત્રિ મહિષાસુર પર શક્તિના વિજયની ગાથા.

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                      – નદી કિનારે

પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી કાળકામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                     – નદી કિનારે

બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                      – નદી કિનારે

ત્રીજુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી અંબામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                    – નદી કિનારે

ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                        – નદી કિનારે

પાંચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ખોડિયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                           – નદી કિનારે

છઠ્ઠુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ચામુંડા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                       – નદી કિનારે

 

                                                  ૐ નમઃ શિવાય

વાત એક તણખલાની

                     આજે ભાદરવા વદ ચૌદસ [સર્વપિતૃ શ્રાદ્ધ, પૂનમ- અમાસનું શ્રાદ્ધ]

 

આજનો સુવિચાર:- ‘સફળતા’ મેળવવા માટે કાર્ય કરતી વ્યક્તિ હંમેશા પ્રસિદ્ધિ મેળવે છે પરંતુ આત્મસંતોષ અને સેવા માટે કાર્ય કરનારને હંમેશા સફળતા મેળવવી એ દંતકથારૂપ બને છે.

હેલ્થ ટીપ:- રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.

                                    વાત એક તણખલાની

      પૌરાણિક કથાઓમાં એક કથા આવે છે કે દેવાસુર સંગ્રામમાં પર્માત્માની સહાય થી દેવોનો વિજય થાયો અને અસુરોનો પરાજય થયો. દેવોમાં ખૂબ અભિમાન આવી ગયું કે તેમને કોઈ હરાવી ન શકે. આથી તેમનું અભિમાન દૂર કરવા તેમણે એક વિરાટ યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાની સામે આવ્યા. દેવો વિચારમાં પડી ગયા કે આ કોણ હશે? એમની સત્તા છીનવી લેવા તો કોઈ અસુર તો નથીને? એ કોણ છે તે જાણવાનું કામ તેઓએ અગ્નિદેવને સોંપ્યું.

        અગ્નિદેવ યક્ષ પાસે આવ્યા અને કહ્યું કે ‘હું મહાસમર્થ અગ્નિદેવ છું. હું બધાંને સળગાવી રાખ કરું છું. તુ કોણ છે?’ યક્ષ કહે ‘એમ? તું બધાને બાળી શએ છે? તો આ તણખલા સળગાવી બતાવ.’ એમ કહી એક તણખલું ત્યાં મૂક્યું. અગ્નિદેવે ખૂબ પ્રયત્ન કર્યો પણ તણખલાને સળગાવી ના શક્યા. અગ્નિદેવનો અહમ જતો રહ્યો.. વીલે મોંએ પાછા ફ્રર્યા અને કહે કે આ યક્ષ કોણ છે તે ખબર પડી નથી.

       હવે દેવોમાંથી વાયુદેવ આગળ આવ્યા. યક્ષને પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘હું વાયુદેવ છું. મારું નામ માતરીશ્ચા છે. હું અંતરિક્ષમાં આધાર વગર ફરી શકુ છું. તુ કોણ છે?’ યક્ષ કહે ‘વાયુદેવ તમે તો શક્તિશાળી છો આ તણખલાને ઉડાડી બતાવો.’

     વાયુદેવ કહે ‘એમાં શું? મારી એક ફૂંકે તણખલુ ઉડી જશે.’ ખૂબ પ્રયત્નો કર્યા પણ તણખલું સહેજે હલ્યું નહી. વાયુદેવ નતમસ્તકે પાછા ફર્યા. બધા દેવોની વિનંતિથી દેવરાજ ઈંદ્રદેવ યક્ષને મળવા ગયા. પણ યક્ષ ગાયબ થઈ ગયો. ત્યાં દેવી ઉમા ઉભા હતાં. એમણે અભિમાન ન કરવાનો ઉપદેશ આપ્યો.

વિચારમંથન:- પરબ્રહ્મ પરમાત્માની કૃપા ન હોય તો અગ્નિદેવ અને વાયુદેવ જેવા સમર્થો પણ એક તણખલાને બાળી શકતા કે ઉડાડી નથી શકતા. આપણે તો માનવ છીએ એની કૃપા વગર કોઈ કાર્ય કરી શકતા નથી.

