શરદ પૂનમની રાત

                      આજે આસો સુદ પૂનમ [શરદ પૂનમ]

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે (આકાશદીપ) એમની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

rasa-dance_s[1] 

પુણ્ય પ્રસાદ

ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ
ઝટઝટ વાળું લીધું આટોપી,દોડ્યૂં ગોકુળ વૃન્દાવન વાટ
વરસી વ્યોમથી અમૃત હેલી, પ્રગટ પ્રભુનો પામવા પ્યાર

શીતળ સમીરના વીંઝણા વાયે, છૂપાયો નટખટ રઢિયાળી રાત
બહાવરાં નૈન શોધે વ્રજનાર,શ્રી હરિ સંગે રમવો છે રાસ
ગામ ઘેલું થઈ પૂછતું વાત,નથી ફોડી મટકી કાનાએ આજ
નથી લૂંટ્યા માખણનાં દાન, બોલો જશોદાજી ક્યાં છૂપાયો કાન

હસતી રાધા કહે શ્યામને,કેમ કરી સૌ સંગ રમશો રાસ?
રુસણાં લેશે ગોપગોપીઓ, કેમ રીઝવશો સૌને શ્યામ?
પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ
લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

રાસ ભક્યિમાં મગન વ્રજવાસી, દીઠો જોડીધર જગદીશ સૌ સંગ
સ્નેહ ભક્તિનો રાસ રચાયો, મન ભરી માધવે છલકાવ્યો રંગ
ગગન ગોખથી નીરખે યોગમાયા, બહુ રુપ ધરી કાનો રમતો રાસ
છોગાળો લાલો લાગે વહાલો, ભગવત કૃપાનો ધરિયો થાળ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                                               ૐ નમઃ શિવાય