પથરી

                                  આજે પોષ સુદ પાંચમ

આજનો સુવિચાર:- સંતોને પણ પોતાનું પ્રારબ્ધ ભોગવવું પડે છે.

હેલ્થ ટીપ:- 2 ચમચામુલતાની માટી, ચપટી કપૂર અને ગુલાબજળ ભેળવી ફ્રિજમાં મૂકી રાખો થોડીવાર રહી તેને ચહેરા પર લગાડો.. સુકાતા મોઢું ધોઈ કાઢો ચહેરાની ચીકાશ જતી રહેશે.

નવા વર્ષની શરૂઆત આપણે સ્વાસ્થયથી કરીએ.
 

પથરી

      આપણા શરીરની પાચનક્રિયા દ્વારા રોજિંદા ખોરાકમાંથી કૅલ્શિયમ ચૂસાય છે પણ જ્યારે એનો અતિરેક થાય છે ત્યારે તેનો મૂત્ર દ્વારા નિકાલ થાય છે. જ્યારે શરીર દ્વારા વધુ પડતુ કૅલ્શિયમ ચૂસાય છે ત્યારે કૅલ્શિયમના ક્રિસ્ટલ એટલે પથરી બને છે. અને જ્યારે એ મૂત્રનળીમાં પ્રવેશે છે તે તે ખૂબ પીડાકારક બને છે.

પથરી થયાની નિશાનીઓ

પડખામાં કે પીઠમાં સખત દુઃખાવો થાય

મૂત્ર દ્વારા લોહીનું વહેવું તાવ આવે અને ઠંડી લાગે ઉલ્ટીઓ થાય

મૂત્રમાં દુર્ગંધ આવે અને મૂત્ર ગાઢુ વહે છે

પેશાબમાં બળતરા થાય છે

જ્યારે ઉપરોક્ત નિશાનીઓ જણાય ત્યારે ડૉકટરની સલાહ લેવી.

પથરીના ઘરગથ્થુ ઉપાય

* રાજમા ઉપયોગ છૂટથી કરવો

• રોજિંદા ખોરાકમાં સેલેરીની ભાજીનો ઉપયોગ કરો જે મૂત્રાશયમાં રહેલી પથરી ઓગાળવામાં મદદ કરશે.

• આયુર્વેદની દવાઓમાં તુલસી ઉત્તમ ગણાય છે. થોડી તુલસીના પાન ચાવી જાવ અથવા એક ચમચી તુલસીનો રસ મધ સાથે 6 મહિના સુધી લેવો.

• રોજના બે સફરજન જમ્યા બાદ ખાવા. સફરજન મૂત્રાશયની પથરી પર અસરકારક છે.

• જે ફળમાં વધુ પાણી હોય તે ફળ ખાવું જરૂરી છે જેવું કે કલિંગર.

• આધુનિક શોધખોળ વિટામિન બી6 મૂત્રપિંડની પથરી પર અસરકારક છે.

• મૂળા, કોબી, કૉલીફ્લાવર, ટામેટા, ભાજી, અથાણા, માંસાહાર વગેરે ખાવાનું ટાળો જેનાથી મૂત્રાશયની પથરી હેરાન ન કરે.

• જે ખોરાકમાં વધુ પડતું કૅલ્શિયમ અને ફોસ્ફેટ હોય તે ખોરાક ટાળો જેવા કે ઘઉં, ચણા, વટાણા, કોપરું, બદામ, કૉલીફ્લાવર, કૉબી, ગાજર અને દૂધની બનાવટ ખાવાનું ટાળો.

• મગ જેવા ઓછા પ્રોટીનવાળો ખોરાક લો.

• પુષ્કળ પાણી પીવાનું રાખો.

• આધુનિક રિસર્ચ પ્રમાણે યોગ જેવાં કે પવનમુક્તાસન, ધનુરાસન, ઉત્તાનપાદાસન, ભૂજંગાસન વગેરે પથરી પર ઉત્તમ છે.

• બે સૂકા અંજીર લઈને 1 કપ પાણીમાં ઉકાળો. આ ઉકાળો સવારના ભૂખ્યા પેટે દિવસમાં એકવાર પીઓ. આ ઉકાળો એક મહિના સુધી લો.

 

                               ૐ નમઃ શિવાય

જીવનનું લક્ષ્ય – દુર્યોધન, કર્ણ કે અર્જુન???

