ગાઈએ ગણપતિ જગ વંદન

આજે મહા સુદ ચોથ [ગણેશચતુર્થી, ગણેશજયંતી]

આજે ગાંધી નિર્વાણ દિન

આજનો સુવિચાર:- દર્પણ હંમેશા કહે છે : તારા ચહેરાની પાછળ તારા પિતાનો ચહેરો છુપાયેલો છે. એ ચહેરો દર્પણમાં નહિ, અર્પણમાં દેખાશે !

હેલ્થ ટીપ :- પાનમાં ખાવાનો કાથો મોંમા ભભરાવવાથી આવેલું મોં મટે છે.

આજે ગણેશ ચતુર્થી એટલે ગણેશજીનો જન્મદિન

 

સાંભળવા અહીં ક્લિક કરો

 

ગાઈએ ગણપતિ જગ વંદન – [3]
શંકર સુવન ભવાની નંદન
— ગાઈએ ગણપતિ

મોદક પ્રિયે મૃદુ મંગલદાતા
વિદ્યા વારીદી બુદ્ધિ વિધાતા
— ગાઈએ ગણપતિ

સિદ્ધિ સદન ગજવદન વિનાયક
કૃપાસિંધુ સુંદર સબગાયક
— ગાઈએ ગણપતિ

માંગત તુલસીદાસ કર જોરે
બસહુ રામ સીય માનસ મોરે
— ગાઈએ ગણપતિ

 

                                     ૐ નમઃ શિવાય

ભારતનાં રત્નો

                                 આજે મહા સુદ ત્રીજ

આજનો સુવિચાર:- પરમપિતાને આપણે જોયા નથી. હા ! પ્રત્યક્ષ પિતામાં પરમપિતાનો સાક્ષાત્કાર અવશ્ય થઈ શકે છે.

હેલ્થ ટીપ :- શિયાળામાં બદામપાક, ખજૂરપાક, ગુંદરપાક, કૌચાપાક વગેરે બળવર્ધક છે.

                                      ભારતનાં રત્નો

      આપણા ભારતમાં ઘણી મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે કે જેમને જીવનમાં ઘણી ઠેસ પહોંચી હોય અને જીવનમાં મોટું પરિવર્તન આવી જતાં મહાન વ્યક્તિ બની ગઈ. જેવાં કે ……..

ધ્રુવ :

     એક સુકોમળ રાજકુમાર, જેની અપરમાએ પિતાના ખોલામાં બેસવા ના દીધો અને કટુ વચનો કહ્યાં, જેથી જંગલમાં તપ કરવા ગયા ને અવિચળ પદ પ્રાપ્ત કર્યું. ધ્રુવના તારાનું સ્થાન પ્રાપ્ત કર્યું.

પ્રહલાદ :

    રાક્ષસપુત્ર પણ વિષ્ણુભક્ત. પિતાને ન ગમતું. અનેક રીતેપરીક્ષા કરી. પરિણામે નૃસિંહનો અવતાર થયો અને પિતાનું મૃત્યુ થયું. વિષ્ણુભક્તિનો ફેલાવો થયો.

તુલસીદાસ :

   પત્ની પ્રત્યે અપાર પ્રેમ. વિયોગ સહન ન થયો ત્યારે પત્નીએ મ્હેણું માર્યું ને રામભક્ત બન્યા.અને ‘રામાયણ’ જેવી મહાન કૃતિ સંસારને મળી.

 મીરા :

   રાજરાણી મીરાની કૃષ્ણભક્તિનો વિરોધ રાણાએ કર્યો. અનેક રીતે હેરાન કર્યાં અને મીરાનું મન સંસારમાંથી ઊઠી ગયું ને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયાં. આમ સંસારને ‘કૃષ્ણભક્તિ’નાં પદ મળ્યાં.

સૂરદાસ :

      ચિંતામણિ નામક ગણિકાના પ્રેમમાં ડૂબેલા, પરંતુ ગણિકાએ રૂપાળા શરીર પાછળ હાડપિંજર જ છે કહી ઉપદેશ આપ્યો. સૂરદાસજીએ પોતાની આંખો ફોડી નાખી અને કૃષ્ણભક્ત બની સુંદર પદ આપ્યા.

