શ્રાદ્ધનાં વિવિધ પ્રકાર

             આજે ભાદરવા વદ બારસ [બારસ અને તેરસનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- સુંદર દેખાવ કરતાં સુંદર સ્વભાવ વધારે પાડે છે.

હેલ્થ ટીપ:- પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

 

                            શ્રાદ્ધનાં વિવિધ પ્રકાર

 

શ્રાદ્ધ એટલે મૃતક, અવગતે ગયેલા સ્વજન, સ્નેહીજન, પૂર્વજનું શ્રદ્ધાપૂર્વક કરેલું તર્પણ.

શાસ્ત્રોમાં શ્રાદ્ધનાં અનેક પ્રકાર જણાવ્યા છે. શ્રાદ્ધનાં પારંપારિક 17 પ્રકાર છે.

1] નિત્ય શ્રાદ્ધ:- આ શ્રાદ્ધ જળ દ્વારા, અન્ન દ્વારા દરરોજ થાય છે. શ્રદ્ધાપૂર્વક આસ્થાથી નિત્ય દેવપૂજન, માતાપિતા અને ગુરુજનના પૂજનને નિત્ય શ્રાદ્ધ કહે છે.

2] કામ્ય શ્રાદ્ધ:- જે શ્રાદ્ધ કંઈક કામના કે ઈચ્છાપૂર્તિ માટે રાખવામાં આવે છે તેને કામ્ય શ્રાદ્ધ કહે છે. પૂર્વજોના આશીર્વાદથી નિર્ધારિત કાર્યો કે કામના સિદ્ધ થાય છે.

3] વૃદ્ધ શ્રાદ્ધ:- વિવાહ,ઉત્સવ વગેરે અવસર પર વૃદ્ધોના આશીર્વાદ લેવા માટે કરાતું પૂજન એ વૃદ્ધ શ્રાદ્ધ કહેવાય છે.

4] સર્પિડિત શ્રાદ્ધ:- મૃતકના સ્મર્ણાર્થે અવારનવાર કરાતું શ્રાદ્ધ. આ શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજનાર્થે કાચી સામગ્રી [સીધુ] આપવામાં આવે છે.

5] પાર્વ શ્રાદ્ધ:- મંત્રોથી પર્વો-તહેવારો પર કર્વામાં આવતુ શ્રાદ્ધ. અમાવસ્યાને દિવસે પણ આ શ્રાદ્ધ કરી શકાય છે.

6] ગોષ્ઠ શ્રાદ્ધ:- ગૌશાળામાં બેસી મૃતકના સ્મરણાર્થે ગાયોને ખવડાવી ગોષ્ઠ શ્રાદ્ધ થાય છે.

7] શુદ્ધિ શ્રાદ્ધ:- પોતાની શુદ્ધિ કરાવવા જે શ્રાદ્ધ થાય એ શુદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે.

8] દૈવિક શ્રાદ્ધ:- દેવતાઓની પ્રસન્નતા માટે દૈવિક શ્રાદ્ધ થાય છે.

9] કર્માંગ શ્રાદ્ધ:- આવનારા સંતાન માટે ગર્ભાધાન, સોમયોગ,સીમંત, ઉપનયન વગેરે પિતૃઓનું પૂજન કરવામાં આવે છે તેને કર્માંગ શ્રાદ્ધ કહેવાય છે.

10] તૃષ્ટિ શ્રાદ્ધ:- વિદેશ જનારા કે દેશાંતર જનારાના કલ્યાણ માટે જે શૂભકામના સાથે કરાતા પૂજનને તૃષ્ટિ શ્રાદ્ધ કહેવાય છે.

11] જગતિયું શ્રાદ્ધ:- નિઃસંતાન વ્યક્તિ કે જેની પાછળ કોઈ શ્રાદ્ધવિધિ કરનારું સંતાન ન હોય તે પોતાના જીવતા પોતાનું શ્રાદ્ધ કરાવી બ્રહ્મભોજન કરાવી દાનદક્ષિણા આપે તેને જગતિયું શ્રાદ્ધ કહે છે.

12] તિથિ શ્રાદ્ધ:- આપણા પૂર્વજ સ્વજન જે તારીખે કે તિથિએ અવ્સાન પામ્યા હોય તે તિથિએ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે તેને તિથિ શ્રાદ્ધ કહેવાય છે. આ સર્વોત્તમ પ્રકારનું શ્રાદ્ધ ગણાય છે.

13] અમાસનું શ્રાદ્ધ:- જેમના મૃત્યુની તિથિ યાદ ન હોય એમના શ્રાદ્ધ માટે અમાસની તિથિ યોગ્ય માનવામાં આવે છે.

14] ચૌદસનું શ્રાદ્ધ:- જેમનું મૃત્યુ હથિયાર વડે, બૉમ્બવિસ્ફોટોથી થયું હોય તેમનું ભાદરવા વદ ચૌદસને દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. સધવા અથવા વિધવા મૃતક સ્ત્રીઓનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમની તિથિએ કરવામાં આવે છે.

15] તેરસનું શ્રાદ્ધ:- નાના મૃતક બાળકોનું, કુંવારા યુવક-યુવતીઓનું શ્રાદ્ધ ભાદરવા વદ તેરસને દિવસે કરવામાં આવે છે.

16] અક્ષય શ્રાદ્ધ:- મઘા નક્ષત્રને દિવસે પિતૃઓને અપાયેલું અક્ષય શ્રાદ્ધ કહેવાય છે જે પિતૃઓ અધિક પસંદ કરે છે.

17] નિષિદ્ધ શ્રાદ્ધ:- રાત્રીના સમયે શ્રાદ્ધ કર્મ બિલકુલ નિષિદ્ધ છે.

 

    પૂર્વજોના પુણ્યે આપણે ઘણીવાર અનિષ્ટતાથી બચી જઈએ છીએ. શ્રદ્ધાથી-આસ્થાથી-પૂજ્ય ભાવે જે વ્યક્તિ શ્રાદ્ધાદિ કાર્ય સંપન્ન કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

                                                                                                — સંકલિત

                                          ૐ નમઃ શિવાય