                                  આજે પોષ સુદ ચોથ

આજનો સુવિચાર:- કામ ગમે તેટલું મોટું હોય પણ શ્રદ્ધા અને પુરૂષાર્થથી તે સફળ થાય છે.

હેલ્થ ટીપ:- પાતળા થવાના અભરખામાં ચોક્કસ ભોજનનો ત્યાગ નુકશાનકારક સિદ્ધ થશે.

શ્રી કૃષ્ણ યોગેશ્વર ગવાન

શ્રી કૃષ્ણ યોગેશ્વર ભગવાન

જીવનનું લક્ષ્ય – દુર્યોધન, કર્ણ કે અર્જુન?

   પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ મહાભારતના ત્રણ પાત્રોનું નિરુપણ કરતાં કહ્યું છે,’ માણસે પોતે નક્કે કરવાનું છે કે તેને દુર્યોધન બનવું છે, કર્ણ બનવું છે કે અર્જુન બનવું છે ? આ ત્રણે પરાક્રમી અને સમર્થ હતા. પ્રત્યેકમાં કંઈક વિશેષ ગુણો હતા.

     દુર્યોધનનું રાજ્ય ઉત્કૃષ્ટ કલ્યાણકારી –Welfare State – હતું. તેની પાસે અગિયાર અક્ષૌહિણી સૈન્ય હતું પરંતુ તે સ્વાર્થ માટે જીવ્યો. તે આત્મકેંદ્રિત હતો. તેનો વિનાશ થયો.

      કર્ણ ગુણોનો ભંડાર હતો. તેની ગુરુભક્તિ અને દાનપ્રિયતા લોકોત્તર હતી. તેણે પોતાનુ પરાક્રમ, પોતાના સદગુણો બીજા માટે એટલે દુર્યોધન માટે વાપર્યા. પરિણામે તેને વીરોચિત ગતિ પણ ન મળી.

    અર્જુને તેનું પરાક્રમ, તેનું સામર્થ્ય, તેના ગુણો, તેનું કૌશલ્ય બધું જ પ્રભુને ચરણે ધરી કહ્યું ‘કરિષ્યે વચનં તવ’ અર્થાત તારી આજ્ઞા મુજબ વર્તીશ અને તેથી તે વંદનીય છે.

  સવાલ એ છે કે આપણે શું બનવું છે? દુર્યોધન, કર્ણ કે અર્જુન?? જીવનનું અંતિમ લક્ષ્ય તો આખરે પ્રભુ સુધી પહોંચવાનું છે ને? સત્યમ, શિવમ, સુંદરમની અનુભૂતિ લેવાની છે ને? તેને માટે સમર્પિત ભાવ કેળવવાની જરૂરી છે.

’ઉધ્દેરેદાત્મનાત્માનં આત્માનં અવસાદયેત’

   અર્થાત વિવેકયુક્ત આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, આત્માને અધોગતિએ પહોંચાડવો નહીં – મતલબ પોતાની જાતે જ ઉદ્ધાર કરવો. આત્માની અધોગતિ કરવી નહી.તે જીવનમાં લાવવા માટે ગીતાના વચનો જીવનમાં પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ ગીતાના વિચારો પર આધારિત સૂત્રો આપ્યાં છે.

1] કર્યા વગર કાંઈ મળતું નથી, – મફતનું લઈશ નહીં.

2] કરેલું ફોગટ જતું નથી, – નિરાશ થઈશ નહીં.

3] કામ કરવાની શક્તિ તારામાં છે, – લઘુગ્રંથિ બાંધીશ નહીં.

4] કામ કરતો જા, હાંક મારતો જા, – વિશ્વાસ ગુમાવીશ નહીં.

5] મદદ તૈયાર છે.

2008 વર્ષના અંતે આ નિર્ણય લઈને પ્રભુને પ્રાર્થના કરીયે

પ્રભુ ! તું પાર ઉતારે, ન એવી પ્રાર્થના મારી, તરી જાવા ચાહું શક્તિ પ્રભો ! એ પ્રાર્થના મારી.

  

                                ૐ નમઃ શિવાય

દર્શન

                                 આજે પોષ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક છે.
                                     અનેક તરંગ હોવા છતાં સાગર એક છે.
                                     અનેક ધર્મ હોવા છતાં ‘ઈશ્વર’ એક છે.

હેલ્થ ટીપ:- ઠંડીથી બચવા પાણીમાં ખાંડેલી વરિયાળી, એલચી, લવિંગ, મરી, આદુ કે સૂંઠ  સરખે ભાગે નાખી ઉકાળો. અડધો રહે ગાળી પીઓ.

[ અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈએ (આકાશદીપ) પોતાની આ કૃતિ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

દર્શન લા

દર્શન ભલા

દર્શન

ના હિસાબી લેખાંજોખાંએ જિંદગીની મજા
ધર હાથ ગાંડીવ, લાગતા દર્શન ભલા

સાત રંગી કિરણો છે સૂર્યના જાણે બધા
વરસે તું તો મેઘધનુષના દર્શન ભલા

જલે મોમબત્તી, લઈ ઉરે ઉની વ્યથા
ઉજાશો પ્રેમ તો ઉત્સવોના દર્શન ભલા

જિંદગી છે છોડ, કાંટા ઊગે ને ફૂલ પણ
રળ ક્ષેય, માણવા સાધુતાના દર્શન ભલા

ખીલવજો પુષ્પો તમારા જીવનના ઉદ્યાનમાં
ભૂલી ડંખ, મધમાખી દે મધના દર્શન ભલા

માગે પરિવર્તન, અનુકૂલનની આરાધના
આવે વંટોળ તો ઝૂકી ઝૂકવાના દર્શન ભલા

ભજવતી જિંદગી નાટક,આંસુ સ્મિત અંકના
શીખે ‘દીપ’ સમર્પણ તો સુખના દર્શન ભલા

—-શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                     ૐ નમઃ શિવાય

ગુજરાતની બેઠકજી

                                  આજે પોષ સુદ બીજ

 

આજનો સુવિચાર:- જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય છે તે ઈશ્વર.

હેલ્થ ટીપ:- . એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે.

                                  ગુજરાતના બેઠકજી

1]     શ્રી સુરતના બેઠકજી

              શ્રી મહાપ્રભુજી નાસિકથી સુરત પધાર્યા. આપશ્રી સુરતમાં તાપી નદીના કિનારે અશ્વિનીકુમાર ક્ષેત્રમાં બિરાજ્યા. તાપી યમુનાજીની બહેન ગણાય છે. તાપી નદીને કિનારે દેવોના વૈદ્ય અશ્વિનીકુમારોનું તીર્થ સ્થાન આવેલું છે. ગામથી 2 માઈલ દૂર શ્રી મહાપ્રભુજીની સુંદર અને ભવ્ય બેઠકજી બિરાજે છે. ગામમાં તિલકાય શ્રી દાઉજી મહારાજનાં બેઠકજી પણ બિરાજે છે. શહેરમાં ભાગા તળાવ વિસ્તારમાં છઠ્ઠા નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે. ગોપીપુરામાં શ્રી ગુસાઈજીનાં બેઠકજી પણ બિરાજે છે. શ્રી ભાગવતજીની કથા દરમિયાન શ્રીતાપીજીએ સોળ વર્ષની સુંદરીનું સ્વરૂપ લઈ આપને પંખો ઢાળતા રહ્યા. શ્રી તાપીજી સૂર્યદેવના પુત્રી છે અને શ્રી યમુનાજીનાં બહેન છે. આજુબાજુનાં જીવો આપના દૈવી પ્રભાવથી પ્રભાવિત થઈ આપને શરણે આવ્યા. આમ જીવોનો આપે ઉદ્ધાર કર્યો.

2]      શ્રી ભરૂચનાં બેઠકજી

        ભૃગુકચ્છ એટલે ભરૂચ જે નર્મદાને કિનારે આવેલું છે. સ્ટેશનની પાસે જ બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી સુરતથી સેવકો સહિત અહીં પધાર્યા હતા. આપે છોકરનાં વૃક્ષ નીચે મુકામ કર્યો. અહીં શ્રી નર્મદાજીએ સ્વરૂપવાન યુવતીનો વેષ ધારણ કરી નર્મદા સ્નાન કરવાનું નિમંત્રણ આપ્યું. આપશ્રીનાં અંગનાં સ્પર્શથી નર્મદાજી પ્રફુલ્લિત થઈ ઉઠ્યાં હતાં. અહીં આપે સાત દિવસ સુધી ભાગતજીનું પારાયણ કર્યું હતું.

3]      શ્રી ડાકોરજીનાં બેઠકજી

        ડંકક્ષેત્ર નામે જાણીતા આ પ્રદેશમાં આવેલી ગોમતી નદીને કિનારે આવેલા ડાકોર ગામમાં આવેલાં ગોમતી તળાવને કિનારે આપે ભાગવત પારાયણ કર્યું હતું. આ બેઠકજીનો બેઠકચરિત્રમાં ઉલ્લેખ નથી પણ પ્રાચીન ગ્રંથો ઉપરથી સિદ્ધ થાય છે કે અહીં આપે શ્રીમદ ભાગવતજી અને વેદપારાયણ કર્યું હતું.

