ઉપશાસ્ત્રીય સંગીતના પ્રકાર

                         આજે માગશર વદ ત્રીજ [સંકષ્ટી ચોથ]

આજનો સુવિચાર:- આશાવાદી સારી વસ્તુ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે કર્મ સર્વપ્રમુખ હોય.

હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

સંગીતની દેવી મા સરસ્વતી

                        ઉપશાસ્ત્રીય સંગીતના પ્રકાર

   ઉપશાસ્ત્રીય સંગીતમાં ઠૂમરી પ્રાધાન્ય છે. ઠૂમરીમાં અન્ય પ્રકારો દાદરા, કજરી, સાવન, ઝૂલા, હોરી ચૈતી, રસિયા, પૂરબી ગીત વગેરે છે.

     ભારતીય સંસ્કૃતિમાં, સાહિત્યમાં તેમ જ સંગીતમાં વર્ષાઋતુનું સ્થાન અનેરું છે. કજરી, સાવન તથા ઝૂલા ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કાલિદાસનો મેઘજળના ફુવારાથી ભરેલો, મેઘ-ગર્જનની મૃદંગ બજાવતો ધરતી પર રાજશી ઠાઠમાઠથી ઉતરે છે. આદિકવિ વાલ્મીકિનો નીલકમલ સરખો મેઘ દશેદિશાઓને શ્યામ બનાવી શિથિલ પડી ગયો છે. લોકસંગીતમાં પણ વર્ષાઋતુ ભાતભાતનાં ગીત પ્રકાર લઈને આવે છે. ઉત્તર ભારતમાં કજરી, સાવન, ઝૂલા વગેરે મહેફિલી સંગીતમાં સ્થાન પામ્યા છે. ઉપશાસ્ત્રીય સંગીતના કલાકરોએ તેના ગ્રામીણ સ્વરૂપમાં ફેરફાર કરી મૂળ લોકસંગીત અને સાહિત્યનાં તત્વોને અકબંધ રાખી ઉત્તમ રીતે અપનાવ્યાં છે.

ઠૂમરી:-

    ઠૂમરીની શૈલી મૃદુ, કોમળ અને મસ્તીભરી હોય છે. દાદરા, ચૈતી, કજરી, હોરી વગેરે પણ ઠૂમરી શૈલીમાં જ ગવાય છે આ પ્રકારનાં ગીતોમાં શબ્દોનું બહુ જ મહત્વ હોય છે અને ગીતોનો નાયક મોટેભાગે શ્રીકૃષ્ણ હોય છે અને ગીતોમાં નાયિકાને ઝૂરતી દર્શાવવામાં આવે છે.

      ઠૂમરીનું ઉદ્ભવસ્થાન કથક નૃત્ય છે. તેનો આરંભ લગભગ 200 વર્ષ પૂર્વે થયો હતો. અર્વાચિન સમયના કથકશૈલીના નૃત્યકારો ભાવભંગિમા દર્શાવવા કેટલીક વખત ઠૂમરી અને દાદરાનાં ગીતો સાથે નૃત્ય કરે છે. ઠૂમરીનાં બે પ્રકાર હોય છે [1] મંદ ગતિ [2] દ્રુત ગતિ .

    ઠૂમરીની શૈલીમાં બે ઉપશૈલીઓ છે. 1] પૂરબની શૈલી 2] પંજાબી શૈલી.

    પૂરબની શૈલી હવે ભારતભરમાં ગવાય છે . અગાઉ બનારસ, લખનૌ, ગયા વગેરે ઉત્તર પ્રદેશમાં ગવાતી. જ્યારે પંજાબી શૈલીમાં પંજાબના લોકસંગીતનું મિશ્રણ છે.

    ઠૂમરી હળવા પ્રકારનું સંગીત હોવાથી તેમાં હળવા જ રાગો ગવાય છે જેવા કે પીલુ, ખમાજ, સોહની, ભૈરવી, ગારા દેસ, જોગિયા, પહાડી, તિલંગ વગેરે છે. આમ તો કુશળ ગાયકો અન્ય રાગોની સુંદર મિલાવટ કરી છૂટછાટ લે છે.

     ઠૂમરી મોટેભાગે દીપચંદી [14 માત્રા], જત [16 માત્રા], ચાચર [ત્વરિત ગતિનો દીપચંદી તાલ], ત્રિતાલ [16 માત્રા], ઝપતાલ [10 માત્રા], કે એકતાલ [11 માત્રા]માં ગવાય છે.

દાદરા:-

     દાદરાના ગીતોની ગતિ ‘દાદુર’ એટલે દેડકાની ગતિને મળતી હોવાથી આવા ગીતોને ‘દાદરા’ નામ આપાયું છે. દાદરા મોટેભાગે ખમાજ, ભૈરવી, પીલુ, દેસ, સોહની, વગેરે હળવા રાગોમાં સ્વરબદ્ધ થયેલા હોય છે. મોટેભાગે કેરવા [કહેરવા – 8 માત્રા]માં લયબદ્ધ થયેલા હોય છે.

કજરી:-

    કજરી ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કજરી નામ શ્રાવણ મહિનામાં ઘેરાતા કાળાં વાદળોની કાલિમાને લીધે થયું છે. વર્ષાઋતુના મનભાવન મહિનાઓમાં ભોજપુરી પ્રદેશમાં કજરીનાં ગીતો ખાસ ગવાય છે.

                                                                      
                                                                        – સૌજન્ય: જન્મભૂમિ
                                      ૐ નમઃ શિવાય