કબીર :

     હિન્દુ કે મુસ્લિમ જાતિની ખબર ન હતી એવા અનાથ હતા. વણકરે ઉછેરી મોટા કર્યાં. તરછોડાતાં પ્રભુભક્ત બની ગયા અને દુનિયાને સુંદર ભજનો આપ્યાં. નરસિંહ મહેતા :
ભાભીએ મ્હેણું માર્યુ ને ઘરનો ત્યાગ કરી જંગલમાં ગયા. શિવજીને પ્રસન્ન કરી રાસલીલા જોઈ કૃષ્ણદર્શન પામ્યા અને નરસૈયો હરિભક્ત બની ગયો.. સંસાર નરસૈયાના પદો પામ્યા.

અખો :

   જાતે સોની. બહેનને સોનાની સેર માટે અવિશ્વાસ આવ્યો અને અખાનું સંસારમાથી મન ઊઠી ગયું. સમાજને સમાજનાં દૂષણો સમજાવતાં કાવ્યો આપ્યા.

ભર્તુહરિ :

રાજાની રાણી પિંગળાએ પ્રેમનો વિશ્વાસભંગ કરતાં રાજાનું મન સંસારત્યાગી બન્યું અને ભેખ લીધો.

વાલ્મીકિ :

     વાલિયો લૂંટારો હતો. પોતાની લૂંટના પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર ન થવાથી લોકો પ્રત્યેનો વિશ્વાસ ઊઠી ગયો. તપ કરી વાલિયામાંથી વાલ્મિકી બન્યા.

જ્ઞાનદેવ :

       બાળવયમાં પિતા પ્રત્યેનું સમાજનું અસ્પૃશ્ય વર્તન જોયું અને સહન ના થયું. જ્ઞાન મેળવ્યું અને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ના રચયિતા બન્યાં.

નચિકેત :

     લોભી પિતા પોતાના સુખ માટે નચિકેતને વેંચવા તૈયાર થયા. બાળક નચિકેત યમરાજ પાસે પહોંચીને મૃત્યુ વિષે જ્ઞાન મેળવ્યું.

એકલવ્ય :

      ગુરુ દ્રોણે શુદ્ર કહીને બાણવિદ્યા શીખવવા મનાઈ કરી, પણ ગુપ્ત રીતે વિદ્યા શીખી ને કુશળ બાણાવળી બન્યો. ગુરુદક્ષિણામાં અંગૂઠો આપી મહાન બની ગયો.

બુદ્ધ :

      રાજકુમાર સિદ્ધાર્થે સંસારમાં વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, ગરીબી વગેરે દુઃખ જોયાં. પરિણામે વૈરાગ્ય આવ્યો. મહાભિનિષ્ક્રમણ કર્યું ને સિદ્ધાર્થમાંથી ‘બુદ્ધ’ બન્યા ને સંસારને બૌદ્ધ ધર્મ આપ્યો.
                                                                              – સંકલિત

                                       ૐ નમઃ શિવાય

પ્રાર્થનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

                        આજે મહા સુદ એકમ

આજનો સુવિચાર:-માનવીની સંકુચિતા તેને ઘમંડી બનાવે છે.

હેલ્થ ટીપ :- લીંબુથી આફરો મટે છે.

namaskar1

                            પ્રાર્થનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

      પરમાત્મા માટે કરેલી સ્તુતિને પ્રાર્થના કહે છે. પ્રાર્થના હૃદયમાંથી નીકળેલી ભાવાત્મક સંવેદના છે. દરેક ધર્મ, દરેક સમુદાય, દરેક ભાષામાં મનુષ્યે સર્વગુણસંપન્ન પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના દ્વારા કંઈ ને કંઈ માંગ્યું છે અને દયાળુ પરમાત્માએ પન ભક્તજનોની પ્રાર્થનાઓનો સ્વીકાર કરીને મનવાંછિત વરદાન આપ્યાં છે. એવાં અનેક ઉદાહરણ વિશ્વની દરેક ભાષા અને સાહિત્યમાં જોવા મળે છે.