4]    શ્રી ગોધરાનાં બેઠકજી

    વડોદરા અને દાહોદ વચ્ચે ગોધરા આવેલું છે. અહીં શ્રી મહાપ્રભુજીનાં, શ્રી ગુસાંઈજીનાં અને શ્રી ગોકુલનાથજીનાં બેઠકજી બિરાજે છે. આપના અનન્ય સેવક રાણા વ્યાસજી ગોધરાના વતની હતા. તેમના ઘરમાં જ શ્રી મહાપ્રભુજી આજે પણ બિરાજે છે. અહીં આપશ્રીએ ભાગવતજીનું સપ્તાહ પારાયણ કર્યું હતુ. રાણાજીની વિનંતિથી આપશ્રીએ અહીં શ્રી વેણુગીતનું અને શ્રી સુબોધિનીજીનું રસપાન કરાવ્યું હતું. શ્રીમહાપ્રભુજીની બેઠકજીની જગ્યા મૂળ એક મુસલમાનભાઈની હતી. તેણે વૈષ્ણવ કાર્યકરોને આ સ્થાન ખરીદવાની વિનંતિ કરી હતી અને કહ્યું હતું કે અહીં કોઈ અતિ તેજસ્વી એવા ધર્મગુરૂના ધોતી ઉપરણામાં દર્શન થાય છે.અગ્નિના ભડાકા દેખાય છે માટે આ જમીન લઈ લેવાની વિનંતિ કરી હતી. તે ઉપરાંત એ મુસ્લિમ બિરાદરે પોતાની સુંદર ગાય પણ દૂધ આરોગવા માટે આપી હતી.

—– [વધુ આવતા લેખમાં]

                                              ૐ નમઃ શિવાય

સંપત્તિ ના મેળવી શકનારાના પોકળ બહાના

                                       આજે માગશર વદ બારસ

આજનો સુવિચાર:- ચૂંટણી એટલે વચનોની વસંત.

હેલ્થ ટીપ:- અતિસારમાં [ઝાડા થયા હોય] એક વાડકા દહીંમાં મેથીના દાણાનો પાઉડર મેળવી ખાઈ જાવ.

પ્રખ્યાત લેખક નેપોલિન હિલની નજરે સંપત્તિ ના મેળવી શકનારાના બહાના

• જો મારે એક પત્ની ને કુટુંબ ન હોત……

• જો મારી પાસે પૂરતી લાગવગ હોત ……

• જો મારી પાસે પૈસા હોત………

• જો હું સારી નોકરી મેળવી શક્યો હોત…….

• જો મારું સ્વાસ્થ્ય સારું હોત………

• જો મારી પાસે સમય હોત………

• જો સંજોગો સારા હોત……..

• જો બીજા લોકો અને સમજી શક્યા હોત…….

• જો મારું જીવન ફરીથી જીવવા મળે તો….

• જો મને આજે એક તક મળે તો……

• જો બીજા લોકો મારી વિરુદ્ધ ન હોત…….

• જો મને રોકવા માટેનો બનાવ ન બન્યો હોત……

• જો હું સહેજ યુવાન હોત………

• જો હું ગર્ભ શ્રીમંત હોત……..

• જો મને ‘યોગ્ય લોકો’ મળ્યા હોત……..

• જો મારી વાતને હું હિંમતથી રજૂ કરી શકતો હોત……

• જો મેં ગત તકો ઝડપી હોત……….

• જો લોકોએ મારી પર ત્રાસ વર્તાવ્યો ન હોત………

• જો મારે ઘર અને બાળકોનું ધ્યાન ન રાખવાનું હોત……..

• જો હું થોડા ધનની બચત કરી શક્યો હોત………

• જો મારા બોસે મારી કદર કરી હોત……….

• જો મને કોઈ મદદગાર મળ્યું હોત…….

• જો મારું કુટુંબ મને સમજી શક્યું હોત……

• જો હું મોટા શહેરમાં રહેતો હોત…….

• જો હું કશી શરૂઆત કરી શકતો હોત…..

• જો હું મુક્ત હોત….

• જો કેટલાક લોકો જેવું વ્યક્તિત્વ હું ધરાવતો હોત…..

