ભલો ભલાઈ ન છોડે

                  આજે પોષ સુદ દસમ [નવરાત્રીનો ત્રીજો દિવસ]

આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામા મોટું તપ છે. – શ્રી મોરારી બાપુ

હેલ્થ ટીપ :- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો, રોજ નારંગીનો રસ પીઓ.
ભલો ભલાઈ ન છોડે

      છપ્પનિયા દુકાળની આ વાત છે. સાબરમતીના કિનારે એક પીપળિયું ગામ. ગામમાં ફક્ત ત્રણ જ વર્ણ. હરિજન, રાજપૂત ને વાણિયા. વાણિયા ધીરધાર કરે. રાજપૂતો તોફાન કરે અને હરિજનો સક્કરટેટી વગેરે ઉગાડે. ગામમાં મણિયા નામનો એક હરિજન રહે. તે હરિજન પણ આત્માનો સંત જેવો હતો.

     ગામમાં વાણિયાવાસમાં નાનુભાઈ માણેકલાલની મોટી હવેલી હતી. તે હરિજનોને પૈસા ધીરે. વર્ષ બાદ તેનાં પૈસા બમણાં કરી આપવા પડે. આ રીતે તે ધીરધાર કરે. જે લોકો દેવું ભરી ન જાય તેમને રાજપૂતો પાસે મૂઢમાર મરાવે આથી રાજપૂતો પાસેથી પૈસા માંગતા નાનુભાઈ વિચાર કરે. મણિયો હરિજન ભાડામાં ખેતી કરવા નાનુશેઠને ત્યાંથી પાંચસો રૂપિયા ઉચીના લઈ આવ્યો. દુકાળને કારણે બે વર્ષ વીતી ગયા નાનુશેઠ વિફર્યો. તેમણે મણિયાને માર મરાવ્યો. મણિયો મૂઢમાર ખાઈને પથારીએ પડ્યો. તેની પાસે દવા કરાવવાની શક્તિ ન્હોતી.

     આ સાલ નદીમાં પાણી ન આવ્યું તેથી નિપજ પણ ન થઈ. બે ચાર મહિને તે જેમ તેમ કરીને સાજો થયો. મણિયા હરિજનના મનમાં એક જ વાત હતી કે ક્યારે સાજો થાઉં અને નાનુશેઠનું દેણું ચૂકતે કરુ. આથી મણિયાએ તેની પત્નીનું મંગળસૂત્ર વેચીને પાંચસો રૂપિયા ભેગા કર્યા. તેણે વિચાર કર્યો કે પાંચસો અત્યારે ભરી દૌં અને પાંચસો ચોમાસા પછી ભરી દઈશ. આથી પાંચસો રૂપિયા લઈને નાનુશેઠની હવેલી પાસે આવ્યો જ્યાં નજર કરે ત્યાં તો શેઠનું ઘર ભડકે બળે…!

      બનેલું એવું કે એક કોઈ રાજપૂત નાનુશેઠ પાસે ઉછીના પૈસા લેવા આવેલો પન તેમણે આપવાની ના પાડી પરિણામે તે ઉશ્કેરાયો અને હવેલીને આગ ચાંપી. વાણિયો અને તેની પત્ની પહેરેલ કપડે બહાર નીકળી ગયા. પહેલે માળે તેમનો બે વર્ષનો બાબો ઘોડિયે સુવડાવેલ રહી ગયો.

      શેઠ બૂમો પાડવા લાગ્યા ‘મારા લાલને કોઈ બચાવો’. એવામાં મણિયા હરિજને આ દૃશ્ય જોયું ને કંઈપણ વિચાર કર્યા વગર તે ઉપર ચઢી ગયો. ઉપર ચઢી બાળ્કને નીચે ઊભેલા માણસો તરફ ફેંક્યું. લોકોએ ઝીલી લીધું. હવે દાદરેથી ઉતરી શકાય તેમ ન હતું એટલે ઉપર બારીએથી જેવો ઉતરવા ગયો તેવો ઉપરથી સળગતો મોટો પાટડો મણિયા ઉપર પડ્યો. તે ત્યાં જ બળી ગયો. ત્યાં જ અગ્નિસંસ્કાર અપાઈ ગયા. પણ ભલાઈ અને સજ્જનતાની સુવાસ અમર રહી ગઈ.
                                                  ૐ નમઃ શિવાય