                                                                                                               -સૌજન્ય જન્મભૂમિ

                         

                                                   ૐ નમઃ શિવાય

એક સારો સાચો મિત્ર

           આજે ભાદરવા વદ તેરસ [તેરસ અને ચૌદસનુ શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- વિવાદમાં જ રાચ્યા કરીશું તો વિકાસ ક્યારે કરીશું?
                                  – બાળ સાધ્વી પ્રીતવર્ષાશ્રીજી

હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ.

                      એક સારો સાચો મિત્ર

• જ્યારે તમારું રદવાનું બંધ ન થતું ત્યારે એક સારો મિત્ર રુમાલની ગરજ સારે છે.

• તમારે જ્યારે કાંઈક કહેવું હોય ત્યારે સારો મિત્ર હંમેશા સાંભળવા તત્પર રહે છે.

• જ્યારે તમને જીવન ત્યજી દેવાનું મન થતું હોય ત્યારે સારો મિત્ર ખભો બની રહે છે.

• હૃદયભગ્ન થાય ત્યારે સાચો મિત્ર આધાર બની રહે છે.

• એક દિવસની જરૂરત હોય ત્યારે સાચો મિત્ર અઠવાડિયું બનીને રહે છે.

• બધું છિન્નભિન્ન થયું હશે ત્યારે સારો મિત્ર ગુંદર બની રહે છે.

• જ્યારે વર્ષા બંધ ન થાય ત્યારે સારો મિત્ર સૂર્ય બની રહે છે

• જ્યારે પોલિસનો ભેતો થાય છે ત્યારે સારો મિત્ર વાલી બનીને રહે છે.

• ઘરમાંથી બહાર નીકળવા અસમર્થ હો ત્યારે સારો મિત્ર ‘ફોન કોલ’ બની રહે છે.

• એકલતા અનુભવો ત્યારે સાચો મિત્ર સહારો બની રહે છે.

• ઊડવાની ઈચ્છા થાય ત્યારે સારો મિત્ર પાંખ બની રહે છે.

• કારણ જાણ્યા વગર તમે જે કહેવા માંગતા હો તે એક સાચો મિત્ર સમજી શકે છે.

• તમારું રહસ્ય એક સાચો મિત્ર સાચવી શકે છે.

• માંદા પડ્યા હો તો એક સાચો મિત્ર દવા બની રહે છે.

• સારો મિત્ર પ્રેમ છે, જે ક્યારે ખરાબ થવા નથી થવા દેતો કે ખરાબ ઈચ્છતો.

                                                                              – સંકલિત

                              
                                  ૐ નમઃ શિવાય

શ્રાદ્ધનાં વિવિધ પ્રકાર

             આજે ભાદરવા વદ બારસ [બારસ અને તેરસનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- સુંદર દેખાવ કરતાં સુંદર સ્વભાવ વધારે પાડે છે.

હેલ્થ ટીપ:- પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

 

                            શ્રાદ્ધનાં વિવિધ પ્રકાર

 

શ્રાદ્ધ એટલે મૃતક, અવગતે ગયેલા સ્વજન, સ્નેહીજન, પૂર્વજનું શ્રદ્ધાપૂર્વક કરેલું તર્પણ.

શાસ્ત્રોમાં શ્રાદ્ધનાં અનેક પ્રકાર જણાવ્યા છે. શ્રાદ્ધનાં પારંપારિક 17 પ્રકાર છે.

1] નિત્ય શ્રાદ્ધ:- આ શ્રાદ્ધ જળ દ્વારા, અન્ન દ્વારા દરરોજ થાય છે. શ્રદ્ધાપૂર્વક આસ્થાથી નિત્ય દેવપૂજન, માતાપિતા અને ગુરુજનના પૂજનને નિત્ય શ્રાદ્ધ કહે છે.

2] કામ્ય શ્રાદ્ધ:- જે શ્રાદ્ધ કંઈક કામના કે ઈચ્છાપૂર્તિ માટે રાખવામાં આવે છે તેને કામ્ય શ્રાદ્ધ કહે છે. પૂર્વજોના આશીર્વાદથી નિર્ધારિત કાર્યો કે કામના સિદ્ધ થાય છે.