• જો હું આટલો મેદસ્વી ન હોત….

• જો મારી સુઝબુઝની જાણકારી થઈ હોત…..

• જો કોઈ ‘બ્રેક’ મળત તો…..

• જો મારે કરજનો બોજ ન હોત….

• જો મને કોઈ પદ્ધતિ ખબર હોત……

• જો બધાએ મારો વિરોધ ન કર્યો હોત……

• જો મારી પર આટલી બધી ચિંતાનો બોજ ન હોત…….

• જો હું યોગ્ય વ્યક્તિને પરણ્યો હોત……

• જો લોકો આટલા બધા મૂર્ખ ન હોત…..

• જો મારું કુટુંબ આટલું ખર્ચાળ અને ઉડાઉ ન હોત…..

• જો હું મારા વિશે શ્રદ્ધા રાખતો હોત……

• જો ભાગ્ય મારાથી બે ડગલાં આગળ ન હોત…..

• જો મારો સિતારો ખરાબ ન હોત…….

• જો એ વાત સાચી ન હોત કે ‘જે થવાનું છે તે થવાનું જ છે….’

• જો મારે આટલી બધી મહેનત ન કરવી પડતી હોત…….

• જો મેં ધન ન ગુમાવી દીધું હોત…….

• જો હું કોઈ બીજા પડોશમાં રહેતો હોત….

• જો મારે કોઈ ‘અતીત’ ન હોત……

• જો મારે પોતાનો જ કોઈ ધંધો હોત……

• જો બીજા લોકો મારું કહ્યું સાંભળતા હોત….

• જો [આ સૌથી મોટું બહાનું છે.]

                                                       — સંકલિત

                                         ૐ નમઃ શિવાય

22મી ડિસેમ્બર

                               આજે માગશર વદ એકાદશી

આજનો સુવિચાર:- સારું પુસ્તક એ છે જેને આશા સાથે ખોલી શકાય અને સંતોષ સાથે બંધ કરી શકાય.

હેલ્થ ટીપ:- લોક આયુર્વેદ- મૂળો, મોગરી અને દહીં
                                               બપોર પછી કદી નહિં.

short day and long night

short day and long night

 

        આજે 22મી ડિસેમ્બર, વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને વર્ષની સૌથી લાંબી રાત્રિ.
  બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરી રહેલી આપણી પૃથ્વીનું આ અવનવું વૈજ્ઞાનિક સત્ય છે. પૃથ્વીપોતાની ધરી પર કલાકના એક હજાર માઈલની ઝડપથી ગતિ કરે છે અને સૂર્યની આસપાસ સેકંડના 20 માઈલની ઝડપથી ગતિ કરે છે. સૂર્યના પોતાના ગ્રહો, ઉપગ્રહો, ચન્દ્રો અને ધૂમકેતુઓના બનેલા પરિવારને લઈને આકાશગંગા નામના તારાવિશ્વના કેન્દ્રની આસપાસ એક સેકંડના 170 માઈલની ઝડપથી ગતિ કરે છે. પૃથ્વી પરિભ્રમણ કરતા સમયે પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. આથી પૃત્વીના બન્ને ગોળાર્ધ વારાફર્તી સૂર્ય તરફ રહે છે. આથી રાતદિવસ લાંબા ટૂંકા થાય છે. પૃથ્વીનો જે ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય છે તે ગોળાર્ધ વધુ સમય માટે પ્રકાશમાં રહે છે. આથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. એથી તદન વિરુદ્ધ પૃથ્વીનો જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધનો હોય છે તે ગોળાર્ધ ઓછા સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે. આથી ત્યાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે.

    આજે 22મી ડિસેમ્બરના દિવસે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે, તેથી આજે વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ અને વર્ષની લાંબામાં લાંબી રાત્રિ છે.

     આજે યહુદી તહેવાર હાનુકાહ, સમર્પણનો દિવસ છે. અનિષ્ટ પરના ઈષ્ટના વિજયની ખૂશાલીમાં આજનો તહેવાર યહુદી પ્રજા ઉજવે છે.

                        

                                   ૐ નમઃ શિવાય

આપણા ગુજરાતમાં સૌ પ્રથમ શું?

                             આજે માગશર વદ નોમ

 

આજનો સુવિચાર:- વિકૃતિઓ માનવીને વિનાશનાં દ્વાર સુધી લઈ જાય છે.          

હેલ્થ ટીપ:- માથા નીચે ગરમ કપડું રાખી ન સુવું.