         પ્રાર્થના મનુષ્ય અને પરમાત્મા વચ્ચેનો અદૃશ્ય સેતુ છે જેના પર થઈને સડસડાટ પરમાત્મા સમીપ પહોંચી શકાય છે. દુઃખમાં સાંત્વના આપનાર અને મુશ્કેલીમાં હિંમત અને શક્તિ આપનાર પ્રાર્થના જેવું દિવ્ય ઔષધ બીજું એકપણ નથી. પૂ. બાપુએ પ્રાર્થનાનું મહત્વ સમજાવતાં કહ્યું છે કે જેમ શરીરને સ્વચ્છ અને શુદ્ધ રાખવા સ્નાન જરૂરી છેતેવી જ રીતે આત્મા અને મનને સ્વચ્છ તેમ જ શુદ્ધ રાખવા પ્રાર્થના આવશ્યક છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થના જો નિયમિત રૂપે કરતા રહો તો તેનાથી અદભૂત શક્તિ મળે છે અને માનસિક શાંતિ મળે છે. બીમાર અને કપરા સમયમાં થયેલી પ્રાર્થના કરવાથી કપરા સંજોગ સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે એ વાતની પુષ્ટિ પણ મળી છે.

         આધુનિક વિજ્ઞાન પેરાસાયિકોલોજી [પરા મનોવૈજ્ઞાનિક] પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુની પ્રાર્થનામાં મગ્ન થઈ જાય છે ત્યારે એના અર્ધજાગૃત (અચેતન) મનમાં દુન્યવી ચિંતાઓ અને સમસ્યાઓ જે હંમેશા રહે છે એનાથી તેનું મન મુક્ત થાય છે. પરિણામે વ્યક્તિનાં મનમાં હળવાશ અનુભવાય છે. પ્રાર્થના કરવાથી અર્ધ-જાગૃત મનમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગૃત થાય છે અને ચિંતામુક્ત થઈને પોતાના આરાધ્યદેવ પ્રત્યે દિવ્યાનુભૂતિનો અનુભવ પ્રાપ્ત કરે છે. આધુનિક વિજ્ઞાનના પ્રયોગોથી સાબિત થયું છે કે પ્રાર્થના કરવાથી લોહીમાં સ્ટ્રેસ હોર્મોન, કોર્ટીઝોલ અને એપીનેફિનની માત્રા ઓછી થાય છે અને પ્રાર્થના કરવાથી એંડોર્ફીન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેના પરિણામે મન તણાવમુક્ત થાય છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.

       અમેરિકાની નેશનલ ઈંસ્ટિટુટ ઓફ હેલ્થની ઑફિસના અલ્ટરનેટિવ મેડિસિન વિભાગના કો-ચેરમેન અને ‘હિલિંગ વડ્રર્ઝ’ તથા ‘ધ પવાર ઑફ પ્રેયર એંડ ધ મેડિસિન’ જેવા પુસ્તકોનાલેખક ડૉ. લેરી ડોસીએ આ વિષયમાં ઘણું સંશોધન કર્યું છે.

                                                                                              — સંકલિત

                                             ૐ નમઃ શિવાય

લાલ કિલ્લો

           આજે પોષ વદ અમાસ [સોમવતી અમાસ]                      

                        આજે ભારતનો ગણતંત્ર દિવસ

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિ મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

લાલ કિલ્લો ગર્વીલો
મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો (૨)

નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો છે
વાણીનાં ઝરણાં જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો શ્વેત પારેવડાં
દે સંદેશા અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

રાષ્ટ્ર શોભે તારી શાને છે
જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર અમારો મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે અમારો ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

શ્રી રમેશ પટેલ(આકાશદીપ)

                                   ૐ નમઃ શિવાય

આપણી સંસ્કૃતિ 2

                  આજે પોષ વદ તેરસ [નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મ જયંતી]

આજનો સુવિચાર:- ઉપવાસ એટલે :- ઉપ એઅતલે નજીક અને વાસ એટલે રહેવું [પ્રભુની નજીક રહેવું]

હેલ્થ ટીપ :- સૂકી ખાંસીમાં રાહત મેળવવા રાતનાં અજમા ચાવવા સાથે દિવેલ લો. અને સવાર રાત ગરમ પાણીમાં હળદર લો.

આપણી સંસ્ફૃતિ [2]

* મહર્ષિ વેદવ્યાસે અનેક પુરાણો રચ્યાં તેમાં મહાભારતમાં સવાલાખ શ્લોક છે. વાલ્મિકી રામાયણમાં 24,000 શ્લોકો છે. પાંચસો સર્ગ છે અને સાત કોડ છે.

* દેવરાજ ઈન્દ્રની અનેક અપ્સરામાં ધૃતાચી રૂપાળી અપ્સરા હતી. જેના રૂપ પર વેદ વ્યાસ મોહિત થયા. તમનો મોહ જોઈ ધૃતાચી પોપતીનું રૂપ ધારણ કરી ઊડી ગઈ. કામવશ થયેલા વેદવ્યાસનું વીર્ય અરણીનાં લાકડા પર પડતા તેમાંથી પુત્ર ઉત્ત્પન્ન થયાં તે શુક્રદેવજી.