3] વૃદ્ધ શ્રાદ્ધ:- વિવાહ,ઉત્સવ વગેરે અવસર પર વૃદ્ધોના આશીર્વાદ લેવા માટે કરાતું પૂજન એ વૃદ્ધ શ્રાદ્ધ કહેવાય છે.

4] સર્પિડિત શ્રાદ્ધ:- મૃતકના સ્મર્ણાર્થે અવારનવાર કરાતું શ્રાદ્ધ. આ શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજનાર્થે કાચી સામગ્રી [સીધુ] આપવામાં આવે છે.

5] પાર્વ શ્રાદ્ધ:- મંત્રોથી પર્વો-તહેવારો પર કર્વામાં આવતુ શ્રાદ્ધ. અમાવસ્યાને દિવસે પણ આ શ્રાદ્ધ કરી શકાય છે.

6] ગોષ્ઠ શ્રાદ્ધ:- ગૌશાળામાં બેસી મૃતકના સ્મરણાર્થે ગાયોને ખવડાવી ગોષ્ઠ શ્રાદ્ધ થાય છે.

7] શુદ્ધિ શ્રાદ્ધ:- પોતાની શુદ્ધિ કરાવવા જે શ્રાદ્ધ થાય એ શુદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે.

8] દૈવિક શ્રાદ્ધ:- દેવતાઓની પ્રસન્નતા માટે દૈવિક શ્રાદ્ધ થાય છે.

9] કર્માંગ શ્રાદ્ધ:- આવનારા સંતાન માટે ગર્ભાધાન, સોમયોગ,સીમંત, ઉપનયન વગેરે પિતૃઓનું પૂજન કરવામાં આવે છે તેને કર્માંગ શ્રાદ્ધ કહેવાય છે.

10] તૃષ્ટિ શ્રાદ્ધ:- વિદેશ જનારા કે દેશાંતર જનારાના કલ્યાણ માટે જે શૂભકામના સાથે કરાતા પૂજનને તૃષ્ટિ શ્રાદ્ધ કહેવાય છે.

11] જગતિયું શ્રાદ્ધ:- નિઃસંતાન વ્યક્તિ કે જેની પાછળ કોઈ શ્રાદ્ધવિધિ કરનારું સંતાન ન હોય તે પોતાના જીવતા પોતાનું શ્રાદ્ધ કરાવી બ્રહ્મભોજન કરાવી દાનદક્ષિણા આપે તેને જગતિયું શ્રાદ્ધ કહે છે.

12] તિથિ શ્રાદ્ધ:- આપણા પૂર્વજ સ્વજન જે તારીખે કે તિથિએ અવ્સાન પામ્યા હોય તે તિથિએ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે તેને તિથિ શ્રાદ્ધ કહેવાય છે. આ સર્વોત્તમ પ્રકારનું શ્રાદ્ધ ગણાય છે.

13] અમાસનું શ્રાદ્ધ:- જેમના મૃત્યુની તિથિ યાદ ન હોય એમના શ્રાદ્ધ માટે અમાસની તિથિ યોગ્ય માનવામાં આવે છે.

14] ચૌદસનું શ્રાદ્ધ:- જેમનું મૃત્યુ હથિયાર વડે, બૉમ્બવિસ્ફોટોથી થયું હોય તેમનું ભાદરવા વદ ચૌદસને દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. સધવા અથવા વિધવા મૃતક સ્ત્રીઓનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમની તિથિએ કરવામાં આવે છે.

15] તેરસનું શ્રાદ્ધ:- નાના મૃતક બાળકોનું, કુંવારા યુવક-યુવતીઓનું શ્રાદ્ધ ભાદરવા વદ તેરસને દિવસે કરવામાં આવે છે.

16] અક્ષય શ્રાદ્ધ:- મઘા નક્ષત્રને દિવસે પિતૃઓને અપાયેલું અક્ષય શ્રાદ્ધ કહેવાય છે જે પિતૃઓ અધિક પસંદ કરે છે.

