આજે ચૈત્ર સુદ પાંચમ [ચૈત્રી નવરાત્રિનો પાંચમો દિવસ]
આજનો સુવિચાર:- કરેલી ભલાઈનો ભૂલેચૂકે અહંકાર ન કરવો – મોરારીબાપુ
હેલ્થ ટીપ:- રોજ સવારે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
વાસંતિક નવરાત્રિ
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
માતાજી પોતે બનાવેલી આ સૃષ્ટિનું સૌંદર્ય સદા અચળ અને એમની બનાવેલી માનવ સૃષ્ટિને ઊની આંચ ન આવે તે માટે તેમણે ભિન્ન ભિન્ન સમયે અને ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી દર વખતે નવા નામે પ્રગટ થયાં હતાં. પોતાની અમોઘ શક્તિને વિભાજિત કરી પોતાનામાં રત રહેનારી મા જ્યારે દેવોને જરૂર પડે અને સ્મરણ કરતા ત્યારે તેઓ નીતિ, નિયમ અને ધર્મને આધીન રહી હાજર થતાં.
પિતા ધર્મ ચૂકેલા દક્ષ પિતાએ યોજેલા યજ્ઞમાં વગર નિમંત્રણે પહોંચેલા સતીથી પોતાના પતિ શિવજીની ઉપેક્ષા સહન ન થતા યજ્ઞમંડપમાંથી પાછા ન ફરતા યજ્ઞકુંડીમાં શિવજીને પુનઃ પામવાના નિરાધારથી પોતાના દેહને સમર્પણ કર્યું.
બીજે જન્મે હિમાલય પુત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હિમાલય પિતા હતા તેથી તેમનું નામ પાર્વતી પડ્યું. પર્વતપુત્રી હોવાને કારણે ઘણી જગ્યાએ તેઓ ‘ગિરિજા’ કે ‘શૈલજા’ નામે ઓળખાવા લાગ્યા તો કોઈ તમને ‘ક્ષિતિધર તનયા’ તરીકે ઓળખે છે.
આગલા જન્મમાં સતીના રૂપે તેમણે અગ્નિસ્નાન કર્યું હતું તેથી તેમનો દેહ કાળો થઈ ગયો હતો તેથી તેઓ ‘કાલિકા’ના નામે ઓળખાય છે.
શિવજી સાથે લગ્ન કરવાની પ્રબળ ઈચ્છાને કારણે માતા મેનકાને પોતાનો નિર્ણય જણાવ્યો. આ નિર્ણય સાંભળતા મેનકા બોલી ઊઠ્યાં કે ‘ઉમા’ જેનો અર્થ એ થાય છે કે ‘ન કરતી’. એ સમયથી તેઓ ‘ઉમા’ના નામે ઓળખાવા લાગ્યા.
શિવજીને મેળવવા મહેલ છોડી તેમણે તપ આદર્યું. ન જોયો તડકો કે ઠંડી, ન જોઈ વરસાદની અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વર્ષો સુધી ઘોર તપશ્ચર્યા આદરી. વહેતી નદીમાં સ્નાન કરી હવનમાં મગ્ન રહેતા પાર્વતીજી કંદમૂળ કે સૂકા પાંદડા ખાઈ જીવનની સાધના આદરી. અંતે સૂકા પર્ણોનો આહાર છોડ્યો આથી તેઓ ‘અપર્ણા’ તરીકે ઓળખાવવા લાગ્યા.
પરીક્ષા લેવાના હેતુથી શિવજી એકવાર બ્રહ્મચારીનું સ્વરૂપ લઈ પાર્વતીજી પાસે ભિક્ષા માંગવા આવ્યા અએ તેમણે માતાજીને કહ્યું કે હું પ્રથમ સ્નાન કરી આવુ પછી હું ભિક્ષા લઈશ. શિવજી જે નદીમાં સ્નાન કરવા ગયા હતા તે નદીમાં મગર રહેતો હતો. શિવજીનો પગ એ મગરના મોંમા આવી ગયો અને શિવજીએ મદદ માટે બૂમો પાડી. તણાતા શિવજીને બચાવવા પાર્વતીજીએ શિવજી તરફ હાથ લંબાવ્યો અને બ્રહ્મચારી રૂપે આવેલા શિવજીનાં હાથમાંમૂક્યો. ત્યારથી પાર્વતીજી ‘હસ્તાલિકા’ના નામે ઓળખાવા લાગ્યા.
એકવાર શિવજીએ પાર્વતીજીને કાળી નાગણ સાથે સરખાવ્યા તેથી પતિને રીઝવવા ગૌરવર્ણ માટે તેમણે બ્રહ્માજી પાસે વરદાન મેળવવા તપ આદર્યું. બ્રહ્માજીએ ખુશ થઈને તેમનો વર્ણ ગૌર કર્યો. ત્યારથી તેઓ ‘ગૌરી’ને નામે ઓળખાવા લાગ્યા.
આમ જોવા જઈએ તો શક્તિ,નામ,કામ,ધામ સર્વ આપણા શરીરમાં કુંડલિની સ્વરૂપે વિદ્યમાન છે. શંકા-કુશંકા કરનારને આ આદ્યશક્તિનો અનુભવ થતો નથી. વિચારોના વમળોમાંથી બહાર આવી જોઈશું તો આ આદ્યાશક્તિ જીવનની હરપળે જરૂર પડે શક્તિરૂપે હાજર છે. એથી તો તેઓ ‘સર્વરૂપા’ તરીકે ઓળખાય છે.
માતાજી ‘લક્ષ્મી’ રૂપે કોલ્હાપૂરમાં વસ્યા છે. માતાજી ‘રેણુકા’ રૂપે માતુપુરમાં, ‘તુળજાભવાની’ રૂપે તુળજાપુરમાં, ‘સપ્તશૃંગી’ રૂપે નાસિકમાં વસ્યાં છે. હિંગળા, જ્વાલામાઈ, શાકંભરી, ભ્રામરી, રક્તાંબિકા, દુર્ગા જેવા જુદા જુદા નામ સાથે જુદા જુદા સ્થાને માતાજીએ વસવાટ કર્યો છે. વિદ્યાચલમાં ‘વિદ્યાચલી’ તરીકે કાંજીપુરમાં ‘અન્નપૂર્ણા’ તરીકે, નીલપર્વતમાં ‘નિલાંબા’ તરીકે સ્થિત છે. શ્રીનગર પાસે ‘જાંબુનવેશ્વરી’ તરીકે સ્થિત છે. વેદારણ્યમાં ‘સુંદરી’ તો એકાંબરમાં ‘પરાશક્તિ’,’મહીલસા’, અને ‘યોગેશ્વરી’ વળી ચીનમાં ‘નીલ સરસ્વતી’ રૂપે તેમજ મણિદ્વીપ પર્વત પર ‘ભુવનેશ્વરી’ તરીકે ઓળખાય છે. જ્યારે કામરૂપમાં ‘ત્રિપુરસુંદરી’ તરીકે પ્રખ્યાત છે.
આમ એક અને અખંડ, ભિન્ન દેખાતા માતાજી અભિન્ન છે. સદાયે આપણી સાથે રહેતા માતાજીને શત શત પ્રણામ.
— સંકલિત
ૐ નમઃ શિવાય