 

                     આપણા ગુજરાતમાં સૌ પ્રથમ શું?

1] અંગ્રેજી શાળા                           : 1846 [અમદાવાદમાં]

2] કન્યાશાળા                               :     1849 [અમદાવાદમાં]

3] કાપડમિલ                                : 1881 [અમદાવાદમાં]

4] કૉલેજો                                     : 1) ગુજરાત કૉલેજ -1879 (અમદાવાદ)
                                                       2) એલ. એ. શાહ લૉ કૉલેજ 1927 (અમદાવાદમાં)
                                                       3) એચ. એલ. કૉમર્સ કૉલેજ 1937 (અમદાવાદમાં)

5] વર્તમાનપત્ર                        :    વરતમાન, 1849 (અમદાવાદમાં)

6] ગુજરાતી શાળા                    :   1826 (અમદાવાદમાં)

7] ગુજરાતી સામાયિક            :  બુદ્ધિપ્રકાશ – 1850 (અમદાવાદમાં)

8] છપખાનું                             :   1842 (સુરતમાં)

9] સ્ત્રી સામાયિક                     :  ‘સ્ત્રીબોધ’ – 1857 (અમદાવાદમાં)

10] પુસ્તકાલય                      :  1824 (સુરતમાં)

11] રેલ્વે                                :  ઉતરાણ (સુરત)થી અંકલેશ્વર 1855માં

12] શબ્દકોષ                        : નર્મકોશ-1873 લેખક શ્રી નર્મદ

13] સંગ્રહસ્થાન                    :  1894 (વડોદરામાં)

14] દવાની ફૅક્ટરી               :  1905 (વડોદરામાં)

15] ચલચિત્ર                         : ‘નરસિંહ મહેતા’ 1932માં

16] પંચાયતી રાજ્ય            : 1 – 4 – ’63

17] આયુર્વેદ યુનિવર્સિટી    : 1968 [ જામનગરમાં]

18] ગુજરાત યુનિવર્સિટી    : 1948 [ અમદાવાદમાં ]

19] કૃષિ યુનિવર્સિટી         : 1973 [દાંતીવાડા]

20] ટેલિવિઝન                 : 1975 – [પીજ, જિલ્લો ખેડા]

                                                                              – સંકલિત

                                 

                                       ૐ નમઃ શિવાય

ચેતવણી

                          આજે માગશર વદ આઠમ

આજનો સુવિચાર:- સફળ દાંપત્ય જીવન સહકાર અને સમજણ પર આધારિત છે.

હેલ્થ ટીપ:- એક ચમચી દ્રાક્ષાસવમાં થોડું પાણી ઉમેરી પીવાથી મગજની સ્ફૂર્તિ વધે છે. – લાભશંકર ઠાકર

                ચેતવણી

જેઓ પાસે ભૂલ કરવાની હિંમત નથી;
જેઓ પાસે ભૂલ કબૂલ કરવાની તાકાત નથી;
જેઓ ચોમાસામાં પણ અંદરથી ભીના નથી થતા;
જેઓ શિયાળામાં પણ હુંફાળા નથી થઈ શકતા;
જેઓ ઉનાળામાં પણ શીતલતાને દિલથી આવકારતા નથી;
જેઓ મિત્ર સાથે પણ નિખાલસ નથી બનતા;
જેઓ દુશ્મનની એકાદ ખૂબી બિરદાવી નથી શકતા;
જેઓની આંખને ભીની થવાની ટેવ નથી;
જેઓ સુખનો સ્વીકાર કરાવામાં કંજૂસાઈ કરે છે;
ઓ દુઃખને છાતીએ વળગાડીને ફરે છે;
જેઓ પુષ્પ સાથે કેવો વ્યહવાર કરવો તે જાણતા નથી;
જેઓ એકાદ સુંદર પુસ્તકના પ્રેમમાં નથી;
જેઓએ જીવનમાં એક પણ વૃક્ષ ઉછેર્યું નથી;
અને
જેઓ પાસે જીવન મ્હાણવાનો અને હોળી રમવાનો સમય નથી
એવા માણસો
પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવે, તોયે ‘અભણ’ જાણવા.
તેઓ બે પગપર ઊભા છે તે એક અકસ્માત છે.

[વક્તકી કૈદમેં જિંદગી હૈ મગર
ચંદ ઘડિયાઁ યહી હૈ જો આઝાદ હૈ]

                                           —- ગુણવંત શાહ

                

                                             ૐ નમઃ શિવાય