હેલ્થ ટીપ્સના અંશ

આજે માગશર વદ સાતમ

 

આજનો સુવિચાર:- જયારે પૈસો બોલે છે ત્યારે સત્ય મૌન રહે છે.

 

 હેલ્થ ટીપ:- ઠંડીને કારણે શરીરમા ધ્રૂજારી થતી હોય તો પગના તળિયામાં સરસિયા તેલની માલિશ કરવી.

 

 

            આજ સુધી મૂકાયેલી હેલ્થ ટીપનાં કેટલાંક અંશ.  

                  

 

હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

 

 હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.

 

 હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

 

 હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે. 

 

 હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.

 

 હેલ્થ ટીપ:- કપાસીની કણી થઈ હોય તો તેની ઉપર થોડુ પાણી લગાડી તેની ઉપર ઈંટનો કટકો લઈ મધ્યમ વજનથી 15 થી 20 મિનિટ ઘસો.   લાભશંકર ઠાકર

 

 હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.

 

 હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.

 

 હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ.  

 

હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

 

 હેલ્થ ટીપ:- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.

 

 હેલ્થ ટીપ:-  કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણીપીવાથી માથાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.  

 

હેલ્થ ટીપ:- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.

 

 હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

 

 હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.

 

 હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.

 

 હેલ્થ ટીપ:- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.

 

 હેલ્થ ટીપ:- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે. 

 

હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.

 

 હેલ્થ ટીપ:-  નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.

 

 હેલ્થ ટીપ:-  રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.

 

 હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ.

 

હેલ્થ ટીપ:-  પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ

હેલ્થ ટીપ:-  અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.

 

 હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ નાખવું.

 

 

 

 

                                              ૐ નમઃ શિવાય

 

 

કિચન ટીપ્સ

                                      આજે માગશર વદ છઠ

આજનો સુવિચાર:- ઋષિમુનીઓની અનેક સાધના તપ-સંયમથી જે મળ્યું તે જ્ઞાન.

હેલ્થ ટીપ:- ઘરે બનાવેલો શ્રીખંડ ખાવાથી જૂની શરદી મટે છે.

                                        કીચન ટીપ્સ

Vegetables

Vegetables

• દૂધીનું શાક સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડો ચણાનો લોટ તેલમાં કે ઘીમાં શેકી શાકમાં નાખો.

• લીંબુનું શરબત સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદુનો રસ અથવા શેકીને વાટેલું જીરૂં નાખો.

• ચાસણીનો મેલ કાઢવા માટે ચાસણી બનાવતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરો. મેલ ઉપર આવી જશે.

• કચોરી બનાવતી વખતે મેંદામાં એક ચમચી રવો અથવા સોજી નાખવાથી કચોરી સ્વાદિષ્ટ બનશે.

• મિક્સ શાક બનાવતી વખતે એમાં થોડા મગફળીનાં દાણા કે તલ નાખવાથી શાક વધુ સ્વાદિષ્ટ બનશે.

• શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે થોડું કોપરાનું છીણ નાખો અથવા બાફેલા બટાટાનો છૂંદો નાખો.

• ઘરમાં આઈસક્રીમ બનાવતી વખતે આઈસક્રીમની સામગ્રીમાં એક કે બે પીસ બ્રેડના ભેળવી તેને ફેંટી લો.

• ઘઉંના ફાડાની ખીચડી બનાવતી વખતે એમાં મિક્સ વેજીટેબલનાં ઝીણાં ટુકડા તેમાં ઉમેરો સાથે લીલા વટાણા અને લીલી તુવેરનાં દાણા, ડુંગળી અને નાનું ટામેટું ઉમેરો. ફાડાની ખીચડી સ્વાદિષ્ટ બનશે.

• શાકભાજી બાફતી વખતે તેમાં રહેલાં વિટામિન પાણીમાં ભળી જતાં હોય છે માટે તે પાણી ફેંકી દેતા તેને ઉપયોગમાં લઈ શકાય.

• કોઈપણ કઠોળને ફણગાવવાથી તેમાં વિટામિન ‘સી’નું પ્રમાણ વધી જાય છે તેથી તેનો ખાવામાં છૂટથી ઉપયોગ કરો.

