જીવનપંથ પથરાળ

                                    આજે ભાદરવા વદ પાંચમ

આજનો સુવિચાર:- મન, વાણી અને શરીરથી સંપૂર્ણ સંયમમાં રહેવાનું નામ જ બ્રહ્મચર્ય છે.                                                 —- મહાવીર સ્વામી
[અમેરિકા સ્થિત શ્રી. રમેશભાઈ [આકાશદીપ]  પટેલે એમની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

કૈલાસનો પશ્ચિમી ભાગ

કૈલાસનો પશ્ચિમી ભાગ

 

જીવનપંથ પથરાળ

હરિ તમે ,દેજો અમને ઓથ,
વહાલું તારું શરણું ને સંગાથ
સમય આવે,કરજો રે સાવધાન
અમારી અધૂરી ના રહે આશ

ગાડું મારું હાલક ડોલક થાય
હરિ દીઠો , જીવન પંથ પથરાળ
ટમટમ્યા, શ્રધ્ધા દીવડા અણમોલ
માગું હરિ, જીવન ઝગમગ સમતોલ

જીવન મારું, દોડે અધ્ધર તાલ
રાતલડી લાંબી લાગે રે સરકાર
હરિતમે, હંકારો નૈયા મઝધાર
તારા વિણ દીઠો ના આધાર

ના માગું તારલિયાની ભાત
માગું એક ચાંદલિયો સરતાજ
હરિ મારે, પામવો પૂર્ણ પ્રકાશ
ઝાલી હાથ,પહોંચાડજો મંગલ ધામ

હરિ જોઉં, ઉષાની આયખે વાટ
ઉલેચવાં અંધારાં આ અવતાર
હરિ મારે, હૈયે પ્રગટ્યા ભાવ
ફૂલડે વધાવી નમીએ રે કિરતાર
— શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

 

                                   ૐ નમઃ શિવાય

શ્રાદ્ધ

                       આજે ભાદરવા વદ એકમ [શ્રાદ્ધની શરુઆત]

 

આજનો સુવિચાર:- તમે જેટલું ઓછું બોલશો સામેવાળા એટલું જ વધુ ધ્યાનથી સાંભળશે.

માનસરોવરને કિનારે પિતૃતર્પણ

માનસરોવરને કિનારે પિતૃતર્પણ

                                                      શ્રાદ્ધ

       ભાદરવા વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રદ્ધા અને પ્રસન્નતા માટે જે સન્માન અને આદરભાવભરી લાગણી વ્યક્ત કરવામાં આવે તે વૈદિક કર્મને ‘શ્રાદ્ધ’ કહેવાય છે. શ્રાધ એ મૃત્યુ પછીનું સંસ્કાર કર્મ છે. સોળ દિવસની [પૂનમથી અમાસ સુધી] સોલ તિથિઓ પ્રમાણે જાતકો પિતૃઓનું શ્રાદ્ધકર્મ કરતા હોય છે. આમાં પિંડદાન, કાગવાસ, બ્રહ્મભોજન વગેરે કર્મો કરવાના હોય છે.

     મત્સ્યપુરાણ અનુસાર મૃત વ્યક્તિઅ પુનર્જન્મ ધારણ કરીને બીજી યોનિમા હોય છે. વસુ, રુદ્ર, આદિત્ય જેવા પિતૃદેવતા દ્વારા ખાદ્યપદાર્થો મૃતાત્માઓને પહોંચાડાય છે અથવા તે પદાર્થોનું સૂક્ષ્મ વસ્તુઓમાં રૂપાંતર થઈને તે ભિન્ન ભિન્ન યોનિમાં પિતૃઓને પ્રાપ્ત થાય છે.

     સ્કન્ધપુરાણ અનુસાર પિતૃઓ અને દેવ યોનિ એવી છે કે જે હજારો જોજન દૂરથી કરેલી પૂજા ગ્રહણ કરે છે અને સ્તુતિથી સંતુષ્ટ થાય છે. તિકાળજ્ઞાની પિતૃઓ સર્વવ્યાપી હોય છે. તેઓ તર્પણ કરેલું ભોજન સ્થૂળશરીરથી આરોગતા નથી પરંતુ સૂક્ષ્મશરીરથી ગ્રહણ કરી સંતુષ્ટ બની મનુષ્યોને આશીર્વાદ આપે છે.

      શ્રાદ્ધ માટે સૌથી પવિત્ર સ્થલ બિહારમાં આવેલું ગયાતીર્થ કે બુદ્ધગયા છે. માતૃશ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર સ્થળ ફળદાયી ગણાય છે.

ભવિષ્યપુરાણ અનુસાર શ્રાદ્ધના બાર પ્રકારો છે.

1] નિત્ય   [2] નૈમિત્તિક   [3] કામ્પ   [4] વૃદ્ધિ    [5] સપિંડન   [6] પાર્વણ   [7] ગોષ્ટિ   [8] શુદ્ધયર્થ   [9] નાંદી    [10] દૈવિક    [11] યાત્રાર્થ    [12] પુષ્ટયર્થ

           ગરૂડપુરાણમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ કહ્યો છે. મૃતાત્માના ‘પ્રાણસૂત્ર’ને તે ઓળખતો હોવાથી શ્રાદ્ધની તિથિએ કાગવાસ નાખવામાં આવે છે.
                                                                                                               — સંકલિત

                       

                                         ૐ નમઃ શિવાય