* હિન્દુ કેલેન્ડર કે પંચાંગ અનુસાર ગુરુપુષ્યામૃત કે રવિપુષ્યામૃત અતિશુભ ગણવામાં આવે છે પણ આયોગમાં લગ્ન થતાં નથી કારણ રામજી અને સીતાજી નું લગ્ન તેમના ગુરુએ પુષ્ય નક્ષત્રમાં કરાવ્યું અને બન્ને અપાર દુઃખી થયાં.

* વિષ્ણુ સહસ્ત્ર નામની રચના યુધિષ્ઠિરનાં અનેક પ્રશ્નોને કારણે થઈ. તેમણે ભીષ્મને પ્રશ્ન કર્યો હતો કે ક્યો ધર્મ સર્વ શ્રેષ્ઠ છે? ત્યારે ભીષ્મે વિષ્ણુસહસ્ત્ર કહ્યું આમ આપણને આ સ્તોત્ર મળ્યું.

* ભજગોવિંગમ એ શંકરાચાર્યજીએ કોઈ નગરનાં વૃદ્ધને જોઈને રચ્યું હતું.

* રાત્રે કોઈ વૃક્ષ નીચે કે દેવમંદિરમાં સોવું નહીં.

* ક્ષયતિથીને ભાગિતિથી કહેવાય છે.

* આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ અને સંક્રાંતિ તથા દિવસે સ્ત્રી સંવવનની શાસ્ત્રો મના કરે છે.

* ચંદ્રભાગા નદી ચંદ્રની પુત્રી છે જ્યારે તાપી નદી સૂર્ય પુત્રી છે.

* બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી નથી પણ સૂર્ય છે.

* રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના શ્રી રામે કરી હતી જ્યારે ભીમાશંકરની સ્થાપના ભીમે કરી અને પાંડવોએ ત્યાં પૂજા કરી હતી.

* અશ્વત્થામા આજે પણ જીવે છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં જંગલોમાં પરિભ્રમણ કરે છે.

* ‘તિરુપતિ’ નામ એ ભગવાન વિષ્ણુનું છે જેમને ત્રણ પત્નીઓ છે. ભૂદેવી, લીલાદેવી, લક્ષ્મીદેવી. આમ ત્રણના પતિ હોવાથી ત્રિપતિ-તિરુપતિ કહેવાયા.

* શંકર ભગવાન સ્વયં ઉત્પન્ન થયેલા છે તેથી ‘સ્વયંભૂ’ કહેવાયા. તેનું આપણે ‘શંભુ’ કર્યું.

                                                                                                      —- સંકલિત

                                        ૐ નમઃ શિવાય

મીણનાં

                        આજે પોષ વદ બારસ

આજનો સુવિચાર:- પરિશ્રમ પોતે જ એક સારું પારિતોષક છે

હેલ્થ ટીપ :- સોજા પર તજનો લેપ રાહત આપે છે.

 

‘કાળઝાળ’ સૂરજનો તાપ અને એનું આહવાન ઝીલનાર માનવ હૃદય તે મીણનાં !

મીણનાં

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં !

આટાઆટલાં માણસ ને તોયે અહીં આપણું ન એકેય જણ,
કાગળની હોડીએ કરવાનાં પાર ધોમ સૂસવતી રેતીનાં રણ,
જાળીમાં ફેરવાનું જાય લીલું પાન એને કાળાં એકાંતના વ્રણ,

મુઠ્ઠીભર હાડકાંના પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયા દીધાં છે સાવ મીણનાં !

ચાંપવુંક લીલપનો અમથો આભાસ અને એવું લાગે કે વન જોયાં,
ઝાંઝવાંના કારાછમ દરિયાઓ જોઈ જોઈ આંસુ વિનાનું અમે રોયાં,
જીવતર-બીવતર તો બધું ઠીક મારા ભાઈ, અમે મરવાની વાત ઉપર મોયાં;

ચરણોને ચાલવાંનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયા દીધાં છે સાવ મીણનાં !

