ઈશ્વરને લાગશે નવાઈ

                                 આજે આસો સુદ એકાદશી

આજનો સુવિચાર:- માણસે એકમેકને સમયના ગાળામાં પોતાની રીતે ઓળખી લેવા જોઈએ. –પાંડુરંગ શાસ્ત્ર

 

કૈલાસ યાત્રાએ જતાં -2009

કૈલાસ યાત્રાએ જતાં -2009

બર્ફીલા પહાડોની ગોદમાં લપાશુ
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે : આ બાજુ ક્યાંથી, તુ ભાઈ !

ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ
કરતાં હશે જો તોફાન ઈશ્વરજી કહેશે કે
બારણાં ઉઘાડો : કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને
ચૉકલેટ-દૂધની- મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે
સ્વેટર તો કાઢ આપણેય કહી દઈશું ટાઢ બહુ વાય છે,
પહેલાં તું તડકો ઓઢાડ ઈશ્વરજી કહેશે કે શું ઓઢે છે,
ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને નવાઈ લાગશે

રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે તો
સન્નાટો પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું
ઈશ્વરને વાતો પાછા ફરશું તો, આપણા જેટલી જ
ઈશ્વરને કઠશે જુદાઈ
તો કોને લાગશે નવાઈ !

                                                                 — મુકેશ જોષી

 

                                            ૐ નમઃ શિવાય

દેવીના વિવિધ અવતારો

           આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે આસો સુદ છઠ્ઠ

                    આજે કાત્યાયની માતાજીનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- ધ્યાન થોડા સમય પૂરતું જ કરો, પણ રોજ કરવું જોઈએ. – શ્રીમાતાજી

કાત્યાયની માતાજી

કાત્યાયની માતાજી

 

    નવરાત્રિના ચોથા દિવસે કૂષ્માળ્ડા માતાજીનું પૂજન થાય છે જેમના એક હાથમાં અમૃતનો કળશ છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલ કળશ ધારણ કર્યો છે. કુષ્માળ્ડા દેવીનું સ્વરૂપ અંબિકા અને દુર્ગાનો એક પર્યાય ગણાય છે.

નવરાત્રિનો પાંચમા દિવસે સ્કંદમાતાજીનું પૂજન થાય છે. સ્કંદ એટલે કાર્તિકેયની માતા.

પૌરાણિક કથાઓ મુજબ તારકાસુરનો વધ કરવા સ્કંદ કાર્તિકેયે અવતાર લીધો હતો. બ્રહ્માએ તારકાસુરને વરદાન આપતા કહ્યું હતું કે કેવળ સાત દિવસનું બાળક તેનો વધ કરી શકશે. કાર્તિકેયે પોતાના જન્મના સાતમા દિવસે તારકાસુરનો વધ કર્યો હતો. તેમના ઉછેરમાં સાત સ્કંદમાતાઓનો ઉલ્લેખ છે.

નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીનું પૂજન થાય છે.

પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની દસેય ઈન્દ્રિય અને અગિયારમું મન, તેને અંતર્મુખ કરીને પોઢ્યા હતા ત્યારે તે સમયે મુર દાનવ ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા આવી ચડ્યો. ભગવાન વિષ્ણુના અગિયાર ઈન્દ્રિયોમાંથી અતિ સ્વરુપવાન કન્યા પ્રગટ થઈ. તેને જોઈ મુર દાનવ મોહી પડ્યો અને લગ્નની માંગણી કરી. ત્યારે આ કાત્યાયની દેવીએ યુદ્ધનું આહવાન આપતા કહ્યું કે જે મને યુદ્ધમાં જીતે તેની સાથે લગ્ન કરું. આમ બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. પરંતુ આતો અલૌકિક મા આદ્યશક્તિ જગદંબા હતા તેમણે મુર દાનવનું મસ્તક ખડગ વડે છેદી કાઢ્યું. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થતા માતાજીએ આસુરી શક્તિનો વધ કર્વાની શક્તિ અને શસ્ત્રો માંગ્યા.