• બટાટાની ક્રીસ્પી બનાવવા ચીપ્સ કાપીને એક કલાક ઠંડા પાણીમાં રાખો. ત્યારબાદ તેને પાણીમાંથી કાઢી કપડામાં સૂકી કરી પછી તળો.

• નવા બટાટા બાફતી વખતે તેમાં થોડાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ ભળશે.

• લીલા મરચાને વાટી તેમાં થોડીક હળદર ભેળવી એરટાઈટ ડબ્બામાં મૂકવાથી મરચાં લાંબો સમય તાજા રહેશે.

• છોલેલા બટાટાને સાચવવા પાણીમાં 1 કે 2 ટીપાં સરકાના ભેળવી ફ્રિજમાં મૂકવાથી બટાટા બગડશે નહીં.

 

                                             ૐ નમઃ શિવાય

ઉપશાસ્ત્રીય સંગીતના પ્રકાર

                         આજે માગશર વદ ત્રીજ [સંકષ્ટી ચોથ]

આજનો સુવિચાર:- આશાવાદી સારી વસ્તુ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે કર્મ સર્વપ્રમુખ હોય.

હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

સંગીતની દેવી મા સરસ્વતી

                        ઉપશાસ્ત્રીય સંગીતના પ્રકાર

   ઉપશાસ્ત્રીય સંગીતમાં ઠૂમરી પ્રાધાન્ય છે. ઠૂમરીમાં અન્ય પ્રકારો દાદરા, કજરી, સાવન, ઝૂલા, હોરી ચૈતી, રસિયા, પૂરબી ગીત વગેરે છે.

     ભારતીય સંસ્કૃતિમાં, સાહિત્યમાં તેમ જ સંગીતમાં વર્ષાઋતુનું સ્થાન અનેરું છે. કજરી, સાવન તથા ઝૂલા ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કાલિદાસનો મેઘજળના ફુવારાથી ભરેલો, મેઘ-ગર્જનની મૃદંગ બજાવતો ધરતી પર રાજશી ઠાઠમાઠથી ઉતરે છે. આદિકવિ વાલ્મીકિનો નીલકમલ સરખો મેઘ દશેદિશાઓને શ્યામ બનાવી શિથિલ પડી ગયો છે. લોકસંગીતમાં પણ વર્ષાઋતુ ભાતભાતનાં ગીત પ્રકાર લઈને આવે છે. ઉત્તર ભારતમાં કજરી, સાવન, ઝૂલા વગેરે મહેફિલી સંગીતમાં સ્થાન પામ્યા છે. ઉપશાસ્ત્રીય સંગીતના કલાકરોએ તેના ગ્રામીણ સ્વરૂપમાં ફેરફાર કરી મૂળ લોકસંગીત અને સાહિત્યનાં તત્વોને અકબંધ રાખી ઉત્તમ રીતે અપનાવ્યાં છે.

ઠૂમરી:-

    ઠૂમરીની શૈલી મૃદુ, કોમળ અને મસ્તીભરી હોય છે. દાદરા, ચૈતી, કજરી, હોરી વગેરે પણ ઠૂમરી શૈલીમાં જ ગવાય છે આ પ્રકારનાં ગીતોમાં શબ્દોનું બહુ જ મહત્વ હોય છે અને ગીતોનો નાયક મોટેભાગે શ્રીકૃષ્ણ હોય છે અને ગીતોમાં નાયિકાને ઝૂરતી દર્શાવવામાં આવે છે.

      ઠૂમરીનું ઉદ્ભવસ્થાન કથક નૃત્ય છે. તેનો આરંભ લગભગ 200 વર્ષ પૂર્વે થયો હતો. અર્વાચિન સમયના કથકશૈલીના નૃત્યકારો ભાવભંગિમા દર્શાવવા કેટલીક વખત ઠૂમરી અને દાદરાનાં ગીતો સાથે નૃત્ય કરે છે. ઠૂમરીનાં બે પ્રકાર હોય છે [1] મંદ ગતિ [2] દ્રુત ગતિ .

    ઠૂમરીની શૈલીમાં બે ઉપશૈલીઓ છે. 1] પૂરબની શૈલી 2] પંજાબી શૈલી.

    પૂરબની શૈલી હવે ભારતભરમાં ગવાય છે . અગાઉ બનારસ, લખનૌ, ગયા વગેરે ઉત્તર પ્રદેશમાં ગવાતી. જ્યારે પંજાબી શૈલીમાં પંજાબના લોકસંગીતનું મિશ્રણ છે.

