પ્રાર્થનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

                        આજે મહા સુદ એકમ

આજનો સુવિચાર:-માનવીની સંકુચિતા તેને ઘમંડી બનાવે છે.

હેલ્થ ટીપ :- લીંબુથી આફરો મટે છે.

namaskar1

                            પ્રાર્થનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

      પરમાત્મા માટે કરેલી સ્તુતિને પ્રાર્થના કહે છે. પ્રાર્થના હૃદયમાંથી નીકળેલી ભાવાત્મક સંવેદના છે. દરેક ધર્મ, દરેક સમુદાય, દરેક ભાષામાં મનુષ્યે સર્વગુણસંપન્ન પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના દ્વારા કંઈ ને કંઈ માંગ્યું છે અને દયાળુ પરમાત્માએ પન ભક્તજનોની પ્રાર્થનાઓનો સ્વીકાર કરીને મનવાંછિત વરદાન આપ્યાં છે. એવાં અનેક ઉદાહરણ વિશ્વની દરેક ભાષા અને સાહિત્યમાં જોવા મળે છે.

         પ્રાર્થના મનુષ્ય અને પરમાત્મા વચ્ચેનો અદૃશ્ય સેતુ છે જેના પર થઈને સડસડાટ પરમાત્મા સમીપ પહોંચી શકાય છે. દુઃખમાં સાંત્વના આપનાર અને મુશ્કેલીમાં હિંમત અને શક્તિ આપનાર પ્રાર્થના જેવું દિવ્ય ઔષધ બીજું એકપણ નથી. પૂ. બાપુએ પ્રાર્થનાનું મહત્વ સમજાવતાં કહ્યું છે કે જેમ શરીરને સ્વચ્છ અને શુદ્ધ રાખવા સ્નાન જરૂરી છેતેવી જ રીતે આત્મા અને મનને સ્વચ્છ તેમ જ શુદ્ધ રાખવા પ્રાર્થના આવશ્યક છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થના જો નિયમિત રૂપે કરતા રહો તો તેનાથી અદભૂત શક્તિ મળે છે અને માનસિક શાંતિ મળે છે. બીમાર અને કપરા સમયમાં થયેલી પ્રાર્થના કરવાથી કપરા સંજોગ સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે એ વાતની પુષ્ટિ પણ મળી છે.

         આધુનિક વિજ્ઞાન પેરાસાયિકોલોજી [પરા મનોવૈજ્ઞાનિક] પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુની પ્રાર્થનામાં મગ્ન થઈ જાય છે ત્યારે એના અર્ધજાગૃત (અચેતન) મનમાં દુન્યવી ચિંતાઓ અને સમસ્યાઓ જે હંમેશા રહે છે એનાથી તેનું મન મુક્ત થાય છે. પરિણામે વ્યક્તિનાં મનમાં હળવાશ અનુભવાય છે. પ્રાર્થના કરવાથી અર્ધ-જાગૃત મનમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગૃત થાય છે અને ચિંતામુક્ત થઈને પોતાના આરાધ્યદેવ પ્રત્યે દિવ્યાનુભૂતિનો અનુભવ પ્રાપ્ત કરે છે. આધુનિક વિજ્ઞાનના પ્રયોગોથી સાબિત થયું છે કે પ્રાર્થના કરવાથી લોહીમાં સ્ટ્રેસ હોર્મોન, કોર્ટીઝોલ અને એપીનેફિનની માત્રા ઓછી થાય છે અને પ્રાર્થના કરવાથી એંડોર્ફીન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેના પરિણામે મન તણાવમુક્ત થાય છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.

       અમેરિકાની નેશનલ ઈંસ્ટિટુટ ઓફ હેલ્થની ઑફિસના અલ્ટરનેટિવ મેડિસિન વિભાગના કો-ચેરમેન અને ‘હિલિંગ વડ્રર્ઝ’ તથા ‘ધ પવાર ઑફ પ્રેયર એંડ ધ મેડિસિન’ જેવા પુસ્તકોનાલેખક ડૉ. લેરી ડોસીએ આ વિષયમાં ઘણું સંશોધન કર્યું છે.

                                                                                              — સંકલિત

                                             ૐ નમઃ શિવાય

લાલ કિલ્લો

           આજે પોષ વદ અમાસ [સોમવતી અમાસ]                      

                        આજે ભારતનો ગણતંત્ર દિવસ

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિ મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

લાલ કિલ્લો ગર્વીલો
મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો (૨)

નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો છે
વાણીનાં ઝરણાં જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો શ્વેત પારેવડાં
દે સંદેશા અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

રાષ્ટ્ર શોભે તારી શાને છે
જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર અમારો મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે અમારો ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

શ્રી રમેશ પટેલ(આકાશદીપ)

                                   ૐ નમઃ શિવાય