ગુજરાતની બેઠકજી

                                  આજે પોષ સુદ બીજ

 

આજનો સુવિચાર:- જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય છે તે ઈશ્વર.

હેલ્થ ટીપ:- . એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે.

                                  ગુજરાતના બેઠકજી

1]     શ્રી સુરતના બેઠકજી

              શ્રી મહાપ્રભુજી નાસિકથી સુરત પધાર્યા. આપશ્રી સુરતમાં તાપી નદીના કિનારે અશ્વિનીકુમાર ક્ષેત્રમાં બિરાજ્યા. તાપી યમુનાજીની બહેન ગણાય છે. તાપી નદીને કિનારે દેવોના વૈદ્ય અશ્વિનીકુમારોનું તીર્થ સ્થાન આવેલું છે. ગામથી 2 માઈલ દૂર શ્રી મહાપ્રભુજીની સુંદર અને ભવ્ય બેઠકજી બિરાજે છે. ગામમાં તિલકાય શ્રી દાઉજી મહારાજનાં બેઠકજી પણ બિરાજે છે. શહેરમાં ભાગા તળાવ વિસ્તારમાં છઠ્ઠા નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે. ગોપીપુરામાં શ્રી ગુસાઈજીનાં બેઠકજી પણ બિરાજે છે. શ્રી ભાગવતજીની કથા દરમિયાન શ્રીતાપીજીએ સોળ વર્ષની સુંદરીનું સ્વરૂપ લઈ આપને પંખો ઢાળતા રહ્યા. શ્રી તાપીજી સૂર્યદેવના પુત્રી છે અને શ્રી યમુનાજીનાં બહેન છે. આજુબાજુનાં જીવો આપના દૈવી પ્રભાવથી પ્રભાવિત થઈ આપને શરણે આવ્યા. આમ જીવોનો આપે ઉદ્ધાર કર્યો.

2]      શ્રી ભરૂચનાં બેઠકજી

        ભૃગુકચ્છ એટલે ભરૂચ જે નર્મદાને કિનારે આવેલું છે. સ્ટેશનની પાસે જ બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી સુરતથી સેવકો સહિત અહીં પધાર્યા હતા. આપે છોકરનાં વૃક્ષ નીચે મુકામ કર્યો. અહીં શ્રી નર્મદાજીએ સ્વરૂપવાન યુવતીનો વેષ ધારણ કરી નર્મદા સ્નાન કરવાનું નિમંત્રણ આપ્યું. આપશ્રીનાં અંગનાં સ્પર્શથી નર્મદાજી પ્રફુલ્લિત થઈ ઉઠ્યાં હતાં. અહીં આપે સાત દિવસ સુધી ભાગતજીનું પારાયણ કર્યું હતું.

3]      શ્રી ડાકોરજીનાં બેઠકજી

        ડંકક્ષેત્ર નામે જાણીતા આ પ્રદેશમાં આવેલી ગોમતી નદીને કિનારે આવેલા ડાકોર ગામમાં આવેલાં ગોમતી તળાવને કિનારે આપે ભાગવત પારાયણ કર્યું હતું. આ બેઠકજીનો બેઠકચરિત્રમાં ઉલ્લેખ નથી પણ પ્રાચીન ગ્રંથો ઉપરથી સિદ્ધ થાય છે કે અહીં આપે શ્રીમદ ભાગવતજી અને વેદપારાયણ કર્યું હતું.

4]    શ્રી ગોધરાનાં બેઠકજી

    વડોદરા અને દાહોદ વચ્ચે ગોધરા આવેલું છે. અહીં શ્રી મહાપ્રભુજીનાં, શ્રી ગુસાંઈજીનાં અને શ્રી ગોકુલનાથજીનાં બેઠકજી બિરાજે છે. આપના અનન્ય સેવક રાણા વ્યાસજી ગોધરાના વતની હતા. તેમના ઘરમાં જ શ્રી મહાપ્રભુજી આજે પણ બિરાજે છે. અહીં આપશ્રીએ ભાગવતજીનું સપ્તાહ પારાયણ કર્યું હતુ. રાણાજીની વિનંતિથી આપશ્રીએ અહીં શ્રી વેણુગીતનું અને શ્રી સુબોધિનીજીનું રસપાન કરાવ્યું હતું. શ્રીમહાપ્રભુજીની બેઠકજીની જગ્યા મૂળ એક મુસલમાનભાઈની હતી. તેણે વૈષ્ણવ કાર્યકરોને આ સ્થાન ખરીદવાની વિનંતિ કરી હતી અને કહ્યું હતું કે અહીં કોઈ અતિ તેજસ્વી એવા ધર્મગુરૂના ધોતી ઉપરણામાં દર્શન થાય છે.અગ્નિના ભડાકા દેખાય છે માટે આ જમીન લઈ લેવાની વિનંતિ કરી હતી. તે ઉપરાંત એ મુસ્લિમ બિરાદરે પોતાની સુંદર ગાય પણ દૂધ આરોગવા માટે આપી હતી.

—– [વધુ આવતા લેખમાં]

                                              ૐ નમઃ શિવાય