17] નિષિદ્ધ શ્રાદ્ધ:- રાત્રીના સમયે શ્રાદ્ધ કર્મ બિલકુલ નિષિદ્ધ છે.

 

    પૂર્વજોના પુણ્યે આપણે ઘણીવાર અનિષ્ટતાથી બચી જઈએ છીએ. શ્રદ્ધાથી-આસ્થાથી-પૂજ્ય ભાવે જે વ્યક્તિ શ્રાદ્ધાદિ કાર્ય સંપન્ન કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

                                                                                                — સંકલિત

                                          ૐ નમઃ શિવાય

વહેલી સવારે

                           આજે ભાદરવા વદ સાતમ [સાતમનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- વૃદ્ધાવસ્થાની ઉત્તમ ઉત્તમ સંજીવની કાર્યશીલતા છે.

હેલ્થ ટીપ:- અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.

[શ્રી યશવંતભાઈ ત્રિવેદીના ‘પૃથ્વી પર મને સૌથી સુંદર શું લાગ્યુ?’ પુસ્તકને આધારિત]

કૈલાસ દર્શન

કૈલાસ દર્શન

વહેલી સવારે

વહેલી સવારે હું સૂર્યને ઊગતો જોઉં છું ત્યારે
તેમાં મને તારો ચહેરો દેખાય છે.
અંધારી રાતે ઝબકી ઊઠતા તારાઓમાં
હું તારા જ પ્રેમંથી ચમકતાં નેત્રો નિહાળું છું.

સરોવરનાં શાંત પાણીમાં હું તારી છાયા જોઉં છું
સાગરના ઘુઘવાટમાં હું તારો સંદેશ સાંભળું છું
લીલાં તરણાં અને રૂપેરી ઝરણાં
તારું હાસ્ય ઝીલવાને લીધે જ આટલાં કોમળ અને મધુર છે.
ફૂલોના રંગો, વૃક્ષોની ઘટા, પંખીના ટહુકાર અને
વસંતની શોભામાં

મને તારી અનંત લીલાનાં દર્શન થાય છે.
ભવ્ય હિમાદ્રિશિખરો અને ધૂળના નાનામાં નાના કણમાં
તું જ વિલસી રહ્યો છે.

શ્રી કુંદનિકા કાપડીઆ

 

                                            ૐ નમઃ શિવાય

બોધ કથા

                        આજે ભાદરવા વદ છઠ્ઠ [પાંચમનો ક્ષય, છઠ્ઠનું શ્રાદ્ધ]


આજનો સુવિચાર
:- નિરુપયોગી ન થવાનો નિશ્ચય એ જાતને સુધારવાનો ઝડપી અને નાજુક ઉપાય છે.
હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ નાખવું. 

                                                શેતૂરનું ઝાડ

         કાશ્મીરમાં વાસુદેવ નામના એક મહાપંડિત થઈ ગયા. તેઓ હંમેશા પોતાના જ્ઞાનની બડાઈ હાંકે રાખતા. તેમના વિરોધીઓ ડરતા, પણ એકવાર વિરોધીઓ પંડિતને ખંડિત કરી નાખવાનો નિર્ણય કર્યો. વાસુદેવ પંડિતની વાડીમાં એક શેતૂરનું ઝાડ હતું. તેમણે વિદ્વાનીઓને ચર્ચા માટે બોલાવ્યા ત્યારે વિદ્વાનીઓએ તેમની કોઈ વાત સાંભળી નહીં. તેઓ બોલી ઊઠ્યા, બધુ તૂત છે, એટલું જ નહીં, તેઓ વાસુદેવને ‘તૂતપંડિત’ કહેવા લાગ્યા. આથી વાસુદેવ એટલા ચિડાયા કે એમણે શેતૂરનું ઝાડ ઉપરથી કાપી નાખ્યું.