 

દેવીના વિવિધ અવતારો

 

ત્રિગુણાત્મિકા:- સૃષ્ટિનું સ્વરૂપ સત્વ, રજ અને તમ ગુણોથી યુક્ત હોવાને કારણે તેઓ ‘ત્રિગુણાત્મિકા’ કહેવાય છે. આ દેવીની ઉપાસના કરવાથી આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક ઉન્નતિ થાય છે.

દુર્ગાદેવી:- દેવીએ શતનેત્રી– સ્વરૂપ ધારણ કરી દુર્ગમ નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી તેઓ દુર્ગા કહેવાયા. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી દુર્ગાદેવીના અવતારો ગણાય છે.

ચામુંડા:- ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરવાથી તેઓ ચામુંડા કહેવાયા.

શાકંભરી:- પોતાના ભૂખ્યા તરસ્યા ભક્તોને દેવીએ કંદમૂળ અને શાકભાજી આપ્યા તેથી તેઓ શાકંભરી તરીકે ઓળખાયા.

સતી:- દક્ષ પ્રજાપતિની કન્યા રૂપે આદિમાયાએ અવતાર લીધો અને સત્ય માટે પોતાની આહુતી આપી તેથી તેઓ સતીદેવી તરીકે ઓળખાયા.

પાર્વતી-કાલી-ગૌરી:- સતીદેવી બીજા જન્મમાં પર્વતરાજ હિમાલયને ઘરે અવતાર લીધો તેથી તેઓ પાર્વતી તરીકે ઓળખાયા. શરીરકાંતી કાળી હોવાથી કાલી તરીકે ઓળખાયા.

માતૃકા:- કાર્તિકેયની સાતમાતા સ્કંદમાતા તરીકે ઓળખાય છે. તેથી તેઓ માતૃકા તરીકે ઓળખાયા. સિન્ધુઘાટીમાં સાતમાતૃકાઓની મૂર્તિઓ મળી આવી છે.

 

                                           ૐ નમઃ શિવાય

ચન્દ્રઘંટા માતાજી

     આજે નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે આસો સુદ ત્રીજ

              આજે ચન્દ્રઘંટા માતાજીનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- જે દેહમાં પવિત્ર અને નિષ્કલંક આત્મા રહે છે, તે દેહ પણ પવિત્ર અને નિષ્કલંક જ હોય છે. – પ્રેમચંદ

ચન્દ્રઘંટા માતાજી

ચન્દ્રઘંટા માતાજી

આજે ચન્દ્રઘંટા માતાજી પૂજાય છે.

પિંડબપ્રવર આસઢા ચ ચંડકોસ્ત્રકૈર્યુતા
પ્રસાર્દતનુતાં માઘં ચંડખંડેતિ વિશ્રુતા

અર્થાત વાઘ પર સવાર થયેલી પ્રચંડ શસ્ત્રોને ધારણ કરતી એવી જગપ્રસિદ્ધ ચંડખંડ દેવી મારા પર પ્રસન્ન થાઓ.

પૃથ્વીના શ્રેષ્ઠ પિંડ એવા ચન્દ્ર ઉપર આરૂઢ થયેલી ચાંદનીરૂપી વસ્ત્ર ધારણ કરનારી દેવી ચન્દ્રઘટા છે. ચાંદની જેવી શીતળતા અર્પે અને પરમશાંતિ, મનનો ઉદ્વેગ બંધ કરી શીતળતા પ્રસરાવે તે માટે મા ચન્દ્રઘટાની ઉપાસના કરવી તેમના દસે હાથમાં ખડગ આદિ શસ્ત્રો છે. તેમના મસ્તક પરઘંટ આકારનો ચન્દ્ર છે. તેમના ઘંટનો ધ્વનિ સદાયે ભક્તોનું રક્ષણ કરે છે. દેવી ચન્દ્રઘંટા વાઘ પર આરૂઢ છે.