— ચંદ્રકાંત દત્તાણી

                                                       ૐ નમઃ શિવાય

આપણી કહેવત

                                 આજે પોષ વદ એકાદશી

આજનો સુવિચાર:- શિક્ષક રક્ષક, દર્શક અને સમિક્ષક હોવો જોઈએ. : મોરારીબાપુ

હેલ્થ ટીપ :- માથું દુઃખતું હોય ત્યારે લીંબુની ફાડ કપાળ પર ઘસતા રાહત મળે છે.

આપણી કહેવત

આવ્યો’તો મળવા ને બેસાડ્યો દળવા

    ગંગા પરણીને સાસરે આવી ગઈ પછી પોતાની બહેનપણી જમનાને ઘણા વખતથી મળી ન હતી. આથી પરણ્યાના પહેલા આણે જ્યારે એ પિયરે આવી ત્યારે એને થયું કે જમનાને ઘરે મળવા જઉં. બીજે દિવસે વહેલી સવારે પરવારીને ગંગા જમનાને ઘરે મળવા પહોંચી ગઈ. પરંતુ જમનાને ઘરે જઈને જોયું તો કોઈ મોટો પ્રસંગ હોય તેવું વાતાવરણ હતું. જમનાએ દૂરથી ગંગાને આવતી જોઈ મોટેથી બુમ પાડી અને તરત જ પોતાની મેડીએ બોલાવી લીધી. ગંગા બેસીને કાંઈ વાતચીત કરે એ પહેલા તો જમનાએ એને ઘરે કામમાં જોતરી દીધી. આમ મળવા આવેલી ગંગાને જમનાને ઘરે દળવા [કામ કરવા] બેસવું પડ્યું.

આમ કહેવત પડી ગઈ

આવ્યો’તો મળવા ને બેસાડ્યો દળવા

                                          ૐ નમઃ શિવાય

થોડાંક મુક્તકો

                           આજે પોષ વદ દસમ

આજનો સુવિચાર:- સંસાર એવા કર્મયોગીઓની સાથે હોય છે જે તેમનો સાથ નથી છોડતા.

હેલ્થ ટીપ :- લોહીના વિકારમાં તથા પેટની બળતરામાં લીંબુનું શરબત ઉપયોગી થાય છે.

થોડાંક મુક્તકો

મનમેળ તૂટ્યા ઈ તૂટ્યા જ રહે
એને સીવણ સાંધણ હોય નહિ
ઉર આરસીના ટુકડા જ રહે
એને રેવણ રસ હોય નહી.

ભરે ભાણેથી એક જાકાર કહો
પછી કોળીડે સ્વાદ કો હોય નહી
ખમકર કહી ફીટકાર કહો
રણકાર એને હૈયે હોય નહી
—— ઝવેરચંદ મેઘાણી

પરિચય છે મંદિરમાં દેવોને મારો
મસ્જિદમાં મને ખુદા ઓળખે છે
નથી હું અહિંયા અજાણ્યો
તમારી મહેરબાનીથી બધા ઓળખે છે
—મેહુલ [ સુરેન ઠાકર]

લાખ તીણા ઘા સહે છે
ટાંકણાના અંગ પર
ત્યારે જ મેહુલ પત્થરનો
એક ઈશ્વર થાય છે.

—– મેહુલ [સુરેન ઠાકર]

પ્રેમના થોડાંક બીજ અહીં
જરાવી શકું
ક્યારેક જે કોઈ
વદનનું સ્મિત બની ખીલી શકે
તો પછી બીજા બધામાં
હું ભલે નિષ્ફળ બનું
જિંદગી મારી
ખરેખર જીવવા જેવી વહે

એકાદ પગલું ક્યાંક
કરૂણાનું હું માંડી શકું
ક્યારેક જે પીડિત હૃદયમાં
સાંત્વના સીંચી રહે
તો પછી બીજાનું ભલે ને
કાંઈ હું ન કરી શકું
જિંદગી મારી કદાપિ ના,
નહીં એળે વહે?

                                                  ૐ નમઃ શિવાય

ભારતીય સંસ્કૃતિ

                                આજે પોષ વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- બધાં પુરાણોનો સાર ગીતા છે અને તેનો સાર ગાયત્રી.

હેલ્થ ટીપ :- મૂઢમાર વાગ્યો હોય તો દરદીને પાણીવાળા બે નાળિયેરનું પાણી પીવડાવવું.

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.