      માથું કપાયેલા ઝાડને ઉદેશીને વિદ્વાનો વાસુદેવને હવે ‘મૂડ પંડિત’ કહેવા લાગ્યા. વાસુદેવ પાસે ગુસ્સે થવા માટે એક ઝાડ હતું. તેમણે બધો ગુસ્સો શેતૂર ઉતાર્યો. શેતૂરને અડધેથી કાપી નાખ્યું. માત્ર ઠૂઠું રહી ગયું. વિદ્વાનો વાસુદેવને ઠૂંઠ પંડિત કહેવા લાગ્યા. ગુસ્સે થયેલા વાસુદેવે ઠૂઠું પણ ઉખાડીને ફેંકી દીધું. એટલે ત્યાં મોટો ખાડો થઈ ગયો. પછે પોતાના ગુરૂ પાસે ગયા અને બધી વાત કહી.

      ગુરૂજીએ હસીને કહ્યું,’તેં તારી મોટાઈ લલકારી એટલે વિદ્વાનો વિરોધી બન્યા. તને ચિડાવવા માંડ્યા. તું ચિડાઈને શેતૂર કાપતો રહ્યો, પણ વાસુ! તુ તારી બડાઈ ગાશે નહી, લોકચર્ચાને ધ્યાનથી અવલોકશે, હાથ કે હથિયાર ઉગામતા પહેલાં વિચાર કરશે તો તું જરૂર ઉત્તુંગ પંડિત બનીશ.’ વાસુદેવે ગુરુની આજ્ઞા માની. વર્ષો પછી સાચે જ તેઓ મહાપંડિત ઉત્તુંગ પંડિત બન્યા. તેમના વાડામાં ફરીથી શેતૂરનું ઝાડ ઉગાદ્યું હતું. એ ઝાદને જોઈ તેમને હંમેશા પ્રેરણા મળતી.
બોધ:- જ્ઞાનની બડાઈ હાંકવાથી હંમેશા નુકશાન થાય છે.

                                  ૐ નમઃ શિવાય

જિંદગી

                              આજે ભાદરવા વદ ચોથ [પાંચમનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- બહારની ગરમી ઓછી કરવા ઍરકંડિશંડ છે, પણની અંદરની બળતરાનું શું? ભગવાનના નામ સાથે નાતો બાંધી લો – બળતરાજતી રહેશે.                                -શ્રી શરદભાઈ વ્યાસ

હેલ્થ ટીપ:- સારા. પાકા જાંબુને સૂકવી બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસમાં રાહત રહેશે.

ગુલાબ

ગુલાબ

                              જિંદગી

જિંદગી, તારા ચહેરાનાગુલાબની પાંદડીઓને જરાક ઊંચી કરું છું
તો નીચે શ્વેત-ગુલાબી પ્રકાશની ઝાંય સેલારા મારે છે!
ને સ્પર્શ કરું છું ત્યારે સુગંધ ફેલાઈ ઊઠે છે સ્વર્ગની બારીઓ સુધી..!

તારા કયા ઉપવનના કયા વૃક્ષની કઈ ડાળ ઉપર ક્યું પુષ્પ ખીલશે…
ક્યા પુષ્પમાંથી ફૂલનો આકાર ધારણ કરશે આ નિયતિ?
ક્યું સમયપંખી ઊડતું ઊડતું આવીને ટોચશે આ મિષ્ટ ફૂલને….

કઈ રીતે પરિપક્વ થાય છે આ પર્ણો અને આ ફૂલો?
કઈ રીતે પરિપૂર્ણ થાય છે આ ઋતુઓ અને પંખીવર્ષો?
એટલે તો હું તને સમુદ્રો અને શાશ્વતી વિષે પ્રશ્નો પૂછતો નથી…
એટલે હું તારી વિસ્મૃતિઓને જખ્મી થવા દેતો નથી
એટલે તો હું તને વિલાપ અને મૃત્યુની સુંદર ખીણો વિષે પૂછતો નથી…!

તું ફરીથી નવા કન્યકત્વને ધારણ કરે, ફરીથી બીડાઈ જાય ગુલાબની જેમ
ફરીથી તું નવી વર્ષાધારે વરસતી રહે, ફરીથી વહેતી રહે નવાં તૃણોની જેમ ઘાસના મેદાનો વચ્ચેથી,
બસ, તું એક નવી કેડીની જેમ દોડતી આવતી હો
અને હું તને જોતો હૌં સુંદર ટમટમતા તારાઓના દક્ષિણ ઢોળાવ તરફ….