પૌરાણિક કથા મુજબ સતયુગમાં ઈંદ્ર અને અસુરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયુ હતું. તેમાં અસુરોએ ઈંદ્રને પરાસ્ત કર્યો અને દેવોની ભૂંડી દશા થઈ હતી. છેવટે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીને વાત કરી. તેથી તેઓ દુઃખી થયા. આમ ઉશ્કેરાયેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તમામ દેવોના તેજથી પણ અધિક પ્રભાવશાળી મા જગદંબા ચંડખંડ દેવી રૂપે પ્રગટ થયા. હજારો આભૂષણ તેમ જ હજારો શસ્ત્રો ધારણ કરનારી આ માતા અને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે ત્રિશૂળ વડે મહિષાસુરના મસ્તકને છેદી કાઢ્યું. આ અસુરના બળવાન શરીર પર સિંહ ચઢી ગયો અને તેનું લોહી ચૂસવા લાગ્યો. અંતે દેવી સમક્ષ મહિષાસુરે પ્રાણ તજ્યા. દેવીએ તેની સદગતિ કરી ત્યારથી દેવીના પૂજન સાથે મહિષાસુરના મસ્તકનું પૂજન થાય છે.

યા દેવી સર્વ ભૂતેષુ દયા રૂપેન સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

જય અમ્બે

ૐ નમઃ શિવાય

બ્રહ્મચારિણી [નોરતાની રાત]

           આજે નવરાત્રિનો બીજો દિવસ એટલે આસો સુદ બીજ

                   આજે બ્રહ્મચારિણી માતાનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- સત્ય એક જ છે. વિદ્વાન તેને અનેક પ્રકારથી વર્ણવે છે. — ઋગ્વેદ

મા બ્રહ્મચારિણી

મા બ્રહ્મચારિણી

दधाना करपदमाभ्यां अक्षमाला कमडलुम
देवी प्रसीदतु मह्यम ब्रह्मचारिणी अनुत्तमा

   અર્થાત કમલ, અક્ષમાલા અને કમંડલને ધારણ કરનારી સર્વશ્રેષ્ઠ બ્રહ્મચારિણી દેવી મારા પર પ્રસન્ન થાઓ.

        બ્રહ્મ એટલે તપ થાય છે. તપનું આચરણ કરનાર આ દેવી જ્યોતીર્મય છે. હાથમાં કમંડલમાં અમૃતરૂપી જળ રાખ્યું છે. જેનો છંટકાવ શરીરને અમૃતમય કરી દે છે. હાથમાં અક્ષત માળા છે. એટલે કે ફરી જન્મ આપી અને અમૃત સ્વરૂપનું જળ નાખી જીવનમુક્ત કરે છે.

પુરાણોમાં મા બ્રહ્મચારિણીની એવી કથા છે કે દેવાધિદેવ મહાદેવને પ્રાપ્ત કરવા મા પાર્વતીએ કઠિન તપસ્યા કરી. હિમાલયની કડકડતી ઠંડીમાં જળમાં ઊભા રહી તેમણે કઠિન તપ કર્યુ. ચારેબાજુ અગ્નિ પ્રગટાવી વચ્ચે બેસી તેમણે પંચાગ્નિ તપ કર્યું. પ્રાતઃકાળથી સાયંકાળ સુધી સૂર્યની સામે જોઈ રહીને સૂર્યનિવિષ્ટ દ્રષ્ટિ તપ કર્યું. અન્ન, જળ અને છેવટે પર્ણોનો ખોરાક પણ છોડી દઈને તેમણે કઠોર ઉપવાસ કર્યા તેથી તેઓ ‘અપર્ણા’ કહેવાયા. દેવાધિદેવ શિવજીને તેમણે પરબ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત કર્યા તેથી તેઓ બ્રહ્મચારિણી દેવી કહેવાયા.                                                          —સંકલિત

या देवी सर्वरूपेषु मातृरूपेण संस्थीता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

નોરતાની રાત

ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ

કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,શોભે નવલાં નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                     ૐ નમઃ શિવાય

શૈલપુત્રી [નવરાત્રિનો પ્રથમ દિવસ]

          આજે નવરાત્રિનો શુભારંભ એટલે આજે આસો સુદ એકમ  

 
આજનો સુવિચાર:- વિકટ સમસ્યાઓનો સરળ ઉકેલ શોધવો સૌથી મુશ્કેલ કામ છે.

