આંધળે બહેરૂં કુટ્યું

                       આજે ચૈત્ર સુદ ચૌદસ

આજનો સુવિચાર:- મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

હેલ્થ ટીપ:- અતિસારમા એક ચમચી ચાનો મસાલો અને એક ચમચી સાકર પાણીમાં ઉકાળીને લેવાથી રાહત રહેશે.

[પ્રસિદ્ધ હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ આ લેખ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                          આંધળે બહેરૂં કૂટ્યું

-દોસ્ત, તારે મારી સાથે એક જગ્યાએ આવવાનું છે.
-મેં મિત્રને કહ્યું. અરે! બંદા એક શું એકવીસ જગ્યાએ આવવા તૈયાર છે. ચાલ ક્યાં જવાનું છે?
અતિ ઉત્સાહમાં એ ઊભો થઈ ગયો અને મને પણ લગભગ ઘરની બહાર ખેંચ્યો.
-અરે અરે ધીમો પડ દોસ્ત, આજે નથી જવાનું કાલે જવાનું છે.
-ઊંહ! કાલની વાત કાલે. આજની વાત કર.
-એ જ તો કરુ છું સાંભળ, આજે જેવો આવ્યો છે એવો કાલે ‘રઘલા’ જેવો આવશે તો નહી ચાલે સમજ્યો?’
-ના સમજ્યો. વોટ ડુ યુ મીન બાય ‘રઘલા’?
-‘રઘલા’ મતલબ ‘લઘરવઘર’ જરા સરસ-ફાંકડો તૈયાર થઈને આવજે. દાઢી છોલીને આવજે. ચહેરા પર ‘થોભિયા’ સારા નથી લાગતા. એને લીધે તું…… ‘ઈંડિયા’ઝ મોસ્ટ-વોંટેડ જેવો લાગે છે.
-તું યે અદલ મારી બૈરી જેવું બોલે છે. બોલ ક્યાં જવાનું છે ઈંટરવ્યૂ આપવા?
-ના ઈંટરવ્યૂ લેવા જવાનું છે. છોકરીનો ઈંટરવ્યૂ લેવા.
-છોકરીનો ઈંટરવ્યૂ લેવા? શા માટે?
-ડફોળ છોકરીનો ઈંટરવ્યૂ શા માટે લેવાનો હોય? પરણવા માટે.
-પરણવા માટે ? ના બાબા ના. એકવાર પરણીને તો હું પસ્તાયો છું ત્યાં બીજીવારની આફત કોણ ઊઠાવે? બે બૈરાંઓવાળા પુરુષોની કફોડી દશા જોઊં છું ત્યારે મને દયા આવે છે. વળી હિન્દુ કાયદો બીજી પત્ની કરવાની પરમીશન નથી આપતો અને આપતો હોય તોયે મારે નથી જોઈતી. મને માફ કર યાર.
-લોચા ના માર અને તારી આ બક બક બંધ કર. છોકરી તારા માટે નહિ મારા માટે જોવા જવાનું છે.
-તો પછે મને શાહરૂખખાન બનવાની, સરસ તૈયાર થવાની સૂચના શા માટે?
– સામેવાળી પાર્ટી પર આપણો વટ પડવો જોઈએ કે નહી? આ વધેલી દાઢીમાં તુ બકરા જેવો લાગે છે જરા સરખો તૈયાર થાય તો માણસ જેવો તો લાગે
-તો ઠીક હું તો ગભરાઈ ગયેલો કે તુ મને બલિનો બકરો બનાવવા માંગે છે
-નહિ યાર બલિનો બકરો તારે નહિ મારે બનવાનું છે.
-ઓકે ચાલ કાલે હું આવીશ. બીજે દિવસે હું સાહસ ખેડવા એટલે છોકરી જોવા એની સાથે નીકળી પડ્યો.
-અલ્યા છોકરીનું ઘર તો જોયું છે ને?
-પારુલે [મારી નાની બહેન] પાકું એડ્રેસ આપ્યું છે. પારુલ કહેતી હતી કે એની આંખો એટલી સરસ છે કે એનું નામ ‘અલ્પના’ બદલીને ‘ઐશ્વર્યા’ રાખી લઈએ એવું થાય.
-જો એનું ઘર આ ગલ્લીમાં ચોથું કે પાંચમું ? આટલામાં જ ક્યાંક છે.

અમે ઓટલા પર બેઠેલા આધેડવયના સન્નારીને પૂછવાનો વિચાર જ કરતા હતા ત્યાં ઉમળકાભેર આવકાર આપતા એમણે અમને કહ્યુ

-અરે! તમે આવી ગયા? આવો આવો, અમે તમારી જ રાહ જોતા હતા. બેસો. ટીનુ બેટા મહેમાન આવી ગયા છે. પાણી લાવજે તો બેટા.

ટીનુ મલપતી ચાલે ટ્રેમાં પાણી લાવી અને શરમાતા શરમાતા અમારી સામે ગ્લાસ ધર્યા. ગ્લાસ લેતા અમારી નજરો મળી. મારો હાથ ધ્રૂજ્યો અને પાણી ટ્રેમાં છલકાયું. ટીનુ મલકાઈ. મેં મારા મિત્રની સામે જોયું. એની નજરમાંના પ્રશ્નાર્થને વાંચી લીધો. આશ્ચર્ય અને આઘાત સમાવી, રૂઢિગત વાતચીત પતાવી માંડમાંડ ચા નાસ્તાને ન્યાય આપી અને ત્યાંથી ભાગી છૂટ્યા.

ઘરે પહોંચ્યા એટલે પારૂલે અને મમ્મીએ પૂછ્યું,”ભાઈ, છોકરી કેવી લાગી?”

-અરે! આવી મજાક તે હોતી હશે? ‘લૂકિંગ લંડન ટોકિંગ ટોકિયો’ એટલે કે બાડી છે અને પારૂલડી……….કહેતી હતી કે એની આંખો ઐશ્વર્યા જેવી છે. મેં પારૂલનો ચોટલો પકડ્યો.

-હોય નહી ભાઈ ! અલ્પનાને મેં એકવાર નહીં બે વાર જોઈ છે. એ માત્ર બ્યુટીફૂલ નથી મોસ્ટ બ્યુટીફૂલ છે. એમાંયે એની આંખો જોતા જ ઐશ્વર્યા યાદ આવ્યા વિના રહે જ નહિ.
-પણ ટીનુને જોઈને તો ઐશ્વર્યા નહિ પણ ટુનટુન યાદ આવે.
-ટીનુ? તમે ટીનુને જોવા ગયેલા કે અલ્પનાને?
-કેમ ટીનુ એ અલ્પનાનું લાડકું નામ નહિ? એની મમ્મીએ અમને એ રીતે આવકાર્યા અને……..
-કોઈ ગેરસમજ થઈ લાગે છે, ભાઈ ટીનુ તો અલ્પનાની બાજુના ઘરમાં રહે છે. કદાચ એને જોવા પણ આવવાનો હશે. તમે પાછા ઊપડો અલ્પનાને જોવા. હું યે સાથે આવું
-ઓહ ! ગજબ થયો આ તો ……

આંધળે બહેરુ કુટાયું

                                         

                                             ૐ નમઃ શિવાય