[આ જીવન મને કેવું લાગ્યં? પુસ્તક આધારિત]

 

                                                   ૐ નમઃ શિવાય

રીઝશે

                     આજે ભાદરવા વદ ત્રીજ [ચોથનું શ્રાદ્ધ]

[અમેરિકા સ્થિત શ્રી રમેશભઈ પટેલે [આકાશદીપ] એમની આ કૃતિઓ મોકલવા બદલ મેઘધનુષ આભારી છે. ]

ચાહને ગૂંજાવતું રમે

હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
રાતરાણી થઇ મ્હેંકી ઊઠું ને આકાશ નાનું પડે

સાગર કિનારે અટૂલો એકલો હું ને આવી મોંજાં ઉછળે
પામું સ્નેહ કુંભ ને મન મંથને અમી સીચું બધે

વિટંબણાના ચક્રવ્યૂહે પથ્થર દિલે હું નીશદિન ઘૂમું
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે

પાનખરે નીરખું સુકી ડાળ ને એક કૂંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે

પ્રગટાવું દીપ ગોખલે ને સાથે જલાવું ધૂપસળી
હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે

કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે

કરતાલ આવે હાથ ને છેડું મલ્હાર આભલે
ઝીલું ઝીલું મેઘો એવો કે યૌવન હરખડું જલે

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

*************************************************************

રીઝશે

ઝીંદગી છે સ્વપ્ન જેવી અકળ ખુદાઈથી ભરી
પુરુષાર્થના પ્રગટશે દીવડા તો ભાગ્ય દેવી રીઝશે

હતો આદી માનવ ઘૂમતો પશુ જેમ વનેવને
અચરજ ભરેલા ઐશ્વર્યથી મહામાનવ બની રીઝશે

ધરબાશે ધરાએ બીજ તો એક દિ ફૂલ બની મ્હેંકશે
ઝીંદગી ઝીલશે જો પડકારો તો યશ બની રીઝશે

વિચારોના વમળમાં ના ડૂબાડશો આ અમૂલખ ઝિંદગી
માનવમાં માનવતા લહેરાશે તો દેવ બની રીઝશે

આવી અંધકાર લઈ અમાસ તો નક્કી છે પૂનમ ઢૂંકડી
તપાવો ખારા જીવન સાગરને તો મેઘો બની રીઝશે

ઝીંદગી છે ઝરણું સમય સાથે સરીતા બને
લોક કલ્યાણે જીવ્યો આકાશદીપ તો આધાર બની રીઝશે

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

ૐ નમઃ શિવાય

યોગિક માલિશ

                      આજે ભાદરવા વદ બીજ [ત્રીજનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- દુનિયા બદલવા માટે ભણતર ઉત્તમ હથિયાર છે પરંતુ દુનિયાને બદલતા પહેલા પોતાના ઉપર ઉપયોગ કરવો જોઈએ.

હેલ્થ ટીપ:- ત્રિફળાનાં પાણીથી આંખો ધોવાથી ફાયદો થાય છે.

                                 યોગિક મસાજ

યોગાસન કરવાથી શરીરની સારી રીતે માલિશ થાય છે. એને યોગિક મસાજ કહેવાય છે. યોગિક કસરતોથી શરીરને અને મનને ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે. જેવાકે…………

વસ્ત્રાધોતી:-

      ગળું એ આપણા શરીરનું એક અંગ છે. સંગીતના ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ આંગળીમાં મધ અને હળદરનું મિશ્રણ લઈ ગળાની અંદર હલકે હાથે મસાજ કરવો જોઈએ.

       પાચન યોગ્ય રીતે થાય તે માટે અન્નનળી [ફૂડપાઈપ] બરાબર રહે એ મહત્વનું છે.

વસ્ત્રા ધોતી ગળું અને ફૂડપાઈપને સાફ કરવાનો યોગ્ય અને સારો ઉપાય છે. [શરૂઆતમાં યોગ્ય નિરીક્ષણ હેઠળ કરવું વધ્હારે હિતાવહ છે.] કપડાંની પટ્ટીને મીઠાયુક્ત પાણીમાં ઝબોળવામાં આવ્યા બાદ ધીમે ધીમે ગળામાં સેરવવામાં આવે છે. થોડા વખત પછી કપડું ધીરેથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા વડે અન્નનળી તથા ગળાની સફાઈ થશે.