આપણા કુલ 4 વેદો છે.
1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ

કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ

આપણી 7 નદી
1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7] કાવેરી

આપણા 18 પુરાણ
1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ

પંચામૃત
દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ

પંચતત્વ
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ

ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ

ત્રણ દોષ
વાત, પિત્ત, કફ

ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ

સાત સાગર
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર

સાત દ્વીપ
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ

ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

ત્રણ જીવ
જલચર, નભચર, થલચર

ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ

ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર

ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ

ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ

અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ

પંચ ગવ્ય
ગાયનું દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર

પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય

ચૌદ રત્ન
અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.

નવધા ભક્તિ
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.

ચૌદભુવન
તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.

દેવાધિદેવ
મહાદેવ

– સંકલિત

                                                ૐ નમઃ શિવાય

ખીચડો

                    આજે પોષ વદ ચોથ [મકર સંક્રાંતિ, ધનુર્માસ સમાપ્ત]

 

આજનો સુવિચાર:- જાહેરાત કરાતા દાનનું પુણ્ય મળતું નથી.

હેલ્થ ટીપ :- જાપાનમાં થયેલા પ્રયોગ અનુસાર ખાંડ,દૂધ વિનાની લીલી ચા પીવાથી મગજની શક્તિ સુધરે છે.

 

                                  મકર સંક્રાંતિ

          મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ. ઉત્તરાયણનો પ્રારંભ થાય છે.

    આ દિવસે સમુદ્રસ્નાન થાય છે. કલકત્તામાં આવેલાં ગંગાસાગરના સ્નાનનું ખૂબ મહત્વ છે.
આ દિવસે સમુદ્ર સ્નાન, તીર્થસ્નાન, તલ તર્પણ, શ્રાદ્ધ દાન વગેરે કાર્યો કરવામાં આવે છે. જુદા જુદા પ્રાંતોમાં આ દિવસ પોતાની આગવી રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં ખીચડો બનાવવામાં આવે છે.જ્યારે મહારાષ્ટ્રમાં તલનાં લાડુ બનાવી વહેંચવામાં છે.

ખીચડો બે રીતે બનાવવાય છે. મીઠો અને તીખો ખીચડો

ખીચડો

       તીખો ખીચડો

[મુંબઈ સ્થિત શ્રીમતી મનોરમાબેન ધારિયાએ ખીચડાની રીત લખી મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

સામગ્રી:-


1] 125 ગ્રામ ચોખાની કણકી [બાસમતીની]
2] 60 ગ્રામ ઘઉંના ફાડા
3] 60 ગ્રામ જુવાર
4] 60 ગ્રામ ફોતરાવાળી મગની દાળ
5] 60 ગ્રામ ચણાની દાળ
6] 60 ગ્રામ ચોળા
7] 60 ગ્રામ બાજરી
8] સ્વાદાનુસાર મીઠું, હળદર, હિંગ. અજમો, ઘી. આદુનાં ટુકડા

રીત:-

   જુવાર, બાજરી, ચોળા વગેરે આગલી રાતે ભીંજવીને રાખવા. ઘઉં, જુવાર, બાજરીને પાણીમાં ચઢવવા મૂકવા, અડધા ચઢી જાય એટલે તેમાં ચણાની દાળ, ચોળા નાખવા. આ પણ અડધા ચઢવા આવે ત્યારે તેમાં ચોખાની કણકી અને મગની દાળ ઉમેરો. આ બધું ચઢવા આવે ત્યારે તેમાં મીઠું, હળદર, અજમો, હિંગ અને આદુનાં કટકા નાખવા.

  બધું પાણી શોષાઈ જાય એટલે તેમાં ઘી ઉમેરવું અને થોડીવાર ધીમી આંચે ગેસ પર મૂકી રાખવું.

 

                                           મીઠો ખીચડો

સામગ્રી:-

1] 250 ગ્રામ ઘઉંના ફાડા
2] 375 ગ્રામ સાકર

ઈચ્છાનુસાર થોડીક લવિંગની ભૂકી, અધકચરી, એલચી, જાવંત્રી, જાયફળનો પાઉડર, ઘી

રીત:-

ધઉં ફાડાને જરૂરિયાત મુજબ પાણી મૂકીને ચઢવા દો.. ચઢી જતાં તેને ઘીમાં થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સાકર ઉમેરો

ધીમી આંચે સાકરનું પાણી સૂકાઈ જતાં તેને ગેસ પરથી ઉતારી તેમાં એલચી, લવિંગ, જાયફળ,જાવંત્રીનો પાઉડર ભભરાવો.

 

                                           ૐ નમઃ શિવાય