 

આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં શક્તિપૂજાનું આ મહાપર્વ એટલે નવરાત્રિનો પ્રારંભ.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण सस्थिता
नमस्तसै नमस्तसै नमस्तसै नमोनमः

શૈલપુત્રી

શૈલપુત્રી

 

                                   શૈલપુત્રી

નવરાત્રિના પ્રથમ દિવસે પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીનું પૂજન થાય છે.

    આ શૈલપુત્રી એટલે દેવોના દેવ મહાદેવની પ્રથમ પત્ની ‘સતી’, જે પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી તરીકે પ્રસિદ્ધ હતા. એમના લગ્ન દેવાધિદેવ શિવજી સાથે થયા હતા પરંતુ શિવજી એ સમયે અઘોરવેશી હતા.

      યજ્ઞ વખતે પોતાના અપમાનનો બદલો લેવા દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈને એટલે કે શિવજીને નોતર્યા ન હતા તેમજ યજ્ઞમાં સ્થાન પણ ન આપ્યું હતું. આથી દુઃખી સતીએ યજ્ઞમાં પોતાની જાત હોમી દીધી. શિવજીને આની જાણ થતા દક્ષ રાજાના યજ્ઞનો  ધ્વંસ કર્યો. અને સતીના દેહને લઈને ત્રિભુવન ડોલાવવા લાગ્યા. સતીનાં અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ બની ગયા

       માર્કંડેયપુરાનમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. તે અર્ધ ચંદ્રધારી કમલ તથા ત્રિશૂલ ધારણ કરી બેઠેલી છે.
    

                                                  ૐ નમઃ શિવાય

પારસમણિ

                       આજે ભાદરવા વદ ચૌદસ

આજનો સુવિચાર:- પરાજય ક્ષણિક છે. તેને સનાતન બનાવે છે હતાશા. — મૅરેલિન સાવંત

[અમેરિકા સ્થિત શ્રી. રમેશભાઈ પટેલે [આકાશદીપ] એમની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

                 

               પારસમણિ

શાસ્ત્ર કહે મા કામધેનુ સર્વ ઈચ્છાપૂર્તિ કરે
કલ્પવૃક્ષે માગીએ તો મનવાંચ્છિત ફળ મળે

સ્પર્શે પારસમણિ લોહને તો સુવર્ણ થઈ ઝળહળે
શોધું જગે ભમીભમી, આવો પારસમણિ ક્યાં મળે?

પારસ ,પારસ-પીપળી કેવા સુંદર શબ્દ ઉરે રમે
ક્યારે કિરતારની કૃપા ઠરે ને આ બધું આવી મળે

ત્યાં તો મંદિરે થયો ઘંટારવ, અજબ ચેતના પૂરતો
શ્રધ્ધાથી દર્શન કરતાં હું ધ્યાન પ્રભુનું ધરી રહ્યો

ઋષિ વાલ્મીકિ વદેઃ હતો હું વને રઝળતો વાલિયો
નારદજીએ દીધો જાપ અને રામમય જીવન ભયો

પ્રભુ નામ છે પારસમણિ , નીરખને મારી જિંદગી
ઘડાઈ પથ્થર ઊભો સામે , સ્વયં આજ પ્રભુ બની

સંત કોટી થઈ આ જીવ જો પ્રભુ ચરણમાં રમે
તું જ છે એ પારસમણિ , યુગોયુગોને પલટી શકે

— શ્રી. રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

                            ૐ નમઃ શિવાય

તુલસીના ગુણો

                                    આજે ભાદરવા વદ દસમ

આજનો સુવિચાર:- કર્મ અને જ્ઞાનમાં કોઈ સંઘર્ષ-કોઈ વિરોધ નથી. – શ્રી રમણ મહર્ષિ

તુલસી

તુલસી

                                                તુલસીના ગુણો

કૃષ્ણ પ્રિયા તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે.