રબર નેતિ:-

       આપણું નાક એમાં પણ નસ્કોરા શ્વાસોચ્છવાસ લેવા અને શ્વાસનાતાપમાનનું નિયંત્રણ રાખે છે. સાયનસ રોકવા નાકની અંગૂઠા વડે બહારથી માલિશ કરો. નસ્કોરાની અંદરથી માલિશ અને સાફાઈ કરવા રબર નેતિનો પ્રયોગ કરવામાં આવે છે. રબરના બે છેડા નાકમાં નાકહ્વામાં આવે છે જેને જમણા હાથનાં અંગૂઠા પહેલી આંગળીની મદદથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. રબર ટ્યુબને અંદર બહાર કરવાથી નાકની અંદરથી માલિશ થાય છે.

વજ્રાસન:-

ગરમ-ઠંડી મસાજ થેરેપીના રૂપમાં ગઠિયા અને ખાસ કરીને ઘૂંટણના દુઃખાવા માટે વજ્રાસન આદર્શ છે. મસાજમાં વારાફરતી ગરમ અને ઠંડુ પાણી ઘૂંટણ પર નાખવામાં આવે છે. વજ્રાસન આ માલિશનો ઉત્તમ વિકલ્પ છે. આ મુદ્રાથી ઘૂંટણના લિગામેંટસ અને ઍંકલ જોઈંટ્સ સ્ટ્રેચ થાય છે અને લવચીકતા આવે છે.

પવનમુક્તાસન:-

 

    સામાન્ય રીતે પીઠની તેલ વડે માલિશ થાય છે. આ માટે જમીન પર ઊંધા સૂઈ જવું પડે છે. પવનમુક્તાસન આ માલિશનો સારો વિકલ્પ છે. આ મુદ્રાથી પીઠની સારી માલિશ થાય છે. ઉપરાંત કરોડરજ્જુને પણ વ્યાયામ મળે છે.

હલાસન:-

આ મુદ્રાથી પેટની સારી માલિશ થાય છે. પીઠની માંસપેશીઓ પણ સારી રીતે સ્ટ્રેચ થાય છે. નિયમિત કરવાથી થાયરોઈડ અને પેરા થાયરોઈડ ગ્લાંડ્સની કામ કરવાની ક્ષમતા વધે છે. ડાયાબિટીસ અટકાવવામાં મદદ કરે છે.

વક્રાસન [સ્પાએનલ ટ્વીસ્ટીંગ]:-


      આ મુદ્રા વડે પેટ, પીઠ, છાતી અને કરોડરજ્જુના સ્નાયુઓની સારી માલિશ થાય છે. વક્રાસનથી પેટ પર દબાણ આવે છે અને બ્લડ સપ્લાય યોગ્ય રીતે થાય છે. દરરોજ વક્રાસન કરવાથી મહિલાઓમાં માસિક નિયનિત આવે છે.

નૌકાસન:-


    આ મુદ્રા સર્પાકારની છે. તેનાથી પેટ પર દબાણ આવે છે અને શરીરની અંદરના ભાગની સારી માલિશ થાય છે. ગૅસ અને કબજિયાતમાં ફાયદો થાય છે.

મકરાસન:-

     આ આસનથી પેટના નીચેના ભાગોની હલકીશી માલિશ થાય છે. આંતરડાની સમસ્યા માટે મકરાસન શ્રેષ્ટ છે. મહિલાઓને માસિક ધર્મ વખતે થતા દુઃખાવામાં રાહત આપે છે.

કપાલભાતિ:-


    પ્રાણાયમની આ ક્રિયાથી પેટની સારી માલિશ થાય છે અને સાથે સાથે ચરબી પણ ઓછી થાય છે. ફાંદ ઘટે છે . શરદી, સાઈનસ તેમ જ અસ્થમા જેવી વ્યાધિમાંથી છૂટકારો મળે છે. શ્વાસ લેવાની ક્ષમતા વધે છે.