    ઠૂમરી હળવા પ્રકારનું સંગીત હોવાથી તેમાં હળવા જ રાગો ગવાય છે જેવા કે પીલુ, ખમાજ, સોહની, ભૈરવી, ગારા દેસ, જોગિયા, પહાડી, તિલંગ વગેરે છે. આમ તો કુશળ ગાયકો અન્ય રાગોની સુંદર મિલાવટ કરી છૂટછાટ લે છે.

     ઠૂમરી મોટેભાગે દીપચંદી [14 માત્રા], જત [16 માત્રા], ચાચર [ત્વરિત ગતિનો દીપચંદી તાલ], ત્રિતાલ [16 માત્રા], ઝપતાલ [10 માત્રા], કે એકતાલ [11 માત્રા]માં ગવાય છે.

દાદરા:-

     દાદરાના ગીતોની ગતિ ‘દાદુર’ એટલે દેડકાની ગતિને મળતી હોવાથી આવા ગીતોને ‘દાદરા’ નામ આપાયું છે. દાદરા મોટેભાગે ખમાજ, ભૈરવી, પીલુ, દેસ, સોહની, વગેરે હળવા રાગોમાં સ્વરબદ્ધ થયેલા હોય છે. મોટેભાગે કેરવા [કહેરવા – 8 માત્રા]માં લયબદ્ધ થયેલા હોય છે.

કજરી:-

    કજરી ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કજરી નામ શ્રાવણ મહિનામાં ઘેરાતા કાળાં વાદળોની કાલિમાને લીધે થયું છે. વર્ષાઋતુના મનભાવન મહિનાઓમાં ભોજપુરી પ્રદેશમાં કજરીનાં ગીતો ખાસ ગવાય છે.

                                                                      
                                                                        – સૌજન્ય: જન્મભૂમિ
                                      ૐ નમઃ શિવાય

ગીતા સાર

                              આજે માગશર વદ એકમ

આજનો સુવિચાર:- “જીવતા હોવું”[to be alive]અને “જીવંત હોવું [to be lively] એ બે વચ્ચેનો તફાવત માલગાડી અને પેસેંજર લઈ જતી ટ્રેન જેટલો મૂળભૂત ગણાય.          –  ગુણવંત શાહ

હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.

કૃષ્ણ ઉપદેશ

કૃષ્ણ ઉપદેશ

 

                            ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ]

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન (2) અર્જુન સાંભળો રે,
તમને કહું છું ગીતા જ્ઞાન (2) અર્જુન સાંભળો રે

આત્મા મરતો નથી અમર છે એવું સમજે તે જ્ઞાની છે
તે સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

સત કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધ થાય
તે કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે.

સતકર્મ સદા આચરીએ ફળ હરિને અર્પણ કરીએ
તે બ્રહ્માર્પણ કહેવાય અર્જુન સાંભળો રે

જેમ કમળ પત્ર પાણીમાં તેમ રહે છે આ દુનિયામાં
તે સન્યાસી કહેવાય અર્જુન સાંભળો રે

પોતે પોતાના ગુરૂ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ
તે સંયમી કહેવાય અર્જુન સાંભળો રે

વાસુદેવ સર્વવ્યાપક છે હજારોમાં કોક જાણે છે
તે વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે

આખા વિશ્વ તણો ક્ષય થાય, મારું ધામ અક્ષય કહેવાય
તે અક્ષરધામ કહેવાય અર્જુન સાંભળો રે

સરજુ પાળું ને સંહારું માટે ભજન કરો તમે મારું
તે રાજયોગ કહેવાય અર્જુન સાંભળો રે

હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
આ વિભૂતિ યોગ કહેવાય અર્જુન સાંભળો રે

અંતરની આંખો ખોલો મને સઘળે હવે તમે જોઈ લો
એ ભક્તિયોગ કહેવાય અર્જુન સાંભળો રે

દેહ પ્રકૃતિનો કહેવાય જીવ મારો અંશ કહેવાય
ક્ષેતક્ષેતજ્ઞ કહેવાય અર્જુન સાંભળો રે

જ્યારે ભેદ ભાવના જાયે ત્યારે સમાનતા આવે
તે નિર્ગુણાતિત કહેવાય અર્જુન સાંભળો રે

જગ વૃક્ષનું જે મૂળ છે જડ ચેતનથી ઉત્તમ છે
તે પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે

સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય
તે દેવાસુર કહેવાય અર્જુન સાંભળો રે

જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
તે શ્રદ્ધાતય કહેવાય અર્જુન સાંભળો રે

સઘળા ધર્મો છોડી દોને મારે શરણે તમે આવોને
મુક્ત સન્યાસી થઈને અર્જુન સાંભળો રે

ગીતામૃત પાન જે કરશેતેને જીવનમુક્તિ મળશે
શીવરામ થાશે જયકાર સૌ જન સાંભળો રે
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે

કવિશ્રી – શ્રી શીવરામ

 

                                        ૐ નમઃ શિવાય

શ્રીપાદ વલ્લભ દિગંબરા

        આજે માગશર સુદ પૂનમ [દત્ત જયંતિ]

આજનો સુવિચાર:- જીવનમાં રોજ રોજ મને “તું” કહેનારાની સંખ્યા ઘટતી જાય છે અને “તમે” કહેનારાની સંખ્યા વધતી જાય છે. આ પ્રક્રિયાનું લૌકિક નામ તે “ઉંમર” છે.

હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

શ્રીપાદ વલ્લ દિગંબરા

શ્રીપાદ વલ્લભ દિગંબરા

 

                             શ્રીપાદ વલ્લભ દિગંબરા

 

દિગંબરા, દિગંબરા શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા !

તવ ચરણે રહેજો અમ પ્રીતિ
હૃદિયામાં સાચી સંસ્કૃતિ;
શૌર્યતણી હો પરંપરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

અત્રિ છે ત્રિગુણોથી ઉપર,
અનસૂયા અસૂયાથી છે પર;
દત્ત બની તું આવ્યો વીરા, શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા

સત્કાર્યોનો તું છે સર્જક
સદવિચારનો સાચો પોષક;
દુષ્ટ વૃત્તિને હણનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

સર્જક બ્રહ્મા તું જ ગણાયો,
વિષ્ણુ પોષક થઈને આવ્યો
સંહારે શિવ બનનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

દત્ત ગુરુ જય દત્ત ગુરુ
નામ રહો હૃદયે મધુરું;
જીવનદાન દેનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

લીધું કામ કરો પૂરું,
મૂકો ના કો દિ અધૂરું;
કર્મયોગ અવિરત ધારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

                            
                                          ૐ નમઃ શિવાય

એક વધુ સિદ્ધિ ઈશને નામ

                            આજે માગશર સુદ ચોથ

 

આજનો સુવિચાર:- મનમાં જો હોય સાચી લગન તો ઊંચા શિખરો પાર કરી શકાય.

હેલ્થ ટીપ:- પેટમાં આફરો કાંતો વાયુ, કાંતો ચૂંક ચઢી હોય તો પતાસામાં લવિંગનાં તેલનાં બે ત્રણ ટીપાં નાખી બબ્બે કલાકે લેવા.

               મારા પૌત્ર ઈશને નામે એક વધુ સિદ્ધિ.

ખૂબ પ્રગતિ કરો મારા લાડલા ઈશ

ખૂબ પ્રગતિ કરો મારા લાડલા ઈશ

 

 

તાજેતરમાં ન્યુઝી લેંડના ઑકલેંડ શહેરમાં વસતા મારા દિકરા તપનનો દિકરા ઈશે પિયાનોની લેખિત પરીક્ષા આપી હતી.

તેમાં તે પ્રથમ રહ્યો અને તેને ઑનર્સનું પ્રમાણપત્ર મળ્યું.

એનો શ્રેય ઈશને એની મહેનત માટે તો જાય જ છે.

સાથે સાથે તેનાં માતા પિતા શીતલ અને તપનને પણ જાય છે. તેમણે ઈશની પ્રગતિ માટે મહત્વનો ફાળો આપ્યો છે.

આ બન્નેને અને ઈશને ખૂબ જ અભિનંદન.

ઈશ ખૂબ પ્રગતિ કરો તેવા દાદા અને દાદીના હૃદયપૂર્વકના આશિષ અને શુભેચ્છાઓ.

ૐ નમઃ શિવાય