ભૈરવજયંતી

                આજે કારતક વદ સાતમ [શ્રીમતી ઈંદિરા ગાંધીની જન્મ તારીખ]

                          [મહારાણા પ્રતાપની પુણ્ય તિથી, ભૈરવ જયંતી]

આજનો સુવિચાર:- ઈશ્વર જ્યારે સાથે હોય છે ત્યારે વિષયો ચઢી બેસતા નથી. – શ્રી ડોંગરે મહારાજ

હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.

                                         ભૈરવજયંતી

ૈરવજી

ભૈરવજી

 

            ભારતભરમાં ભાવિકો અનેક દેવ દેવેઓની ઉપાસના અને અનુષ્ઠાનો કરતાં હોય છે. જે તુરંત ઉત્તમ ફળ આપનાર માનવામાં આવે છે. ભગવાન ભૈરવની ઉપાસના ત્વરિત ઉત્તમ ફળ આપનારી મનાય છે. ભગવાન ભૈરવ શિવજીના પ્રધાન સેવક અને એમનો અંશાવતાર માનવામાં આવે છે. તે શિવગણ અને ભૂત-પ્રેતાદિના અધિપતિ છે. કારતક વદ સાતમ ભૈરવજયંતી તરીકે મનાય છે.

       પૌરાણિક કથા મુજબ દેવતાઓની સભામાં બ્રહ્માજી અને ક્રતુ વચ્ચે વાદવિવાદ યુદ્ધમાં પરિણ્યમો. પરિણામે દેવતાગણો ભોલેનાથ શિવજીની પ્રાર્થના કરવા લાગ્યા અને આ યુદ્ધ અટકાવવા વિનંતી કરવા લાગ્યા. શિવજીએ દેવતાગનની વિનંતી સ્વીકારીને આ યુદ્ધ રોકવા અગ્નિસ્તંભનું રૂપ ધારણ કર્યુ. પરંતુ બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કર્યું અને ક્રતુએ સુવરનું રૂપ ધારણ કરી સ્તંભમાપન માટે આગળ વધ્યા. આથી પ્રભુએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને તેમના અંશાવતાર બાળસ્વરૂપ બટુક ભૈરવને ઉત્પન્ન કર્યા. ક્રતુ તો શિવજીને પગે પડી ગયા પરંતુ બ્રહ્માજીનું પાંચમું મુખ ક્રોધાયમાન થઈને શિવનિંદા કરવા લાગ્યું ત્યારે ભગવાન ભૈરવે દંડરૂપે બ્રહ્માજીનું પાંચમું મુખ અલગ કરી દીધુ. ભગવાન ભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગતા તેના નિવારન માટે બ્રહ્માજીના કપાયેલા મુખને લઈને કાશી પહોંચ્યા. ત્યાં બ્રહ્માજીનું મુખ આપોઆપ ભૈરવજીનાં હાથમા6થી સરકી જતા તે સ્થળનું નામ કપાળમોચન પડ્યું. આમ એમનું બ્રહ્મહત્યાના પાપનું નિવારન આવ્યું. શિવજીએ ભૈરવજીને કાશીના કોતવાલ તરીકે નીમ્યા.

      ભૈરવજીનાં બાર સ્વરુપોમાંથી આઠ સ્વરૂપો રૌદ્ર, ભયંકર અને ક્રોદ્ધયુક્ત છે. તેમનાં ત્રણ અક્ષરીનામથી તેમના વર્ણ, આસન અને શસ્ત્રનો ઉલ્લેખ થાય છે. ઉપાસકો તેમના ત્રણ સ્વરૂપને પૂજે છે. બટુક અથવા બાળભૈરવ સ્વરૂપ, સ્વર્ણાકર્ષક ભૈરવ અને કાલભૈરવની ઉપાસના કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. આમ ભૈરવજી ઉપાસના ઉપાસકનું પરમ કલ્યાણ કરી જીવનપથ સુવાસિત કરે છે.

                                           ૐ નમઃ શિવાય