•    તુલસી, હળદર અને કાંદાની પેસ્ટ મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે.

•    ત્રણ ગ્રામ તુલસીના સુકા પાન અને એક ગ્રામ આદુનો રસ ચા સાથે પીવાથી શરદી ઉધરસમાં ગુણકારી નીવડે છે.

•    એક ગ્રામ સંચલ અને 10 ગ્રામ તુલસીની પેસ્ટ બનાવી પાણી સાથે લેવાથી અજીર્ણમાં ફાયદો કરે છે.

•    અજીર્ણની સાથે પેટમાં દુઃખાવો થાય તો તુલસી અને આદુનો રસ ભેળવી એકે એક ચમચો દિવસમાં ત્રણ વખત હુંફાળુ કરીને લેવાથી તરત ફાયદો થાય છે.

•    પાંચ ગ્રામ તુલસી અને પાંચ ગ્રામ મરી સાથે ચાટી તેની સાથે પુષ્કળ પાણી પીવાથી અજીર્ણમાં રાહત થશે.

•    અવાજ બેસી ગયો હોય તેમજ ગળું ઘસાતું હોય તો તુલસી, કાંદો તથા આદુનો રસ કાઢી મધ સાથે ચાટવાથી ફાયદો થશે.

•    તુલસીનું પાન આંચ પર તપાવી મીઠા સાથે ચાવવાથી બેસેલા અવાજ પર રાહત આપે છે.

•    આંખ પર સોજો આવ્યો હોય તો તુલસીના કાઢામાં થોડી વાટેલી ફટકડી ભેળવી હુંફાળું કરી રૂ ના પૂમડાથી આંખની પાંપણ શેકવી.

•    તુલસીના પાનની ચા બનાવી ગરમ ગરમ પીવાથી અરૂચિ દૂર થાય છે.

•    ઊલટીમાં તુલસીનો રસ પીવાથી અથવા તુલસીના રસમાં મધ ભેળવીને લેવાથી રાહત રહે છે.

                                                                                                                  — સંકલિત

                                                            ૐ નમઃ શિવાય

ભાગવત પ્રશ્નોત્તરી [જવાબ]

                                 આજે ભાદરવા વદ આઠમ

આજનો સુવિચાર:- સાચું કામ પણ સાચો સમય જોયાવગર કરવું વ્યર્થ છે. – આરિક્શા

ભાગવત પ્રશ્નોત્તરી [જવાબ]

1]   હિરણ્યાક્ષની માતાનું નામ શું ?
દિતી

2] હિરણ્યકશિપુની પત્નીનું નામ શું?
કૈયાધુ

3] શિવ+પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ ?
અર્ધનારીશ્વર

4] સમુદ્રમંથન માટે કોની રવઈ અને કોનું દોરડું બનાવાયું?
મંદરાચલ [રવઈ] અને વાસુકી નાગ [દોરડું]

5] શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશકરવા પોતાની જટામાંથી કોને પ્રગટ કર્યા?
વીરભદ્ર

6] વિદ્યાભ્યાસ કરવા શ્રીકૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં ગયા ?
સાંદિપની ઋષિના આશ્રમમાં

7] ભાગવત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?
18,000 શ્લોકો
8] શ્રીરામચન્દ્રજીએ કયા સ્થળે રેતીનું શિવલિંગ બનાવી પૂજા કરી હતી?
રામેશ્વર

