આજે મહા સુદ દસમ
આજનો સુવિચાર:– શિક્ષણ ધર્મ છે, મૂલ્યનિષ્ઠ શિક્ષણ પરમધર્મ છે. – મોરારીબાપુ
હેલ્થ ટીપ :- કમરના દુઃખાવામાંથી બચવા ઊભા રહેતા કે બેસતી વખતે કાન, ખભા અને થાપા સીધી લીટીમાં રહે તેમ ટટ્ટાર રહો.
પગલાં વસંતના

વસંત ઋતુ
કવિશ્રી-મનોજ ખંડેરિયા
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલા વસંતના !
મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !
મહેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યો છે આજ આંખમાં આંબા વસંતના !
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
કેટલી સુંદર વાત કહે છે મનોજભાઈએ !
વસંતપંચમી એટલે સરસ્વતીમાના પૂજનનો દિવસ. આમ તો વસંતપંચમી એટલે ભારતીય વેલૅંટાઈન ડે. અને વસંતના દિવસો તો હોળી સુધીનાં ગણાય છે.
ઠંડી અને ગરમીની ઋતુનો સમનવય એટલે વસંત એમાંયે સરસ્વતીમાને વંદનાના દિવસો. આપણા કવિઓની કલમ પણ જુઓને આ દિવસોમાં કેટલી ખીલી ઊઠે છે ! સરસ્વતીમા વીણાવાદિની અને જેનું વાહન હંસ છે. હંસ એ વિવેકનું પ્રતિક છે અને વીણા સંવાદિતાનું પ્રતિક છે. શૃંગારમાં વિવેક સંવાદિતાનું સમંવય થાય તો સોનામાં સુગંધ ભળે. વસંતમાં શિવરાત્રિ આવે છે. શિવ એ કલ્યાણકારક, મંગલમય, પવિત્ર. રાત્રિ એટલે રાત. જીવનના વસંતમાં કલ્યાણકર અને મંગલમય રતિક્રિડા પણ હોય છે, જો તે વિવેકપૂર્વકની અને સંવાદિતા સાથેની હોય તો તેમાં પ્રેમ ભળી જાય છે. વસંત આવે છે અને પ્રકૃતિ લીલી ચાદર ઓઢવાની શરૂઆત કરે છે.દર વર્ષે આ કુદરતી ક્રમ ચાલ્યો આવે છે પણ પશુ-પંખીઓમાં પણ નાવીન્યતાની અસર દેખાય છે.
પ્રાચીનકાળથી દુનિયામાં લગભગ બધા જ દેશોમાં વસંતને ઋતુઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે. જોકે તેનો અલગ અલગ સમય હોય છે. ગ્રીકની દંતકથાઓ મુજબ મરક્યુરી વસંતના દેવતા છે જ્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વસંત એ કામદેવનો મિત્ર છે. બન્ને મળીને માનવ મન પર ઊંડી અસર છોડે છે. વસંતઋતુ તો પ્રકૃતિપ્રિય લોકો માટે આ નશાની ઋતુ છે. વર્ષા ઋતુઓની રાણી છે તો વસંત ઋતુઓનો રાજા છે.
મનોજભાઈ ‘રસ્તા વસંત’ની ગઝલમાં લખે છે કે
‘ઊડી રહ્યા છે યાદનાં અબીલ, ગુલાલ
હૈયે થયા છે આજ તો છાટા વસંતના.’
ૐ નમઃ શિવાય