    યોગિક મસાજથી સેલ્ફ કંટ્રોલ વધે છે. શરૂઆતમાં આ ક્રિયાઓ નિરિક્ષકની હેઠળ કરવી જરૂરી છે પણ ત્યારબાદ કોઈપણ વ્યક્તિની મદદ વગર ગમે તે સમયે આરામથી આ યોગિક ક્રિયા કરી શકે છે. આંતરિક અવયવોની માલિશ તેલ અથવા અન્ય પ્રકારની થેરેપી શક્ય નથી. હા ઈલેક્ટ્રિક મસાજથી થઈ શકે પણ યોગાસનથી કોઈપન સાઈડ ઈફેક્ટ વિના આરામથી માલિશ થઈ શકે છે.

-સંકલિત

 

                                           ૐ નમઃ શિવાય

જાણો છો ? [જવાબ]

                               આજે ભાદરવા વદ એકમ

આજનો સુવિચાર:- દુનિયાનો કોઈપણ રસ્તો સુખ સુધી પહોંચતો નથી પરંતુ સુખ એવો રસ્તો છે, જે બધી જ મંઝિલો સુધી આપણને પહોંચાડે છે તેથી હંમેશા ખુશ રહો અને સફળતા મેળવો.

હેલ્થ ટીપ:- શરદી અને સળેખમથી દૂર રહેવા નાક પર સીધી હવા લાગે તેમ ન બેસવું. મુસાફરી દરમિયાન વિરુદ્ધ દિશામાં બેસવું.

                                           જાણો છો? [જવાબ]

 

1] કયા જંતુઓ સૌથી વધારે રોગ ફેલાવે છે?

માખી


2] વીસમી સદીમાં શોધાયેલો આપણા સૌર પરિવારનો એકમાત્ર કયો ગ્રહ છે?

1930માં ક્લાઈડ ટૉમ બાગ દ્વારા પ્લુટો ગ્રહ શોધાયેલો.

3] વાયુ કયા તાપમાને દ્રવ્ય થાય છે?

190 ડિગ્રી સેલ્સિયસ

4] દુનિયામાં એવા કયા બે જીવ છે જે માથું ઘુમાવ્યા વગર ફક્ત પોતાની આંખો ઘુમાવીને પોતાની પાછળ જોઈ શકે છે?

સસલું અને પોપટ

5] શું કીડીઓને ગાય હોય છે?

હા, અને એ ગાયમાંથી મધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે.

6] કૃત્રિમ મોતી બનાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી?

ફ્રાંસના જેકુઈન નામના વૈજ્ઞાનિક 1680માં સૌથી પહેલાં કૃત્રિમ મોતી બનાવ્યાં હતા.

7] એડૉલ્ફ હિટલરનો જન્મ ક્યાં થયો હતો?

ઑસ્ટ્રિયામાં

8] યમુના મહારાણી બીજા કયા નામે ઓળખાય છે?

કાલિન્દી

9] આજના સમયની ચિત્રકાર-કવિયિત્રી-પુષ્ટિમાર્ગનાં પદોની રચના કરનારા અને સમય સમયનાં દર્શન કરાવતા પ્રોગ્રામની રજુઆત કોણ કરે છે?

રૂપા બાવરી

10] શ્રી મહાપ્રભુજીએ આખાભારતમાં કેટલી બેઠકો આપી છે?

84 બેઠકો આપી હતી

11] ઈંદિરા ગાંધી 1977માં રાયબરેલીમાં કોની સામે લોકસભાની ચૂંટણી હારી ગયાં હતાં?

રાજનારાયણની સામે હારી ગયાં હતાં

12] કયું તત્વ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપમાં જોવા મળે છે?

પાણી

13] ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો છે?

NH- 35 ભારતનો સૌથી ટૂંકો હાઈવે છે.

14] શરીરમાં વિટામિન-કેનું શું કાર્ય છે?

લોહીને જમાવવાની ક્રિયાનુ કાર્ય

15] બેરો મીટરનો પારો એકાએક નીચે ઊતરી જાય તો કઈ શક્યતા ઊભી થાય છે?

તોફાન [સાયક્લોન]

                                                    ૐ નમઃ શિવાય