બે કાવ્યો

                            આજે શ્રાવણ વદ પાંચમ [નાગ પંચમી]

 

                                             બે કાવ્યો

 

[અમેરિક સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચનાઓ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

ગંગા બને

અંતર દ્રવે  ને  ભાવે અશ્રુ ઝરે
હિમાલયે એજ જળ ગંગા બને
 
દો દરજ્જો આદર ભર્યો માતનો
છોડી સ્વર્ગ મંદાકિની ગંગા બને
 
ઊર્મિઓ માતની ખોળે શીશુ ઝીલે
હેત  ધારા મમતાની  ગંગા   બને
 
દો યશવંતી  શહિદી  માતભોમને
રક્ત ધારા સમર્પણની ગંગા બને
 
છે જો પુનિત દલડાં ન્યોછાવરાં
ચાહને પંથે  પ્રેમની ગંગા બને
 
ૐ ભાવે નમું ગંગોત્રી જન્મભૂમિને
શ્રધ્ધા  સુમને ‘દીપની  ગંગા બને
 
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

આ વગડાનો છોડ

ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર

પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું   
 
જોડાયા તારને થયો ઝણઝણાટ ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમકરી ખીલવ્યાં ફૂલો?
 
ખૂલ્લા દેહે  ઝીલ્યાં  છોડવે,
બહું  થંડી  બહું  તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ
 
બોલ હવે  મોટો તું   છે  કે 
આ  વગડાનો  છોડ?
ને હાથ  જોડી  હું શરમાયો,
સુણી   પ્રભુનો  તોડ
 
જય  જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી  જીવનચર્યાથી 
જઈશ  પ્રભુની પાસ
 
દિધી  દાતાએ    શક્તિ   તનમને,
ઉપકારી  બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ  સુગંધ ,
થાશું પ્રભુ ચરણે યશભાગી
 
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

                                                    ૐ નમઃ શિવાય