બ્રહ્મચારિણી [નોરતાની રાત]

           આજે નવરાત્રિનો બીજો દિવસ એટલે આસો સુદ બીજ

                   આજે બ્રહ્મચારિણી માતાનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- સત્ય એક જ છે. વિદ્વાન તેને અનેક પ્રકારથી વર્ણવે છે. — ઋગ્વેદ

મા બ્રહ્મચારિણી

મા બ્રહ્મચારિણી

दधाना करपदमाभ्यां अक्षमाला कमडलुम
देवी प्रसीदतु मह्यम ब्रह्मचारिणी अनुत्तमा

   અર્થાત કમલ, અક્ષમાલા અને કમંડલને ધારણ કરનારી સર્વશ્રેષ્ઠ બ્રહ્મચારિણી દેવી મારા પર પ્રસન્ન થાઓ.

        બ્રહ્મ એટલે તપ થાય છે. તપનું આચરણ કરનાર આ દેવી જ્યોતીર્મય છે. હાથમાં કમંડલમાં અમૃતરૂપી જળ રાખ્યું છે. જેનો છંટકાવ શરીરને અમૃતમય કરી દે છે. હાથમાં અક્ષત માળા છે. એટલે કે ફરી જન્મ આપી અને અમૃત સ્વરૂપનું જળ નાખી જીવનમુક્ત કરે છે.

પુરાણોમાં મા બ્રહ્મચારિણીની એવી કથા છે કે દેવાધિદેવ મહાદેવને પ્રાપ્ત કરવા મા પાર્વતીએ કઠિન તપસ્યા કરી. હિમાલયની કડકડતી ઠંડીમાં જળમાં ઊભા રહી તેમણે કઠિન તપ કર્યુ. ચારેબાજુ અગ્નિ પ્રગટાવી વચ્ચે બેસી તેમણે પંચાગ્નિ તપ કર્યું. પ્રાતઃકાળથી સાયંકાળ સુધી સૂર્યની સામે જોઈ રહીને સૂર્યનિવિષ્ટ દ્રષ્ટિ તપ કર્યું. અન્ન, જળ અને છેવટે પર્ણોનો ખોરાક પણ છોડી દઈને તેમણે કઠોર ઉપવાસ કર્યા તેથી તેઓ ‘અપર્ણા’ કહેવાયા. દેવાધિદેવ શિવજીને તેમણે પરબ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત કર્યા તેથી તેઓ બ્રહ્મચારિણી દેવી કહેવાયા.                                                          —સંકલિત

या देवी सर्वरूपेषु मातृरूपेण संस्थीता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

નોરતાની રાત

ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ

કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,શોભે નવલાં નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                     ૐ નમઃ શિવાય