સેંડવીચની મહેફિલ

                               આજે મહા વદ અમાસ

આજનો સુવિચાર :- સમાજની શ્રદ્ધા અને વિશ્વાસ નિષ્ક્રિય બને ત્યારે સંદેહ નામનો તારકાસુર પ્રગટે છે. – મોરારીબાપુ.

હેલ્થ ટીપ :-
લોક આયુર્વેદ – આધા ખાના.દુગુના સોના, તિગુના પીના ઔર ચોગુના હંસના—અરધે પેટ ખાવું, ખૂબ ઊંઘવું, પુષ્કળ પાણી પીવું અને પેટ ભરી હસવું. આ વૃદ્ધાવસ્થાનું સ્વાસ્થય સૂત્ર છે.

 

સેંડવીચ

સેંડવીચ

    ટોસ્ટ સેંડવીચ

સામગ્રી-

1] સ્લાઈસ્ડ સેંડવીચ બ્રેડ
2] 2 બાફેલા બટાટા
3] 1 મોટો ચમચો ખમણેલું ચીઝ
4] 2 મોટા ચમચા ટોમેટો કેચપ
5] 1 કાપેલો નાનો કાંદો
6] સ્વાદાનુસાર મીઠું, સાકર અને મરચું
7] બટર

રીત:-

એક તવામાં થોડુંક બટર લઈને કાપેલો કાંદો 1 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં બાદ તેમાં બાફેલા બટાટા મીઠું, સાકર, લાલ મરચું, કેચપ અને ખમણેલું ચીઝ ઉમેરી થોડીવાર હલાવો. આ પૂરણને ઠંડુ પડવાદો. ત્યારબાદ નોનસ્ટીક હેન્ડ સેંડવીચ ટૉસ્ટર કે ઈલેક્ટ્રિક ટૉસ્ટર લઈ તેમાં થોડુંક બટર ચોપડી 2 મિનિટ માટે ગરમ કરો. બ્રેડની બે સ્લાઈસ લઈ તેની વચમાં ઉપરોક્ત પૂરણ ભરો. બ્રેડની આગળ પાછળ બટર લગાડી ગરમ કરેલા ટોસ્ટરમાં મૂકી ધીમે તાપે ગરમ કરવા મૂકો. લાલાશ પડતું પડ થવા માંડે ત્યારે કાઢી લો.
ગરમ ગરમ સેંડવીચ ટૉસ્ટ કેચપ અને લીલી ચટણી સાથે ખાવાની મઝા આવશે.

 

સેંડવીચ

[મુંબઈ સ્થિત નીતાબેન કોટેચાએ મોકલાવેલી આ રૅસિપી બદલ મેઘધનુષ તરફથી આભાર.]

 

સામગ્રી:-
1] દહીં ગાજરની ચટણી
[ગાજર, મરી પાઉડર, સ્વાદાનુસાર મીઠું]
2] ગ્રીન ચટણી
[કોથમીર, સ્વાદાનુસાર લીલા મરચા અને મીઠું, 5 ટુકડા લાલ ખજુર, 3 લીંબુનો રસ, 5 થી 6 મરીનાં દાણા 6 થી 7 લસણની કળી]
3] ટામેટાની ચટણી [10 ટામેટા, 5 કાંદા, સ્વાદાનુસાર મીઠું અને લાલ મરચું]
4] સેન્ડવીચ બ્રેડ

રીત:-

1] દહીં ગાજરની ચટણી-

દહીને 2 કલાક બાંધી તેમાંથી પાણી કાઢવું. ગાજરને ખમણી તેમાં મીઠું ભેળવી થોડીવાર રહેવા દેવું થોડીવાર પછી ગાજરને હથેળીમાં દબાવી તેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ નીચોવેલા ગાજરને પાણી કાઢેલા દહીંમાં ભેળવી દો અને તેમાં જોઈતા પ્રમાણમાં મરીનો પાઉડર ભેળવી દો. આમ દહીં ગાજરની ચટણી તૈયાર થઈ જશે.

2] ગ્રીન ચટણી:-

કોથમીર ધોઈને તેમાં ઉપરોક્ત ગ્રીન ચટણીની સામગ્રી ભેળવી વાટી લેવી. આમ ગ્રીન ચટણી તૈયાર થશે.

3]ટામેટાની ચટણી:-

ટામેટા અને કાંદાને વાટી ઉકાળવા મૂકવા. તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું અને 2 મોટા ચમચા કેચપ નાખવા. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દેવું.

હવે બ્રેડની ચાર સ્લાઈસ લેવી. પહેલી અને બીજી સ્લાઈસની વચમાં દહી ગાજરની ચટણી મૂકવી. બીજી અને ત્રીજી સ્લાઈસ વચ્ચે ગ્રીન ચટણી લગાડવી અને ત્રીજી અને ચોથી સ્લાઈસ વચ્ચે ટામેટાની ચટણી લગાડવી. આને બાંધીને એકાદ કલાક ફ્રિજમાં મૂકવી. ત્યારબાદ તેને ક્રોસમાં કાપીને સર્વ કરવી જેથી બધી ચટણી દેખાય.

અને ખાતી વખતે નીતાને યાદ કરવી.

આથેલાં મરચાં

આથેલાં મરચાં

 

આથેલાં મરચાં

સામગ્રી:

1] ¼ કિ. ગ્રા. મોળા મોટાં લીલાં મરચાં [વઢવાણી કે મારવાડી મોળા મરચા ચાલે]
2] 100 ગ્રા. રાઈનાં કુરિયા
3] 3 લીંબુનો રસ [ખટાશ વધારે જોઈતી હોય તો લીંબુનો રસ વધારે લેવો]
4] સ્વાદાનુસાર મીઠું અને હળદર 5] ખાવાનું તેલ

રીત-

મરચાંને ધોઈને સૂકા કરવા. મરચામાં ઊભી ચીરી કરી તેમાંથી બી કાઢી કાઢવા, રાઈનાં કુરિયા, મીઠું અને હળદર ભેળવી બી કાઢેલાં મરચામાં ભરવા. સ્ટીલનાં વાસણમાં કે કાચની બરણીમાં આ ભરેલાં મરચા મૂકી તેમાં લીંબુનો રસ નાખી ઊછાળવા. દિવસમાં ત્રણ વખત ઊછાળવા જેથી લીંબુનો રસ બધાં મરચામાં ભળે. ત્રણ દિવસ પછી તેમાં બે મોટાં ચમચા ગરમ કરી એકદમ ઠંડુ પાડેલું તેલ તેમાં નાખી હલાવો [ઊછાળવા]. હવા ન જાય તેવી બરણીમાં આ મરચા ભરવા.

                                        
                                            ૐ નમઃ શિવાય