9] અમૃત પીવડાવવા ભગવાને લીધેલું સ્વરૂપ?
મોહિની સ્વરૂપ

10] રુક્ષ્મણીજી+શ્રીકૃષ્ણના પુત્રનું નામ?
પ્રદ્યુમ્ન

11] ભગવાન નૃસિંહરૂપે કઈ તિથિએ પ્રગટ થયા હતા?
વૈશાખ સુદ ચૌદસ

12] ભાગવતમાં ચોવીસ ગુરૂ કરનાર શિષ્ય ?
શ્રી દત્તાત્રેય

13] બલરામ-શ્રીકૃષ્ણને બોલાવવા કંસે કોને મોકલ્યા?
અક્રુરજી

14] કોનું માથુ દક્ષ પ્રજાપતિના ધડ પર ચોંટાડવામાં આવ્યુ હતુ?
બકરાનું માથુ

15] કયા મુનિને ત્યાં શુકદેવજી પુત્રરૂપે અવતર્યા હતા?
વ્યાસજી

                                                ૐ નમઃ શિવાય

ભાગવત પ્રશ્નોત્તરી

                                      આજે ભાદરવા વદ સાતમ

 
આજનો સુવિચાર:- મૌન તો પારસમણિ છે, જેને એનો સ્પર્શ થાય છે તે સુવર્ન બની જાય છે.                                                                            -–ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

 

ભાગવત પ્રશ્નોત્તરી

1]    હિરણ્યાક્ષની માતાનું નામ શું ?

2]    હિરણ્યકશિપુની પત્નીનું નામ શું?

3]   શિવ+પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ ?

4]   સમુદ્રમંથન માટે કોની રવઈ અને કોનું દોરડું બનાવાયું?

5]   શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશકરવા પોતાની જટામાંથી કોને પ્રગટ કર્યા?

6]   વિદ્યાભ્યાસ કરવા શ્રીકૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં ગયા ?

7]   ભાગવત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?

8]    શ્રીરામચન્દ્રજીએ કયા સ્થળે રેતીનું શિવલિંગ બનાવી પૂજા કરી હતી?

9]    અમૃત પીવડાવવા ભગવાને લીધેલું સ્વરૂપ?

10]   રુક્ષ્મણીજી+શ્રીકૃષ્ણના પુત્રનું નામ?

11]   ભગવાન નૃસિંહરૂપે કઈ તિથિએ પ્રગટ થયા હતા?

12]   ભાગવતમાં ચોવીસ ગુરૂ કરનાર શિષ્ય ?

13]   બલરામ-શ્રીકૃષ્ણને બોલાવવા કંસે કોને મોકલ્યા?

14]   કોનું માથુ દક્ષ પ્રજાપતિના ધડ પર ચોંટાડવામાં આવ્યુ હતુ?

15]   કયા મુનિને ત્યાં શુકદેવજી પુત્રરૂપે અવતર્યા હતા?

 

                              ૐ નમઃ શિવાય

ફેસિયલ માસ્ક

                                 આજે ભાદરવા વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- જ્ઞાનનું લક્ષ્ય સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે. –લેસિંગ
ફેસિયલ માસ્ક

સ્ટ્રોબેરી માસ્ક

સ્ટ્રોબેરી માસ્ક

ડ્રાય સ્કિન માટે ફેસિયલ માસ્ક

બે કેળાં લો. તેને સારી રીતે સ્મેશ કરી તેમાં એક ચમચો મધ ભેળવી તેને બરાબર મસળો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાડી 10 થી 15 મિનિટ રહેવા દો ત્યારબાદ ચહેરાને ઠંડા પાણી ધોઈ કાઢો.

ઑઈલી સ્કિન માટે ઍપલ-જિંજર ફેસિયલ માસ્ક

એક સફરજન લો. તેને છીણી તેમાં પાંચ ચમચી મધ નાખી બરાબર ભેળવી તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ચહેરા પર લગાડો.10 થી 15 મિનિટ રહેવા દઈ ચહેરો ધોઈ કાઢો.

 

સ્વીટ સ્ટ્રોબેરી સ્ક્રબ માસ્ક

8 સ્ટ્રોબેરી લઈ તેને બરાબર સ્મેશ કરો તેમા ત્રન ચમચી મધ ઉમેરી બ્લેંડરમાં પીસી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાડી 10 મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંદા પાણીથી ધોઈ કાઢો. જુઓ ચહેરો કોવો નીખરી ઉઠે છે.

 

                                               ૐ નમઃ શિવાય